Skip to main content

ભારતનો એક રહસ્યમય અનંતયાત્રી : નેતાજી સુભાષચંદ્ર બોઝ

 

                  ૧૯૧૬ના વર્ષમાં પ્રેસિડેન્સી કોલેજના ઈ.એફ.ઓટન નામના એક અંગ્રેજ પ્રોફેસરે તેમના વર્ગખંડ પાસેના કોરિડોરમાં એકત્ર થયેલા કેટલાક વિદ્યાર્થીઓની ખલેલથી ધૂંધવાઈને તેમને બળપૂર્વક દૂર હડસેલી દીધા. વિદ્યાર્થીઓએ માંગણી કરી કે પ્રોફેસર તેમની માફી માંગે પણ પ્રોફેસરે માફી માંગવાની ના પાડી એટલે કોલેજમાં સામાન્ય હડતાલ પડી. એ દિવસોમાં પ્રેસિડેન્સી કોલેજમાં હડતાળનો બનાવ એ એક અકલ્પીય બાબત હતી.હડતાળિયા વિદ્યાર્થીઓના એક નેતા તરીકે સુભાષને ચેતવણી આપવામાં આવી. પણ તેઓ અડગ જ રહ્યા. સદભાગ્યે એ પ્રોફેસરમાં શાણપણ આવ્યું અને વિદ્યાર્થીઓ સાથેના સંઘર્ષનો તેમણે સુમેળ અંત આણ્યો. પણ મોટી કમનસીબી એ થઈ કે પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં માટે જે દંડ ફટકાર્યો હતો તે પાછો ખેંચવાનો તેમણે સાફ ઈન્કાર કરી દીધો. પ્રિન્સિપાલના આ નિર્ણયથી ઉશ્કેરાઈ બીજી ઘટના વજ્રઘાત સમાન બની. વિદ્યાર્થીઓએ કાયદો હાથમાં લીધો પ્રો. ઓટનને લોહીલુહાણ થઈ જાય એટલો સખ્ત માર મારવામાં આવ્યો. સરકારે કોલેજ બંધ કરી તપાસ માટે કમિટી ઓફ ઈન્ક્વાયરીની રચના કરી. કોલેજની આવી ગૂંચવણભરી પરિસ્થિતિને કારણે પ્રિન્સિપાલે સરકાર સામે દલીલ કરી એટલે તેમને સસ્પેન્શનમાં રાખવામાં આવ્યા. પણ પોતાનો કાર્યભાર બીજાને સોંપતા પહેલા તેમણે કાર્યવાહી કરી પોતાની 'કાળી યાદી' માં નોંધેલા સુભાષ સહિત બધાને બોલાવ્યા અને ગરજતા અવાજે કહ્યું, સુભાષ આ કોલેજમાં તમે જ ઉપદ્રવી વ્યક્તિ છો, હું તમને સસ્પેન્ડ કરું છું. સુભાષે એટલો જ ઉત્તર આપ્યો કે, તમારો આભાર. ગવર્નિંગ બોડીએ આ હુકમને સમર્થન આપ્યું અને તેમને કોલેજમાંથી બરતરફ કરવામાં આવ્યા. સુભાષે અન્ય કોલેજમાં ભણવા યુનિવર્સિટી સમક્ષ વિનંતી કરી પણ મંજૂર રાખવામાં આવી નહીં. ઇન્કવાયરી કમિટીના સભ્યો દ્વારા સુભાષનું નામ અલગ તારવીને તેમનું ભાવિ બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે ૧૯૧૯માં ફિલસુફી વિષયમાં બી.એની પદવી પ્રથમ વર્ગ ઓનર્સ સાથે મેળવી હતી એટલું જ નહીં સનદી સેવાની પરીક્ષા ગુણવત્તાના ક્રમમાં ચોથા સ્થાને અને અંગ્રેજી લેખનમાં પ્રથમ સ્થાને આવી મુખ્ય વહીવટી અધિકારી તરીકે મળતા પગારની અડધી રકમ દેશસેવા માટે દાનમાં આપતા અને જ્યારે પિતાશયની ખરાબી દૂર કરવા વાઢકાપ માટે દેશાવરમાં સ્વજનોથી દૂર જવાનું હોવાથી આખરી સંદેશ એક કાગળ પર લખી દીધો હતો : મારી સંપત્તિ, મારા દેશ બાંધવો માટે.


