Skip to main content

સામાન્ય સિકયુરિટી ગાર્ડની નોકરી કરનારના પુત્ર બન્યા ઉચ્ચ અધિકારી

             ઑફિસમાં બાજુના ટેબલને ટેકો દઈને ઉભા હોઈએ અને સાહેબ ટોકતાં બોલે કે કેમ આમ ? ટેકો લઈને ઉભા રહેવું એવું કયાંય લખેલુ છે ? ત્યારે ટેકો દેનાર કર્મચારી કહે : સૉરી, સાહેબ. ભૂલ થઈ ગઈ અને બીજે જ દિવસે સૉરી બોલનાર એ કર્મચારી પોતે ક્લાસ-ટુમાં પસંદગી થવા બદલ ઑફિસના એ જ સાહેબને મોં મીઠું કરાવવા જાય ત્યારે ખુશીના સમાચાર જાણીને સાહેબે મીઠો ઠપકો આપતાં કહ્યું કે મને કહેવાય નહિ..!! ગઈકાલે તો મેં આવતીકાલના અધિકારીને ધમકાવી દીધો..!! અને બંને હસી પડે છે. ટેબલને ટેકો દેનાર આ કર્મચારી એટલે વિપુલ જાખેસરા. 

        બનાસકાંઠાના છેવાડાનો તાલુકા એવા સુઈગામના બેણપમાં જન્મેલા વિપુલભાઈનું બાળપણ ઘણા અભાવોમાં વિત્યું. તેમના પ્રાથમિક શિક્ષણમાં પ્રકાશભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ વાઘેલા સાહેબનો ફાળો અમૂલ્ય રહ્યો છે. તો કૉલેજકાળના પ્રો.પઠાણ સાહેબ અને વી.ડી.પટેલ સાહેબને ન ભૂલાય..!! અંતરિયાળ અને પછાત વિસ્તારની ગામડાની સાવ સામાન્ય અને સુવિધાઓના અભાવવાળી શાળામાં ભણતા હોઈએ અને 'મન' થાય તોય 'માળવે' કેવી રીતે પહોંચવું ? છતાં પણ કહેવાય છે ને કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. સખત મહેનતે ધોરણ-૧૦માં ૮૬ ટકા સાથે માધ્યમિક શિક્ષણ વતનમાં અને ધોરણ-૧૨ સાયન્સમાં ૭૬ ટકા સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પાલનપુર ખાતેથી પૂરું કર્યું. ત્યારબાદ કૉલેજમાં એડમિશન લીધું. ઘર ચલાવવું, ફી ભરવી એ પિતાની સામાન્ય સિક્યુરિટીની નોકરીમાં ખૂબ જ અઘરું હતું. ત્યારે વિપુલભાઈએ સરકારી એન્જિનિયરિંગ કોલેજ, પાલનપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસની સાથે ટ્યૂશન કરી પિતાને આર્થિક મદદ કરતા. એન્જિનિયરીંગના છેલ્લા સેમમાં કૉલેજ ફર્સ્ટ હતા. પોતાના વિષયમાં કાબેલ હોવાથી ટ્યુશનમાં સારી એવી સંખ્યાય હતી. એવામાં પોસ્ટ વિભાગની ભરતી આવી અને તેઓએ પોસ્ટમાં ક્લાર્કની પરીક્ષા પાસ કરી. એમનું મન તો ના પાડતું હતું પણ પિતાએ કહ્યું કે બે-ત્રણ વર્ષ નોકરી કર, સાથે તૈયારી પણ ચાલુ રાખજે. ભાઈ-બહેન ભણે છે તો એમની ફી વગેરેમાં થોડી સરળતા રહે. પિતાના આ શબ્દોને ગાંઠે વાળી તેઓ નોકરીની સાથે સાથે જીપીએસસીની તૈયારીમાં વધુ ધ્યાન આપવા લાગ્યા કેમ કે ઊંચા પદનો રોમાંચ અને મોભાનો રૂઆબ કંઈક અલગ હોય છે..!

