'રામકૃષ્ણ પરમહંસ મિશન' ની સામાજિક સુધારણા પ્રવૃત્તિમાં ભારત ભ્રમણ વખતે સ્વામી વિવેકાનંદ લોકોમાં આત્મવિશ્વાસ, દેશપ્રેમ, ભાઈચારો, માનવસેવા અને અસ્પૃશ્યતા નિવારણનો ઉપદેશ આપતા હતા. તેમણે કલકત્તામાં 'સમગ્ર દ્રષ્ટિએ વેદાંત' ઉપર વ્યાખ્યાન આપતાં કહ્યું કે, 'ઓ ભૂમિના દેવો ! તમારી દુર્બળતાનો એકરાર કરો અને બીજાની દુર્બળતાને ક્ષમા આપી બીજી જાતિઓને ઊંચે લાવો. તેમની ઉપર સહાયતાનો હાથ લંબાવો. તેમને વેદોનો અભ્યાસ કરવા દો. તેમને જગતના બીજા આર્યોની પેઠે આર્યો બનવા દો.એવી રીતે તમે પણ આર્યો બનો.' અન્ય એક વ્યાખ્યાનમાં કહ્યું કે, આપણા નવયુવકો તાકાતવાળા બનવા જોઈએ;ધર્મ પાછળથી આવશે. મારા યુવક મિત્રો સુદ્રઢ બનો, મારી તમને સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને તે સંભળાવવા પડે છે. કારણકે હું તમને ચાહું છું. પગરખું ક્યાં ડંખે છે એ મને ખબર છે. મેં થોડોએક અનુભવ લીધો છે.’ આવા કડવા પ્રવચનોથી ભડકીને એક રૂઢિચુસ્તે તો 'સ્વામી સંન્યાસી નહિં, શુદ્ર છે' એવું કહી દીધું હતું. તેના પ્રત્યુતરમાં મદ્રાસ ખાતે ' મારી સમર યોજના' કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે, 'સમાજસુધારકોના એક મુખપત્રના સામયિકમાં મેં વાંચ્યું કે મને શુદ્ર કહેવામાં આવ્યો છે અને આહવાન ફેંક્યું છે કે એક શુદ્રને સંન્યાસી થવાનો શો અધિકાર છે ? એના જવાબમાં મારે કહેવું છે કે મારા વંશનું મૂળ શોધવા જતાં એક એવો પુરુષ બિરાજતો જણાશે કે જેના ચરણે પુષ્પાંજલિ અર્પણ કરતો દરેક બ્રાહ્મણ મંત્ર બોલે છે यमाय धर्मराजाय चित्रगुप्ताय तै नम: અને જેના વંશજો શુદ્ધમાં શુદ્ધ ક્ષત્રિયો છે.જો તમે તમારા ધર્મશાસ્ત્રોમાં કે તમારા પુરાણોમાં માનતા હો તો આ કહેવાતા સુધારકો જાણી લે કે મારી જાતિએ ભૂતકાળની બીજી સેવાઓ બાદ કરીએ તો પણ સદીઓ સુધી અર્ધા ભરતખંડ ઉપર રાજ કર્યું છે. જો મારી જાતિને ગણતરીમાં બાદ રાખો તો ભારતની આજની સંસ્કૃતિમાંથી બાકી શું રહેવાનું છે ? એકલા બંગાળમાં મારા જ લોહીના સગાઓએ મહાન મહાન તત્વવેતા, મહાનમાં મહાન કવિ, મહાન મહાન ઇતિહાસકાર, મહાન મહાન પુરાતત્ત્વવિદ તથા મહાન મહાન ધર્મ પ્રચારકો આપેલા છે. ભારતના આધુનિક વૈજ્ઞાનિકોમાં સૌથી મહાન વૈજ્ઞાનિક મારી જાતિમાંથી ઊતરી આવેલા છે. મારા નિંદકોએ આપણા પોતાના દેશનો ઇતિહાસ જરાક જાણવો જોઈતો હતો. જાતિવાદનો આ ગંદો વામાચાર દેશનું સત્યાનાશ વાળી રહ્યો છે. તેને છોડી દો.તમે ભારતના બીજા ભાગો હજી જોયા નથી. જ્યારે આપણા સમાજમાં પડેલા વામાચારોનો સડો હું જોઉં છું ત્યારે સંસ્કૃતિની આટલી બધી બડાશો મારવા છતાં મને અહીં રહેવું શરમજનક લાગે છે. હું મારા રાષ્ટ્રને ખાતર આ અધોગતિ સામે પોકાર ઉઠાવું જ છું. હવે બસ કરો, આ બધાં છાનપગતિયાં છોડી દઈને માનવતાવાદી બનો.'
