Skip to main content

ગુજરાતની આશાનું કિરણ અને નખશીખ પ્રામાણિક રહેલો એકમાત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

         "હું સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, પણ સત્તાથી ઘણા લોકોના જીવનને બદલી શકાય છે એ મુખ્ય વિચાર મને રાજકારણમાં લાવ્યો છે. મારામાં નવ્વાણું ટકા ક્રાંતિકારી અને એક ટકા જ નેતાનો ગુણ છે " આ શબ્દો છે ગુજરાતના યુવા અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના. પાંચ વર્ષના ધારાસભ્ય કાળમાં ગુજરાતવાસીઓને જ્યાં પણ અન્યાય થયો ત્યાં પડખે ઉભા રહ્યા અને વિધાનસભામાં ગર્જનાઓ પણ કરી છે. 
     ૨૦૧૭માં અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા જીજ્ઞેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં કરેલ કાર્યોની સાથે સાથે નખશીખ પ્રમાણિક રાજનેતા તરીકે લોકોમાનસ પર અમીટ છાપ છોડી છે. કહેવાય છે કે વડગામ એક સમયે બહુ જ સમૃદ્ધ પ્રદેશ હતો. જ્યાં શેરડીનો પાક મબલખ પ્રમાણમાં પાકતો હતો. ધીમે ધીમે આ વિસ્તારમાં પાણીનું તળ નીચું જતું ગયું અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ હતી કે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી છલકાય. જેથી ફરી આ વિસ્તાર સમૃદ્ધિથી ફુલેફાલે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડગામવાસીઓ સિંચાઈના પાણીનો મુદ્દો ઉમેદવારો સામે રજૂ કરે પણ જીત્યા પછી જૈસે થે. ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં વડગામથી જીજ્ઞેશ મેવાણીએ અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું. તેમણે સફાઈકર્મીઓનાં હિતોથી લઈ જમીન બથાવીને બેઠેલા અસામાજિક તત્વો વિરુદ્ધ મોરચે પડ્યા અને ઉનાકાંડની ઘટના બાદ દલિત સમાજનો એક બુલંદ આવાજ બનીને ઉભરી આવ્યા હતા. ત્યારથી એક સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે ઓળખ ઉભી કરી હતી. એનજીઓ, સામાજિક સંગઠનો લેક્ચર માટે બોલાવતા હતા. ઘણી ડિબેટોમાં ભાગ પણ લેતા હતા એટલે લોકોને આશા બંધાઈ કે આ સામાજિક ક્રાંતિકારી યુવાન કંઈક નવી ક્રાંતિ લાવશે જ..! સૌએ સમર્થન આપતાં એમના આશીર્વાદથી જીત્યા પણ ખરા. વચન પાલનના આગ્રહી જીજ્ઞેશ મેવાણીએ વડગામની મુખ્ય માંગ કર્માવત તળાવ અને મુકતેશ્વરમાં પાણી છોડવામાં આવે એવી રજૂઆતો સરકારને કરી. સરકારે નજરઅંદાજ કરતાં સરકાર સામે જંગે ચડ્યા. ધારણાં કર્યાં, વિધાનસભા ગજવી, ૮૦ થી ૯૦ ગામમાં જનજાગૃતિનું કાર્ય કર્યું. લોકોને અપીલ કરી કે પાણી માટે મોરચો માંડ્યો છે એ બુલંદ કરવા આપ સૌ આવો સરકારને ઘેરો, રસ્તા પર ઉતરો, ચક્કાજામ કરો. આવા પ્રયાસોથી સરકાર દબાવમાં આવી. જીજ્ઞેશ મેવાણી કહે છે કે "મારા એકલાથી નહીં, ૧૫ થી ૨૦ હજાર ખેડૂતો સાથે મળી ગર્જયા હતા એના કારણે આજે વડગામમાં ૧૯૦ કરોડનો નર્મદાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. આવનાર સમયમાં કર્માવત તળાવ અને મુક્તેશ્વર સિવાય બે ડઝનથી વધુ તળાવ ભરવામાં આવશે."
          કોરોના મહામારી વખતે આખું ભારત ઓક્સિજનના એક એક ટીંપા માટે તડપી રહ્યું હતું. ગુજરાતની સ્થિતિ કાબુ બહાર હતી અને વડગામ વિસ્તાર પણ બાકાત નહતો..!! ગુજરાત સરકાર કોરોનાની વણસેલી સ્થિતિને કાબુ કરવામાં સદંતર નિષ્ફળ ગઈ હતી ત્યારે ઓક્સિજનની તંગીને પહોંચી વળવા લોકો પાસે આર્થિક મદદ માંગી કેમ કે ધારાસભ્યની ગ્રાન્ટ વાપરવી અમુક કાર્ય માટે સીમિત હોય છે એમાંથી ઓક્સિજન પ્લાન્ટ બને નહીં..!! એટલે ભરઉનાળામાં, બળબળતા તાપે, પારો ઉકળીને બહાર નીકળી જાય એવી ગરમીમાં પ્રજાહિતેચ્છુ, સાચો પ્રજાસેવક લોકફાળો ઉઘરાવવા માટે હાથમાં ડબ્બો લઈને રોડ પર ઉતર્યો.