            મહાભારતમાં એક પ્રસંગ છે. દ્રોણાચાર્યે કૌરવો અને પાંડવોની એક ઝાડ ઉપર બેઠેલા પક્ષીની આંખ વિંધવા ધનુર્વિદ્યાની કસોટી લીધી. દુર્યોધન,ભીમ વગેરેને ગુરુએ પૂછયું કે તમને શું દેખાય છે ? કોઈ કે' મને ઝાડ દેખાય છે, કોઈ કે' મને ડાળી, તો કોઈ કે' મને પક્ષી..! જ્યારે અર્જુનને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું : ગુરુજી, મને તો પક્ષીની આંખ જ દેખાય છે. બસ, આવી જ રીતે વિપુલભાઈને પણ મિશન ક્લાસ વન-ટુ  જ દેખાતું હતું. જ્યારે જીપીએસસીની જાહેરાત આવી ત્યારે એક જ ધ્યેય કે ગમે તેમ થાય સામાજિક અને આર્થિક સમસ્યા દૂર કરવાનો આ એકમાત્ર ઉપાય. તનતોડ મહેનત કરીને અધિકારી બનવું જ એવું મનમાં ઠસી લીધું. તેમણે નોટમાં પણ લખી રાખ્યું હતું કે, I want to be a class 1 & 2. 

         બાળકોના અભ્યાસ માટે તેમના પિતાએ ઘણો ભોગ આપ્યો છે. પરીક્ષાને એકાદ મહિનો જ બાકી હતો. કોચીંગ કરવાનું હતું. વિપુલભાઈએ કહ્યું : પપ્પા કોચીંગ કરવું છે. પિતાનો વળતો પ્રશ્ન હતો કે કોચીંગ કરવાથી કેટલો ફાયદો થશે ? (પિતાથી આવો પ્રશ્ન તો એમ જ પુછાઈ ગયો હતો,મૂળ ચિંતા આર્થિક તંગીને કારણે ફીની હતી) વિપુલભાઈ બોલ્યા : બે-પાંચ ગુણનો થાય. પિતાના જોડેય ફીના પૈસા તો નહોતા જ, સાથે ઘરેમાં પણ નહોતા. બીજા જ દિવસે તેમણે ગમે તેમ કરી ફીના રૂપિયા હાથમાં મુકતાં કહ્યું કે બેટા, તું ચિંતા ના કરતો. લે આ પૈસા અને ક્લાસ ચાલુ કરી દે. બસ, પિતાનું સપનું સાકાર કરવા અનેક સમસ્યાઓ(આર્થિક/સામાજિક) વચ્ચેથી દૃઢ નિશ્ચય, કઠોર પરિશ્રમથી જ સફળતા તરફ જવાનાં પગલાં માંડ્યાં અને નક્કી કર્યું આજથી સોશિયલ મીડિયાનો ઑફિસ જરુરત સિવાય ઉપયોગ નહિ અને જ્યારે અધિકારી તરીકે પસંદગી થઈશ ત્યારે જ વૉટસઍપ ડીપીમાં ફોટો સૅટ કરીશ.

વૉટસએપ DPમાં સેટ કરેલ ફોટો 

આમ, આવું લક્ષ્ય નક્કી કર્યું એટલે મંઝિલ સુધી પહોંચવાની મથામણ તો કરવી પડે..!! ક્લાસિસની તૈયારી વખતે ઘણીવાર દિવસમાં એક જ ટાઈમ જમતા..!! અને ક્યારેક તો ખાવાનું ભાન પણ ભૂલી જતા.!! એટલી તનતોડ મહેનત કરી આજે સફળ વ્યક્તિ તરીકે પુરવાર થયા. તેમના ગામના પ્રથમ સીધા ઉચ્ચ અધિકારી બન્યાનું ગૌરવ અનુભવી રહ્યા છે. 

          વિપુલભાઈ પોતાની સફળતાનું રહસ્ય જણાવતાં કહે છે કે, સ્પર્ધાની દુનિયામાં પરાજયનો ડર ન રાખો. સફળતાનું કોઈ રહસ્ય નથી કે ટુંકો રસ્તો નથી જે જલદી મળી જાય, તે તો પરિશ્રમ જ ઈચ્છે છે. તેઓ આગળ કહે છે કે,મને જ્યારે પણ હતાશા, નિરાશા કે મુશ્કેલી જેવું લાગતું એટલે હું બાબાસાહેબની છબી આગળ જઈને વિચારતો કે આ વ્યક્તિએ કેટલો સંઘર્ષ, કેટલી મુશ્કેલી વેઠી છે. મારે તો કંઈ જ નથી. બસ, આવા દૃઢ વિચારો થકી જ આજે હું આ મુકામે પહોંચ્યો છું. મારા આદર્શ સંઘર્ષી બાબાસાહેબ ડૉ.આંબેડકર જ રહ્યા છે, ત્યારપછી મારાં માતા-પિતા.