                  ભારતમાં સમાજવાદી પ્રજાસત્તાકનું સપનું સેવતા સુભાષે સમાજવાદી કાર્યક્રમ આધારિત કિસાનો અને મજુરોના સંગઠનોની રચના, કઠોર શિસ્ત પાળતા સ્વયંસેવક દળોના રૂપમાં યુવા સંગઠનોનું નિર્માણ, જ્ઞાતિપ્રથાનો ત્યાગ અને દરેક રીતની સામાજિક, ધાર્મિક અંધશ્રઘ્ધાઓનું ઉન્મૂલન કાર્ય, આપણા દેશની સ્ત્રીઓ રાષ્ટ્રીય સંદેશ સ્વીકારે અને નવા કાર્યક્રમો ને સિદ્ધ કરવામાં સહાય કરે તે માટે સ્ત્રી સંસ્થાઓનું સંગઠન, વિદેશી માલના બહિષ્કાર માટે ઘનિષ્ઠ કાર્યક્રમ, નવી વિચારધારા અને નવા કાર્યક્રમના પ્રચાર અર્થે સાહિત્યનું નિર્માણ વગેરે જેવી પ્રવૃત્તિઓએ બ્રિટિશરોની ઊંઘ હરામ કરી દીધી હતી માટે કેદ કરવામાં આવ્યા. જેલમાં આમરણ ઉપવાસ શરુ કર્યા એટલે છોડી દીધા પણ તેમને ઘરમાં જ નજરકેદ રાખ્યા. સુભાષનો જીવ કચવાયો તેમણે છૂપી રીતે ઘર છોડી ભાગી જવાનું નક્કી કર્યું. ભાગી છૂટવાની યોજના ઘડવા માટે બે વ્યક્તિ બોલાવ્યા એક તેમના યુવાન ભત્રીજા શિશિર અને બીજા એમના નિકટના સાથી મિયાં અકબર શાહ જે પેશાવરના ફોરવર્ડ બ્લોક જૂથના નેતા હતા. નેતાજીએ વીમા કંપનીના પ્રવાસી ઇન્સ્પેક્ટર તરીકે પર્વતીય વિસ્તારના મુસ્લિમ વેશમા મોહમ્મદ ઝિયાઉદ્દીનનું નામ ધારણ કરીને પોતાની સફર શરૂ કરી હતી. પછી પેશાવર પહોંચી પઠાણ વેશ લીધો તેમના મિત્ર આબાદખાને પઠાણોના સામાજિક રીત-રિવાજોથી માહિતગાર કર્યા, જેથી સામાજિક વ્યવહાર અને વાણી-વર્તનમાં તેઓ ઊણા ન ઉતરે. સુભાષે પૂરેપૂરો પઠાણી પોષાક ધારણ કરી લીધો હતો. હવે તેઓ વીમા એજન્ટ મટી ભગતરામના બહેરા મૂંગા ભાઈ બની ગયા હતા. આ બહેરા મૂંગાના ઈલાજ માટે તેમને એક પવિત્ર ધર્મસ્થાને જઈ પછી ત્યાંથી કાબુલ લઈ જવાના હતા. કાબુલમાં લાહોરી ગેટ પાસેની સરાઈમાં જ્યાં રહ્યા હતા તે ગાળામાં સુભાષે પોતે બહેરા મૂંગાનો ઢોંગ ચાલુ રાખ્યો હતો. ત્યારબાદ તેમણે બર્લિનમાં ફ્રી ઇન્ડિયા સેન્ટરની સ્થાપના કરતાં કહ્યું કે, ઘડી આવી પહોંચી છે અને એક રાષ્ટ્રપ્રેમી હિન્દી યુદ્ધના મેદાન તરફ આગળ વધવાનું છે. સ્વાતંત્ર્યના ચાહક હિન્દીઓનું લોહી જ્યારે વહેતું થશે ત્યારે જ હિંદને તેનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થશે. આઝાદ હિંદ ફોજના સર્વોચ્ચ કમાન્ડર તરીકે સંબોધતાં કહ્યું કે, શસ્ત્રોની તાકાતથી અને લોહીના બલિદાનથી સ્વાતંત્ર મેળવવું જ રહ્યું. પછી હિંદ સ્વતંત્ર બનશે ત્યારે સ્વતંત્ર હિન્દના કાયમી લશ્કરનું સંગઠન કરવાનું આવશે અને આપણી સ્વતંત્રતાના હંમેશના રક્ષણની કામગીરી ઉપાડી લેવાની રહેશે. આપણે આપણા રાષ્ટ્રીય સંરક્ષણની એવા અડગ પાયા પર વ્યવસ્થા કરીએ કે આપણા ઇતિહાસમાં ફરી ક્યારે આપણે આપણું સ્વાતંત્ર્ય ખોવાનો વારો ન આવે.

