ખારો પટ, ખારું પાણી અને સખત તાપ, સાંજે આંધી આવે રણની ખારી રેત શરીરમાં ભરાઈ જાય, ચહેરો ધૂળ ધૂળ થઈ જાય જમવા બેસીએ તો કાંકરીઓ કચડ કચડ થાય એવા વાવ તાલુકાના ગામોનાં લોકો અન્ન પાણી માટે વલખાં મારતાં. જ્યાં પીવાનું જ પૂરતું પાણી ન હોય ત્યાં નાવા ધોવાની તો વાત જ શી કરવી ? લોકોના શરીરનાં વસ્ત્રો ઉપર પાણીના અભાવનાં પરિણામો દેખાઈ જ આવે. આવી કપરી પરિસ્થિતિમાં કુદરતે પડતાને પાટું મારી. કારમો દુષ્કાળ પડ્યો. રણના કાંઠે વસેલું છેવાડાનું ગામ સુઈગામ સૌથી વધુ દુષ્કાળની ઝપેટમાં આવ્યુ હતું. દરબાર, રાજપૂત, બ્રાહ્મણ વાણિયા તથા બીજી વસ્તી ધરાવતું આ ગામ દુષ્કાળના ઓછાયામાં સાવ મ્લાન થઈ ગયું હતું. એક સમય હતો જ્યારે અહીં દરબારોનું રાજ્ય હતું. અનાજનાં ગાડાંની લાઈનો લાગતી. રાજપૂતો તથા કણબીઓ રાજભાગનું અનાજ ઠાલવીને અનાજના ડુંગર કરી દેતા. અંગ્રેજોના સમયમાં અહીં કર ઉઘરાણીનું કાર્યાલય હતું. ગોરા અંગ્રેજ અફસરોના ભવ્ય બંગલાના અવશેષો આજે પણ અડીખમ ઉભા છે. હૃદયકંપી ઉઠે એવી ભયંકર મુશ્કેલીઓમાં સબડતી આ વિસ્તારની પ્રજાની મદદે સ્વામી ...