ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...