માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં ઇ.સ.પૂર્વે ૫૬૩ માં હિમાલયની તળેટીમાં આવેલા કપિલવસ્તુ નગરીના લિમ્બુની વનમાં શાક્ય વંશના રાજા શુદ્ધોધનને ત્યાં કોળી માતા મહારાણી મહામાયાદેવીની કૂખેથી માનવીને અસત્યમાંથી સત્ય તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર દુનિયાની મહાન વિભૂતિ તથાગત બુદ્ધનો જન્મ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયો હતો. ઇક્ષ્વાકુ વંશના શાક્ય રાજા શુદ્ધોધનનું રાજ્ય રોહિણી નદીના કાંઠે અને બીજા કાંઠે કોળી વંશના દેવદાહનગર રાજ્યના રાજા અંજનનું રાજ્ય હતું. બુદ્ધને જન્મ આપનાર રાજા અંજનની પુત્રી રાજકુંવરી મહામાયા અને સ્વરૂપવાન પ્રજાપતિ ગૌતમી આ બંને બહેનોનાં લગ્ન મહારાજા શુદ્ધોધન સાથે જ થયેલાં. કહેવાય છે કે બુદ્ધના જન્મના સાતમા દિવસે માતાનું અવસાન થતાં બાળપણમાં માતાની મમતા અને પ્યાર ભર્યો પ્રેમ પાલક માતા પ્રજાપતિ ગૌતમી પાસેથી મળ્યાં હતાં એટલે જ બુદ્ધનું એક નામ ગૌતમ છે. નાનપણથી જ તેમને વૈભવવિલાસના સર્વ સાધનોથી ભરપુર એક રાજમહેલમાં રાખવામાં આવ્યા હતા. દુનિયાનું કોઈ પણ દુઃખ ગૌતમ સિદ્ધાર્થની નજરમાં દેખાય નહીં તેનો ખ્યાલ રાખવામાં આવતો હતો. સોળ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન કોળી વંશના રાજા દંડપાણીની રાજકુંવરી યશોધરા સાથે કરવામાં આવ્યાં હતાં. રાજકુમાર સિદ્ધાર્થ શહેરમાં ફરવા નીકળે ત્યારે રસ્તાઓ શણગારવામાં આવતા. એક વખત શહેરમાં ફરતાં ફરતાં સિદ્ધાર્થે વૃદ્ધને, રોગીને, શબને અને અંતે એક સંન્યાસીને જોયા. સાથી દ્વારા એને ખ્યાલ આવ્યો કે દરેક જીવંત પ્રાણીની જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ અનિવાર્ય છે આ દ્રશ્ય જોઈને એનું મન ખળભળી ઊઠ્યું અને ઊંડા ચિંતનમાં ડૂબી ગયા. પત્ની યશોધરા પાસે જઈને પોતે લીધેલા ઘર છોડવાના નિર્ણયની જાણ કરી. દુનિયાનો કોઈપણ પતિ કાયમી માટે ઘર છોડવાની વાત કરે તો પત્નીની માનસિક સ્થિતિ કેવી થાય ? આવી કઠીન પરિસ્થિતિમાં પણ યશોધરાએ ફક્ત એટલું જ કહ્યું કે હું ઈચ્છું છું કે આપ આપના પ્રણય સંબંધો છોડીને પ્રવ્રજિત થવા જઇ રહ્યા છો તો આપ એવા માર્ગની શોધ કરશો જે સમગ્ર માનવ સમાજ માટે કલ્યાણકારી હોય અને એ માર્ગ પર ચાલીને જીવનના દુઃખ દૂર કરી મનુષ્ય ઉત્તમ જીવન જીવી શકે. સિદ્ધાર્થ ઘર છોડી અતિજ્ઞાની સંન્યાસી બન્યા એટલે બુદ્ધ કહેવાયા. કોઈપણ વ્યક્તિ બુદ્ધ બની શકે છે. બુદ્ધ એટલે એવી વ્યક્તિ જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે.
