Skip to main content

ભારતમાં યોજાયેલ એક લગ્ન પ્રસંગની સુધારાવાદી પહેલ


             રવિવારે બપોરે ત્રણ વાગ્યે અમારી ગાડી રાજસ્થાન જવા રવાના થઈ. હરિ કાકા, હિતેષભાઈ, રમેશભાઈ અને સાથે હું. લગભગ ચાર વાગ્યા આસપાસ અમે આબુરોડ પહોંચ્યા ત્યાંથી અમારી સાથે પ્રોફે. ડૉ. હિમાંશુ પંડયા સર, બાબુલાલજી (સમાજસેવક, ચિંતક અને લેખક), નટવરલાલ અને મહેન્દ્રભાઈ (બન્ને શિક્ષક) જોડાયા. આબુથી આગળ જતાં એક હોટલ પર ચા-પાણી કરવા માટે ગાડી રોકી. પ્રોફે. ડૉ. હિમાંશુ સાહેબને ડાયાબીટીસનો પ્રશ્ન હોવાથી તેઓએ ચાની ચૂસકી મારતાં મારતાં કહ્યું કે, એક વખત ડૉક્ટરી તપાસ કરાવતાં જાણવા મળ્યું કે મને ડાયાબીટીસ છે તો મને ભાવતી ગળી ચીજવસ્તુઓ ખાવા પર મારી સદંતર પાબંદી લાગી ગઈ. મને ડાયાબીટીસ હોઈ ન શકે તેમ છતાંય થોડો સમય મેં કાળજી રાખી પછી ડાયાબીટીસ માટે ત્રણ મહિનાનો એક ટેસ્ટ આવે છે એ કરાવ્યો તો એમાં મારું ડાયાબીટીસ નથી એવું નિદાન આવ્યું એટલે ડૉક્ટર કહ્યું કે હવેથી તમે ઘરે જઈને મીઠાઈ કે ગળી ચીજવસ્તુઓ ખાઈ શકો છો. ત્યારે હું ઘરના રસ્તે જવાને બદલે મીઠાઈની દુકાને જઈ મીઠાઈ આરોગી હતી. આ કિસ્સો સાંભળી સૌ હસી પડ્યા. ઘણી વખત આપણને બંધન નડી જતાં હોય છે અને એ પણ માનસિક. પ્રોફેસર સાહેબને પાછળથી ડાયાબીટીસની બીમારી આવી પડી, જે વારસાગત હતી. હાવી ન થઈ જાય એની તેઓ ખૂબ જ ચીવટ રાખે છે. સાહેબના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.
              અમારે જેટલું કપાય એટલું અંતર કાપવાનું હોવાથી ઘણો સમય ન બગાડતાં ગાડીમાં બેસી આગળ ચાલ્યા. દેશનાં એવાં કેટલાંય ગામડાં છે જ્યાંથી લાખો રૂપિયા દેવસ્થાન બાંધવા માટે ફંડ ઉઘરાવવામાં આવ્યું છે પણ એ જ ગામડાંઓમાં શાળાઓની હાલત દયનીય છે. આરોગ્યના નામે કેટલુંય આરોગાઈ ગયું. લોકશાહીને થોપશાહીમાં પરિવર્તિત કરી દીધી છે તો બંધારણને બાંધી દીધું..!! રોજગારીની રાડો પડી રહી છે અને કાયરો, માફીવીરોને દેશભક્ત સાબિત કરવા ઈતિહાસને વિકૃત કરી દીધો છે. શિક્ષણ, આરોગ્ય, લોકશાહી, બંધારણ, રોજગારી, જ્ઞાતિ-પ્રદેશ-ધર્મવાદ, ઈતિહાસ સાથે ચેડાં વગેરે જેવા દેશમાં સળગતા મુદ્દાઓ પર ગાડીમાં ગંભીર ચર્ચા થઈ રહી હતી. ત્યાં અચાનક જ દોડતી ગાડીનો બેએક મિનિટમાં અવાજ બદલાઈ ગયો. એવું લાગી રહ્યું હતું કે પંચર પડયું હશે. તપાસ કરતાં પંચર થયું હતું. માંડ સો મીટર સુધી જ ચલાવી શકાઈ. રાત્રિના સાડા નવ જેવા વાગ્યા હશે. પણ સામે જ હોટલ દેખાતી હોવાથી હાશકારો થયો. સૌ નીચે ઉતરી પૈડું બદલવા ડ્રાઈવરને મદદ કરવા તૈયાર હતા પણ ગાડીમાં આપેલ સ્પેર વ્હીલને કાટ લાગી ગયો હોવાથી ખૂલતું નહોતું. મહામહેનતે જુગાડ કરી ખોલ્યું તો ઝેક નઈ...!! એટલે મુશ્કેલી વધારી. ગાડીના માલિક બીજી ગાડી લઈ આવવાનું કહ્યું પણ અમે સૌએ દરિયાદિલીથી ના પાડી હતી. એકાદ કલાકની અમારી મહેનત બાદ આબુથી સાથે આવેલા નટવરલાલે એમના મિત્રને કોલ કરી જાણ કરી તો નજીકના ગામમાંથી પંચરવાળા ભાઈને પીકઅપ જીપ લઈને મોકલી આપ્યા. તેઓએ પંચરનું કામ ચાલુ કર્યું.
