જન્મ : ૩૧, ઑક્ટોબર : ૧૮૭૫
અવસાન : ૧૫, ડિસેમ્બર ૧૯૫૦
વાયવ્ય દિશાએથી છઠ્ઠી સદીમાં ભારત આવી વસેલી હૂણ જેવી ખડતલ જાતિ અને પંજાબના ગુર્જરો આ બંને જાતિમાંથી ઊતરી આવેલી જાતિએ ચડોતરના જંગલો કાપ્યાં. રેતાળ જમીનમાં છાણ, માટી અને ખાતરનાં ગાડાંનાં ગાડાં ઠાલવીને તેને ફળદ્રુપ બનાવી અને તેમાં ખેતી કરવા માંડી. આસપાસના રજવાડામાં સૈનિકો તરીકે પણ સેવા બજાવી. આવેશ અને ધીરજનો અદ્ભુત સમન્વય સાધીને આ જાતિએ કાળક્રમે આવેલ હિંદુ, મુસલમાન અને અંગ્રેજ રાજકર્તાઓનો આદરભાવ સંપાદન કર્યો. વધારે નક્કર લાભ એ થયો કે પોતે ખેડતા હતા તે જમીનના માલિકી હકકના દસ્તાવેજ તેમણે મેળવી લીધા અને તેથી જમીન પાટીના માલિક તરીકે આ જાતિ 'પાટીદાર અથવા પટેલ' તરીકે ઓળખાઈ. આવી સમૃદ્ધ અને સશક્ત પાટીદાર જાતિમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. પોતાના જ કુટુંબની સાથે શિયાળાની રાતમાં છાણાંની તાપણી કરીને તાપતા નાનકડા વલ્લભે સાંભળેલી વૃદ્ધ પિતાની વાતમાંથી રાષ્ટ્રવાદી પ્રેરણા મેળવી હતી. યુવાકાળમાં ખેતર છોડીને વલ્લભભાઈ અમદાવાદની કાપડ મિલમાં કામ કરવા ગયા હતા. તેમણે દિવસે પૈસા કમાઈ અને રાત્રિએ વાંચીને પોતાનો અભ્યાસ કર્યો હતો. ગણિત વિષયમાં નાપાસ થવાથી સાતમા ધોરણમાં બે વર્ષ કરનાર વલ્લભભાઈએ એક એક પૈસો બચાવીને આખરે ૩૩ વર્ષની ઉંમરે તે પોતાની જાત કમાણીથી ઇંગ્લેન્ડ ગયા હતા.
સરદારના કાર્યને સમજવા માટે તેમના કામની પરિસ્થિતિ અને રજવાડાંનો થોડો ભૂતકાળ જાણવો જરૂરી છે. ૧૮મી સદીમાં મોગલ અને મરાઠા શાસન અંત તરફ જઈ રહ્યું હતું. ત્યારે અંગ્રેજોએ આનો ગેરલાભ ઉઠાવી આ બંનેના સામ્રાજ્યને પરાસ્ત કરી પોતાની સત્તાનો અડિંગો જમાવ્યો. દેશના મોટાભાગના રજવાડાંને પોતાના તાબે કરી દેવાના ડેલહાઉસીના પ્રયાસને કારણે ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. આઠ-દસ રજવાડાં સિવાય બાકીના બધાં રજવાડાંનો વિસ્તાર ખૂબ જ નાનો હતો. અંગ્રેજોની નીતિ સફળ રહી મોટાભાગના મહારાજાઓ સુલતાનનો, નવાબો અંગ્રેજોના તાબે થયા. તેમની હાજરીથી તેઓ થરથર ધ્રૂજતા હતા. આ મહારાજાઓ, સુલતાનો અને નવાબો પાસે પોતાની