એકવાર નગરની સડકોનો કચરો વાળનારો સુણિત નામનો અંત્યજ બુદ્ધને જોઈને દિવાલ આગળ ઊભો રહ્યો , આવો રિવાજ જ હતો. કોઈ મહાપુરુષ રસ્તામાં આવતા જતા હોય ત્યારે પોતાની છાયાથી તેમને અભડાવાય નહીં એવા ડરથી સુણિત જેવા અન્ય અંત્યજો આવું જ કરતા. જો ચૂક કરે તો દંડ ભોગવવો પડતો અને દંડ પણ અપરાધના આધારે નહીં, વર્ણના આધારે થતો. એકવાર બુદ્ધની નજર આ સુણિત ઉપર પડી. તેમણે કારણ પૂછ્યું તો જવાબ મળ્યો કે હું અંત્યજ છું મારી છાયાથી તમે અભડાઈ ન જાવ તેથી મારે આમ ખસી જવું પડે છે. બુદ્ધે કહ્યું કે આ બધુ માનવીય વ્યવસ્થાથી થાય છે. સ્વાર્થી લોકોએ ધર્મમાં અન્યાયપૂર્ણ વ્યવસ્થા કરી છે. હું આવી અન્યાયી વ્યવસ્થાને નાબૂદ કરવા માગું છું. બુદ્ધે તેને ભિક્ષુ સંઘમાં લઈ સરખી જ પ્રવ્રજયા અને ચીવર વગેરે આપ્યાં. આમ ધાર્મિક અન્યાય અને શોષણ ઉપર બુદ્ધનો પ્રથમ કુઠારાઘાત હતો. તેમણે પોતાના અધિકારો માટે હિંસાના ઉપયોગને યોગ્ય ઠરાવ્યો છે. શોષણ અને આક્રમણ સામે હંમેશા પ્રતિકાર કરવાનો અને કદી આત્મ સમર્પણ ન કરવાનો બોધ આપ્યો છે. તેમણે જુલ્મ અને શોષણ સહન કરનારને કાયર અને ગુલામ નિશાની ગણાવી. દુનિયાના જેટલા મહાપુરુષો થઈ ગયા છે તે સૌ બુદ્ધની વિચારધારાથી પ્રભાવિત થયા છે. બુદ્ધ ધમ્મ એ વૈજ્ઞાનિક ધર્મ છે. કારણ કે બુદ્ધે ક્યારેય એમ નથી કહ્યું કે મેં કહ્યું છે તે આખરી, પરંતુ તે એમ કહે છે કે તમે મારા બતાવેલ રસ્તે ચાલી જુઓ તેને કસોટીની એરણ પર ચડાવો અને તમને એમ લાગે કે આ યોગ્ય છે તો માનજો. બુદ્ધ આંધળું અનુકરણ કરવાની ના પાડે છે. વિજ્ઞાનને સાથે રાખીને ચાલવાનું કહે છે. આગળ કહે છે કે 'હું કહું છું માટે તેને સત્ય માનશો નહીં, ધર્માશાસ્ત્રોમાં લખ્યું છે માટે તેને સત્ય માનશો નહીં પરંતુ જો તમારી વિવેકબુદ્ધિ, તર્કના આધારે તમે વિચારો, ચિંતન કરો જો સત્ય લાગે તો જ સ્વીકારજો કારણ કે આખરે તમારો ઉદ્ધાર ખુદ તમે જ કરી શકશો. દુનિયાનો કોઈ ગુરુ, સંત, ફકીર, દેવ-દેવી તમારો ઉદ્ધાર કરી શકશે નહીં.' બુદ્ધે પોતાને કોઈ વિશેષ સ્થાન આપ્યું નથી એમણે ક્યારેય અન્ય ધર્મોના સ્થાપકની જેમ પોતે ઈશ્વર, ઈશ્વરપુત્ર, ઈશ્વરનો અવતાર કે ઈશ્વરનો સંદેશાવાહક છે એવો દાવો કર્યો નથી. તેમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી. શ્રદ્ધાનું