             સાડા દસથી વધુ સમય થઈ ચૂક્યો હતો. આયોજન મુજબ અમારે હજી ૧૦૦ કિમી જેટલું અંતર કાપી પછી રાત્રિ રોકાણ કરવાનું હતું પણ હવે પહાડી વિસ્તારોમાં રાત્રે ગાડી ચલાવવી જોખમ ભર્યું હતું એટલે સામે દેખાતી હોટલ પર જઈ જમવા/રહેવાની પૂછપરછ કરતાં બેયની વ્યવસ્થા થઈ ગઈ. ભૂખ પણ લાગી હતી. વિશાળ ચોગાન ધરાવતી કાચની આલિશાન હોટલમાં ટેબલની ફરતે વીંટળાઈ ગયા. હોટલ સ્ટાફ ઓછો અને ભીડ હોવાને કારણે જમવાનું મોડું થઈ રહ્યું હતું. આ સમય દરમિયાન ભારતીય ઈતિહાસ પર મંથન થયું. સિંધુ સભ્યતા,  ધોળાવીરા, લોથલ વગેરે વિશે ખૂબ જ રસપ્રદ જુથચર્ચા ચાલી રહી હતી એવામાં વેઈટરે જમવાનું પીરસ્યું, જમવાનું સારું અને સ્વાદિષ્ટ હતું. જમ્યા પછી થોડીવાર હોટલના બગીચામાં ફર્યા બાદ રૂમમાં જઈ સામાન મૂકી ગોષ્ઠિ માટે ગોઠવાઈ ગયા. સામાજિક, રાજકિય, ધાર્મિક વિશે ગહન ચર્ચા થઈ. પ્રોફેસર ડૉ. હિમાંશુ સાહેબને પહેલીવાર સાંભળ્યા. એમની પાસેથી બહુ જ જાણવા મળ્યું. ક્યારે મધ્યરાત્રિનો એક વાગી ગયો ખબર જ ન રહી..!! સવારે વહેલા નીકળવાનું હોવાથી ગોષ્ઠિ પૂર્ણ કરી સૌ પોતપોતાના રૂમમાં જઈ સૂઇ ગયા.
           બીજા દિવસે સવારે પાંચ વાગ્યાથી દિવસની શરૂઆત થઈ. ચાની ચૂસકી લગાવી ગંતવ્ય સ્થળે પહોંચવા માટે ગાડી નીકળી પડી. અમે સૌ મિત્રો જઈ રહ્યા હતા મશહૂર લેખક, પત્રકાર અને સમાજસેવક ભંવર મેઘવંશીજીની દીકરી મમતાના લગ્ન પ્રસંગમાં.
              આજથી થોડા વર્ષો પહેલાં ગામડાંમાં ગાડાં જોડીને જાન જતી. નાની ઉંમરે લગ્ન થતાં, દીકરાના બાપને કરિયાવર ભરવું પડતું તો ક્યાંક વળી દહેજ આપવાનો રીવાજ હતો. ઘરેણાં, ગાંઠા, કપડાં બધું મર્યાદિત અને સાદું હતું. આણાની પ્રથા પણ હતી. ઘર પ્રમાણે વરો થાય, આ પ્રસંગે મહેમાનો ચાર-પાંચ દિ' રોકાય. સમય જતાં શહેરીકરણનો રંગ લાગ્યો અને દિવસો ઘટયા પણ ખર્ચ વધ્યું. લગ્ન મંડપથી માંડી જમણવાર, હલ્દી રશમ, મહેંદી રશમ, રાસ ગરબા અને લાઈવ ડીજે સાથે વરઘોડું અલગ. સમય બદલાયો એમ દેખાદેખી વધી. રીંગ સેરિમની, પ્રિ-વેડીંગમાં પણ લગ્ન જેટલો જ ખર્ચો કરવા લાગ્યા. આર્થિક ક્ષમતા ધરાવનાર લોકોએ લગ્ન પ્રસંગને ખર્ચાળ બનાવ્યો અને આ બધું જોઈને નાના તેમજ મધ્યમવર્ગના લોકોએ માથે દેવું કરીને પણ દેખાડો કરવાના રવાડે ચડ્યા. આનાં આવેલ માઠાં પરિણામ પણ સમાજે ભોગવ્યાં છે અને ભોગવી રહ્યો છે.
          આવા દેખાદેખીના સમયમાં ભંવર મેઘવંશીજીની દીકરી મમતાએ મહાપુરુષોના વિચારોથી પ્રેરાઈને અન્ય લોકોની જેમ લગ્નમાં બિનજરૂરી ખર્ચનો ત્યાગ કરી સાદગીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ભંવરજીના આમંત્રણને સ્વીકારી અમે પણ આવા અનોખા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આંબેડકર ભવન, સીડીયાસ (રાજસ્થાન) પહોંચ્યા. જય સંવિધાન લખેલ પ્રવેશદ્વારમાંથી પ્રવેશતા જ ભંવરજીએ સૌને ગળે મળી આવકાર્યા. લગ્નવિધિ માટે તૈયાર કરેલ સ્ટેજ ઉપર બંધારણ અને બુદ્ધની પ્રતિમા તેમજ બુદ્ધ, કબીર, જ્યોતિબા ફૂલે, આંબેડકર, ગાંધી,  ભગતસિંહ, સાવિત્રીબાઈ ફૂલે, ફાતિમા શેખના ફોટા સાથે વર-કન્યાનો ફોટો જોવા મળતો હતો અને સ્ટેજ ઉપર ચારેબાજુ મુકેલ ફૂલછોડનાં કૂંડા પણ સૌનું ધ્યાન ખેંચતાં હતાં.


