ખારો પટ, ખારું પાણી અને સખત તાપ, સાંજે આંધી આવે રણની ખારી રેત શરીરમાં ભરાઈ જાય, ચહેરો ધૂળ ધૂળ થઈ જાય જમવા બેસીએ તો કાંકરીઓ કચડ કચડ થાય એવા વાવ તાલુકાના ગામોનાં લોકો અન્ન પાણી માટે વલખાં મારતાં. જ્યાં પીવાનું જ પૂરતું પાણી ન હોય ત્યાં નાવા ધોવાની તો વાત જ શી કરવી ? લોકોના શરીરનાં વસ્ત્રો ઉપર પાણીના અભાવનાં પરિણામો દેખાઈ જ આવે. આવી કપરી પરિસ્થિતિમાં કુદરતે પડતાને પાટું મારી. કારમો દુષ્કાળ પડ્યો. રણના કાંઠે વસેલું છેવાડાનું ગામ સુઈગામ સૌથી વધુ દુષ્કાળની ઝપેટમાં આવ્યુ હતું. દરબાર, રાજપૂત, બ્રાહ્મણ વાણિયા તથા બીજી વસ્તી ધરાવતું આ ગામ દુષ્કાળના ઓછાયામાં સાવ મ્લાન થઈ ગયું હતું. એક સમય હતો જ્યારે અહીં દરબારોનું રાજ્ય હતું. અનાજનાં ગાડાંની લાઈનો લાગતી. રાજપૂતો તથા કણબીઓ રાજભાગનું અનાજ ઠાલવીને અનાજના ડુંગર કરી દેતા. અંગ્રેજોના સમયમાં અહીં કર ઉઘરાણીનું કાર્યાલય હતું. ગોરા અંગ્રેજ અફસરોના ભવ્ય બંગલાના અવશેષો આજે પણ અડીખમ ઉભા છે.
હૃદયકંપી ઉઠે એવી ભયંકર મુશ્કેલીઓમાં સબડતી આ વિસ્તારની પ્રજાની મદદે સ્વામી સચ્ચિદાનંદજી સુઈગામ આવી પહોંચ્યા. તે વખતે સુઇગામના સરપંચ ભાણાભાઈ રાજપૂત. પ્રભાવશાળી વ્યક્તિત્વ, ભરાવદાર શરીર, વિનમ્ર, ઉદાર હૃદયી, લાગણીશીલ હતા. તદ્દન અભણ પણ વહીવટમાં કુશળ. ગામ પ્રત્યે કંઈક કરી છુટવાની તમન્નાવાળો વ્યક્તિ. સ્વામીજીએ આ લોકસેવક ભાણાભાઈના સહયોગથી ગામની હમીર ભારથીની મઢીમાં અન્નક્ષેત્રની શરૂઆત કેટલાંક મેલાંઘેલાં વસ્ત્રોવાળાં રમતાં બાળકોમાંથી એક સાત વર્ષની બાળાના હાથે દીવો પ્રગટાવી આ સેવાકાર્ય શરુ કર્યું હતું. કોઈ નક્ષત્ર કે ચોઘડિયું જોયું નહોતુ. દુષ્કાળનાં માર્યાં માનવ હાડપિંજરોને બોલાવી બોલાવી જાતે પીરસીને જમાડતા કારણ કે તેમને જમવા આવવામાં સંકોચ થતો હતો. 'મને આપો,મને આપો' ની બૂમો સાથે બાળકોને મોટેરાં કરતાં પણ વધુ ખાતાં જોઇને આશ્ચર્ય સાથે ભાણાભાઈને પુછ્યું કે, આ બધાનો કેમ આટલો બધો ખોરાક ? તો જવાબ હતો કે, 'આ લોકોએ કેટલાય દિવસથી પેટ ભરીને ખાધું નથી, એટલે આવું થાય છે. થોડા દિવસમાં મૂળ ખોરાકે આવી જશે.' ભૂખથી મોટું કોઈ દુઃખ નથી. પરમાત્મા કોઈને ભૂખમરાના દિવસો ન બતાવે. હજારો યજ્ઞો અને સપ્તાહો કરતાં આ યજ્ઞ મોટો હતો. રાહત કેન્દ્ર શરૂ કર્યાને ત્રણ-ચાર દિવસ થયા ત્યાં પડકારરૂપ અત્યંત ગંભીર પ્રશ્ન આવીને ઊભો રહ્યો. ૧૯૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણા લશ્કરે થરપારકર જિલ્લાને જીતી લીધો હતો. તત્કાલિન રક્ષામંત્રી બાબુ જગજીવનરામની જાહેરાતથી સૌ નિશ્ચિંત તો હતાં જ કે હવે આ પ્રદેશ ભારતનો જ છે, પણ રાજકારણ તો રાજકારણ. સિમલા કરાર થયો તે પ્રમાણે બધો પ્રદેશ પાકિસ્તાનને પાછો આપવાનો થયો.! હવે શું થાય ? થરપારકરના લોકોએ અત્યાચાર સહન કરવા ન પડે એટલે પોતાની માતૃભૂમિમાં નાછૂટકે રોતા હૃદયે નિરાશ્રિત થવું પસંદ કર્યું. આવા નિરાશ્રિતો માટે અઢાર કેમ્પ ખોલી થરપારકરના પાંચ હજાર માણસોને પોતાના પશુઓ સાથે આશરો આપ્યો તેમાં સૌથી વિકટ પ્રશ્ન ઉભો થયો રોગચાળા અને લાકડાંનો. સુઈગામ રણના કાંઠે આવેલું હોવાથી બળતણની તંગી હતી. તેમાં પાંચ હજાર માણસોએ તંગી વધારી દીધી. આવી પરિસ્થિતિમાં નિરાશ્રિતોને ટીબીનો રોગ ફેલાઈ ગયેલો એટલે રોજ પાંચ-દસ માણસો મરે. મડદાને બાળવા માટે લાકડાં ખુટી પડ્યાં હતાં. ઝુંપડાંમાં ખીચોખીચ ભરેલાં લોકોમાં ચેપી રોગ પાર વગરનો ફેલાઈ ગયો. કેમ્પમાં ટીબી, દમ વગેરે રોગો ફેલાવવાનું કારણ અપૂરતો તથા પોષણહીન ખોરાક, વ્યસન, સંપર્ક, રોગ પ્રત્યે ઉપેક્ષા વગેરે હતું. અન્નક્ષેત્ર કરતાં પણ વધારે જરુર દવાખાનાની હોવાથી વિસનગરના ડૉ. પ્રભુદાસ પટેલ તથા ઊંઝાના ડૉ. અમૃતલાલ પટેલને પત્ર લખી તાબડતોબ જરૂરી દવાઓ અને સાધનો લઈને આવી જવા આગ્રહ કરતાં તેઓ સુઈગામ આવી પહોંચ્યા. હમીરભારથીની મઢીમાં જગ્યાનો અભાવ એટલે કંતાન બાંધીને બનાવેલા અન્નક્ષેત્રની બાજુના ખાંચામાં દવાખાનું બનાવ્યું. શરૂઆતમાં સ્વામીજી પોતે જ કેસ કાઢતા પણ દવાખાનામાં એટલી ભીડ થવા લાગી હતી કે બંને ડૉકટર તપાસવા તથા દવાઓ આપવામાં રોકાઈ રહેતા એટલે સ્વામીજીએ ઇંજેક્શન આપવાનું શીખી લીધું. પ્રતિદિન સો બસો જેટલા ટીબીના ઈંન્જેક્શનો આપતા. વીસ-વીસ કિ.મી.થી ગાડાં જોડીને દર્દીઓ આવતાં. રોગ પ્રત્યે અજ્ઞાન, ઉપેક્ષાને કારણે છેલ્લી ઘડી સુધી ઉપચાર ન કર્યો હોય, ઉપચાર ન કરવામાં સગવડનો અભાવ તથા દરિદ્રતા પણ ખરી એટલે દવાખાનાનો એક પૈસો પણ ચાર્જ નહીં..!! જમવું હોય એને જમવાની પણ છૂટ..!! અનુભવી ડૉક્ટરોની સેવાથી નિરાશ્રિત કેમ્પની સ્થિતિ ઘણી સુધરી હતી. સમય સમય પર ડૉક્ટરો બદલતા રહ્યા. અનેક ડૉક્ટરો એ ખુબ જ સારી સેવા આપી હતી. બધાનો સહયોગ કદી ન ભૂલાય તેવો હતો. સ્વામીજી લખે છે કે, 'આત્માની અમરતાના હજારો પ્રવચનો ઉપરના ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેર જેવા દેવોને તૃપ્ત કરવા આપેલી