                 ૧૫મી ઓગસ્ટ,૧૯૪૫ના રોજ નેતાજીને હબીબ-ઉર-રહેમાન, એસ.એ.નાયર, આબિદ હસન, દેવનાથ દાસ અને બીજાઓની સાથે ટોક્યો પહોંચવાનું હતું. વિમાન મારફતે તેઓ ટોકિયો જવા રવાના થયા અને વચમાં બેંગકોક અને સાઈગોનમાં રોકાણ કર્યું. સાઈગોનમાં નેતાજીને કેટલાક જાપાની લશ્કરી અધિકારીઓને ટોક્યો લઈ જતા એક ભારે જાપાની બોમ્બર વિમાનમાં સાથે લઈ લેવામાં આવ્યા. એ વિમાનમાં વધારાની એક જ બેઠક ખાલી હોવાથી નેતાજીએ હબીબ-ઉર-રહેમાનને પોતાની સાથે લઈ બીજાઓ પાછળના વિમાનમાં આવે તેમ ગોઠવ્યું હતું. પણ ૨૩મી ઓગસ્ટે ૧૯૪૫ના દિવસે ટોકિયો રેડિયો પરથી એવી જાહેરાત કરવામાં આવી કે તાઈહોકુ એરપોર્ટ પર ઉડાન લેતા જ એ વિમાન તૂટી પડયું હતું એ દુર્ઘટનામાં જાપાનના જનરલ શીડી, વિમાન પાયલોટ અને લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે નેતાજી ઘણા દાઝી ગયા હોવાથી ગંભીર ઈજા પામ્યા છે. એ અહેવાલમાં વધુમાં એમ જણાવ્યું હતું કે તાઈહોકુ લશ્કરી હોસ્પિટલમાં તે જ રાત્રે નેતાજીનું અવસાન થયું હતું. હબીબ-ઉર-રહેમાનના કહેવા પ્રમાણે નેતાજીના પાર્થિવદેહને તાઈહોકુમાં અગ્નિદાહ દેવામાં આવ્યો અને તેમનો અસ્થિફુલ જાપાન લઈ જઈ ટોકિયોના પરામાં આવેલા રેન્કોજી દેવળમાં તે સંગ્રહિત કરવામાં આવ્યાં. ભારતમાં ઘણા લોકો તેમના અવસાનના આ અહેવાલને હજીયે શ્રદ્ધેય ગણવા તૈયાર નથી. વર્તમાનની કેન્દ્ર સરકારે નેતાજીની ૧૨૫મી જન્મ જયંતિ નિમિત્તે ૨૦૨૧થી ૨૩, જાન્યુઆરીને પરાક્રમ દિવસ મનાવવાની શરુઆત કરી છે. 
                 એક માનવી, ચિંતક તરીકે નેતાજી નવું દર્શન શોધતા હતા. માનવીય બાબતોમાં એક નવા નીતિ ધર્મની તેમની ખોજ હતી. વર્તમાન જગતના ઇતિહાસના તેઓ સાચે જ એક વિરલ વ્યક્તિ હતા. પોતાનો પૂર્ણ એકાંતિત સમર્પણભાવ, પ્રતિકારની હિંમત, સાહસભર્યું બલિદાન અને કોઇપણ રીતના સમાધાન કે આત્મવંચના માટે લગીરે અવકાશ ન રહે એ રીતે પોતાના ઉમદા હેતુ માટે ત્યાગ એ બધું તેઓ પોતાના દેશ બાંધવોને હૃદયમાં જગાડવા ચાહતા હતા. એ કામમાં તેઓ ઘણે અંશે સફળ રહી પ્રખર નેતૃત્વ પૂરું પાડ્યું અને એટલે જ પોતાના સમય કરતાં ઘણી વહેલી વિદાય લીધી તો પણ તેમના વિચારો અને કાર્યોનો વારસો વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે ટકી રહેશે જ. 

સંદર્ભ : દૈનિક સમાચાર પત્રના મારા લેખમાંથી સાભાર....




Comments

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...