            જાનને આવકારવા સૌ પ્રવેશદ્વારે ઊભાં હતાં. સ્થાનિક સંસ્કૃતિ અનુસાર ફક્ત ઢોલ વગાડી અવાજ પ્રદૂષણ કરતાં સંગીત સાધનોનો કે હવાનું પ્રદૂષણ કરતા ફટાકડાનો ઉપયોગ કર્યા વગર ગુલાબની પાંદડીઓ વરસાવી સ્વાગત કર્યું. સામાન્ય રીતે વરરાજા સૌથી અલગ તરી આવે એવા પોશાકમાં સજ્જ જોવા મળે. પણ અહીં વરરાજાને ઓળખાવા મુશ્કેલ બની રહ્યું હતું. ગાડીમાંથી જોધપુરી સાફામાં સજ્જ થઈ ઉતરેલા જ વરરાજા છે એવી અમારી ધારણા લગ્નવિધિ સ્ટેજ ઉપર વરરાજાને જોઈ ખોટી પડી. ભંતેજી ડૉ. સિદ્ધાર્થ વર્ધનની હાજરીમાં લગ્નવિધિ શરૂ થઈ. વર-કન્યાએ કેટલાક સંકલ્પો અને પ્રતિજ્ઞા લઈ અનોખી રીતે એકબીજાનાં સાથીદાર બન્યાં. એમણે એવી પ્રતિજ્ઞા લીધી કે,
આજે અમારા પરિવાર અને સ્નેહીજનોની હાજરીમાં ભારતના બંધારણને સાક્ષી તરીકે માનીને અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આજથી અમે એકબીજાના જીવનના પૂરક બનવામાં પરસ્પર સહભાગી થઈશું.