મનમાં નક્કી કરી દીધું હતું કે ગમે તે થાય ઓક્સિજન પ્લાન્ટ બનાવીશ, પણ સરકારને ગમ્યું નહીં અને જે ટ્રસ્ટથી લોકફાળો ભેગો કર્યો એને ખોટા કેસમાં ફસાવી દીધું, કિન્નાખોરી અને દ્વેષભાવી સરકારની મંછા પણ એવી હતી કે સરકારનો પ્લાન્ટ બને એ પહેલા અપક્ષ ધારાસભ્યનો પ્લાન્ટ બની ગયો તો નાલેશી થશે એટલે ખોટી ફરિયાદ કરી ઓક્સિજન પ્લાન્ટના પ્રોજેક્ટને બ્લોક કરાવી દીધો. એક તરફ કોરોનામાં ઓક્સિજન વગર તડપતાં માનવીઓ અને બીજી તરફ ખોટા કેસમાં હેરાનગતિ. પણ તોય લોકોના સ્વાસ્થ્યની ચિંતા હોવાથી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા. કોર્ટ આગળ લોકોના આરોગ્ય માટે આજીજી કરતાં કહ્યું કે, "પરિસ્થિતિ ગંભીર છે, અતિ વિકટ છે. લોકો ટપાટપ મરી રહ્યાં છે તો ધારાસભ્યને મળતી ગ્રાન્ટમાંથી આ વર્ષમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવા મને અનુમતિ આપો." હાઇકોર્ટને આજીજી યોગ્ય લાગી અને આદેશ કર્યો કે હવે તો બધા જ ધારાસભ્યએ રૂ.૫૦ લાખ કોરોના પાછળ ખર્ચ કરવો. આમ, વડગામ મત વિસ્તારમાં ગુજરાતનો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ તો બનાવ્યો પણ વધારાના ૯૦ કરોડ કોરોનાની સ્થિતિને પહોંચી વળવા પ્રજાહિત માટે મંજુર કરાવ્યા..!! જીજ્ઞેશ મેવાણી પાંચ વર્ષની પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ ઓક્સિજન પ્લાન્ટ અને પાણી આંદોલન માને છે.
          ૧૯૫૨માં મુંબઈ પ્રેસિડેન્સીમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર બંને એક જ રાજય બન્યું ત્યારે પટેલ સમાજને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૨ લાખ એકર જમીન એટલે કે લગભગ ૨૫ લાખ વીઘા જમીન આપી. તેઓએ જમીનથી સમૃદ્ધ થઈ બીજી જમીન ખરીદી, ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, રીયલ એસ્ટેટ, રાજકીય મજબૂત થયા. પચાસ જાતના બિઝનેસ કર્યા, અમેરિકા ગયા ત્યાં હોટલો બનાવી સિલિકોન વેલી ઊભું કર્યું. પણ દલિત,આદિવાસી અને પછાતોને જમીન આપી એમાં દલિતોને ફક્ત કાગળ ઉપર જ ફાળવી. તેઓને ન મળ્યો ભોગવટો કે ન મળ્યો હક્ક. દબંગોના કબજામાં રહેલી જમીનનો ગરીબ લોકોને ભોગવટો અને હક્ક મળે તો એ પણ મજબૂત બને, સમૃદ્ધ થાય તેમજ પરિવારનું ગુજરાન ચાલે