માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં ઇ.સ.પૂર્વે ૫૬૩ માં હિમાલયની તળેટીમાં આવેલા કપિલવસ્તુ નગરીના લિમ્બુની વનમાં શાક્ય વંશના રાજા શુદ્ધોધનને ત્યાં કોળી માતા મહારાણી મહામાયાદેવીની કૂખેથી માનવીને અસત્યમાંથી સત્ય તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર દુનિયાની મહાન વિભૂતિ તથાગત બુદ્ધનો જન્મ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયો હતો. ઇક્ષ્વાકુ વંશના શાક્ય રાજા શુદ્ધોધનનું રાજ્ય રોહિણી નદીના કાંઠે અને બીજા કાંઠે કોળી વંશના દેવદાહનગર રાજ્યના રાજા અંજનનું રાજ્ય હતું. બુદ્ધને જન્મ આપનાર રાજા અંજનની પુત્રી રાજકુંવરી મહામાયા અને સ્વરૂપવાન પ્રજાપતિ ગૌતમી આ બંને બહેનોનાં લગ્ન મહારાજા શુદ્ધોધન સાથે જ થયેલાં. કહેવાય છે કે બુદ્ધના જન્મના સાતમા દિવસે માતાનું અવસાન થતાં બાળપણમાં માતાની મમતા અને પ્યાર ભર્યો પ્રેમ પાલક માતા પ્રજાપતિ ગૌતમી પાસેથી મળ્યાં હતાં એટલે જ બુદ્ધનું એક નામ ગૌતમ છે. નાનપણથી જ તેમને વૈભવવિલાસના સર્વ સાધનોથી ભરપુર એક રાજમહેલમાં રાખવામાં આવ્યા હતા. દુનિયાનું કોઈ પણ દુઃખ ગૌતમ સિદ્ધાર્થની નજરમાં દેખાય નહીં તેનો ખ્યાલ રાખવામાં આવતો હતો. સોળ વર્ષની ઉંમરે ...