આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાના માર્ગે ગયેલા હિન્દ મારી જન્મભૂમિ હોવા છતાં એને માટે મને પ્રેમ ન રહે.' આજે દેશમાં ઘણા માનવતાવાદીઓને ગાંધીનો આ વિચાર યોગ્ય લાગતો જ હશે. ગાંધીએ કટ્ટરવાદી લોકોને કહ્યું હતું કે, ''મારા ધર્મમાં સાંપ્રદાયિક સંકુચિતતા નથી. એમાં ઈસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ, જરથોસ્તી ધર્મના સારામાં સારા અંશનો સમાવેશ થાય છે. મારો ધર્મ સર્વે ધર્મોને આદર આપવાનું મને શીખવે છે. મને મારી નાખવામાં આવે તો પણ હું રામ અને રહીમના નામનું રટણ છોડવાનું નથી. કેમ કે, એ બન્ને નામનો અર્થ ઈશ્વર થાય છે. મારી અભિલાષા તો એ છે કે જરૂર હોય તો મારા લોહીથી બધા ધર્મ કે કોમના લોકોને હું સાંધુ. હું જેટલો હિન્દુઓને ચાહું છું એટલો જ મુસલમાનોને પણ. મારું હૃદય હિન્દુઓ માટે જેટલી લાગણી અનુભવે છે તેટલી જ લાગણી મુસલમાનો માટે પણ અનુભવે છે. જો હું મારા હૃદયને ચીરી બતાવી શકું તો તમે જોઇ શકત કે તેમાં કોઈ અલગ અલગ ખાના નથી. એટલે કે એક ખાનું હિન્દુ માટે, બીજું એક મુસલમાન માટે અને એવું જ બીજા માટે. હિંદુ મુસલમાનનું ઐક્ય કેવલ હિંદુ અને મુસલમાન કોમ વચ્ચેનું ઐક્ય નથી. પણ જે જે કોઈ લોકો પછી તે ચાહે તે ધર્મને માનતા હોય જે હિન્દુસ્તાનને પોતાનું ઘર માની આ દેશમાં વસે છે તે બધા વચ્ચેનું ઐક્ય છે. શું હિંદ પણ ધર્મશાહી બનશે અને બિનહિન્દુઓ પર એ રાજ્યમાં હિન્દુ ધર્મના આચાર-વિચારના સિદ્ધાંતો પાળવાની જબરજસ્તી કરવામાં આવશે ? હું આશા રાખું છું આવું નહીં થાય.''
આજે દેશની એકતા ખંડિત થઈ રહી છે. ગાંધીને અનુસરવું છે, પણ તેમના વિચારોને અપનાવવા નથી. મોટાભાગના નેતાઓ ગાંધીવાદી હોવાનો ડોળ કરી રહ્યા છે. નગીનદાસ સંઘવી લખે છે કે, ''કોઈ ગાંધીરેંટિયો કાંતે તે યોગ્ય છે, કારણ કે વર્ષની કાળઝાળ ગરમીથી બચવા માટે તે મુંડાં ઉપર પાણી કે માટીના પાટા મૂકે પણ એસીવાળા રૂમમાં બેસીને અથવા ૩૪૦ ઓરડાના રાષ્ટ્રપતિ ભવનમાં રહેનાર માણસ રેંટિયો કાંતે અથવા રેંટિયા કે ગાંધીની વાત કરે તે નર્યો પાખંડ જ ગણાય.'' ગાંધીની હાજરીથી અને તેમની પ્રવૃત્તિથી ફાયદો થયો છે, તેમ મોટું નુકસાન પણ થયું છે. ઢોંગી નેતાઓ વધારે ઢોંગી બન્યા છે. ગાંધીના રસ્તે ચાલવું લગભગ અશક્ય પણ તોય તેમનો લાભ છોડાય એવો નથી. તેથી આજના નેતાઓએ વચલો અને સહી સલામત માર્ગ અપનાવ્યો. વચલો રસ્તો હંમેશા સલામત હોય છે પણ તેમાં જૂઠ્ઠાણા પ્રવેશી જાય છે.
ફકત હિંદુ-મુસ્લિમ જ નહીં, દલિત-સવર્ણ, સ્ત્રી-પુરુષ, લઘુમતી-બહુમતી, અનામત-બિન અનામત જેવા કેટલાય વિભાજનથી દેશ ટુકડાઓમાં વહેંચાઈ ગયો છે. અંગ્રેજોએ કોઈ નિશ્ચિત યોજનાથી બસો વર્ષ સુધી ભાગલા પડાવ્યે રાખ્યા એવો કોઈ આધાર ઇતિહાસમાં આવતો નથી. પણ આપણા નેતાઓ તો વ્યવસ્થિતપણે સમજી વિચારીને સત્તા ટકાવવાના એકમાત્ર ઉદેશથી દરરોજ નવી નવી જાતના ભાગલા પડાવી રહ્યા છે. પરિણામે દેશમાં અંદરોઅંદર અને સરહદે ભારત-પાકિસ્તાન હોય, નેપાળ કે ચીન હોય બધે જ વિખવાદને કુસંપનું કલુષિત વાતાવરણ ઊભું કરી દીધું છે. દેશની પ્રજા પોતે આ રાજરમત નહીં સમજે ત્યાં સુધી આવા ગંદા ખેલ ચાલુ જ રહેશે.
નવજીવન સાપ્તાહિકમાં ગાંધીજીએ લખ્યું હતું કે, ‘'એકબીજાના ધર્મનો કોઈ પણ રીતે વિરોધ નહીં કરીએ, એકબીજાની ધાર્મિક લાગણી નહીં દુભાવીએ, એકબીજાના ધર્મની બદગોઈ કરવી, ગમે તેવા નિરંકુશ કથનો કરવાં, અસત્યનું ઉચ્ચારણ કરવું, નિર્દોષોના પ્રાણ લેવા, મંદિરો અને મસ્જીદોને અપવિત્ર કરવી એ બધું ઈશ્વરને ભ્રષ્ટ કરવા નહીં તો બીજું શું ?’' વર્તમાનમાં આ વિચાર કેટલો ગહેરો અર્થ સૂચવી જાય છે. બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ ભારતીય સમાજને એક તાંતણે બાંધવા માટે અન્ય ધર્મ, સમાજ અને જ્ઞાતિની પીડામાં સહભાગી થવાનો ગાંધીનો અભિગમ આજે પણ એટલો જ જરૂરી છે.
સંદર્ભ : દેશની પ્રગતિમાં અવરોધક સાંપ્રત સમયની સમસ્યાઓ વિશે દૈનિક સમાચાર પત્રમાં છપાયેલ મારા વિચારાત્મક લેખમાંથી સાભાર...👇🏻
Right
ReplyDeleteMeaningful thought
ReplyDelete