એવી માંગણીથી જીજ્ઞેશ મેવાણીએ લડત લડી આજ સુધી લગભગ ચારસો કરોડથી વધુ કિંમતની જમીન જે દલિતોની હતી તેમાં એમને હક્ક અપાવ્યો છે. આવી તો ઘણી લડાઈઓ લડી. એક કેસમાં એમને સજા મળી છે. પચાસ વર્ષ પહેલાં એક વ્યક્તિને સરકાર તરફથી જમીન મળેલ હતી પણ તેના પર દબંગોનો કબજો હતો. મેવાણીએ મહેસાણાથી ધાનેરાના લવારા સુધી આઝાદી કૂચ કરી અને એ વ્યક્તિને જમીનનો કબજો અપાવ્યો. હક્ક અને અધિકાર મેળવવા કાઢવામાં આવેલ રેલીની મંજુરી ન હોવાથી ફરિયાદ થઈ અને ત્રણ મહિનાની સજા ફટકારી. સરકારે તો ત્રણને બદલે છ મહિનાની સજા વધરવાની અપીલ પણ કરી. થોડા મહિના પહેલાં ઈડીથી મેળ ન પડતાં સામ, દામ, દંડ, ભેદની નીતિવાળાઓ એક કેસમાં અડધી રાતે ધરપકડ કરી છેક આસામની જેલમાં લઈ ગયા હતા. ગાંધીજીએ બહુ સ્પષ્ટ કહેલું છે કે, "સરકાર તરફથી જ પુર્વાગ્રહ ચાલતો હોય ત્યારે કોઈ કાળે લોકશાહીની ભાવનાને સ્થાપી શકાય નહીં." એક ધારાસભ્યની ધરપકડ સાધરણ બાબત નહોતી, લોકશાહી માટે તો ગંભીર છે. અજ્ઞાન અને જુલ્મી શાસકોનું માનસ છતું થયું. પણ એમનો દાવ અવળો પડ્યો. જીજ્ઞેશ મેવાણીનું રાજકીય કદ વધ્યું અને લોકપ્રિયતાનું પલ્લું ભારે થયું. હાલમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં નેતાઓ ગુજરાતને ઘમરોળી રહ્યા છે. અઢી દાયકાના તાનાશાહી શાસનમાં મોંઘવારી, બેરોજગારી, ભય, ભ્રષ્ટાચાર, અન્યાય, અત્યાચાર સામે પહેલી વખત ગુજરાતનો બુલંદ અવાજ બની ન્યાય માટે આ ક્રાંતિકારી યુવાન સતત ઝઝુમ્યો છે. એને હરાવવા એડીચોટીનું જોર કરવામાં આવી રહ્યું છે પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભાજપના તારણહારોની સભાઓના ફિયાસ્કા થયા અને બનાસકાંઠા તેમજ પાટણની જવાબદારી સંભાળતા જીજ્ઞેશ મેવાણીની સભાઓ જોઈ એમની ઊંઘ હરામ થઈ ગઈ છે. મોદીની સભામાં પ્રજાને જોહુકમીથી લાવવા પ્રયાસો કરવામાં આવે છે, હજારો બસો દોડાવવામાં આવે છે, છતાંય ભીડ થતી નથી અને મેવાણી માટે જનસેલાબ..!! સોમવારે થયેલી થરાદની સભાએ સાબિત કરી દીધું છે કે કોંગ્રેસમાં એક જ વ્યક્તિ ભાજપનો પડકાર બની શકે, એ છે જીજ્ઞેશ મેવાણી.


સંદર્ભ : ભાષણો અને ટીવી સાક્ષાત્કારના આધારે 






Comments

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...