ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે,
न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः।
व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।।
અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ન હતો. મેં પસંદગી કરેલ શાળામાં હાજર થઈ ત્યાં જવાબદારી સાથે નિષ્ઠાપૂર્વક શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી. દેશને દુર્બળ કરતી સામાજિક વ્યવસ્થાના કારણે ભાડાના મકાનની વ્યવસ્થા ન થઇ એટલે હું પાલનપુરથી આવન-જાવન કરતો હતો. ગામ એટલું અંતરિયાળ હતું કે આવવા-જવામાં ખૂબ જ તકલીફ પડે. દૈનિક આઠ-દસ કિલોમીટર ચાલવાની ગણતરી સાથે ઘરેથી નીકળવું પડતું. આમ, મહિનાઓ સુધી પગયાત્રા ચાલી. પછી સાયકલનો વિચાર કર્યો.! અમેરિકન અધ્યાપક રેઇનવોટરને ભૌતિકશાસ્ત્ર માટેનું નોબલ પારિતોષિક ૧૯૭૫માં મળેલું. જગતનું સૌથી વધુ પ્રસિદ્ધ પારિતોષિક મેળવ્યા પછી પણ એ અધ્યાપકે પોતાની ઑફિસ સુધી પાંચેક કિલોમીટર રોજ સાયકલ પર બેસીને જવાનું ચાલુ રાખેલું. બસ, આવી રીતે મારીય સાઇકલ સવારી લગભગ એકાદ વર્ષ જેવી ચાલી. શાળામાં પડી હોય એટલે બાળકો પણ સાઈકલનો આંટો (ચલાવવા માટે) માંગે. હું ક્યારેય એમને નિરાશ ન કરતો. એમાંય ખાસ શુક્રવાર સાંજે પાંચ વાગ્યા પછી તો બાળકો સાઈકલ ચલાવવા માટે પડાપડી કરતા. કેમ કે એ દિવસે અમે આજુબાજુની શાળાના દૂરથી આવતા સાથી મિત્રો સાથે રાત્રિ રોકાણ શાળામાં જ કરતા. આ રાત્રી રોકાણ દરમિયાન એક અઠવાડિયાની શાળાની વહીવટી તેમજ શૈક્ષણિક કામગીરીના પૂર્વ આયોજનનું મહત્વનું કામ કરતા. ગામ લોકો એટલા બધા માયાળુ કે અમારી પાસે અમારું વ્યક્તિગત રસોડું હોવા છતાં ઘણીવાર ભોજનની વ્યવસ્થા કરી દેતા. આ માટે અમે એમના સદાય ઋણી રહીશું.
એક દિવસ રિશેષના સમયે આઠમા ધોરણમાં ભણતા બે બાળકો મારી સાઈકલ લઈને ગયા. એ બંને બાળકો પરત આવી કંઈપણ કહ્યા વગર સાઈકલ મૂકી દીધી. સાંજે સવા પાંચ વાગ્યે શાળાનો સમય પૂરો થયો. હું મારી સાયકલ લઈને પાલનપુર જવા માટે નીકળ્યો. થોડોક જ આગળ ગયો ત્યાં સાયકલનું પાછળનું પૈડું ફરતું જ બંધ થઈ ગયું. નીચે ઉતરીને જોયું તો પૈડાના મોટાભાગના સળિયા તૂટેલા હતા. (બીકના માર્યા બંને બાળકોએ પૈડાના તૂટેલા સળિયાની મને જાણ કર્યા વગર સાઈકલ મૂકી દીધી હતી) પછી હું ચાર કિલોમીટર સાઈકલને ઢસડીને હાઇવે સુધી લઈ ગયો. હાઈવેની બાજુમાં એક લાટી (લાકડા વહેરવાની જગ્યા) હતી, જ્યાં હું મારી સાઈકલ મુકતો. (લાટીના માલિક અને કામદારોનો જીવનમાં આભારી રહીશ) પછી ત્યાં હાઈવેથી પાલનપુર જવા નીકળતો. રોજની અવરજવરને લીધે મોટાભાગના શટલિયા વાળા પણ ઓળખતા એટલે તેઓ જ્યારે પણ મારા સ્ટેશન નજીક આવે એ પહેલાં હું કેટલે પહોંચ્યો છું એ માટે મને કૉલ કરીને જાણ કરતા; આ ડ્રાઇવર મિત્રો આજે પણ બહુ જ યાદ કરે છે, તેઓ અવાર નવાર મળતા પણ હતા. આ બધું કેમનું ભુલાય..!!!?