હજારો આહુતિઓ કરતાં ભૂખ્યાને અન્ન અને રોગીઓને દવા આપવાનું કાર્ય કરોડો યજ્ઞ કરતા શ્રેષ્ઠ હતું.' બાપ કરતાં બેટો સવાયો કહેવત પ્રમાણે આજે પણ પ્રજાસેવક ભાણાભાઈ રાજપુતના પુત્રો નાતજાત ભૂલીને દીન દુખિયાંની સેવા કરવામાં પિતા કરતાં આગળ છે. સુઈગામની રાહતકાર્યની પ્રવૃત્તિને અવાર-નવાર સમાચારમાં સ્થાન મળતું હોવાથી તથા સ્વામીના વ્યક્તિગત પરિચયના કારણે દાનનો અખૂટ પ્રવાહ આવતો. નાના મોટા ગામોમાં તેઓ કથા-પ્રવચન કરતા તે ગામોમાંથી કદી પણ ફંડફાળો કરેલો નહીં. સહજ રીતે જે કંઈ પ્રાપ્ત થયેલું તે પણ મોટાભાગે તે જ ગામમાં તેને તે જ સમયે ગરીબો માટે વાપરી નાખતા એટલે એ ગામોમાં તેમની ખૂબ પ્રતિષ્ઠા હતી. જેવું લોકોએ સાંભળ્યું કે સેવાકાર્ય શરૂ કર્યું છે તો સ્વયંભૂ રીતે અનાજ, વસ્ત્ર અને પૈસા મોક્લ્યા હતા. પૈસાના બેલેન્સ કરતાં પણ પ્રતિષ્ઠાનું બેલેન્સ ઘણું મોટું કામ કરે છે તેની પ્રતીતિ એ વખતે સ્વામીજીને થઈ હશે. અન્નક્ષેત્ર ધમધોકાર ચાલતું પણ તેમાં કાંઇ બધા જ માણસો જમવા ન આવી શકે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ ખરો. દૂરદૂરના ગામોમાં રહેનારી પ્રજા પણ એટલે ભાણાભાઈએ સર્વે કરી પંચાવન ગામના લોકોને સાડા પાંચ હજાર કાર્ડ આપ્યાં હતાં. દુષ્કાળમાં સૌથી વધુ માઠી અસર ઓઝલ પડદો પાળનારી પ્રજા ઉપર પડી હતી. આ લોકો રાજ વહીવટમાં ભાગીદાર હતા પણ એ વખતે સૌથી ગરીબ અને અત્યંત પીડા ભોગવતી આ પ્રજાનું ખમીર ઘણું મોટું હતું. તેઓ કાર્ડ લેવાનું ઘસીને ના પાડી કહેતા કે, 'અમારે ધર્માદાનું નથી ખાવું.' આવી ખમીરવંતી પ્રજા માટે બે પ્રકારનાં કાર્ડ રાખેલાં : અડધા ભાવે અનાજ મળે તેવું અને ગરીબ માટે તદ્દન મફત. આઠ મહિના લગભગ ૪૦ હજાર મણ અનાજ વહેંચ્યું હતું. પ્રથમ વરસાદ પડ્યો એટલે સેવા કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય કર્યો. ‘ અત્યાર સુધી તો સરકારે ચોકડીઓ ખોદાવીને રોજી આપી હવે એ બંધ થશે. વરસાદ તો પડ્યો પણ અનાજ તો દિવાળીએ આવશે. ત્યાં સુધી ત્રણ ચાર મહિના કાઢવા કેવી રીતે ? વસ્તી બમણા આપવાની શરતે બીજવારો લાવશે અને છાતી સમી બાજરી થશે કે ઉભા પાક સાથે ખેતર ગીરો મૂકી દેશે. નાણાભીડમાં શું કરે ? જે ખેતરમાં પચાસ મણ બાજરી થાય તેવી હશે તે પાંચ સો રૂપિયામાં ગીરો મૂકી દેશે. લેનાર શાહુકાર માત્ર પાંચ સો રૂપિયામાં ૫ચાસ મણ બાજરી અને પૂળા લઈ જશે. ખેડૂત હતો તેવોને તેવો દેવાદાર રહી જશે એટલે કેન્દ્ર બંધ ન કરો. અમને દિવાળી દેખાડો અનાજ ઘરમાં આવવા દો.’ પ્રજાહિતેચ્છુ ભાણાભાઈની આવી રજુઆત બાદ કેન્દ્ર ચાલુ રાખ્યું હતું. આઠ મહિના હમીર ભારથીની જગ્યામાં રહ્યા તે માટે કંઇક કરવાની ભાવના સાથે ભાણાભાઈ પાસેથી જાણ્યું કે હમીર બાવાની જમીન એક દલિત પાસે ૨૫ વર્ષથી ગીરો છે. સ્વામીજીએ એ દલિત ભાઈને બોલાવ્યો. દલિત હોવાને કારણે તે હમીર ભારથીની મઢી બહાર ઊભો રહ્યો. ગામમાં રાજપૂતોનો મોટો પ્રભાવ હોવાથી દલિત ભાઈઓ પ્રવેશ કરતાં ડરે, પણ સૌને સમજાવીને દલિતોને અંદર આવતા કર્યા હતા. સૌને દેખતાં સ્વામીજી તેમને અડતા, તેમના બાળકોના માથા ઉપર હાથ ફેરવતા. લોકો કહેતા અરેરે.. અભડાઈ જ્યા. પણ કોઈ કંઈ બોલી શકતું નહોતું. માત્ર અન્ન વિતરણ જ નહોતા કરતા સાથે-સાથે સમાજ સુધારણાનું કામ પણ કરતા. આ પંથકમાં અસ્પૃશ્યતા દૂર કરવા તેમનો મહત્તમ ફાળો રહ્યો છે. દલિત ભાઈએ કહ્યું કે ૩૫૦રૂ.માં બાર બઉંટાવા જમીન તેની પાસે છે. સ્વામીએ સાડા ત્રણસો જમીનના આપ્યા. દલિત ભાઈએ દસ્તાવેજ સોંપીને બાપુની ના છતાં પચાસ રૂપિયા પગે મૂકી હાથ જોડી કહ્યું કે, ના બાપુ મારે કંઈક તો પગે મૂકવું જોઈએ ને. !! આવા ઉદારદિલના માણસો હતા આ વિસ્તારમાં. પછીના વર્ષે વરસાદ ખૂબ સારો થયો, વર્ષ સારું આવ્યું. તેનું શ્રેય સ્વામીજીને મળ્યું. લોકો તેમને હમીર બાવાનો અવતાર છે એમ માનવા લાગી હતી. પ્રજાને સારી સ્થિતિમાં મૂકીને વિદાયની ગણતરીએ આખુ ગામ ભેગું કરી કહ્યું કે ત્રીસ હજારનો લોકફાળો કરો હાઈસ્કુલ બનાવવી છે. લોકો રાજી થયા, પણ ત્રીસ હજાર ભેગા કરવાનું સાંભળીને સૌ નિરાશ થઇ ગયા. ભાણાભાઈએ પોતાની વાત મુકતાં કહ્યું કે,બાપુ અમે દસ વર્ષ પહેલાં શાળા માટે ફાળો એકઠો કર્યો હતો, માંડ સાડા ત્રણસો રૂપિયા થયા હતા એટલે અમારાથી તો આટલા ભેગા થઈ શકે નહીં. સ્વામીએ કહ્યું કે, રૂપિયા ન થાય તો એક હજાર મણ બાજરી કરો. જવાબ મળ્યો કે એ તો એકનું એક જ થયું ને..!! સ્વામીએ હાઈસ્કુલની વાત મૂકી વિદાય લીધી. થોડા દિવસોમાં ગ્રામજનોએ દંતાલી આશ્રમમાં તારા કર્યો કે ૧૨૫૦ મણ બાજરી થઈ ગઈ છે. ધાર્યા કરતાં પણ વધારે થયું એનો બધાને આનંદ હતો. દસમા દિવસે સ્વામીજી સુઈગામ આવ્યા ત્યારે બાજરીનો આંકડો ચાર હજાર મણે પહોંચી ગયો હતો. ત્રીસ હજાર રુપિયા જોઈતા હતા પણ સવા લાખ થયા. ૧૯૭૪માં મહર્ષિ કણાદ ગુરુકુળ નામની હાઇસ્કૂલ શરૂ કરી. આજે 'સ્વામી સચ્ચિદાનંદ સંકુલ' સરહદી વિસ્તારમાં શિક્ષણની સુવાસ ફેલાવી રહ્યું છે.
