Skip to main content

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ


            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.

            ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર નવસ્ત્રા બનાવે, પછી તેના હાથ ત્રિકોણાકાર ઉંચી ઘોડી સાથે બાંધે અને બે પગ પહોળા રાખી ઘોડીના પાયા સાથે બાંધે. પછી મીઠાના પાણીમાં બોળેલી નેતરની સોટી ફટકા મારવામાં આવે. ચામડી ચિરાઈ જાય, લોહીની શેડો ઉડે, માંસના લોચા બહાર નીકળી પડે અને બે – ચાર ફટકા વાગતાં માણસ બેભાન બની જાય, એટલે ડૉકટર તેને દવા આપી ભાનમાં લાવે. ચાબુકના ફટકાની આવી ભયંકર સજા ભોગવનાર કિશોર એટલે ચંદ્રશેખર તિવારી. જેમને આપણે સૌ નીડર આઝાદ તરીકે ઓળખીએ છીએ. ૨૩મી જુલાઈ ૧૯૦૬ના રોજ જન્મેલા ચંદ્રશેખર આઝાદનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં નામ અમીટ છે. આવું નીડર, સ્વયંસ્ફુરિત અને નિષ્કલંક પાત્ર ઇતિહાસમાં જવલ્લેજ જોવા મળતું હોય છે.
                ઈ.સ.૧૯૨૨માં ગાંધીજી દ્વારા અસહકાર ચળવળ અચાનક બંધ થવાને કારણે તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના સક્રિય સભ્ય બન્યા. આ સંગઠન દ્વારા રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં તેમણે સૌથી પહેલાં ૯મી ઓગસ્ટ ૧૯૨૫ના રોજ કાકોરી ઘટનાને અંજામ આપ્યો અને ભાગી છૂટ્યા. આ પછી ૧૯૨૭માં બિસ્મિલ સાથે ચાર અગ્રણી સાથીઓના બલિદાન પછી તેમણે ઉત્તર ભારતના તમામ ક્રાંતિકારી પક્ષોને એક કર્યા અને હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન એસોસિએશનની રચના કરી ભગતસિંહ સાથે મળી સોન્ડર્સની હત્યા કરી.
               કાકોરીકાંડના ક્રાંતિકારીઓમાંથી કેટલાકને ફાંસીની સજા થઈ તો કેટલાકને કારાવાસની ચંદ્રશેખર એકલા અતુલા પડી ગયા પણ એ નિરાશ ન થયા. ભગતસિંહ સાથે મળીને નવું દળ ઊભું કર્યું. સરકાર એમને શોધતી ફરતી હોવા છતાં તેમણે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળીને સોન્ડર્સને ઠાર કરવામાં ભાગ લીધા પછી ત્રણેય જણા નાસી છૂટ્યા સરકાર ફરી એમને શોધવામાં નિષ્ફળ રહી. જયારે ભગતસિંહે એસેમ્બલીમાં બોમ્બ ધડાકો કર્યો ત્યારે એમણે સામે ચાલીને ધરપકડ વહોરી લીધી. ચંદ્રશેખર હવે સાવ એકલા પડી ગયા. નાણાંની જરૂર ઊભી થતાં એક દિવસ પોતે જેને ત્યાં થાપણ મૂકી હતી તે શેઠને ત્યાં રૂપિયા લેવા ગયા. શેઠે તેમને બીજે દિવસે આલ્ફ્રેડ પાર્કમાં મળવાનું કહ્યું. દેશદ્રોહી શેઠે બીજે દિવસે રૂપિયા લઈને જવાને બદલે પોલીસને મોકલી. બદલામાં ઇનામ મેળવ્યું. આલ્ફ્રેડ પાર્કમાં ૨૭મી ફેબ્રુઆરી ૧૯૩૧ના દિવસે પોલીસ અધિકારીઓએ ચંદ્રશેખરને ઘેરી લીધા અને સામસામે ગોળી ચલાવી દીધી. ગોળી ચંદ્રશેખરને જાંઘમાં ગોળી લાગી. તેઓ ઘસડાતા ઘસડાતા એક વૃક્ષના થડ પાછળ ગયા અને પોતાને ગોળી મારનાર અધિકારીના કાંડાને લક્ષ્ય બનાવીને ગોળી છોડી અને કાંડુ તોડી નાખ્યું. બીજા એક પોલીસ અધિકારીનું પણ જડબુ તોડી નાખ્યું. લાંબા સમય સુધી ગોળીઓ ચાલતી રહી જ્યારે મેગઝીનમાં એક જ ગોળી રહી ગઈ ત્યારે ચંદ્રશેખરે વિચાર્યું કે જો હું જીવતો પકડાઈશ તો મને ક્રુર યાતના દેશે તથા ઘણી વાતો ઓકાવશે તેના કરતાં તો સ્વયં જ શહીદ થઈ જવું સારું. તેમણે પિસ્તોલને પોતાના લમણા પર ધરી અને ઇન્કલાબ જિંદાબાદનો બુલંદ નારો બોલીને ઘોડો દબાવી દીધો. ચંદ્રશેખર સ્વમાનપૂર્વક ઢળી પડ્યા પોલીસ તેમને જીવતા પકડી ન શકી તેથી તેઓ આઝાદ કહેવાયા. આઝાદ જીવનના છેલ્લા શ્વાસ સુધી આઝાદ રહ્યા હતા.
              ચંદ્રશેખરે એકવાર કહેલું કે, "કાયરો ભલે અન્યાયનો પ્રતિકાર ન કરી શકે પણ તે પણ કોઈ પરાક્રમી તો શોધતો જ હોય છે. કોઈ ન મળે તો ઇશ્વરના અવતારની રાહ જુએ છે. આવી રાહ જોવડાવનારા ધર્મગુરુ, કથાવાચકો પેલાની કાયરતાને ભક્તિના રંગે રંગી દેતા હોય છે. ભક્તિ અને કાયરતાને એક રંગે રંગી દેવાથી ભગતડાં પેદા થતા હોય છે, જે દેશના વિનાશ માટે ઘાતક છે." એમની સંગઠન શક્તિ અદ્વિતીય હતી. એમની સાહસિકતા સૌના હૈયે ઘર કરી ગયેલી. અંગ્રેજ સરકારની આંખ ખોલવા ક્રાંતિકારીઓએ સરકારી ખજાનાની લૂંટ પણ ઉપાડી હતી. આમ, ચંદ્રશેખર અગ્રેસર હતા. તેમણે વીરતાથી કાર્ય કર્યું હતું. અંગ્રેજોએ એમના નામનું વોરંટ કાઢ્યું હતું પણ પોલીસ એમને કોઈ કાળે પકડી શકતી નહોતી. નામ બદલીને પણ તેમણે ક્રાંતિદળના સૈનિકોને શસ્ત્રોની તાલીમ આપવાનું ભગીરથ કામ કર્યું હતું. આમ, અમર શહીદ વીર ચંદ્રશેખર આઝાદની વીરતાની ગાથા સદીઓ સુધી ગાવાશે.