મારી સાઇકલના સળીયા તૂટી જવાથી બીજા દિવસથી ફરીથી દરરોજ નવ-દસ કિ.મી.ની પગપાળા યાત્રાનો પ્રારંભ થયો. ઘરેથી જ ચાલવાના સમયની તૈયારી સાથે જ નીકળતો. કમને ચાલવાની કસરત થતી..!! થોડો સ્વમાની એટલે રસ્તામાં કોઈ ટુ વ્હીલર કે અન્ય વાહન આવતું હોય તો રોકતો પણ નહીં.! જો એ વાહનવાળો ઊભું રાખીને કહે કે બેસી જાવ તો જ બેસવાનું, બાકી ચલતી કા નામ ગાડી. આવી રીતે ચાલવાનો સિલસિલો આઠેક મહિના ચાલ્યો ત્યારબાદ શાળાના આચાર્ય સાહેબની શોધખોળ પછી એક જૂનું બાઈક મળ્યું. સાઈકલનું સ્થાન બાઈકે લીધું; બહુ ખુશી થઈ, પણ આ ખુશી લાંબો સમય ચાલી નહિ. મૂળ માલિકે પાછું માંગતા કહ્યું મારે વેચવું નથી, પાછું આપી દો એટલે નિરાશા સાથે તેમને પરત કર્યું. આમ, બે વર્ષ પુરા કર્યા ત્રીજા વર્ષે સાહસ કરી શૉ-રૂમમાંથી નવું જ બાઈક ખરીદીને નજીકમાં રહેવા ગયો ત્યારે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ રાહત થઈ.
શાળા એટલે બીજો પરિવાર. મારા આ પરિવારના ભરતભાઈ, સૂર્યકાંતભાઈ, ભાવેશભાઈ, ભાવિકાબેન, મમતાબેન, તેજસભાઈ અને સંજયભાઈ દરેક સાથી મિત્ર પાસેથી મને કંઈક ને કંઈક શીખવા અને જાણવા મળ્યું. એક દશકા ઉપરની નોકરીમાં મતભેદ થયા, પણ મનભેદ ન થાય એની પુરેપુરી કાળજી રાખી તેનું પરિણામ એ આવ્યું કે શાળા પરિવારમાં કુટુંબ ભાવના જોવા મળી. પરિવારથી દૂર હોવાનો મને ક્યારેય અહેસાસ નથી થવા દીધો..!!
ભારતનું અભિન્ન અંગ અને વિશિષ્ટ રાજયનો દરજજો ધરાવતા કાશ્મીરની જેમ સ્વર્ગ સમાન અમારી શાળામાં પણ અમુક કલમો હમેશાં લાગેલી જ રહેતી..!! બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાના આચાર્ય સાહેબ નીતિ નિયમોમાં કયારેય બાંધછોડ કરે જ નહિ. આચાર્યશ્રી દ્વારા સોંપવામાં આવતી કામગીરીને પોતાની જવાબદારીથી સ્વીકારીને સૌ નિષ્ઠાપૂર્વક નિભાવતા, પણ એકને બાદ કરતાં..!! ત્યારે શાળાનું વાતાવરણ પણ ડહોળાતું. આ વાતાવરણને સ્વસ્થ કરવા ઘણા પ્રયત્નો કર્યા પણ વ્યર્થ જ ગયા. ક્યારેક તો એવુંય થતું જે કામ કરે એમનેય એ વ્યક્તિ ના પાડે..!! તમે જ વિચારો આવી વૃત્તિ કેટલી યોગ્ય ?? દ્વેષ, ઇર્ષા અને અહંકારથી નિર્દોષ ભૂલકાંઓના શિક્ષણકાર્ય ઉપર અસર ન થાય..??? મધ જેવા મીઠા રહેલા દ્રાક્ષના એક સડેલા દાણાની જાણ થતાં યોગ્ય સમયે નિકાલ કરી દેવો જરુરી છે નહિ તો ધીમે ધીમે એ દાણો આખા ઝુમખાને અસર કરતો હોય છે.