સ્થાન તર્ક અને જ્ઞાને લીધું છે. બુદ્ધ ધમ્મમાં ઉદારવાદી, વિજ્ઞાનવાદી અને વ્યવહારવાદી છે જેમાં કોઈ ઈશ્વર, ઈષ્ટદેવતા કે દૈવી શક્તિમાં વિશ્વાસ, જ્ઞાતિપ્રથા, રૂઢિવાદ અને પરંપરાવાદને સ્થાન નથી. એ સ્વતંત્રતા, બંધુતા, ન્યાય, નૈતિકતા, મૈત્રી, પ્રજ્ઞા, કરુણા, ત્યાગ, તર્ક સંગતતા, વિવેક અને સમર્પણનો ધમ્મ છે. તેમાં પાખંડ, કર્મકાંડ, હોમ-હવન વગેરેનો અસ્વીકાર કર્યો છે. તથાગત બુદ્ધે તર્ક, વિવેક બુદ્ધિ, સ્વતંત્ર ચિંતન, જ્ઞાન અને અનુભવના આધારે જો સત્ય લાગે તો સ્વીકારવાનો મહિમા ગાયો છે. અમદાવાદના બૌદ્ધ ઉપાસક ધીરેન ડી. સોંધરવા જણાવે છે કે, 'વર્તમાન સમયમાં મનુષ્યની પ્રવૃત્તિઓના વર્તૂળનું કેન્દ્ર ભૌતિક સુખની પ્રાપ્તિ જ બની રહ્યું છે. બાહ્ય જીવનની ચળકની સાથે સંઘર્ષો પણ વધ્યા છે. ભીતરની શાંતિ પામવા મથતા આજના સમયમાં બુદ્ધનું જીવન ચરિત્ર અને જીવનદર્શનનો અભ્યાસ નવેસરથી કરવો પડશે. બુદ્ધદર્શનનો કલ્યાણકારી માર્ગ મનુષ્યના સ્તરને સુદ્રઢ બનાવીને સામાજિક ઉત્થાનને પોતાનું લક્ષ્ય બનાવે છે. બૌદ્ધ ધમ્મના શીલ, સમાધિ અને પ્રજ્ઞારૂપી આર્ય અષ્ટાંગિક માર્ગનો સિદ્ધાંત મનુષ્યના નૈતિક જીવનના ઉત્કર્ષની સાથે સામાજિક સુવ્યવસ્થા સ્થાપવા માટે પણ માર્ગદર્શક બને છે. 'બહુજન હિતાય, બહુજન સુખાય' ધમ્મનો ઉપદેશ આપનાર ગૌતમ બુદ્ધનું જીવન જ એવું પ્રેરક છે. બૌદ્ધ ધમ્મમાં એવી તો સંજીવની શક્તિ છે કે આજે અઢી હજાર વર્ષ પછી પણ તે જીવંત છે.'
બૌદ્ધ વિચારધારાના સિદ્ધાંતો ઘણા પ્રાચીન છે, તોય આધુનિક લાગે છે. એમના ઉપદેશ ખૂબ જ વ્યાપક અને ગંભીર છે છતાંય એની ઉપેક્ષા થઈ રહી છે કારણ કે આજે બુદ્ધ વિચારધારાને ધમ્મનું રૂપ આપવાને બદલે ધર્મમાં પરિવર્તિત કરી દીધી. ચાર આર્ય સત્ય, પંચશીલ અને અષ્ટાંગ માર્ગની મૂળ વિચારધારાથી વિમુખ થઈને બૌદ્ધો પણ અન્ય ધર્મની માફક ફક્ત જનસંખ્યા વધારવાનો જ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તેમજ પાખંડ, અંધવિશ્વાસ પણ જોવા મળે છે જેથી બુદ્ધ ધમ્મનો સાર લુપ્ત થતો જાય છે. જે બૌદ્ધ ધમ્મની પડતીનું મુખ્ય કારણ છે.
સંદર્ભ : -
આજના રખેવાળ દૈનિક સમાચાર પત્રમાં છપાયેલ મારા લેખમાંથી સાભાર...👇🏻
Comments
Post a Comment