Skip to main content

સરદાર વલ્લભભાઈ પટેલ એક સમાજસુધારક તરીકે

  

             અમદાવાદના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે કાન્ડી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. ત્યારે એક વખત કાન્ડીની ઓફીસમાં એક વૃદ્ધ માણસ આવ્યો. કાન્ડી અને બન્ને વચ્ચે કામને લઈને થઈ રહેલી વાતચીતમાં ઉંમરની વાત નીકળતાં કાન્ડી બોલ્યા કે હવે હું ઘરડો થઈ ગયો છું અને સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે. ત્યારે એ વૃદ્ધ માણસે પુછ્યું કે તમને કેટલાં વર્ષ થયાં ? કાન્ડી બોલ્યા : ૫૬ વર્ષ અને તમને કેટલાં ? વૃદ્ધ બોલ્યો સડસઠ થયાં છે અને  હજી ૩૩ વરસની તૈયારી..!! વૃદ્ધાવસ્થામાં પણ આવા જોમ અને જુસ્સા વાળો વૃદ્ધ યુવાન એટલે આપણા સૌના વલ્લભભાઈ પટેલ. તેમનો જન્મ ૩૧મી ઓક્ટોબર ૧૮૭૫ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક ખેડૂત પરિવારમાં થયેલો. પિતા ઝવેરભાઈ ૧૦ એકર જમીન ધરાવતા શ્રીમંત ખેડૂત, સ્વતંત્ર સ્વભાવના મજબૂત માણસ હતા. જેમની પાસે ગામના લોકો મુશ્કેલીના સમયે સલાહ અને મદદ માટે આવતા હતા. પિતાએ ઝાંસીની રાણી સાથે ૧૮૫૭ના મહા બળવામાં ભાગ લીધો હતો અને બાદમાં ઈન્દોરના હોલ્કર દ્વારા તેમને બંદી બનાવવામાં આવ્યા હતા. કહેવાય છે કે તે ચેસમાં નિષ્ણાંત હતા અને એક રમતમાં તો હોલ્કરને એટલો પ્રભાવિત કર્યો કે તેણે એમને છોડી દીધા હતા.
        ગાંધી સંપર્ક પૂર્વે વલ્લભભાઈ માંસાહારી, જુગારી અને વ્યસની હતા. રાજમોહન ગાંધી નોંધે છે કે, "સાંજનો સમય ગુજરાત ક્લબમાં વિતાવતા સિગરેટના ડબ્બા ખાલી કરતા, પત્તાં રમતા." વલ્લભભાઈ ગાંધીથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમનું નેતૃત્વ સ્વીકાર્યું હોવા છતાં તેમણે ગાંધીને નિખાલસપણે કહીને આશ્રમમાં રહેવાનું આમંત્રણ નકારી કાઢ્યું હતું કે તેઓ આશ્રમમાં રહેવા માટે ગાંધી દ્વારા નિર્ધારિત શરતો સાથે સંમત ન હોવાથી તેઓ તેમની ઈચ્છાઓને સ્વીકારી શકતા નથી.
         પાક નિષ્ફળ જવાને કારણે જમીન મહેસૂલ માફી અંગે ખેડા જિલ્લાના ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ૧૯૧૮માં ખેડાનું ખેડૂત આંદોલન એમનો પ્રથમ વિદ્રોહ હતો. પરંતું ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં તેમની ભૂમિકાએ તેમને રાષ્ટ્રીય ગૌરવના નવા શિખર સુધી પહોંચાડ્યા. ખેડૂત ચળવળ જે સમગ્ર દેશમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની. પટેલની