ગરીબ પ્રજાને ત્રાસ આપવા સિવાય કોઈ સત્તા હતી નહીં. એક તરફ રાજાઓનો ત્રાસ હતો, તો બીજી તરફ ગોરા અંગ્રેજોનો. ઘંટીના પડની વચ્ચે દાણો પીસાઈ તેમ આ બંને વચ્ચે પીસાતી પ્રજાએ આઝાદી માટે સંગ્રામ ખેડ્યો. આ સ્વાતંત્ર્ય મુક્તિ માટેનો સંગ્રામ એટલી પરાકાષ્ઠાએ પહોંચ્યો કે દેશના ભાગલાનો જ્વાળામુખી ફાટયો. બ્રિટિશરો વિરુદ્ધ પ્રદર્શન અને આંદોલન કરતી દેશની પ્રજા પર બળતા અંગ્રેજોએ મુસ્લિમ લીગને સમર્થન આપીને બળતામાં ઘી હોમી ભારતના ભાગલા પાડવાનો આખરી નિર્ણય લીધો. તેમાં મોટાભાગે રજવાડાંને સત્તા આપી. તેમાંથી ઘણા સ્વતંત્ર રાજ્યની માગણી કરતા હતા તો અમુક આઝાદ ભારતમાં જોડાવા ઇચ્છતા હતા. ૫૬૫ રજવાડામાંથી કાશ્મીર જૂનાગઢ અને હૈદરાબાદ આ ત્રણેયે અવળચંડાઇ કરી. તેમણે પાકિસ્તાન સાથે જોડાવા સહમતિ દર્શાવી. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી અખંડ ભારતનું સપનું સેવતા સરદાર પટેલને ન ગમ્યું. તેમણે અમુક શરતો મુકી અને કહ્યું કે ૧૫મી ઓગસ્ટ પછી આ શરતો વધારે આકરી બનશે. સરદારે માઉન્ટબેટન સાથે મુલાકાત કરી અને દબાણ વધાર્યું.
સરદારે લોર્ડ માઉન્ટબેટનને કહ્યું કે, 'તમે તમામ સફરજન ભરેલી ટોપલી આપતા હો તો તમારી દરખાસ્ત સ્વીકારી લઈશ.' માઉન્ટબેટન બોલ્યા : તમે શું કહેવા માગો છો ? સરદારે કહ્યું, ' ૫૬૫ સફરજન વાળી તમારી ટોપલી ખરીદી લઈશ પણ તેમાં બે-ત્રણ સફરજન ઓછા હોય તો આપણો સોદો રદ્દ સમજવો.' માઉન્ટબેટન બોલ્યા : તમને ૫૬૦ સફરજનની ટોપલી આપું તો ખરીદશો ? વલ્લભભાઈએ કહ્યું, 'તો વિચાર કરવો પડે, એક પણ ઓછું ન ચાલે..!!
સરદારના કરંડિયામાં રાજવીઓને ભરવાનું દબાણ ૧૫મી ઓગસ્ટ આવતાં વધતું ચાલ્યું. સરદારે દેખાવો યોજયા શેરીઓની ચળવળો ચાલુ કરી. નવાબો, મહારાજાઓના મહેલોમાં લોકોએ ઘેરાવો કર્યા અને કરાર પર સહી ન કરે ત્યાં સુધી જવા ન દેવાની હઠ પકડી. ક્યાંક લોકમતથી તો ક્યાંક સેનાની મદદથી સરદારે પોતાના સાથી વી.પી.મેનનના સાથ સહકારથી કરંડીયાના સફરજન ઓછા થવા દીધા નહીં. કાશ્મીર, જૂનાગઢ, હૈદરાબાદ આ ત્રણેય રજવાડાએ આઝાદ ભારત સાથે રહેવા જોડાણખત પર સહી કરી અને વિલીનીકરણ પ્રક્રિયાનો અંત આણ્યો.
