પેન્શન યોજના ૧૮૮૧માં લાવવામાં આવી હતી ત્યારે તેનો હેતુ એવો હતો કે સરકારી કર્મચારીઓ ઉપર અનેક પ્રકારનાં નિયંત્રણો હોઈ તે નોકરી સિવાય કોઈ અન્ય કામ ધંધો કરી શકતા નથી. એટલે નિવૃત્તિ પછી વૃદ્ધાવસ્થામાં સ્વમાનભેર પાછલી જીંદગી નિકળે એ માટે પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી. જેમાં નિવૃત્તિ લીધા પછી પેન્શનની સુવિધા એટલે કે દર મહિને એક નિશ્ચિત રકમ મળતી. પેન્શનની સંપૂર્ણ રકમ સરકાર દ્વારા આપવામાં આવતી. આ રકમ કર્મચારીના છેલ્લા પગારના ૫૦ ટકા હતી. જો કોઈ કર્મચારી ૧૦ વર્ષની સેવા પછી પણ નિવૃત્ત થાય છે, તો તેને પણ આ જ ફોર્મ્યુલા હેઠળ પેન્શન મળતું. નિવૃત્તિ બાદ ૧૬.૫ મહિનાનો પગાર ગ્રેચ્યુઈટી તરીકે આપવામાં આવતો. નોકરી દરમિયાન મૃત્યુના કિસ્સામાં, ગ્રેચ્યુઇટી ૨૦ લાખ અને આશ્રિતને પણ સરકારી નોકરી મળતી. પેન્શન દરમિયાન મોંઘવારી ભથ્થું પણ મળતું વગેરે જેવી સુવિધાઓ નવી સિસ્ટમ હેઠળ નાબૂદ કરવામાં આવી. આનો અર્થ એ થયો કે ૨૦૦૪ કે ત્યાર બાદ નિમણૂક પામેલા કર્મચારી પેન્શનનો હકદાર નથી.
નવી પેન્શન યોજનામાં કર્મચારીનું યોગદાન કેટલું છે તેના પર પેન્શન નક્કી કરવામાં આવે છે. તેમાં દર મહિને પેન્શન માટે યોગદાન આપવું પડે. નિવૃત્તિ સમયે આ રકમમાંથી ૬૦ ટકા ઉપાડી શકો છો, જ્યારે બાકીના ૪૦ ટકામાંથી વીમા કંપનીનો વાર્ષિકી પ્લાન ખરીદવો પડે અને પછી પેન્શન એમાંથી મળતા વ્યાજના આધારે નક્કી થાય. નવી પેન્શન યોજના હેઠળ ફેમિલી પેન્શન પણ નાબૂદ કરવામાં આવ્યું છે. પેન્શનના નામે પગારમાંથી દર મહિને ૧૦ ટકાની કપાત પણ છે. વાજપેયી સરકારે જૂની પેન્શન સિસ્ટમ નાબૂદ કરી અને નવી પેન્શન સિસ્ટમ લાગુ કરી. જો કે ત્યારબાદ કેન્દ્રએ સ્પષ્ટ કર્યું હતું કે આ વ્યવસ્થા કેન્દ્રીય કર્મચારીઓ માટે છે. રાજ્યોને તેનો અમલ કરવાની ફરજ પાડવામાં આવી ન હતી. પણ પાછળથી એવું જોવા મળ્યું કે ઘણી રાજ્ય સરકારોએ કેન્દ્રની સમાન પેન્શન યોજના પોતાના અધિકારમાં લાગુ કરી.
