Skip to main content

હિરા ઉદ્યોગ ભલે પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે.

       આજકાલ ખ્યાતનામ શાળાઓ પોતાની શાળામાં પ્રવેશ પરીક્ષા યોજે છે. બોર્ડ અથવા જે-તે શાળામાં વિદ્યાર્થી ગમે તેટલા ટકા લાવ્યો હોય પણ જો પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થાય તો જ એને પ્રવેશ મળે.! આવી પ્રવેશ પરીક્ષા આપવા માટે શહેરની જુદી જુદી શાળાઓમાં અનુભવ કર્યા હતા. પરંતું સૌથી વધારે હૃદયસ્પર્શી એક શાળા રહી અને એનો એક અનુભવ પણ સારો રહ્યો હતો.
          પ્રવેશ પરીક્ષાના દિવસે અમે સવારે શાળા પરિસરમાં હાજર થઈ ગયા. પ્રકૃતિ વચ્ચે સ્વચ્છ પરિસર આંખે ઉડીને વળગે એવું હતું અને પરીક્ષા વ્યવસ્થાની તો વાત જ ન થાય..!! આવનાર પરીક્ષાર્થી બાળકોમાં પણ ઉત્સાહ દેખાતો હતો. તેમનું સપનું હતું કે બસ, આ જ શાળામાં પ્રવેશ લેવો છે, આ જ શાળામાં ભણવું છે. પરીક્ષા શરૂ થઈ, બાળકો પોતપોતાના બેઠક રૂમમાં પહોંચી ગયા. સાથે આવેલ વાલીગણ માટે આખા પરિસરમાં મન થાય ત્યાં બેસી શકે એવી છૂટ સાથે ખુરશીની વ્યવસ્થા હતી એટલે વાલીઓ પોતપોતાની રીતે નિ:સંકોચ, મુક્તપણે બેઠક લઈ લીધી. સેવક ભાઈઓ અને સિકયુરિટી ગાર્ડ પણ ખૂબ જ નમ્રપણે વાલીઓને મદદરૂપ થતા હતા. બે ભાગમાં યોજાનાર પ્રવેશ પરીક્ષાનું પ્રથમ પેપર પુરું થયા પછી હું સ્ટાફરૂમમાં બેઠો હતો ત્યારે અંબાજી આસપાસના કોઈ વાલી પોતાની દિકરીને પ્રવેશ પરીક્ષા અપાવવા આવેલા. એમણે પરીક્ષા માટે ફૉર્મ ભરેલ નહોતું. તેઓ સ્ટાફને વિનંતી કરતાં બોલ્યા કે સાહેબ, બહુ દૂરથી આવીએ છીએ. પરીક્ષા આપવા બેસવા દો એવી મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. સ્ટાફ મિત્રોએ કહ્યું કે પ્રથમ પેપર લેવાઈ ચુક્યું છે એટલે માફ કરશો વડીલ, હવે અશક્ય છે. અને હા, આપ દૂરથી આવ્યા છો તો હવે જમ્યા વગર જતા નહિ..!! લ્યો આ અમારા ભોજનપાસ. (એક ભોજનપાસની કિંમત રૂ.૨૦૦ હતી, પણ ફ્રીમાં આપ્યા) સેવક અને સિકયુરિટી સિવાય મેં અહીં સ્ટાફનો પણ નમ્રતા અને માનવતાનો ગુણ જોયો..!! કોઈ સંસ્થા વાલીઓ પ્રત્યે આટલો આદરભાવ રાખે એવું મેં પહેલીવાર જોયું. આ સંસ્થા એટલે બનાસનું ઘરેણું એવી વિદ્યામંદિર.
         બનાસકાંઠાની અતિ સુંદર ભૂમિ ઉપર પોતાની આગવી તેજસ્વીતાથી ઝળહળતી અત્તર અને હિરાની નવાબી નગરીના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધ પાલનપુરમાં આ વિદ્યામંદિર શાળા આવેલી છે. તેનું પ્રાચીન નામ  પ્રહલાદનપુર છે. આબુના પરમાર વંશી રાજા ધારાવર્ષદેવના ભાઈ પ્રહલાદનદેવે તેની સ્થાપના ઈ.સ.૧૧૮૪માં કરી હતી. ચૌદમી સદીમાં પાલણશી ચૌહાણ અહીંનો શાસક હતો. તેના નામ પરથી આ શહેર "પાલનપુર" તરીકે ઓળખાયું. કહેવાય છે કે અહીં પહેલાં નાગોની વસાહત હતી. જે નાગો હિમાલય તરફથી આવીને અહીં વસ્યા હતા. આ નાગ લોકો ઉપર આર્યોએ હુમલો કર્યો અને નાગોના આધિપત્યની નીચે જે જે પ્રદેશ હતા એ આર્યોએ છિનવી લીધા. પરિણામે એ નાગોએ ધીરે ધીરે દક્ષિણ તરફ ભાગ્યા અને ત્યાં પોતાનાં રાજ્યો સ્થાપ્યાં હતાં.
           પાલનપુર ઘરાનાના સ્થાપક મલિક ખુર્રમખાન બિહાર છોડીને માંડોરના વિશળદેવની સેવામાં ૧૪મી સદીના પાછલા ભાગમાં આવ્યા હતા. તેઓ જાલોર અને સોનગઢના સુબા તરીકે નિમાયા પછી તેમણે વિશળદેવની હત્યા બાદ સર્જાયેલી અંધાધૂંધીનો ફાયદો ઉઠાવીને આ પ્રદેશને પોતાના હક્ક નીચે લઇ લીધો; તેમના કુટુંબની એક બહેન મુગલ શાસક અકબરને પરણી અને તેઓએ પાલનપુર અને આજુબાજુના પ્રદેશો દહેજમાં મેળવ્યા હોવાનું પણ કહેવાય છે. ક્યાંક એવું પણ વાંચવા મળે છે કે અકબરની દત્તક પુત્રી સાથે મલિક ગઝની ખાને લગ્ન કર્યા હતા અને પાલનપુર તેમજ તેની આજુબાજુનો પ્રદેશ દહેજમાં મેળવ્યો હતો. પાલનપુરનો ઇતિહાસ તો ઘણો ગૌરવશાળી છે અને નવાબી શાસન પ્રભાવશાળી રહ્યું હતું અને તેમના દિવાન તરીકે જૈન શ્રેષ્ઠીઓ સેવા આપતા હતા. તત્કાલિન સમયમાં કોમી એકતા અકબંધ જ હતી. આ દિર્ઘદ્રષ્ટાઓએ જો વર્તમાન શાસકોની જેમ એક જ ધર્મને મહત્વ આપ્યું હોત તો આજે વટવૃક્ષ સમાન ઉભેલી વિદ્યામંદિર ન હોત..!!!
        હિરા નગરીમાં આજે ભલે હિરા ઉદ્યોગ પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના પ્રણવ મિસ્ત્રી જેવા હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે. 