સંગઠનાત્મક ક્ષમતાએ "સરદાર"નું બિરુદ અપાવ્યું. તેમણે બ્રિટિશરાજ સામે અહિંસક સવિનય આજ્ઞાભંગમાં ગુજરાતમાં ખેડા, બોરસદ અને બારડોલીના ખેડૂતોને સંગઠિત કર્યા. આમ, તેઓ ગુજરાતના સૌથી પ્રભાવશાળી નેતા તરીકે ઉભરી આવ્યા. હવે તેઓ સરદારના હુલામણા નામે સ્વતંત્રતા માટેની રાષ્ટ્રીય લડતના અગ્રણી સ્તંભોમાંના એક બન્યા.
          ભારત ઘણી સહસ્ત્રાબ્દીઓથી એક સમાન સંસ્કૃતિની ઓળખ સાથે જોડાયેલી ભૂમિ છે. બીજી તરફ સ્વતંત્રતા પહેલાંના ભારતમાં એવા પ્રદેશોનો સમાવેશ થતો હતો કે જેમાં ૫૬૨થી વધુ રજવાડાંઓ હતાં. ૧૯૪૭નો પ્રથમ ભાગ ભારતના ઇતિહાસમાં નિર્ણાયક સમયગાળો હતો. બ્રિટિશ હકુમતનો અંત નિશ્ચિત હતો અને ભારતનું વિભાજન પણ હતું, પરંતુ રજવાડાં હેઠળના પ્રદેશોના રાજકીય એકીકરણ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. ભારત અને પાકિસ્તાનના આધિપત્યમાં દેશના વિભાજનથી રજવાડાંઓના શાંતિપૂર્ણ રીતે વિલીનીકરણનો મહત્વનો પ્રશ્ન ઊભો થયો ત્યારે સરદારે દેશની ઇમારતને આકાર આપવાનું વિશાળ કાર્ય એમના ખભા પર લીધું હતું. એમની અદમ્ય ભાવના અને અવિરત પ્રયાસોથી સેંકડો નોંધપાત્ર રીતે વૈવિધ્યસભર રજવાડાંઓને એકીકૃત કરીને અખંડ ભારતની રચના કરવાનું એમણે શક્ય બનાવ્યું હતું. ભારતવાસી સરદાર પટેલને ફક્ત આ કાર્યથી જ ઓળખે છે પણ સરદારનું સમાજ સુધારણાનું યોગદાન ભૂલી શકાય એવું નહોતું.!! જ્યારે પ્લીડરની પરીક્ષા વખતે પોતાના ગામ કરમસદ ગયા. તેમના આવવાની ખુશાલીમાં રૂઢિચુસ્તોએ કરમસદની શેરીઓના શુદ્ધીકરણ માટે પાણીનો છંટકાવ કર્યો છે એવી ખબર પડતાં તેઓ બોલ્યા હતા કે,"હું નાતજાતમાં માનતો નથી. આખું હિન્દુસ્તાન મારું ગામ છે અને બધી કોમના લોકો મારા મિત્રો અને સગાંવહાલાં છે. બધા એક જ ઈશ્વરના સંતાન છે. મરી ગયા પછી કોઈ પૂછે છે કે આ મડદું બ્રાહ્મણનું છે કે અબ્રાહ્મણનું છે ? આપણે કોઈને ઊંચનીચ માનવા જોઈએ નહીં. ગામમાં વસનાર દરેક માણસ એકસમાન છે." સરદારે અસ્પૃશ્યોની દુર્દશા માટે ઉચ્ચ જાતિના હિંદુઓને જવાબદાર ગણાવ્યા. મોટાભાગે બ્રાહ્મણોએ બનાવેલી રૂઢિઓ અને રિવાજો વિશે વલ્લભભાઈ પટેલ ખૂબ ચિડાઈને બોલતા કે તમારાં મંદિરો અંત્યજો માટે ખુલ્લા મુકી સાચાં દેવ મંદિરો બનાવો. તમારા બ્રાહ્મણ-બ્રાહ્મણેત્તરના ઝગડાની દુર્ગંધ પણ કંપારી છૂટાડી દે એવી છે, એ દુર્ગંધને સાફ ન કરો ત્યાં સુધી કશું કામ ન થાય. ૧૯૨૯ના ડિસેમ્બર