જવાહરલાલ નહેરુ પરદેશ હતા ત્યારે ઓક્ટોબર ૧૯૪૯માં બંધારણ સભાએ કાશ્મીર અંગે ચર્ચા કરી એ વખતે વલ્લભભાઈએ પોતાનો અંગત મત દાખવી રાખ્યો. સભાસદોમાં ઉગ્ર વિરોધ હોવા છતાં હંગામી વડાપ્રધાન તરીકે કામ બજાવી રહેલા વલ્લભભાઈએ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપવાની માગણી સ્વીકારી લીધી. વિદાય થતાં અગાઉ જવાહરલાલે મંજૂર કરી હતી તેના કરતાં પણ વધારે છૂટછાટો અને સત્તા કાશ્મીરની સોંપવામાં આવી. કાર્યવાહક વડાપ્રધાન બન્યા તે કાર્યકાળમાં તેમણે અનેક ઐતિહાસિક કાર્યો કર્યા. સ્વાધીનતા પ્રાપ્તિ પછી જરૂરી વસ્તુઓની કિંમત વધતી જતી હતી. ૩૧મી ઓક્ટોબર ૧૯૪૯ના પોતાના ૭૫મા જન્મદિવસના એક "રાષ્ટ્ર કે નામ પ્રસારણ" કાર્યક્રમમાં જાહેરાત કરતા કહ્યું કે, "ઉત્પાદન વધારો, ખર્ચ ઓછો કરો અને નકામા ખર્ચા તો બિલકુલ ન કરો." કેન્દ્રીય મંત્રીઓને બ્રિટિશ સમયથી નિર્ધારિત પગાર આપવામાં આવતો હતો. સરદારે તેમાં ૧૫ ટકાનો ઘટાડો કરી દીધો. સરદાર ભારતના નેતાઓના ખર્ચા પર અંકુશ લાવવા ઈચ્છતા હતા. તેમણે જુદા જુદા વિભાગોમાં ૮૦ કરોડ રૂપિયાની બચત કરી હતી. વર્તમાનમાં ડૂબલા અર્થતંત્રને પાટા ઉપર લાવવા હાલના નેતાઓ દેશહિત માટે સરદારના આ કાર્યને આગળ ધપાવે તો સારુ.
લોર્ડ માઉન્ટબેટને સરદાર વિશે નોંધ્યું છે કે, "માર્ચ ૧૯૪૭માં ભારત જતાં પહેલાં હું સરદાર પટેલના નામથી પરિચિત ન હતો. મને સાવધાન કરવામાં આવ્યો હતો કે તે એક અડિયલ લોખંડી ઇચ્છાશક્તિનો વ્યક્તિ છે. તેમનો સહયોગ મળવો કઠિન હતો. પરંતુ મને તરત જ જાણ થઈ કે તે ખૂબ જ ઉદાર મતના વ્યક્તિ છે. જે હંમેશા મિત્રતાભર્યા, માનવતાભર્યા અને અત્યંત પ્રિય વ્યક્તિ હતા."
૧૫મી ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યા. પોતાના પુત્ર ડાહ્યાભાઇએ ચિતાને અગ્નિ આપ્યો. પરમ તેજસ્વી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના મૃતદેહને અગ્નિના તેજે પોતાનામાં સમાવી લીધા. ભારત આઝાદ થયા પછી ખૂબ જ થોડા સમયમાં દેશના તમામે તમામ દેશી રજવાડાના વિલીનીકરણથી અખંડ ભારત બન્યું તે તેમની સિદ્ધિ છે. જેના વિશે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે. તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદ્રઢ વહીવટી કુનેહને ફાળે જાય છે.
સંદર્ભ : આજના દૈનિક સમાચાર પત્રમાં આવેલ મારા લેખમાંથી સાભાર
જય સરદાર
ReplyDeleteખુબ સરસ લખો છો સાહેબ!💐
ReplyDeleteખુબ સરસ લખો છો સાહેબ!💐
ReplyDeleteજય સરદાર ..
ReplyDelete