ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના આંદોલનમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ સિવાય યોગદાન આપનાર શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ ૬ઠ્ઠી જુલાઈ ૧૯૦૧માં કલકત્તાના અંગ્રેજનિષ્ઠ સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. શ્યામાપ્રસાદના પિતા આશુતોષ મુખરજી અંગ્રેજ સરકાર અને બંગાળના બ્રિટિશ ગવર્નર સાથે સારો ઘરોબો ધરાવતા હોવાથી ભણતરની કારકિર્દી પણ સારી બની. પિતાના મૃત્યુ બાદ ૩૩ વર્ષની ઉંમરે ૧૪ વર્ષ સુધી એમણે પણ કોલકાતા યુનિ.ના ઉપકુલપતિનું પદ શોભાવ્યું. દેશના સૌથી નાની વયના ઉપકુલપતિ બન્યા. એક વિચારક તથા પ્રખર શિક્ષાવિદ તરીકે એમની પ્રસિદ્ધિ આગળ વધતી ગઈ. જ્યારે કલકાત્તા યુનિવર્સિટીના ઉપકુલપતિ પદેથી નિવૃત્ત થયા ત્યારે એમને ડૉકટરેટની માનદ પદવી એનાયત કરી સન્માન આપ્યું હતું. દેશની રાજનૈતિક દૂર્વ્યવસ્થા તેમને રાજકીય ક્ષેત્રમાં આવતાં રોકી ન શકી. ૧૯૨૬માં કોંગ્રેસ ઉમેદવાર તરીકે કલકત્તા વિશ્વવિદ્યાલય મતક્ષેત્રમાંથી વિધાનસભામાં ચૂંટાયા અને ૧૯૩૦માં કોંગ્રેસે બહિષ્કાર કર્યો તેથી તેમણે રાજીનામું આપી દીધું. થોડા દિવસો પછી તેઓ વિશ્વવિદ્યાલયના હિતોની રક્ષા માટે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા. ૧૯૩૯માં સાવરકરથી પ્રભાવિત થઈને હિંદુ મહાસભામાં જોડયા. મુસ્લિમ લીગને મળતી એ વખતે હિંદુઓની મુખ્ય કોમી સંસ્થા હિંદુ મહાસભા હતી. મુસ્લિમ લીગની પેઠે એય ઉગ્રપણે કોમી સંસ્થા જ હતી, પણ રાષ્ટ્રીયતાની કેટલીક ભાષા વાપરીને તે પોતાની અત્યંત સંકુચિત દ્રષ્ટિને છાવરવાનો પ્રયત્ન કરતી. સરદાર પટેલે તો કડક શબ્દોમાં કહ્યું હતું કે, 'હિંદુ મહાસભા જ હિન્દુત્વની એકમાત્ર રક્ષણહાર છે તેવું સમજતી હોય તો તે ખોટું છે.' આવી કટ્ટર, કોમવાદી હિંદુ મહાસભાના આ આગેવાને બંગાળમાં મુસ્લિમ લીગ સાથે પોતાની નીતિઓને અમલમાં મૂકવા માટે મુસ્લિમ લીગને સાથ આપ્યો. ૧૭ ડિસેમ્બર ૧૯૪૧ના રોજ મુસ્લિમ લીગી ફઝલુલ હક્કના મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. શ્યામાપ્રસાદના સિરે નાણામંત્રીનો તાજ આવ્યો. બંગાળમાં ફઝલુલ હક્ક સાથે મળીને ગાંધીના 'હિંદ છોડો' આંદોલન નિષ્ફળ કેમ બનાવવું એનું સૂચન કરતો પત્ર પણ ૨૬ જુલાઈ ૧૯૪૨ના રોજ બ્રિટિશ ગવર્નરને લખ્યો હતો.