૧. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમારી ભાગીદારી પરસ્પર વિશ્વાસ અને સમાનતા પર આધારિત હશે અને અમે મૈત્રીપૂર્ણ રીતે એકબીજાના વ્યક્તિત્વનો આદર કરીને જીવન વિકાસની દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરીશું.

૨. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે અમારી ભાગીદારીની તમામ જવાબદારીઓને પૂરી નિષ્ઠાથી નિભાવીશું અને અમારી ભાગીદારીનું જીવન દેશ, વિશ્વ અને સમાજના ભલા માટે સમર્પિત રહેશે.

૩. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમારું વર્તન ભારતના બંધારણના સાર્વત્રિક મૂલ્યો "ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ" અનુસાર હશે. અમે એકબીજાને સંપૂર્ણ સન્માન અને ગૌરવ આપીશું.

૪. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે સ્નેહ, સદ્ભાવના, મિત્રતા અને સહકારની ભાવનાથી અમે પૃથ્વીના તમામ જીવો, પ્રકૃતિ, પર્યાવરણ અને તમામ જીવો, પ્રાણીઓ, પક્ષીઓ, નદીઓ, તળાવો, પર્વતોનું રક્ષણ, પ્રોત્સાહન અને સન્માન કરીશું. સૌ પ્રત્યે મૈત્રીપૂર્ણ રહીશું.

૫. અમે સંકલ્પ કરીએ છીએ કે અમે જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ, નકારાત્મકતા, નિરાશાઓ અને સંઘર્ષની ક્ષણોનો સંપૂર્ણ ધીરજ, કરુણા, ઉદારતા અને સમજદારી સાથે સામનો કરીશું અને એકબીજાના ટેકા બનીશું.

૬. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે ભલે સમય સાથે અમારા સંબંધોમાં કોઈ ફેરફાર થાય તો પણ અમે એકબીજાને માન આપીશું. મિત્રતા, સંવાદિતા અને સંતોષ સાથે વિતાવેલા સમયને પાછો જોઈશું અને એકબીજાને કોઈપણ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરીશું.

૭. અમે તથાગત ગૌતમ બુદ્ધ, સંત કબીર, રામસા પીર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ, ફાતિમા શેખ, બાબાસાહેબ ડૉ.આંબેડકર, ભગતસિંહ અને મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોની પ્રેરણાથી, અમારા પૂર્વજો અને પ્રકૃતિની તાકાતથી આપ સૌની હાજરીમાં હું આ પ્રતિજ્ઞા લઉં છું.
સંકલ્પ પત્ર / પ્રતિજ્ઞા પત્ર 

