વર્ષ ૧૯૨૩ની વાત છે જ્યારે ડૉ. આંબેડકર લંડનથી અભ્યાસ પૂર્ણ કરીને બેરિસ્ટર બન્યા બાદ ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના ભાઈ બલરામે પરિવારના તમામ સભ્યો માટે નવાં કપડાં ખરીદ્યા હતાં અને રમાબાઈને સાડી ખરીદવા માટે થોડા પૈસા પણ આપ્યા. પરંતુ રમાબાઈએ પોતાના માટે સાડી ખરીદવાને બદલે બાબાસાહેબ માટે વસ્ત્રો અને જમવાનું ખરીદ્યું. રમાબાઈ તેમના પતિની પ્રગતિમાં પૂરા દિલથી મગ્ન હતાં. માનસિક રીતે તેમનું અસ્તિત્વ પતિના અસ્તિત્વમાં ભળી ગયું હતું. જેવી પરિસ્થિતિ હતી તેનાથી તે ખુશ હતાં. નવી સાડી વગર શું અટકવાનું ? તેમને મન તો પતિનો સંગ અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય રમાબાઈની શોભા હતી. તેથી અલગ પોશાક પહેરવાની કોઈ જરૂર જણાઈ નહીં. કુટુંબ સુખી રહે, પતિની પ્રગતિ થાય એ જ તેમની ઈચ્છા હતી. રમાબાઈ ચંદનના વૃક્ષ જેવાં હતાં જેની સુગંધ દૂર દૂર સુધી વાતાવરણને સુગંધિત કરે છે, પરંતુ વૃક્ષને આ સુગંધ સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં રમાબાઈએ વિચાર્યું કે આ જૂની સાડીમાં તેમના પતિની સામે જવું સારું નહીં લાગે તેથી કોઈક ઉપાય કરવો જોઈએ. વિચારતાં વિચારતાં રમાબાઈએ પોતાની જૂની પેટી ફેંદી તો એમાંથી એક મોટી પાઘડી જોઈ. આ જરીવાળી પાઘડી કોલ્હાપુરના રાજા શાહુજી મહારાજે ડૉ. આંબેડકરને સન્માનમાં અર્પણ કરી હતી. રમાબાઈએ પાઘડીને સાડીની જેમ પહેરી પરિવાર અને સમાજના સભ્યો સાથે બંદરે બાબાસાહેબને આવકારવા ગયાં. બાબાસાહેબ જહાજમાંથી બહાર આવ્યા. લોકોએ તેમનું સ્વાગત કરવા ઝિંદાબાદના નારા લગાવવા માંડ્યા. ફૂલોની માળાથી લદાયેલા બાબાસાહેબ દરેકને ખૂબ જ પ્રેમથી મળતા હતા. તે સમયે રમાબાઈના પોશાક પર કોઈએ ધ્યાન આપ્યું ન હતું. પરંતું બાબાસાહેબે રમાબાઈને જોયાં તો સમજી ગયા કે આર્થિક તંગીના કારણે રમા નવી સાડી પણ ખરીદી શકી નથી એટલે સાડીના બદલે પાઘડી પહેરી છે. રમાબાઈને મળતાં જ તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ઘણી કોશિશ કરવા છતાં પણ પોતાના આંસુ રોકી ન શક્યા. પતિને મળ્યા બાદ રમાબાઈ પણ ભાવુક થઈ ગયાં. પતિ-પત્નીના મિલનનું ખૂબ જ ભાવનાત્મક આ દ્રશ્ય હતું. બાબાસાહેબ પી.એચડી, બેરિસ્ટર વગેરે ડિગ્રીના પ્રમાણપત્રો સાથે ભારત પાછા ફર્યા અને વિશ્વના છ મહાન વિદ્વાનોમાંના એક બન્યા તેથી પરિવારની સાથે સાથે સમાજમાં પણ ખુશીની કોઈ સીમા ન હતી. ઘરના પ્રવેશદ્વાર પર કરેલ રંગોળીના શણગાર વચ્ચે રમાબાઈ ઊભાં રહી તિલક લગાવ્યું, આરતી કરીને પતિનું સ્વાગત કર્યું. રમાબાઈ પાસે ભલે જૂની સાડી હતી પરંતુ તેમના પતિ તરીકે બાબાસાહેબ નામનો કોહિનૂર હતો જેની આભા આખી દુનિયામાં ફેલાઈ જવાની હતી. જેનો પ્રકાશ એક દિવસ સૂર્યની જેમ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરશે. હજારો વર્ષોની ગુલામી, ગરીબી અને અત્યાચારના અંધકારમાં ડૂબેલા દલિત અસ્પૃશ્ય સમાજને તેઓ પોતાના પ્રકાશથી ઉજાગર કરવાના હતા.