બિન કોંગ્રેસી હોવા છતાં પણ જવાહરલાલ નહેરુએ સ્વતંત્ર ભારતના પહેલા મંત્રીમંડળમાં સ્થાન આપ્યું હતું. તેઓ તાનાશાહી અને નાયકવાદી પ્રવૃત્તિઓના વિરોધી હતા. આઝાદી પછી કૉંગ્રેસની બહુમતી અને નબળા વિપક્ષને કારણે તત્કાલિન સરકારની નાયકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કર્યો હતો. તેઓ માનતા હતા કે લોકશાહી માટે મજબૂત વિપક્ષની આવશ્યકતા છે. લોકશાહીમાં વિરોધ પક્ષની ભૂમિકા કેવી ને કેટલી રચનાત્મક હોવી જોઇએ તે વાત એમણે લોકસભામાં સરકારને સંબોધીને કહ્યું હતું કે, 'અમે આપને સહકાર આપવા ઈચ્છીએ છીએ. આપણે કોઈ સામે બેઠેલા શત્રુ નથી. અમે માનીએ છીએ કે દેશનો વિકાસ થવો જોઇએ એમ એય જાણીએ છીએ કે આર્થિક સ્વતંત્રતા અને સામાજિક સમતા વગર રાજકીય સ્વતંત્રતા નિરર્થક પુરવાર થાય છે. આપણામાં આ માટે સહિષ્ણુતા અને બીજાના દૃષ્ટિકોણને સમજવાની ક્ષમતા હોવી જોઈએ.' તેઓ એ પણ માનતા હતા કે દેશનો સર્વાંગી વિકાસ ત્યારે સંભવ છે જ્યારે દેશમાં શાંતિ, સમાનતા અને એકતા હોય. કંઈક કરી જવાની ભાવના ત્યારે જ થાય છે જયારે દેશ પોતાની સ્વતંત્રતા પ્રત્યે સચેત હોય અને ભારત જેવા વિવિધતા વાળા દેશમાં જ્યાં ભૂખમરો, ગરીબી, અજ્ઞાનતા, મહામારીની સાથે સાથે સામાજિક કુરિવાજો પણ પ્રબળ હોય ત્યાં ઉદ્યોગપતિ અને શ્રમિક વર્ગ વચ્ચે તાલમેલ અત્યંત આવશ્યક છે.
૧૯૪૭માં મહાબોધિ સોસાયટીના અધ્યક્ષ રહેલા શ્યામાપ્રસાદે આધુનિક ભારતના નિર્માણમાં મહત્વનું પ્રદાન આપવા છતાં આઝાદી પછીના વર્ષોમાં એમના ચેલકાઓએ ફક્ત રાજનીતિ માટે જ ઉપયોગ કર્યો છે. હિંદુ મહાસભાના નેતા હોવાથી હિંદુત્વવાદી તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો છે. આ ચેલકાઓને એ ખબર નહીં હોય કે એમને હિંદુ મહાસભા સાથે પણ ઘણા મતભેદો હતા. તેમણે હિંદુ મહાસભાને એક જ ધર્મની ન માનીને સાર્વજનિક કરવાની સલાહ આપતાં કહ્યું કે બિન હિંદુને પણ હિંદુ મહાસભામાં લેવામાં આવે એવા આગ્રહને સાવરકરવાદીઓએ ફગાવી દીધો ત્યારે એમણે હિન્દુ મહાસભાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા પછી આરએસએસના સરસંઘચાલક ગુરુજીની સાથે રહી તેમના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ ભારતીય જન સંઘની સ્થાપના કરી હતી જે આજે ભારતીય જનતા પાર્ટી નામે ઓળખાય છે.