બનાસકાંઠાના છેવાડાના પછાત વિસ્તારનો વ્યક્તિ કહેવાતા વિકાસશીલ મહેસાણા જિલ્લામાં નોકરી કરે એ સૌને નવાઈ લાગતું હતું. એકવાર તો એવું પણ સાંભળ્યું હતું કે "બનાસકાંઠા વાળા એટલે મહેસાણા જિલ્લાના ભાગીયા.!! એ લોકો અહીયાં નોકરી કરે નવાઈ લાગે છે."બનાસવાસીઓના કામ કરવા પ્રત્યે મનમાં શંકાઓ પણ ઘણી હશે (હતી જ). પણ દાયકાની નોકરીમાં સાબિત કરી દીધું કે હમ ભી કિસી સે કમ નહિ...!! સૌએ યાદ રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિનું જ્ઞાતિ, પ્રદેશ કે અન્ય કોઈ બાબત ઉપરથી મુલ્યાંકન કરવું અયોગ્ય.
વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણી શાળાનું શૈક્ષણિક કાર્ય ઘણું સારું છે. શિક્ષકો દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી બધી બાબતોનું ધ્યાન રખાય છે. કુશળ આચાર્ય, શિક્ષકોની મહેનત અને બાળકોની ધગશથી આપણી શાળાનું સીઆરસી, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધા અને પ્રવૃત્તિઓમાં સારું એવું પ્રદર્શન રહે છે. શાળામાંથી બાળક ઘરે આવે એટલે વાલી તરીકે તમે પણ એના અભ્યાસનું નિરીક્ષણ કરી જવાબદારી નિભાવો. જરુર લાગે ત્યાં શાળાના શિક્ષકોનો સંપર્ક કરી જરુરી સલાહ મેળવો. આ યુગ શિક્ષણનો યુગ છે એટલે તમારું બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એનું પુરેપુરું ધ્યાન રાખો. અને હા, કેટલાક પાયાવિહોણા અને વ્યર્થ મુદ્દાને સમર્થન કરી ભેગા થાઓ છો એના કરતાં શિક્ષણના મુદ્દા ઉપર ચિંતન કરશો તો ભવિષ્યની પેઢી માટે પરિણામ વધુ સારું મળશે.
પૌરાણિક મહાકાવ્ય મહાભારતમાં ઉલ્લેખ છે કે પાંડવો અને કૌરવો ચોપાટ (જુગાર) રમતા હતા. આ રમતમાં રાજપાટ હાર્યા અને અંતે દ્રૌપદીને દાવ પર લગાવી સર્વસ્વ ખોઈ બેઠા હતા. આ તો પ્રાચીનકાળનું ઉદાહરણ જોયું પણ મધ્યયુગીન કાળની એક ઘટના જોઇએ કે પાટણની ગાદી ઉપર આવનાર મૂળરાજ સોલંકીવંશનો પ્રથમ શાસક હતો. તે ચાવડાવંશના છેલ્લા રાજા સામંતસિંહનો ભાણેજ હતો. એક કથા મુજબ પાટણનો રાજા સામંતસિંહ વ્યસની હતો. એ કાયમ દારૂના નશામાં ચૂર રહેતો. તેનું વર્તન પણ યોગ્ય નહોતું એટલે કંટાળીને મૂળરાજે ભરી સભામાં તલવારના એક ઝાટકે તેનું માથું ઢાળી દીધું હતું. તે સાથે પાટણની ગાદી પર ચાવડાવંશનો અંત આવ્યો અને સોલંકીવંશની સત્તાનો પ્રારંભ થયો. આવાં તો કેટલાંય ઉદાહારણો આપણી સામે છે જેમાં જુગાર અને દારૂની લતમાં બધુ જ ફના થઈ ગયું હોય..!! આ વિસ્તારમાં દારૂની સાથે જુગારની લતનું પ્રમાણ વધુ જોયું છે. આવી બદીથી સૌ દૂર રહો એમાં જ સૌની ભલાઈ છે.