રમાબાઈએ બાળપણથી જ દુ:ખ અને વંચિત જીવન જીવ્યું હતું. પોતાના પરિવારનું ભરણપોષણ કરવા જીવનભર મુશ્કેલીઓ સહન કરી. તેમણે અભાવો અને મુશ્કેલીઓની સામે ક્યારેય ઘૂંટણ નથી ટેકવ્યાં. રમાબાઈએ એકલાંએ તેમનાં સંતાનોના મૃત્યુ જેવી ઘટનાઓનો સામનો કર્યો હતો પરંતુ વિદેશમાં અભ્યાસ કરી રહેલા તેમના પતિને આવી દર્દનાક ઘટના વિશે જાણ કરી ન હતી કારણ કે તેના કારણે બાબાસાહેબના અભ્યાસમાં વિક્ષેપ પડી શકે. રમાબાઈ એક પત્રમાં લખે છે કે,
સૌથી આદરણીય મારા સાહેબજી,
તમારા ચરણોમાં રમાના શત્ શત્ નમન. તમારો બીજો પુત્ર રમેશ હવે આ દુનિયામાં નથી એ ખૂબ જ દુઃખદ સમાચાર છે. આ માટે માફી માંગુ છું. આટલું દુ:ખ સહન કરવાની શક્તિ હું ક્યાંથી લાવું ? તે બિમાર હતો તો પણ તમારા અભ્યાસમાં કોઈ અડચણ ન આવે એટલે મેં જાણ કરી નહોતી. પણ હું તમને વિનંતી કરું છું કે આ બધાં દુ:ખ મારા માટે છોડી દો. હું આ બધાં દુઃખોનો સામનો કરીશ. પણ તમે તમારા અભ્યાસમાં અવરોધ ન આવવા દેતા. બસ, સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. હું અહીં બધું સંભાળું છું. ચિ.યશવંત તરફથી શુભેચ્છાઓ.
તમારી પત્ની,
રમા
બાબાસાહેબ જ્યારે બેરિસ્ટર બનવા માટે વિલયાત ગયા હતા, ત્યારે રમાબાઈ પરિવારના ભરણપોષણ માટે નજીકનાં સ્થળોએ જઈ ભેગાં કરેલ લાકડાંની ભારી માથે ઉપાડી ઘરે આવતાં. બાબાસાહેબનું નામ ખરાબ ન થાય તે માટે આ કામ સાંજના અંધારામાં અથવા વહેલી સવારે કરતાં જેથી કરીને તેમને કોઈ જોઈ ન શકે અને કોઈ એવું ન વિચારે કે બાબાસાહેબ ડૉ.આંબેડકરની પત્ની આવું નાનું કામ કરે છે. ઘણી વખત તો તેમણે મજૂર તરીકે પણ કામ કર્યું. તેઓ છાણ ભેગું કરી, તેનાં છાણાં સૂકવીને વેચવા માટે વરલી જતાં અને રાત્રે ૯ વાગ્યા સુધીમાં વેચીને ઘરે પરત ફરતાં. પોતાના પરિવારને ગરીબી અને ભૂખમરાથી બચાવવા માટે તેમણે આ બધું કરવું પડ્યું. રમાબાઈ ચાર બાજરીના રોટલા બનાવે. યશવંત, મુકુંદ અને શંકરને એક-એક રોટલો આપતાં અને એક રોટલાના ત્રણ ટુકડા કરીને ફોઈ મીરા, જેઠાણી લક્ષ્મી અને પોતે ખાતાં. ક્યારેક ભાત હોય ત્યારે તે શાક કે દાળ વગર ચટણી અને ડુંગળી સાથે ખાઈ લેતાં. આવી રીતે ગરીબી અને ભૂખ રમાબાઈની આકરી કસોટી કરતી. તેમનું શરીર ભાંગી રહ્યું હતું પણ તેમણે જીવનમાં હાર સ્વીકારીય નહોતી કે સ્વીકારવા તૈયાર પણ નહોતાં..!!
