અમદાવાદના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે કાન્ડી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ત્યારે એક વખત કાન્ડીની ઓફીસમાં એક વૃદ્ધ માણસ આવ્યો. કાન્ડી અને બન્ને વચ્ચે કામને લઈને થઈ રહેલી વાતચીતમાં ઉંમરની વાત નીકળતાં કાન્ડી બોલ્યા કે હવે હું ઘરડો થઈ ગયો છું અને સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે. ત્યારે એ વૃદ્ધ માણસે પુછ્યું કે તમને કેટલાં વર્ષ થયાં ? કાન્ડી બોલ્યા : ૫૬ વર્ષ અને તમને કેટલાં ? વૃદ્ધ બોલ્યો સડસઠ થયાં છે અને હજી ૩૩ વરસની તૈયારી..!! વૃદ્ધાવસ્થામાં પણ આવા જોમ અને જુસ્સા વાળો વૃદ્ધ યુવાન એટલે આપણા સૌના વલ્લભભાઈ પટેલ. તેમનો જન્મ ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક ખેડૂત પરિવારમાં થયેલો . પિતા ઝવેરભાઈ ૧૦ એકર જમીન ધરાવતા શ્રીમંત ખેડૂત, સ્વતંત્ર સ્વભાવના મજબૂત માણસ હતા. જેમની પાસે ગામના લોકો મુશ્કેલીના સમયે સલાહ અને મદદ માટે આવતા હતા. પિતાએ ઝાંસીની રાણી સાથે ૧૮૫૭ના મહા બળવામાં ભાગ લીધો હતો અને બાદમાં ઈન્દોરના હોલ્કર દ્વારા તેમને બંદી બનાવવામાં આવ્યા હતા...