આવા જ્ઞાની મહાપુરૂષોના વિચારોને આત્મસાત ન કર્યા એટલે આપણાં બધા દુ:ખો અને આપણી બધી અધોગતિને માટે આપણે ખુદ પોતે જ જવાબદાર છીએ. ઉચ્ચ કુલીન પૂર્વજોએ આપણા દેશની સામાન્ય જનતાને પગ તળે કચડતા જ આવ્યા. અંતે એ બિચારા નિરુપાય બન્યા. તેઓ આ ત્રાસ તળે લગભગ ભૂલી જ ગયા કે પોતે મનુષ્ય છે. એ લોકોને સૈકાઓ થયાં ફરજિયાત રીતે અમુક કામ કરવાની ફરજ પાડવામાં આવી. આ લોકોની માન્યતા એટલી હદ સુધી ઊંડી ઉતરી ગઈ કે લોકો જન્મથી જ એવું માનતા થઈ ગયા કે પોતે ગુલામ તરીકે જન્મ્યા છે. અત્યારના સમયની આપણી કેળવણી અંગેની બધી મોટી મોટી વાતો છતાં જો કોઈ તેમને માટે સહાનુભૂતિનો એક શબ્દ સરખો કાઢે તો આપણા સારા કહેવાતા માણસો પણ આ બિચારા કચડાયેલા લોકોને ઊંચે લાવવાની ફરજમાંથી તરત જ પાછા હઠે છે. એટલું જ નહીં, પરંતુ એ પણ જોવા મળે છે કે ગરીબો ઉપર પશુતા અને જુલ્મ વધુ ગુજારવા માટે વંશ પરંપરાગત સંસ્કારોને આગળ ધરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ જેવી મહાન તેજસ્વી પ્રતિભાસંપન્ન વ્યક્તિ માનવજાત વચ્ચે ક્યારેક જ પ્રગટે છે. એમનું વ્યક્તિત્વ બહુમુખી હતું. અતિતીક્ષ્ણ બુદ્ધિચાતુર્ય, ઉદાર હૃદય અને શક્તિશાળી વિચાર શક્તિ ધરાવતા આધ્યાત્મિક માનવનું સમગ્ર જીવન દેશ, યુવા અને સમાજના ઉદ્ધાર માટે જ નિર્માયું હતું. યુવાશક્તિના પ્રેરક સ્વામીજી ભારત માટે જ નહીં, પણ વિશ્વ માટે એક અનુકરણીય આદર્શ હતા. પોતાની અદ્વિતીય પ્રતિભા, જ્ઞાન, આદર્શ, વિવેક, સંયમ જેવા ચારિત્રિક ગુણોની સાથે સાથે ધર્મ તથા દર્શનની વ્યાખ્યા કરવાવાળા એક એવા ભારતીય આધ્યાત્મિક પુરુષ હતા જેના પર સમસ્ત ભારતવર્ષને હંમેશા ગર્વ રહેશે.
એ ભૂલવું ન જોઇએ કે આપણે પણ જગતને એક મહાન બોધપાઠ શીખવવાનો છે. ભારતની બહારના વિશ્વ સિવાય આપણે ચાલે એમ નથી. આપણે ચલાવી શકશું એમ ધારીએ તે આપણી મૂર્ખાઈ છે અને એનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. દેશની બહાર જઈને બીજી પ્રજાઓ સાથે આપણે તુલના કરી નહીં અને આપણી આસપાસ રહેલો ધર્મ,જાતિ પ્રત્યેનો દ્વેષભાવ એ ભારતીય માનસના પતનનું એક મહાન કારણ છે. ૨૧મી સદીમાં વિશ્વના દેશો ક્યાંયના ક્યાંય પહોંચી ગયા અને આપણને માનવતાવાદીઓએ વર્ણવાદ અને ધર્મવાદથી ચેતવ્યા છતાં પણ હજી ધર્મવાદ,જાતિવાદના રાજકારણમાં દેશની ઉન્નતિના બાધક તેમજ આપણું ભવિષ્ય બરબાદ કરી રહ્યા છીએ. સૌ સાથે મળી ધર્મ,જાત-પાત વગરનું ભારતીયોવાળું રાષ્ટ્ર બનાવીશું ત્યારે ખરા અર્થમાં સ્વામીજીની જન્મ જયંતી ઉજવી સાર્થક ગણાશે. ૧૮૯૩માં અમેરિકાના શિકાગોની વિશ્વ ધર્મસભામાં વિવિધ ધર્માચાર્યૉ અને ધર્માધ્યક્ષોની સામે 'માય બ્રધર એન્ડ સિસ્ટર' નું સંબોધન અને માનવતાવાદી ભારતીય ધર્મદર્શન ઉપર આપેલા પ્રવચનથી પશ્ચિમી જગતને પ્રભાવિત કરનાર સ્વામી વિવેકાનંદનો ફાળો અવિસ્મરણીય રહેશે.
સંદર્ભ : આજના દૈનિક સમાચાર પત્રમાં આવેલ મારા લેખમાંથી સાભાર
Comments
Post a Comment