મહિનામાં બિહારના પ્રવાસ વખતે અતિ ગુસ્સામાં ભાષણ કરતાં કહ્યું કે, "જો મારા હાથમાં કાયદો હોત તો હું તો આવાંઓને ગોળીથી ઠાર કરવાની સજા ઠરાવું." પટેલે અસ્પૃશ્યોને સમાન ગણવા માટે આગ્રહ કર્યો જેથી તેઓ અન્ય ધર્મમાં પરિવર્તન ટાળી શકે. તેમણે કહ્યું કે, "જો તમે અસ્પૃશ્યો સાથે પશુ કરતાંય હલકો વ્યવહાર ન કર્યો હોત તો શું આટલા બધા ખ્રિસ્તીઓ હોત ?" આવા રૂઢિચુસ્તોને તેમના મનમાંથી અસ્પૃશ્યતા નાબૂદ કરવાની સલાહ આપતાં કહ્યું કે, તમે પોતાના જ ભાઈને છોડી શકતા નથી તેમ હિંદુ રીત રિવાજ પ્રમાણે જીવતા અસ્પૃશ્યોને છોડી દેવા એ પાપ છે. આત્મા એ ભગવાન છે અને અસ્પૃશ્યમાં પણ આત્મા છે. તેથી તમે ભગવાન - આત્માને કઈ રીતે છોડી શકો..! સરદારે બાળલગ્નનો પણ વિરોધ કર્યો હતો અને કન્યા શિક્ષણની તરફેણ કરી હતી. ગુજરાતના ગ્રામજનોને બાળલગ્ન વિશે સલાહ આપતાં તેમણે કહ્યું હતું કે, "જો તમે બાળલગ્ન બંધ નહીં કરો તો, તમે અધોગતિ પામશો અને સંતાનો ખૂબ જ નબળાં થઈ જશે. જે દેશ માટે કોઈ કામનાં રહેશે નહિ." એમના પિતાના મૃત્યુ બાદ કરવામાં આવતી મરણોત્તર ક્રિયા, મૃત્યુભોજ જેવા સામાજિક કુરિવાજોનો પણ ખુલ્લો વિરોધ કર્યો. આવા રિવાજોને હાસ્યાસ્પદ અને પૈસાનો બગાડ ગણતા હતા. એમનું કહેવું હતું કે, "શું તમે તમારા સંબંધીના મૃત્યુ પછી મૃત્યુભોજન આપવામાં આનંદ અનુભવો છો ? આવા રિવાજ પાછળનો કરવામાં આવતા ખર્ચની રકમથી કોઈ સારા હેતુ માટે ખર્ચી શકાય. તમારે તે રકમ શાળા અથવા દવાખાનું બનાવવામાં કેમ ન ખર્ચવી જોઈએ..!! " એ જ રીતે તે લગ્ન પ્રસંગના બેફામ ખર્ચમાં કાપ મૂકવાનું કહેતા કે, "આપણે જે આરામથી કરી શકીએ તે જ ખર્ચ કરીએ. જો કોઈ માણસ મર્યાદા ઓળંગીને વધારાનો ખર્ચ કરે છે તો જે તે ચૂકવી શકતો નથી અને દેવાદાર થઈ જાય છે. તો તેને એવું શા માટે કરવું જોઈએ.?" કેફી દ્રવ્યોના સેવન બાબતે પણ એમનું કડકાઈ ભર્યું વલણ જોવા મળે છે. તેઓ સ્પષ્ટપણે માનતા કે ન્યાતમાં તેવો બંદોબસ્ત કરવો જ જોઈએ કે જે દારૂ પીએ તે ન્યાતમાં રહી જ ન શકે. આમ, તેમણે સમાજ સુધારાનું ઘણું કામ કર્યું પણ દુ:ખની વાત એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલે કરેલ સમાજ સુધારણાનું વિશાળ અને દિશાસુચક કાર્યને રજવાડાંના એકીકરણમાં ભૂલાવી દીધું.

Comments

  1. સરદાર સાહેબનુ ખુબ સુંદર આલેખન કરવા બદલ અભિનંદન

    ReplyDelete

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...