માતા પિતા સાથે 


Comments

Read more

સમાનતા અને સંઘર્ષની સાક્ષીની ધરતી એટલે નાશિક

                જીવનમાં કેટલીક મુસાફરીઓ માત્ર એક શહેર સુધી પહોંચાડતી નથી, પરંતુ વિચાર, સંવેદના અને ઇતિહાસની ઊંડાઈ સુધી લઈ જાય છે. એવી જ એક યાદગાર, અગવડભરી છતાં પ્રેરણાદાયી મુસાફરી નાશિક તરફ કરવાની તક મળી. એકતરફી ૧૪ કલાકની લાંબી, થાકથી ભરપૂર અને અગવડભરી બસ મુસાફરી બાદ આખરે વાપી પહોંચ્યો. શરીર થાકથી કંટાળેલું, આંખોમાં ઊંઘનો ભાર અને મનમાં ગંતવ્ય સુધી પહોંચ્યાનો સંતોષ — આ બધી લાગણીઓ એકસાથે મનમાં ઉછળી રહી હતી. ત્યાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ ઉભી હતી. મુસાફરો બેસવા માટે પડાપડી કરતાં હતાં. મને ખબર નહોતી કે એ બસ નાશિક જાય છે. હું દૂર ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો હતો. પંદરેક મિનિટ પછી કંડકટરને પૂછ્યું. યે બસ નાશિક જાયેગી ? "नाशिक तर जातंय...... बोर्ड वाचा" એવું કંડકટર મરાઠીમાં બોલ્યા.              ખાલી બસની સામે ઊભેલો પણ ખબર નહોતી કે એ બસ નાશિક જવાની છે. વહેલી સવારના અંધારામાં બોર્ડ વંચાતું નહોતું. જેવો બસમાં ચડ્યો કે વિદ્યાર્થીકાળ યાદ આવી ગયો. એ સમયે આવી બસમાં અભ્યાસાર્થે આવ-જા કરેલી. એ બસ માત્ર બસ નહોતી પણ એ તો ગામડાની "...

સ્વાભિમાનથી જીવવા શિક્ષણ મેળવી ગુલામીની સાંકળો તોડો - સાવિત્રીબાઈ ફૂલે

                એક દિવસ નાનકડી છોકરી પોતાના ઘરમાં અંગ્રેજી પુસ્તકના પાના ફેંદી રહી હતી. તેના પિતાની નજર આ પાના ફેંદતી છોકરી પર પડી. આ જોઈને તેઓને ગુસ્સો આવ્યો અને તેમણે તેના હાથમાંથી પુસ્તક છીનવી, ઘરની બહાર ફેંકતાં કહેતા હતા કે માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ શિક્ષણનો અધિકાર છે. મહિલાઓ, દલિતો તેમજ અસ્પૃશ્યો માટે શિક્ષણ મેળવવું એ પાપ છે, જો તેઓ આ પાપ કરે તો મૃત્યુદંડ સુધીની સજા છે. ત્યારે એ જ ક્ષણે છોકરીએ પ્રતિજ્ઞા લીધી કે તે એક દિવસ ચોક્કસપણે વાંચવાનું શીખશે જ. અને તેની મહેનત રંગ લાવી, પ્રતિજ્ઞા ફળી. તેણીએ માત્ર વાંચવાનું જ નહીં, ઘણી છોકરીઓને શિક્ષિત કરી અને તેમનું ભવિષ્ય ઘડ્યું અને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે પોતાનું નામ સોનેરી અક્ષરોમાં અંકિત કર્યું, એ હતાં સાવિત્રીબાઈ ફુલે.              કોઈપણ દેશ અથવા સમાજના વિકાસમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા બાંધે છે. જે દેશ, સમાજ અને ઘરમાં મહિલાઓ ભણેલી હોય છે ત્યાં તેમને નિર્ણય લેવાનો અધિકાર હોય છે. તેની ફળશ્રુતિ નિરંતર વિકાસ રૂપે મળે છે. જ્યાં સ્ત્રીને ઉપભોગની વસ્તુથી વિશ...