આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને પોતાની બહેન હોલિકાના ખોળામાં બેસાડી અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા પાસે એક એવી ઓઢણી હતી કે એ ધારણ કરે તો અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાના મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ ગઈ આથી હોલિકા અગ્નિમાં બળીને ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ બચી ગયો. આમ, હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.
ભારતીય તિથિ પ્રમાણે દર વર્ષે ફાગણ માસમાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી-ધૂળેટી. રંગોનું આ પર્વ ભારત પુરતું સિમીત નથી,વિદેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ફાગણના આ પર્વને ‘રંગોત્સવ’ તરીકે ઓળખાવી એનો મહિમા ગાયો છે. કોઈ અજ્ઞાત કવિએ વર્ણન કરતા લખ્યું છે કે, પ્રકૃતિ રંગોનું પાનેતર પહેરીને નવોઢાની જેમ શણગાર સજે છે. વસંતઋતુના આગમનથી સોળે કળાએ ખીલી ઉઠેલા રંગબેરંગી ફૂલો. એ ફૂલોની આસપાસ ઉડતાં રંગબેરંગી પતંગિયાં, પીળા રંગમાં રંગાઈ ગયેલાં વૃક્ષોનાં પાંદડાં, સોનેરી સુર્ય, સફેદ ચમકતો ચાંદ, આકાશમાં ઝગમગતા તારલા, જયાં જયાં નજર ફરે ત્યાં ત્યાં રંગોનું જ સામ્રાજ્ય..!!! પ્રકૃતિનું આ સુંદર, મનોહર અને લોભામણું રૂપ જોઈને હૈયામાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસની હેલી ઉઠે..!!
આ સમયે વસંતઋતુનાં વધામણા કરવામાં આવે છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. પ્રકૃત્તિમાં પુષ્પોનો પમરાટ અને માદકતા છવાઈ જાય છે. નગારાની થાપ સાથે ગવાતો ફાગણીયાને સંભાળવા અને ધુળેટીના રંગોમાં રંગાવા યુવાન નર-નારીઓ તૈયાર થઈ જાય છે. અરે... ભારતમાં ધુળેટી સિવાય બીજો કયો તહેવાર છે ? જેમાં યુવાન અને યુવતી એકબીજાને સ્પર્શી શકે..!! થોડીક છૂટછાટ લઈ શકે..!! પ્રિયતમા જાણે કહેતી હોય : "રંગવા આવે ત્યારે રંગ લઇને, નઈ આવે તો ચાલશે. તારો હાથ અડાડજે ગાલને, હું લાલ-લાલ થઇ જઈશ..!!" આ જ તો છે વસંતોત્સવ..!!
પહેલાંના સમયમાં આ દિવસ લોકો ધૂળ સાથે કેસૂડાના ફૂલના રસથી બનેલા રંગનો ઉપયોગ કરતાં હતાં અને રંગોત્સવ પર અબીલ ગુલાલથી હોળ રમતાં હતાં. વર્તમાન સમયમાં આનું રૂપ બદલાય ગયું છે, આજે આ ઉત્સવ નવરંગી રંગોથી મનાવે છે. આમ જોવા જઈએ તો દરેક રંગની ખાસિયત, એની વિશેષતા, એનું કાર્ય અને પ્રકૃતિ એકબીજાથી ખૂબ અલગ પડે છે. પરતું બધા રંગ ભેગા થાય તો જ રંગોળી કે મેઘધનુષ બને છે, જે નયનરમ્ય હોય છે. રંગો એક અદભુત સર્જન છે. જીવનને રંગીન બનાવવાનો ઉપદેશ આપતા રંગોની અમૂલ્ય ભેટ પ્રત્યે આભાર વ્યક્ત કરવા રંગોત્સવ મનાવાતો હશે.