ગ્રામજનોને મારું એક ખાસ સુધારાત્મક સૂચન છે કે, કેટલીક કાયદાકીય પ્રતિબંધિત પ્રથોઓ હજી પણ ચાલુ જોઈ છે એ વિશે હું કહી શકું એમ નથી પણ તમને આટલા વર્ષોમાં સૌથી વધુ ખર્ચાઓ ધાર્મિક ઉત્સવો પાછળ કરતાં જોયા છે. વારે તહેવારે ઉજવાતા ઉત્સવોમાં તમારા બાળકને શાળાએ ન મોકલીને અથવા લઈ જઈને તમે જ તેનું ભવિષ્ય બગાડી રહ્યા છો. હું તમારી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવા નથી માંગતો, કડવું લાગે તો ક્ષમા કરશો પણ જેટલો ખર્ચો ધાર્મિક વિધિઓ, ઉત્સવો પાછળ કરો છો એના દસ-વીસ ટકા પોતાના બાળકના શિક્ષણમાં ખર્ચ કરો તો તેનું ભવિષ્ય ઉજ્જ્વળ બનશે. યાદ રહે, શિક્ષણમાં નાખેલ રૂપિયો વ્યર્થ જતો નથી, તે ચોકક્સ ફળ આપે છે.
કોઈપણ વ્યક્તિના જીવનમાં એને ખાટા-મીઠા, સારા-નરસા અનુભવો થતા હોય છે. ક્યારેક લોકોની એકાદ્રષ્ટિથી ગેરસમજ થઈ જ જતી હોય છે. એમ એક દાયકામાં મને પણ આ વિસ્તારમાં આવા કેટલાક અનુભવો થયા છે. અહીં એક પ્રેરક પ્રસંગ ટાંકવો યોગ્ય લાગે છે.
એક નાનું બાળક હતું. એ સમુદ્ર કિનારે રમતું હતું. ત્યાં અચાનક એક મોજું આવ્યું 'ને એનું ચપ્પલ તણાઈ ગયું એટલે એ બાળકે સમુદ્રની રેતી ઉપર લખી દીધું કે સમુદ્ર ચોર છે.
ત્યાંથી થોડે દૂર માછીમારો દરિયામાંથી માછલીઓ પકડી વેપારનો ધંધો કરી ગુજરાન ચલાવતા હતા એટલે એમણે સમુદ્રની રેતી ઉપર લખ્યું હતું કે, સમુદ્ર અમારો પાલનહાર છે.
એક માનો પુત્ર સમુદ્રમાં ડૂબીને મરી ગયો તો માએ લખ્યું હતું કે, સમુદ્ર મારા પુત્રનો હત્યારો છે.
એક ભાઈને સમુદ્ર કિનારેથી મોતી મળ્યું તો એણે લખ્યું હતું કે, સમુદ્ર દાનવીર છે.
ત્યાં અચાનક સમુદ્રમાંથી એક મોટું મોજું આવ્યું અને ચારેયનું લખાણ ભૂંસીને ચાલ્યું ગયું. બસ, આવી જ રીતે આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ અલગ હોય છે, પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની રીતે નિષ્ઠાપૂર્વક જીવન જીવવું અને આપણું કાર્ય કરતા રહેવું એમાં જ સિદ્ધિ રહેલી છે.
મેં કરેલ કાર્યને યાદ કરીને મારા સાથી મિત્રોએ ભારે હૈયે સંસ્મરણો વાગોળ્યા બાદ શાળાની દિકરીઓ દ્વારા મને શુકનવંતુ શ્રીફળ અને સાકર આપવામાં આવી. પછી સાથી મિત્રોએ સાલ ઓઢાડી સ્મૃતિ ભેટ આપી. મારાં પ્યારાં ભૂલકાંઓએ પણ મને જીવનભરની યાદગીરી માટે જુદી જુદી અમૂલ્ય સ્મૃતિ ભેટ આપી.
વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખોમાંથી આંસુ લાવી દે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. એમાંય શિક્ષકની વિદાય વસમી લાગે છે. શાળા, સાથી મિત્રો, બાળકો સાથે એટલી આત્મીયતા બંધાઈ જાય છે કે જેને ભુલવી મુશ્કેલ થઈ જાય છે.
મારી બદલીનો અણસાર બાળકોને આવી ગયો હતો પણ ગ્રામજનો અજાણ હતા. વિદાયના દિવસે જ એક નાનું બાળક શાળામાંથી રોતું રોતું ઘરે ગયું. શાળામાં કોઈએ તને માર્યું ? એના દાદાએ પુછ્યું. બાળક રોતું રોતું બોલ્યું : ના, દાદા અમારા સાહેબની બદલી થઈ ગઈ. કયા તમારા સાહેબની બદલી થઈ ગઈ ?? દાદાએ પુછ્યું. "વિજયભાઈ સાહેબની" આ નામ કાને પડતાં જ દાદા બધુ જ પડતું નાખીને પહેરેલી ગંજીએ શાળા તરફ ઉતાવળા પગલે ચાલ્યા.
હું અને આચાર્ય સાહેબ મારા છુટા થવાનાં પત્રકો બનાવી રહ્યા હતા. બાળકોના રુદનથી શાળાનું વાતાવરણ ગમગીન હતું. "દાદા, આવો" આવકારતાં મેં કહ્યું. "મારે તમારી સાથે નથી બોલવું" સામેથી આટલું બોલતાં જ દાદાની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. આ ખોટું પગલું ભર્યું છે બોલી ધ્રુજતા હાથે ચશ્માં ઉતારી આંસુઓ લૂંછતાં લૂંછતાં ઘરે પાછા જવા ચાલી નીકળ્યા.
ગ્રામજનોને જેમ જેમ ખબર પડતી ગઈ એમ મને શાળામાં મળવા આવતા ગયા. દરેક આંખમાં આંસુ સાથે એટલું જ બોલતા હતા કે "સાહેબ, કેમ આવો નિર્ણય લીધો..? આ શાળાને અને અમારે તમારી જરુર છે" પણ એમના આ પ્રશ્ન સામે હું નિરુત્તર હતો.
ભુતપુર્વ વિદ્યાર્થીઓને જાણ થતાં એ પણ આવ્યા. બાલવાટિકામાં પા પા પગલી કરતાં ભૂલકાઓથી માંડી સૌની આંખોના અશ્રુઓએ વાતાવરણ વધુ ગમગીન બનાવી દીધું હતું. ચારેય બાજુ વીંટળાઈને બાળકો રોક્કળ કરી રહ્યાં હતાં. મારી સુજેલી લાલ આંખમાંથી પણ અવિરત અશ્રુ વહેતાં જ હતાં. સૌને રોતાં મૂકીને હું એમનાથી હંમેશા માટે વિખૂટો પડી રહ્યો હતો. મારા સાથી મિત્રો ભૂલકાંઓને કહી રહ્યા હતા કે સાહેબને હસતા મોંઢે "આવજો" એવું કહી દો પણ, એકપણ બાળક એવું બોલ્યું નહિ. વાતાવરણ વધુને વધુ ગંભીર બનતું જતું હતું. છેલ્લે હું અતિભારે હૈયે સાથી મિત્રોને મળી જેવો શાળાના મુખ્ય દરવાજા બહાર પહોંચ્યો ત્યાં તો પોક મૂકીને રડતાં, રોક્કળ કરતાં મારાં ભૂલકાંઓએ મને રોકી રાખ્યો. સાથી મિત્રએ આવી ભૂલકાંઓને સમજાવવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. ખબર નહિ કેવા બંધનો સાથે આટલી આત્મીયતા થઈ હશે..!!!???