૨૬ ઑક્ટૉબર ૧૯૪૭ના રોજ જમ્મુ અને કાશ્મીરના વિલીનીકરણ પત્ર ઉપર મહારાજા હરિસિંહે હસ્તાક્ષર કર્યા અને ૨૭ ઓક્ટોબરે લોર્ડ માઉન્ટબેટન દ્વારા વિલય પ્રસ્તાવ સ્વીકાર કર્યો તેના પરિણામ સ્વરુપ જમ્મુ અને કાશ્મીર રાજ્ય ભારતનું એક અભિન્ન અંગ બની ગયું. વિલય પત્ર પ્રમાણે રાજ્યના શાસકે પોતાના રાજ્યને ત્રણ વિષયોમાં ભારતમાં વિલય કર્યું હતું. આ ત્રણ વિષયો હતા : સુરક્ષા, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર. અન્ય દેશી રાજ્યો અથવા રજવાડાં શરૂઆતમાં ત્રણ વિષયોમાં વિલીન થયાં હતાં. પરંતુ ત્યાર પછી તેમણે ભારતના બંધારણનું પૂર્ણ રૂપે સ્વીકાર કરી લીધો અને તે સંપૂર્ણપણે ભારતીય બંધારણ નીચે આવી ગયાં. પરંતુ વિશિષ્ટ અને વિષમ પરિસ્થિતિઓને કારણે જમ્મુ અને કાશ્મીર રાજ્ય પૂર્ણરૂપે ભારતના બંધારણની નીચે આવી શકયું નહીં. ભારત વિલય પહેલાં પણ મહારાજા હરિસિંહના સમયે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં બહારના નાગરીકોને સંપતિ ખરીદવાનો અધિકાર તો નહોતો જ. આવા સંજોગોમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપ્યો હતો. સંઘની પ્રજા પરિષદ અને શ્યામાપ્રસાદ મુખર્જીએ આનો વિરોધ કરી ઉગ્ર આંદોલન માટે તેઓ જમ્મુ અને કાશ્મીર ગયા. ત્યાં એમને પ્રવેશ કરવા ન દીધો. એમની ધરપકડ કરવામાં આવી. મુખરજીને શેખ અબ્દુલાહએ નજરકેદ કર્યા. ૨૨ જૂન ૧૯૫૩ના રોજ સવારના પહોરમાં લગભગ ચાર વાગ્યે મુખરજીને હૃદયરોગનો હુમલો આવ્યો આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું તેમના સાથી વૈદ ગુરુદત્તે તેમને લવિંગ તથા મોટી ઈલાયચી પાણીમાં ઉકાળીને પાણી પીવડાવ્યું જેનાથી થોડો આરામ થયો. સાંજે ચાર વાગ્યા સુધી તેમની સ્થિતી એકંદરે ઠીક હતી. રાતે અગિયાર વાગ્યે બેચેની થઈ એમને ઓક્સિજન આપવામાં આવ્યો. લગભગ એક વાગ્યે હૃદયમાં પીડા ઊપડી અને તે અત્યંત બેચેન થઈ ગયા અને ૩:૪૦ મિનિટે હૃદય બંધ થઈ ગયું. 'ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી ઔર કાશ્મીર સમસ્યા' પુસ્તકમાં સ્વાસ્થ્ય સારું રહેતું નહોતુ એટલે મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરતી નોંધ જોવા મળે છે કે, 'કોઈક દિવસ આ દર્દ ઘાતક નીવડશે અને મારી હૃદયગતિ બંધ થઈ શકે છે.' આમ, કેદીના રૂપમાં શ્રીનગર ખાતે ૨૩મી જૂન ૧૯૫૩ના મૃત્યુ થયું.
શ્યામાપ્રસાદ દેશના એક એવા નેતા હતા કે જેમણે આઝાદી સમયે દેશની અનેક સમસ્યાઓના ઉકેલ માટે પોતાનું યોગદાન આપ્યું હતું. દેશના શૈક્ષણિક, આર્થિક, ધાર્મિક, સામાજિક, સંરક્ષણાત્મક, ઔદ્યોગિક એમ વિવિધ ક્ષેત્રના વિકાસ માટે એમનું ચિંતન ખૂબ ઉપયોગી પુરવાર થયું હતું. જમ્મુ-કાશ્મીર, પંજાબ, પશ્ચિમ બંગાળ ભારતના અભિન્ન અંગ બની રહે તે માટેનું તેમણે રાજકીય આંદોલન કર્યું પણ એક દેશ, એક નિશાન, એક પ્રધાન માટે આંદોલન કરનાર પોતાની જ માતૃસંસ્થામાં લાગુ ન કરાવી શક્યા. જમ્મુ અને કાશ્મીરમાં જેમ અલગ ધ્વજ અને અલગ બંધારણ લાગુ હતું એમ સંઘ આજેય પોતાનો અલગ ધ્વજ ફરકાવીને દેશભક્તિની રાજનીતિ રમે છે. જાતિ, સમાજ, સંપ્રદાય, ધર્મ અને પ્રાંતના ભેદ ભૂલીને આપણે દેશસેવામાં લાગી જવું જોઈએ. વર્તમાન ભલે ગમે તેવો અંધકારમય કેમ ન હોય ભવિષ્ય ઉજ્જ્વળ તથા મહાન બનાવવા ભારતને માટે કાર્ય કરવું જોઈએ.
સંદર્ભ : 'જનલોક' સમાચાર પત્રમાં છપાયેલ મારો લેખ
Comments
Post a Comment