
(૧૫,ઓક્ટોબર : ૧૯૩૧ થી ૨૭, જુલાઈ : ૨૦૧૫)
તત્કાલીન મદ્રાસ અને હાલના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમમાં એક મધ્યમ વર્ગીય તામિલ કુટુંબમાં ૧૫મી ઓક્ટોબર ૧૯૩૧ના રોજ કલામનો જન્મ થયો હતો. તેમના માતા-પિતાની સમાજમાં એક આદર્શ દંપતી તરીકે ગણતરી થતી હતી. પિતા નાવિકનો વ્યવસાય કરી કુટુંબનું ભરણપોષણ કરતા. તેમના વિસ્તારમાં હિંદુ મુસ્લિમ હળી-મળીને રહેતા હતા. કલામને તેમના પિતા દરરોજ સાંજે નમાજ માટે લઈ જતા. અરબી ભાષામાં ગવાતી આ પ્રાર્થનાઓનો અર્થ શુ થાય તેની કલામને કશી ખબર ન હતી પણ પૂરી શ્રદ્ધા હતી કે પ્રાર્થના ખુદાને પહોંચે જ છે.
ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે એક દિવસ ગણિતના શિક્ષક રામકૃષ્ણ ઐયર બીજા વર્ગમાં શીખવતા હતા. કલામ એ વર્ગમાં જઈ ચડ્યા ત્યારે સરમુખત્યારની અદાથી રામકૃષ્ણ ઐયરે એમને બોચીથી પકડીને આખા વર્ગની વચ્ચે સોટી ફટકાર્યા હતા. તેઓ એટલા બધા તેજસ્વી વિદ્યાર્થી ન હતા છતાં પણ પિતાની આશા હતી કે મારો દીકરો ભાવિ કલેકટર બને. ઈયાદૂરાઈ સોલેમન મહાન શિક્ષક હતા. તે બધા બાળકોમાં આત્મગૌરવનું સિંચન કરતા. સોલેમને કલામની આત્મપ્રતિષ્ઠાને ખૂબ ઊંચે પહોંચાડી અને શિક્ષણથી વંચિત માતા-પિતાના પુત્રને દ્રઢ રીતે ઠસાવ્યું કે તે જે ઈચ્છે તે બનવાની અપેક્ષા રાખી મહેનતથી નસીબ બદલી શકાય છે.
વિદ્યાર્થીકાળમાં તેઓ મોટાભાઈ મુસ્તફા કલામની કરિયાણાની દુકાને બેસતા. ત્યાંથી મુક્તિ મળે ત્યારે તેમના બીજા ભાઈ કાસી મહંમદની ગાડીનો હવાલો લેતા અને શંખમાંથી બનાવેલ ભાતભાતની વસ્તુઓ વેચતા. પિતરાઇ ભાઇ સમસુદ્દીન રામેશ્વરમમાં વર્તમાનપત્રોના મુખ્ય વિક્રેતા હતા. સવારે પંબનથી ટ્રેનમાં રામેશ્વરમ સ્ટેશને છાપાં આવતાં. સન ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એટલે કટોકટી જાહેર કરવામાં આવી. તેનો પ્રથમ ભોગ રામેશ્વરમ બન્યું. સ્ટેશને જે ટ્રેન ઉભી રહેતી તે રદ કરવામાં આવી. રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચે આવતા રામેશ્વર રોડ પર ચાલતી ટ્રેનમાંથી છાપાંનાં બંડલ ફેંકવામાં આવતા એ માટે સમસુદ્દીનને આ બંડલો પકડવા મદદનીશની જરૂર પડી અને તે જગ્યા કલામ સાહેબે સંભાળી હતી.
પોતાનાં સપનાં સાકાર કરવા માટે દક્ષિણ ભારતની ટેકનીકલ સંસ્થાઓમાં મુગટ સમાન ગણાતી મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવવા અરજી કરી. પસંદ થયેલા ઉમેદવારોની યાદીમાં પોતાની જાતને સામેલ કરવામાં સફળ રહ્યા પણ આ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશ મેળવવો ખૂબ ખર્ચાળ હતો. તેમને એક હજાર રૂપિયાની જરૂર પડી. એમનાં માતા-પિતા આટલા રૂપિયા આપી શકે તેવી સ્થિતિમાં ન હતાં એટલે આ કટોકટી પળે બહેન જોહરાએ પોતાની બંગડીઓ ગીરવે મૂકી હતી. બહેનનું ઋણ અદા કરવા માટે સખત મહેનત કરી ધાર્યું પરિણામ મેળવ્યું. જ્યારે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાંથી એરોનોટિક્સ ઇજનેર તરીકે સ્નાતક થઈ બહાર નીકળ્યા ત્યારે નોકરીની બે તકો મળી. એક હવાઈ ખાતાની અને બીજી સંરક્ષણ ખાતાની. બંનેમાં અરજી કરી તો બંનેમાંથી ઇન્ટરવ્યુ કોલ આવ્યા ખૂબ જ સારું ઇન્ટરવ્યૂ રહ્યું પણ ૨૫માંથી આઠ અધિકારી પસંદ કરવાના હતા, તેમાં એરફોર્સ ઇલેક્શન બોર્ડના આ ઇન્ટરવ્યુમાં નવમા નંબરે રહ્યા. અંતે નિરાશા સાથે દહેરાદૂનથી દિલ્હી પાછા આવી સંરક્ષણ ખાતામાં પરિણામની તપાસ કરી તો બીજા દિવસે તેમને માસિક રૂ.૨૫૦ ના બેઝિક પગારે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી. પોતાની કાબેલિયત અને કામ પ્રત્યેની નિષ્ઠાની કદર કરી મદદનીશ વૈજ્ઞાનિક સ્તરના ચાર લોકોની નાની ટીમની મુખ્ય આગેવાની આપી. સૂર્યા બેલેસ્ટિક અને વિવિધ પરીક્ષણોમાં ભજવેલી મુખ્ય ભૂમિકાની આ સફરથી તેઓ ‘મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખાયા.
