એક દિવસ નાનકડી છોકરી પોતાના ઘરમાં અંગ્રેજી પુસ્તકના પાના ફેંદી રહી હતી. તેના પિતાની નજર આ પાના ફેંદતી છોકરી પર પડી. આ જોઈને તેઓને ગુસ્સો આવ્યો અને તેમણે તેના હાથમાંથી પુસ્તક છીનવી, ઘરની બહાર ફેંકતાં કહેતા હતા કે માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ શિક્ષણનો અધિકાર છે. મહિલાઓ, દલિતો તેમજ અસ્પૃશ્યો માટે શિક્ષણ મેળવવું એ પાપ છે, જો તેઓ આ પાપ કરે તો મૃત્યુદંડ સુધીની સજા છે. ત્યારે એ જ ક્ષણે છોકરીએ પ્રતિજ્ઞા લીધી કે તે એક દિવસ ચોક્કસપણે વાંચવાનું શીખશે જ. અને તેની મહેનત રંગ લાવી, પ્રતિજ્ઞા ફળી. તેણીએ માત્ર વાંચવાનું જ નહીં, ઘણી છોકરીઓને શિક્ષિત કરી અને તેમનું ભવિષ્ય ઘડ્યું અને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે પોતાનું નામ સોનેરી અક્ષરોમાં અંકિત કર્યું, એ હતાં સાવિત્રીબાઈ ફુલે. કોઈપણ દેશ અથવા સમાજના વિકાસમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા બાંધે છે. જે દેશ, સમાજ અને ઘરમાં મહિલાઓ ભણેલી હોય છે ત્યાં તેમને નિર્ણય લેવાનો અધિકાર હોય છે. તેની ફળશ્રુતિ નિરંતર વિકાસ રૂપે મળે છે. જ્યાં સ્ત્રીને ઉપભોગની વસ્તુથી વિશ...