Comments

Read more

આઝાદીની શિખામણ : એકતાથી મળેલી સ્વતંત્રતા, જવાબદારીથી ટકતી લોકશાહી

              ભારતની આઝાદી એ કોઈ એક નેતા, એક પ્રદેશ કે એક સમાજની જીત નહોતી પણ તે સમગ્ર ભારતની સામૂહિક ચેતનાનો વિજય હતો. આઝાદીની આ લડત વિદેશી શાસન સામેનો વિરોધ કરતાં  તો તે માનવીના સ્વાભિમાન, અધિકાર, ન્યાય અને આત્મસન્માનનો મહાસંગ્રામ હતો. જ્યારે દેશ પરાધીન હતો, ત્યારે ભાષા, જાતિ, પ્રાંત, ધર્મ અને વિચારધારાના અનેક ભેદો હોવા છતાં ભારતીયોએ એક જ ધ્યેયને સર્વોપરી માન્યો "સ્વતંત્ર ભારત".              અંગ્રેજ શાસન રાજકીય સત્તા આગળ જઈને આર્થિક શોષણ, રાજકીય દમન અને માનસિક ગુલામીનું પ્રતીક બની ગયું હતું. ભારતની સંપત્તિનો મોટા પ્રમાણમાં ઉપયોગ ગોરા સામ્રાજ્યના હિત માટે થતો હતો. ખેડૂતો પર ભારે કર, સ્થાનિક ઉદ્યોગોના પતન, અભિવ્યક્તિ પર નિયંત્રણ અને વિરોધના દમન જેવી અનેક નીતિઓએ સામાન્ય જનજીવનને અસર કરતી હતી. આ પરિસ્થિતિ સામે ભારતીયોએ સત્યાગ્રહ, અસહકાર, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને લોકજાગૃતિ જેવા અનેક માર્ગોથી સંઘર્ષ કર્યો. અસંખ્ય લોકોએ જેલવાસ ભોગવ્યો, મિલકતો ગુમાવી અને ઘણા લોકોએ પોતાના પ્રાણ પણ દેશના ચરણોમાં અર્પણ કર્યા. આ સંઘર્ષની...

ગુજરાતની આશાનું કિરણ અને નખશીખ પ્રામાણિક રહેલો એકમાત્ર ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

         "હું સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, પણ સત્તાથી ઘણા લોકોના જીવનને બદલી શકાય છે એ મુખ્ય વિચાર મને રાજકારણમાં લાવ્યો છે. મારામાં નવ્વાણું ટકા ક્રાંતિકારી અને એક ટકા જ નેતાનો ગુણ છે " આ શબ્દો છે ગુજરાતના યુવા અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના. પાંચ વર્ષના ધારાસભ્ય કાળમાં ગુજરાતવાસીઓને જ્યાં પણ અન્યાય થયો ત્યાં પડખે ઉભા રહ્યા અને વિધાનસભામાં ગર્જનાઓ પણ કરી છે.       ૨૦૧૭માં અપક્ષ ધારાસભ્ય તરીકે જીતેલા જીજ્ઞેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં કરેલ કાર્યોની સાથે સાથે નખશીખ પ્રમાણિક રાજનેતા તરીકે લોકોમાનસ પર અમીટ છાપ છોડી છે. કહેવાય છે કે વડગામ એક સમયે બહુ જ સમૃદ્ધ પ્રદેશ હતો. જ્યાં શેરડીનો પાક મબલખ પ્રમાણમાં પાકતો હતો. ધીમે ધીમે આ વિસ્તારમાં પાણીનું તળ નીચું જતું ગયું અને સિંચાઈ માટે પાણીની અછત ઊભી થઈ. આ વિસ્તારના લોકોની મુખ્ય માંગ હતી કે કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમ પાણીથી છલકાય. જેથી ફરી આ વિસ્તાર સમૃદ્ધિથી ફુલેફાલે. જ્યારે પણ વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે વડગામવાસીઓ સિંચાઈના પાણીનો મુદ્દો ઉમેદવારો સામે રજૂ કરે પણ જીત્યા પછી જૈસે થે. ૨૦૧૭...