આમ, રમાબાઈ દુ:ખને કડવી ઔષધ સમજીને પીતાં રહ્યાં પણ કોઈની સામે પ્રગટ કર્યું નહિ. તેમણે બાબાસાહેબ પાસેથી ભગવાન બુદ્ધનું નામ સાંભળ્યું હતું પરંતું તેમના જ્ઞાનથી અજાણ હતાં. તેમ છતાં ભગવાન બુદ્ધે જીવનમાં દર્શાવેલ નમ્રતા અને સમાધિ જેવા નિયમોનું પાલન કરતાં હતાં. તેમનું એક જ ધ્યેય પતિની સલામતી અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના અને પરિવારનું ભરણપોષણ કરવું. લોકો જીવનમાં સુખ મેળવવા માટે વિવિધ કાર્યો કરે છે, પરંતુ રમાબાઈએ દુ:ખમાં જીવતા શીખી લીધું હતું. રમાબાઈ પહેલાથી જ ડૉ.આંબેડકરના "રામુ" બની ચૂક્યાં હતાં. પરંતુ ત્યારબાદ સમગ્ર ભારતના શુદ્રો, અસ્પૃશ્યો, દલિતો, ગરીબ અને પીડિત લોકોનાં પૂજ્ય, આદરણીય "માતા રમાબાઈ" પણ બન્યાં.
એક દિવસ ડૉ. આંબેડકરે રમાબાઈને પૂછ્યું – રમા..! મારી ગેરહાજરીમાં તમે પરિવારને કેવી રીતે સંભાળ્યો ? ઘરમાં કંઈ ન હોવા છતાં પરિવારને કેવી રીતે મદદ કરી ? રમાએ આ પ્રશ્નોના જવાબ ન આપ્યા, તેઓ માથું નમાવીને ચૂપચાપ બેસી રહ્યાં. પછી બાબાસાહેબે યશવંત અને મુકુંદને એ જ પ્રશ્ન પૂછ્યો અને બંને ભાઈઓએ આખી વાત કહી. બાળકોના મોઢેથી ઘરની કરુણ અને દારૂણ પરિસ્થિતિ સાંભળીને બાજુના અભ્યાસખંડમાં જઈ, અંદરથી દરવાજો બંધ કરી ઓરડામાં કલાકો સુધી એકલા ચુપચાપ આંસુ વહાવતા રહ્યા. રમાબાઈ તેમનાં પત્ની જ નહીં, કરુણાની દેવી પણ હતાં. રમાબાઈએ પોતે ઘણું સહન કર્યું પણ પરિવારને તૂટવા ન દીધો. પરિવારને ક્યારેય દુઃખી ન થવા દીધો. ક્યારેય તેમના પતિને લખેલા પત્રમાં તેમના દુઃખની વાત લખી જ નહીં. તેઓ દ્રઢપણે માનતાં કે અભ્યાસ માટે પતિ વિદેશમાં છે અને મારા દુ:ખની તેમના અભ્યાસ ઉપર અસર ન જ પડવી જોઈએ. બાબાસાહેબને હિંમત આપતા એક પત્રમાં લખ્યું છે કે,
સૌથી આદરણીય મારા સાહેબજી,
અમને તમારો પત્ર મળ્યો. પત્ર વાંચીને ખૂબ આનંદ થયો. અહીં બધું સારું છે. અમારી ચિંતા કરશો નહીં. હું દરેકનું ધ્યાન રાખું છું. તમારો પત્ર વાંચીને આપણા વિસ્તારના દરેક લોકો ખૂબ જ ખુશ થયાં છે. મને પીડાની ચિંતા નથી. મને ખૂબ ગર્વ છે કે મેં તમારી સાથે લગ્ન કર્યા છે. તમે બહુ ભણજો, આ મારી ઈચ્છા છે. તમે પત્રમાં ઘણી બધી બાબતો લખી છે. હું તમારી સાથે છું. હું તમને આશ્વાસન આપું છું કે હું ગમે તેવી મુશ્કેલીઓ સહન કરીશ પણ પાછી પાની કરીશ નહીં. અમે સૌ મજામાં છીએ. તમે સમયસર ભોજન લેજો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. પત્ર વાંચ્યા પછી યશવંત વારંવાર પૂછે છે કે બાબા ઘરે ક્યારે આવશે ? પત્રો મોકલતા રહો.
તમારી પત્ની,
રમા
આવાં ત્યાગ, બલિદાન અને કરુણાનાં મૂર્તિ માતા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ પર એમના ચરણોમાં કોટિ કોટિ વંદન.
સંદર્ભ :-
• ત્યાગમૂર્તિ પૂજ્ય માતા રમાઈ આંબેડકર પુસ્તકમાંથી સાભાર
સત સત નમન રમાબાઈને
ReplyDelete👍👍
ReplyDelete🙏🏼
ReplyDelete