બનાસકાંઠાના પશ્ચિમ ભાગમાં રણકાંઠો હોવાથી વારંવાર દુષ્કાળ પડતો. પાંચ વર્ષમાં ત્રણ વર્ષ તો દુષ્કાળના જ હોય પણ જ્યારે વર્ષ સારું હોય ત્યારે અનાજનો ઢગલો થઈ જાય. વસ્તી અભણ, ભોળી અને ઓછી ગતાગમ વાળી એટલે વર્ષ સારું આવે ત્યારે બે પાંચ તોલા સોનાના દાગીના બનાવતા અને જ્યારે વર્ષ ખરાબ હોય ત્યારે એ જ દાગીના ગીરવે મૂકીને કામ ચલાવતા. ધીરધાર આ ભોળા માણસોને લૂંટી લેતા. અડધાથી પણ ઓછી કિંમતે દાગીનો રાખી ઉપર પઠાણી વ્યાજ ચડાવતા. દાગીના છોડાવી શકતા નહીં, અંતે તે વેપારીના થઈ જતા. આમ કોઇના માટે દુષ્કાળ એ કોઈના માટે સુકાળ બની જતો.
સ્વામી સચ્ચિદાનંદે લખ્યું છે કે, 'હિમાલયની એકાદ ગુફામાં બેસીને મેં મારા દિવસો પસાર કર્યા હોત તો લોકો મને મહાન યોગી સમજી દર્શન માટે દોડી આવત પણ જનતા વચ્ચે રહીને જનતાના પ્રશ્નોમાં રસ લઈને તકલીફો વેઠીને કેટલાકની દ્રષ્ટિએ અળખો થઈને પણ જે કાર્ય થઈ શક્યું તે હિમાલયની સાધના કરતા પણ ચઢિયાતું હતું તેનો મને સંતોષ તથા પ્રતીતિ છે.'
નડાબેટ ખાતે આવેલ મા નડેશ્વરી પ્રત્યે સ્વામીજી અતિ આસ્થા ધરાવે છે, તેઓ અવારનવાર અહીં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે, પણ ચૈત્ર સુદ નોમના દિવસે અચૂક હાજરી આપે છે. ભારતીય લશ્કર આસ્થાના પ્રતિકરૂપે માતાજીનું પૂજ- અર્ચન કરે છે. આ મંદિર ભારતનું એકમાત્ર એવું મંદિર હશે જે દોરા-ધાગા, ભુવા વગેરેથી મુક્ત છે. અન્નક્ષેત્ર, દવાખાના, શિક્ષણ જેવી સગવડ અને અંધશ્રદ્ધા તેમજ અસ્પૃશ્યતા નિવારણ જેવાં માનવતાનાં કરેલ કાર્ય માટે આખો વાવ પંથક એમનો ઋણી રહેશે. પંથક વતી ચરણોમાં વંદનસહ ક્રાંતિકારી વિચારવંતા સંત સ્વામી સચ્ચિદાનંદજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સંદર્ભ :- 'મારા અનુભવો' ના આધારે દૈનિક સમાચાર પત્રમાં આવેલ મારા લેખમાંથી સાભાર 👇🏻
Comments
Post a Comment