             એકદમ સામાન્ય કુર્તા પાયજામા અને સાદી સાડીના પોશાકમાં વર-કન્યાએ સહજીવન માટે સાત ફેરા નઈ, પણ ઉપરોક્ત સાત પ્રતિજ્ઞા લઈ સૌને અચંબીત કરી દીધા હતા. બીજી વાત કે વર-કન્યાને ભેટ સોગાત આપવી હોય તો ફક્ત પુસ્તક અને ફૂલછોડ કે વૃક્ષના રોપા જ આપવા અન્ય કોઈપણ પ્રકારની ભેટ આપવી નહીં. આ બહુ મોટો સંદેશ આપે છે. એક પુસ્તક માણસનું જીવન બદલી દે છે એમ એક છોડ પૃથ્વીનું. ગ્લોબલ વોર્મિંગ નામની સમસ્યાએ માથુ ઊંચકીને જગતને પોતાના ભરડામાં લઈ લીધું છે એટલે જ તો ભૂકંપ, વાવાઝોડા, દાવાનળ, પુર જેવી કુદરતી આફતો ગમે ત્યારે ત્રાટકે છે. વર્તમાનમાં ક્લાઈમેન્ટ ચેન્જનો ભયંકર દોર છે.  છેલ્લા થોડા વર્ષોથી ચોમાસાના વરસાદે હવામાન ખાતા અને મોસમ વિજ્ઞાનીઓની તમામ આગાહીઓ ખોટી પાડી રહ્યું છે. દેશના અનેક વિસ્તારોમાં વરસાદની અછત, તો ક્યાંક ભારે વરસાદ બેહાલ તારાજી સર્જે છે. આવી આફતોમાંથી બચવા માટે પર્યાવરણના રક્ષણમાં નાગરિકોની ભાગીદારીને વધારવી જરૂરી હોય છે. મમતા અને કૃષ્ણકુમારે પોતાના સહજીવનમાં વૃક્ષારોપણને એક નારા કે ઉત્સવ પુરતો સિમિત ન રાખતાં જીવનનો હિસ્સો બનાવી સૌનાં પ્રેરણાસ્રોત બન્યાં હતાં.


              આ પ્રસંગે ભંવર મેઘવંશીજીએ ભારતીય સમાજને ભાવુકતાસભર સંદેશ આપતાં કહ્યું કે, "દેશભરમાંથી પધારેલ સૌ મહેમાનોનું સ્વાગત કરું. દીકરી મમતાના ઉછેરમાં, ભણાવવામાં કે અન્ય પ્રકારની કોઈ ખામી રહી ગઈ હોય તો મમતાની માફી માંગુ છું. મારા માતા-પિતા, પરિવાર બંધુઓ, સગા સંબંધી સૌએ નવા બદલાવને સ્વીકાર્યો. જો મારા પરિવારે, ભાઈભાંડુઓએ, સગા સંબંધીઓએ, દોસ્તોએ સાથ સહકાર ન આપ્યો હોત તો અમે આ અનોખાં લગ્ન કરી શક્યાં ન હોત." તેમણે આગળ બોલતાં કહ્યું હતું કે, "આ પ્રસંગ કોઈ વ્યક્તિને ખોટો સાબિત કરવા નથી કર્યો. જે-જે થાય છે એ ઉચિત જ છે. ભારતના બંધારણે દરેકને હક્ક આપ્યા છે. અમારા આ પ્રસંગથી કોઈને નીચા બતાવતા નથી. અમે તો એક નવો રસ્તો બતાવીએ છીએ. આનાથી કોઈનું અપમાન નથી. સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલે, રાજા રામમોહન રાય, ડૉ. આંબેડકર વગેરે મહાપુરુષોએ નવા નવા રસ્તા અપનાવેલા છે. અમે એમના રસ્તે ચલવાનો પ્રયત્ન કર્યો છે.  આ એક નવી શરૂઆત કરી છે. એને આપ સૌ આગળ ધપાવજો અને મદદ કરજો.  અમે કોઈ જર-ઝવેરાત, કોઈ પ્રકારનું દહેજ નથી લીધું, કોઈ પ્રકારનો વ્યવહાર કે લેવડદેવડ નથી કરી, કોઈ પ્રદૂષણ નથી ફેલાવ્યું કે કોઈ પરંપરા નથી માની. અમે ભારતના બંધારણને આદર્શ અને સાક્ષી માની આ લગ્ન પ્રસંગ કર્યો છે. મેં કર્યું એવું નહી કહું કેમ કે મારી દીકરી મમતા અને કૃષ્ણકુમારે કર્યો છે. તેમજ મારાં માતા-પિતાના ચરણોમાં નતમસ્તક વંદન કે એમણે મને આ અનોખો પ્રસંગ કરવાની મંજૂરી આપી. દેશભરમાંથી ઉપસ્થિત રહેલ સન્માનિય સૌનો પુનઃ આભાર વ્યક્ત કરું છું."
            આંબેડકરવાદી, વૈદિક સંસ્કૃતિ, કબીરપંથી, કામરેડ, નિર્ગુણ- સગુણમાં માનનાર તેમજ ભાઈ-બંધુઓ, સગા સ્નેહીઓ, પત્રકારો, લેખકો, સમાજસેવકો, રાજકીય નેતાઓ, અધિકારીઓ, મિત્રો વગેરેની ઉપસ્થિતિમાં આંબેડકર ભવનની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં મમતાનાં અનોખાં લગ્ન યોજાયાં હતાં. ના કોઈ લગ્નપત્રિકા, ના મૂર્હત, ના પ્રિ- વેડીંગ, ના રાસ-ગરબા, ના ભેટ સોગાત, ના ચાંલ્લા વિધિ, ના કરિયાવરનો વહેવાર, ના વરઘોડો, ના જાનૈયોઓનો કે ડીજેનો ઠાઠમાઠ. અને હા, બે-ત્રણ દિવસના જમણવારના બદલે માત્ર સાદો જમણવાર જ. સાદગી આંખે ઊડીને વળગતી હતી. ભંવર મેઘવંશીજીમાં સાચે જ વિચારધારાને વરેલા એક સાચા વ્યક્તિનાં દર્શન થયાં. 