સારે શિકવે ગિલે, ભૂલ જાયેંગે હમ
ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ
પ્યાર કે રંગ મેં, બસ નહાયેંગે હમ
ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ
સુપ્રસિદ્ધ કવિયત્રી મુમતાઝ નસીમના કાવ્યની આ પંક્તિઓ જીવનને રંગીન બનાવવા પ્રેરણા પૂરી પાડે છે. આ તહેવાર જીવનને રંગમય કરવા અને વીતેલી દુ:ખદ વાતોને ભૂલવા માટે છે, એકબીજાને હૃદયથી મળવા માટે છે. જગતના દરેક વ્યક્તિનું જીવન ઘણું ઉતાર ચઢાવવાળું હોય છે પણ જીવનમાં ઘટેલી એકરંગી ઘટનાઓને ભૂલી, શેષ જીવન રંગબેરંગી બનાવવા આ પર્વ આપણને ઉપદેશ આપે છે. જગતમાં જે રંગીન છે, એ જ રળિયામણું છે. જરા વિચારી જુઓ કે જો રંગ ના હોત તો દુનિયા કેટલી બેરંગ, બદસૂરત અને બિહામણી હોત..!! રંગો જ દુનિયાને ખુબસુરત, નયનરમ્ય અને રમણીય બનાવે છે. રંગોની એક અનોખી ભાષા હોય છે. દરેક રંગ એકપણ શબ્દ બોલ્યા વગર ઘણું બધું કહી જાય છે. રંગોમાં લાગણી છે, ઉમંગ છે, ઉત્સાહ છે અને ઉદાસી પણ. એ જાણવાની અને પામવાની તક ઓળખવી જોઈએ. રંગો હાથમાં લઈએ ત્યારે જાણે મેઘધનુષ હાથમાં રચાઈ ગયું હોય તેવો અહેસાસ થાય છે. પતંગિયાની પાંખોમાં ઢોળાઈ ગયેલા રંગોને જાણે ખભા ઉપર લઈને ચાલવાની અનુભૂતિ થાય છે. વર્ષાઋતુમાં કળા કરતા મોરના મોરપીંછથી માંડીને આકાશમાં રચાતા મેઘધનુષને જોઈ લો. દરેક જગ્યાએ રંગની પીંછી ફરેલી છે એટલે એ રળિયામણું લાગે છે. કુશળ ચિત્રકારે સૃષ્ટિના કણ કણમાં રંગની રસધારા ભરી છે. આમ, રંગમયી પ્રકૃતિને માણવા તેમજ ગમતી વ્યક્તિના જીવનને રંગવાનું આ પર્વ છે. એક જમાનો હતો. જ્યારે દુરદર્શનથી માંડીને મોટરકારો સુધી બધુ જ બ્લેક એન્ડ વ્હાઈટ હતું. એ જમનો સ્મૃતિ પુરતો જ રહી ગયો છે. આજે જગત આખું રંગીન થઈ ગયું. મનુષ્યાત્માને રંગબેરંગી જ ગમે છે, એમ જીવન રંગબેરંગી હશે તો જ સ્વયંને ગમશે માટે જીવનને રંગીનમય બનાવી જીવો.
રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમની વાતો સમગ્ર બ્રહ્માંડમાં તેજકિરણો પ્રસરાવે છે જે સજીવ સૃષ્ટિમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે. મને ડૉ.કુમાર વિશ્વાસની એક પંક્તિ યાદ આવે છે કે,
કૃષ્ણ મિલે રાધા સે,
જ્યોં હી રંગ ઉડાતે અલિયો મેં.
સમય સ્વયં ભી ઠહર ગયા તબ,
ગોકુલ વાલી ગલિયો મેં.
હર ગંગા જમુના સે,
લિપટે લંબે વૃક્ષ તમાલ કે.
જીસને મૃદ ચૂંબન લે ડાલે,
હર ગોરી કે ગાલ કે.
હોલિકા કે અવસર પર,
જાગે ભાગ ગુલાલ કે..!!
પ્રેમ, હૂંફ, સાથ, સહકાર વગેરે જેવા રંગોથી પ્રિયજન અને મિત્રોના ચહેરાઓને રંગબેરંગી બનાવીને જીવનમાં ખુશીઓ અને આનંદના રંગો ભરીએ.
સૌને રંગોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સંદર્ભ : મારા લેખમાંથી સાભાર..👇🏻
સરસ
ReplyDeleteNice
ReplyDeleteખુબ સરસ લેખ લખવા બદલ અભિનંદન પણ હોલીકાનુ બીજું પાસુ પણ લખ્યું હોત તો સારું! ગુલામગીરી વાળુ
ReplyDeleteજી
Delete😊