ભૂલકાંઓના આક્રંદે તો મારું હૈયું હચમચાવી નાખ્યું હતું. કેટલાય કિમીનો રસ્તો કાપ્યો ત્યાં સુધી મારી આંખે કર્મભૂમિની યાદમાં અશ્રુપ્રવાહ સતત ચાલુ જ રહ્યો. અને ભૂલકાંઓનાં આંસુએ મારી બદલીના નિર્ણયનો સો પ્રતિશત ખોટો જ સાબિત કરી દીધો પણ મારા ભાગે પશ્ચાતાપ સિવાય બીજું કાંઈ જ બચ્યું નહોતું.
મને માન, મર્યાદા અને મોભો આપવા બદલ સૌ ગ્રામજનોનો આભાર
🙏🏻
મારા ગયા પછી ગુણ અને અવગુણ મારું પ્રતિનિધિત્વ કરતા રહેશે, મારું જીવન સૌનું પ્રેરણાત્મક બને એવા હંમેશના પ્રયત્નો કરીશ.
આંસુઓનું આંખમાં ઝૂલી જવું,
કેટલું વસમું છે તમને ભૂલી જવું..!!
સૌને ભારે હૈયે અલવિદા
🙏🏻
મારી વિદાયને શબ્દોમાં વર્ણવવી નહોતી પણ કેટલીક અજાણ પરિસ્થિતિથી સૌને વાકેફ કરવા મને એ વ્યક્તિએ જ મજબુર કર્યો જેણે શાળાનું વાતાવરણ ડહોળ્યું અને હમેશાં કુથલી જ કરતી આવી છે. ભૂતકાળમાં એ વ્યક્તિ ગેરબંધારણીય શબ્દો બોલીને માફી પણ માંગી ચૂકી છે. આટલી જાતિવાદી હિન માનસિકતા ધરાવે છે. પણ મેં સહન કરીનેય ફરજ દરમિયાન હમેશાં વર્ગવિગ્રહ કે દ્વેષભાવને ડામવાનો જ પ્રયત્ન કરી શાળાના શૈક્ષણિક અને ગામના હિતને જ પ્રાથમિક્તા આપી હતી. તદ્દન જુઠ્ઠા અને વાહિયાત આક્ષેપો કરી આચાર્યને હમેશાં અળખામણા અને ખોટા જ સાબિત કરવાની કોશિશ કરી છે. કહેવાતું આવ્યું છે કે ભોળાના ભગવાન હોય એમ ભગવાને પણ ઈચ્છયું કે નિર્દોષ અને નિર્મળ વ્યક્તિત્વ ધરાવનાર માણસ હેરાન ન થવો જોઈએ..!! આચાર્ય સાહેબની બદલી થયાનું જાણીને આજે એક તરફ ખુશી થઈ રહી છે કે પૂર્વગ્રહથી પીડિત વ્યક્તિની જીભાજોડીથી આચાર્ય સાહેબને મુક્તિ મળી અને બીજી તરફ જેમ છત્રપતિ શિવાજી મહારાજના સેનાપતિ માટે બોલાયું હતું કે "ગઢ આલા પણ સિંહ ગેલા અર્થાત્ કિલ્લો તો જીત્યા પણ સિંહ ખોયો" બસ એમ જ આચાર્ય તો ઘણાય આવશે અને જશે પણ શાળાએ એક કુશળ આચાર્ય ગુમાવ્યાનું ભારોભાર દુ:ખ અનુભવી રહ્યો છું. એમના કાર્યોની લાંબા ગાળે અસર દેખાશે. કોઈ એકના કારણે કેટલાક કડવા અનુભવો લખીને જન્મભૂમિ સમાન મારી કર્મભૂમિને કાળી ટીલ્લી લગાડવા નથી માંગતો. અંતે એટલું જ કહીશ કે, જેના અંગે અંગમાં ઝેર જ ભરેલ હતું એવી ડસનારને ઓળખી ના શક્યા..!!!
દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો
સાચુ બોલ્યો, તો વગોવાઈ ગયો
તમે તો આખી જીવન લીલા લખી નાખી છે ,🙌🙏👏👏👏👏
ReplyDelete