સંદર્ભ : સમાચાર પત્રના લેખમાંથી સાભાર...👇🏻


Comments

Post a Comment

Read more

આઝાદીની શિખામણ : એકતાથી મળેલી સ્વતંત્રતા, જવાબદારીથી ટકતી લોકશાહી

              ભારતની આઝાદી એ કોઈ એક નેતા, એક પ્રદેશ કે એક સમાજની જીત નહોતી પણ તે સમગ્ર ભારતની સામૂહિક ચેતનાનો વિજય હતો. આઝાદીની આ લડત વિદેશી શાસન સામેનો વિરોધ કરતાં  તો તે માનવીના સ્વાભિમાન, અધિકાર, ન્યાય અને આત્મસન્માનનો મહાસંગ્રામ હતો. જ્યારે દેશ પરાધીન હતો, ત્યારે ભાષા, જાતિ, પ્રાંત, ધર્મ અને વિચારધારાના અનેક ભેદો હોવા છતાં ભારતીયોએ એક જ ધ્યેયને સર્વોપરી માન્યો "સ્વતંત્ર ભારત".              અંગ્રેજ શાસન રાજકીય સત્તા આગળ જઈને આર્થિક શોષણ, રાજકીય દમન અને માનસિક ગુલામીનું પ્રતીક બની ગયું હતું. ભારતની સંપત્તિનો મોટા પ્રમાણમાં ઉપયોગ ગોરા સામ્રાજ્યના હિત માટે થતો હતો. ખેડૂતો પર ભારે કર, સ્થાનિક ઉદ્યોગોના પતન, અભિવ્યક્તિ પર નિયંત્રણ અને વિરોધના દમન જેવી અનેક નીતિઓએ સામાન્ય જનજીવનને અસર કરતી હતી. આ પરિસ્થિતિ સામે ભારતીયોએ સત્યાગ્રહ, અસહકાર, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને લોકજાગૃતિ જેવા અનેક માર્ગોથી સંઘર્ષ કર્યો. અસંખ્ય લોકોએ જેલવાસ ભોગવ્યો, મિલકતો ગુમાવી અને ઘણા લોકોએ પોતાના પ્રાણ પણ દેશના ચરણોમાં અર્પણ કર્યા. આ સંઘર્ષની...

ગુજરાતની આશાનું કિરણ અને નખશીખ પ્રામાણિક રહેલો એકમાત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

         "હું સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, પણ સત્તાથી ઘણા લોકોના જીવનને બદલી શકાય છે એ મુખ્ય વિચાર મને રાજકારણમાં લાવ્યો છે. મારામાં નવ્વાણું ટકા ક્રાંતિકારી અને એક ટકા જ નેતાનો ગુણ છે " આ શબ્દો છે ગુજરાતના યુવા અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના. પાંચ વર્ષના ધારાસભ્ય કાળમાં ગુજરાતવાસીઓને જ્યાં પણ અન્યાય થયો ત્યાં પડખે ઉભા રહ્યા અને વિધાનસભામાં ગર્જનાઓ પણ કરી છે.       ૨૦૧૭માં અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા જીજ્ઞેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં કરેલ કાર્યોની સાથે સાથે નખશીખ પ્રમાણિક રાજનેતા તરીકે લોકોમાનસ પર અમીટ છાપ છોડી છે. કહેવાય છે કે વડગામ એક સમયે બહુ જ સમૃદ્ધ પ્રદેશ હતો. જ્યાં શેરડીનો પાક મબલખ પ્રમાણમાં પાકતો હતો. ધીમે ધીમે આ વિસ્તારમાં પાણીનું તળ નીચું જતું ગયું અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ હતી કે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી છલકાય. જેથી ફરી આ વિસ્તાર સમૃદ્ધિથી ફુલેફાલે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડગામવાસીઓ સિંચાઈના પાણીનો મુદ્દો ઉમેદવારો સામે રજૂ કરે પણ જીત્યા પછી જૈસે થે. ૨૦૧૭...