જ્યારે એસએલવી-૩ની સફળતા મળી ત્યારે મુંબઈના નેહરુ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી ત્યાં તેમને જાણ કરવામાં આવી કે તમારે વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીને મળવાનું છે. નેહરુ સાયન્સ સેન્ટરના યજમાનોએ દિલ્હીની ટિકિટ તો આપી પણ એક નાની સમસ્યા હતી તે કપડાં સંબંધી હતી. રોજની ટેવ મુજબ સાદા વસ્ત્રો અને સ્લીપર પહેર્યાં હતાં. વડાંપ્રધાનને મળવા યોગ્ય પોશાક પણ ન હતો. ડૉ.કલામે પ્રોફેસર ધવનને આ સમસ્યા જણાવી ત્યારે તેમણે કહ્યું કે, “પોશાકની ચિંતા ન કર. તું તારા સફળતા રૂપી પોશાકમાં સજ્જ છે.” બીજા દિવસે બંને જણ સંસદીય કચેરીએ પહોંચ્યા જયાં વડાંપ્રધાનના વડપણ હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજીની સંસદીય પેનલની મીટીંગ યોજાઇ હતી. ઇન્દિરા ગાંધીએ સભ્યો પાસેથી એસએલવી-૩ની સફળતા વિશે માહિતી મેળવી અને તેમની સિદ્ધિઓ બિરદાવી હતી. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ કલામ સામે જોઇને તેમને સંબોધતા કહ્યું, “કલામ અમે તમને સાંભળવા ઈચ્છીએ છીએ.” કલામ ખચકાટ સાથે ઊભા થયા પોતાનો પ્રતિભાવ આપ્યો ત્યારે આખો ખંડ તાળીયોના ગડગડાટથી ગૂંજી ઊઠયો હતો.
 |
પોતાનો પ્રતિભાવ રજૂ કરતા ડૉ. કલામ |
ઇન્દિરા ગાંધી પછી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી બન્યા એ વખતે તેમણે ૩જી ઓગસ્ટે ૧૯૮૫ના રોજ રિસર્ચ સેન્ટર ઇમારતનો પાયો નાખ્યો. જેનાથી ભારતીય વિજ્ઞાન જગતને વધુ પ્રોત્સાહન મળ્યું. જ્યારે અગ્નિનું બીજી વખત પરીક્ષણ થયું ત્યારે રાજીવ ગાંધીએ કલામને કહ્યું હતું કે, ‘સમગ્ર દેશ તમારા પ્રયાસોથી ગૌરવ અનુભવે છે.’ જ્યારે વર્તમાન નેતાઓ તો અન્યોની પ્રસિદ્ધિને પણ પોતાની જ ગણાવે છે.
રાષ્ટ્રને પોતાનું જીવન સમર્પિત કરનાર ડૉ.કલામને ૧૯૮૧માં પદ્મભૂષણ, ૧૯૯૦માં પદ્મવિભૂષણ અને ૧૯૯૭માં દેશનું સર્વોચ્ચ એવોર્ડ ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય કેટલાય પુરસ્કારોથી સન્માનિત થયા. તેમજ નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો હતો, જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. સને ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના પ્રથમ નાગરિક તરીકે ૧૧મા રાષ્ટ્રપતિનું પદ શોભાવ્યું હતું. તેમની અનોખી કાર્યશૈલીથી દેશમાં લોકપ્રિય થયા અને જનસામાન્યના રાષ્ટ્રપતિ તરીકે લોકચાહના મેળવી. મોટા ભાગના વિજ્ઞાનીઓ અને ઇજનેરો પરદેશમાં પૈસા કમાવવા તક મળે દેશ છોડી દે છે એ સાચું છે કે તેઓ તે ખૂબ નાણાંકીય લાભો મેળવે છે, પણ પોતાના દેશવાસીઓને દ્વારા મળતા આવા પ્રેમ અને સન્માન આગળ તે કશું આવી શકે ??
સાદગીનો પર્યાય ડૉ. કલામ
ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હૃદયરોગના હુમલાને કારણે ૨૭ જુલાઈ ૨૦૧૫ના દિવસે ૮૩ વર્ષની વયે આ મહાન પુરુષને રાષ્ટ્રે ગુમાવી દીધા. રાષ્ટ્રીય સ્તરની ગણમાન્ય વ્યક્તિઓ સહિત હજારો લોકોની હાજરીમાં તેમના વતન રામેશ્વરમ ખાતે પુરા રાજકીય સન્માન સાથે દફનવિધિ કરવામાં આવી હતી.
સંદર્ભ : દૈનિક સમાચાર પત્રમાં છપાયેલ મારા લેખમાંથી સાભાર....👇🏻
Super
ReplyDelete