Comments

Post a Comment

Read more

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...

ગરીબી માટે નહીં, સામાજિક ભેદભાવમાં સમાનતા લાવવા માટે છે અનામત.

ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો..? દરેક બિલ માટે જાહેરમાં ચર્ચા ઉપરાંત સંસદમાં ચર્ચા થતી તત્કાલીન બુદ્ધિજીવીઓ દ્વારા કોઈપણ બિલ માટે ખૂબ જ લાંબો સમય સુધી વિચાર વિમર્શ કરવામાં આવતો, ત્યારે તેનો અમલ થતો. જ્યારે વર્તમાનમાં દેશને આર્થિક રીતે પાયમાલ કરનારાઓએ ૭મી જાન્યુ. ૨૦૧૯ ના રોજ ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ૯મી જાન્યુ. ૨૦૧૯ના રોજ સંસદમાં સત્તા ભૂખ્યાઓએ પાસ પણ કરી દીધો..!!! સામાજિક અનામત કઈ રીતે મળી હતી..?? તો સામાજિક અસમાનતાએ માણસોને વિભાજિત કરી માણસાઈ સરવાળા વિનાની બનાવી. જીવન સ્તર બદ્તર બનાવ્યું. સામાજિક ક્ષેત્રે માણસાઈથી ફંગોળાયેલા પશુઓ કરતા પણ અધમ સ્થાન ભોગવતા લાખો અને કરોડો માણસોનું નરકીય જીવન એટલે સામાજીક અસમાનતા. આ વ્યવસ્થામાંથી સમસ્ત ભારતીયોને એક તાંતણે બાંધવાનું ભગીરથ કાર્ય એટલે અનામત. અનામત આપવા માટે ધર્મ કે જાતિ નો મુખ્ય આધાર એટલા માટે રાખવામાં આવ્યો કે દેશમાં અનેક જાતિઓ કે ધર્મના લોકો જે સામાજિક રીતે ભેદભાવ અને ઉપેક્ષાનો શિકાર બન્યા તેઓની સામાજીક એક સૂત્રતા એટલે અનામત. બંધારણના આધારે અનામત આપવાનો માપદંડ જોઇયે તો સામાજિક અસમાનતા છે. આવક કે સંપતિના આ...