સમાન બાબતોનું ગઠન એટલે સંગઠન. તે અનેક હેતુ માટે રચવામાં આવતાં હોય છે. સેવા માટે, એકતા માટે, વિરોધ માટે, નિર્માણ માટે, અભિવ્યકિત માટે વગેરે.. આ બધામાં મુખ્ય બાબત છે સમાન ઉદ્દેશ્ય. જ્યારે કોઈ ચોકક્સ ઉદ્દેશ્ય માટે જૂથ કામ કરતું હોય એને સંગઠન કહી શકાય. આ સંગઠન જ્યારે આયોજિત રીતે અને લાંબા સમય માટે ઔપચારિક સ્વરૂપ ધારણ કરે ત્યારે તેને સંઘ તરીકે ઓળખવામાં આવે છે. આવો જ એક સંઘ એટલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ. તેની આગેવાની હેઠળ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે અલગ અલગ વિભાગોનાં સંગઠનોએ સંયુક્ત મોરચો રચી ૯મી એપ્રિલને સોમવારના રોજ સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે ધરણાં કર્યાં. કાર્યક્રમ સફળ રહ્યો. પણ વર્ષોથી હમેશાં શિક્ષકોના હિત માટે લડત લડતા ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘને તોડવા ભાજપે પોતાના જ ભાઈ શૈક્ષિક સંઘને મેદાને કર્યો. કામ કરતા વ્યક્તિઓ ઉપર નિર્ભર હોય છે કે સંગઠન કેવું છે ? જો નિયમોનું ઉલ્લંઘન થતું હોય, માંગણીઓ પુરી ન થતી હોય તો સંઘની ધુરા સાંભળનાર વ્યક્તિઓને દૂર કરી નવું માળખુ રચવું જોઈએ. પણ અસંતોષ અને પદની લાલચમાં મજબુત સંગઠનને પાંગળું કરી વિરોધમાં બેસવું કેટલું યોગ્ય ? સંગઠન વિખેરાઇ જવા માટે નથી બનતું, સંગઠન એના માટે બનાવવામાં આવે છે કે હકની લડાઇ પુરી તાકાત સાથે લડી શકીએ. યાદ રહે, સાવરણી જયાં સુધી બાંઘેલી હોય છે ત્યાં સુધી કચરો સાફ કરે છે. ૫રંતુ આ જ સાવરણી જયારે વિખેરાઇ જાય છે ત્યારે ખુદ કચરો બની જાય છે. દ્રાક્ષ ત્યાં સુધી કિંમતી હોય છે જયાં સુધી ઝુંમખામાં હોય છે. માટે એક જ ઝુંમખામાં બંધાયેલા રહી કાર્ય કરવું જોઈતું હતું. પણ એવું બન્યું નહીં. મને ૧૯૩૯ના રોજ ભાવનગરમાં જાહેર જનતા આગળ તત્કાલીન પરિસ્થિતિને અનુરૂપ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલ ભાષણનો એ અંશ યાદ આવે છે. તેમણે કહેલું કે, "સરકારને સમર્થન આપણામાંના જ કરે છે એટલે આપણી માંગો પુરી થતી નથી. હું આવા લોકોને સ્વાર્થી તેમજ કાયર કહીશ અને કાયરતાનો તો કટ્ટર શત્રુ છું. કાયર માણસોનો સાથ કરવા કદી તૈયાર ન થાઉં." આ ભાષણ આજે પણ એટલું જ સત્ય છે. ઘર ફૂટે ઘર જાય એ કહેવત સાર્થક થઇ શકે છે એમાં શંકાને સ્થાન નથી. તો બીજી બાજુ ચાટુકાર મીડિયા તો ટાંપીને જ બેઠું છે. એક લોકલ સમાચાર પત્રે તો ત્યાં સુધી લખી દીધું કે શિક્ષકોનું જૂની પેન્શન લેવા મોંઘીદાટ કારો સાથે આંદોલન, પેન્શનની જરુર ખરી ?? સંઘ વિભક્ત છે એટલે મીડિયા આવું લખવાની હિંમત કરે છે. ખરેખર તો એવું લખવું જોઈએ કે મર્સિડીઝ, ઓડી, ફોર્ચ્યુનરમાં ફરતા અને પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા નેતાઓને પેન્શનની જરુર ખરી ??
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાની હેઠળ રાજ્યભરનાં વિવિધ સંગઠનોએ ધરણાં કર્યાં, જ્યારે અમુકોએ એકલાં એકલાં..! સમય આવી ગયો છે એક મંચ થઈ એકતા બતાવો. સંગઠિત રહો નહીતર, ના તો શિક્ષકોનાં હિત સચવાશે અને ના સંઘ બચશે. સંસ્કૃતમાં કહેવાયું છે કે, સંઘે શક્તિ કલૌયુગે. અર્થાત્ કળયુગમાં સંગઠન જ શક્તિ છે.
સંગઠન કી ખાતિર
થોડા ખુદ કો ભી બદલ,
એકતા અ૫ની તાકાત હો
ઔર ઇરાદે હો અટલ,
હર મુશ્કિલ કા હલ નિકલેગા
કદમ મિલાકર ચલ,
મંજિલ જરૂર મિલેગી
આજ નહિ તો કલ.
સંદર્ભ : સમાચાર પત્રના લેખમાંથી સાભાર...👇🏻
Comments
Post a Comment