Skip to main content

મારે ક્રાંતિકારી વિચારોથી થનગનતા યુવાનોની જરૂર છે - શહીદ ભગતસિંહ


            શેર-એ-પંજાબ તરીકે ઓળખાતા મહારાજા રણજીતસિંહના શાસનમાં શીખ સામ્રાજયના વિસ્તાર માટે શક્તિશાળી પઠાણોને માત આપી અને અંગ્રેજો સામે પણ નોંધપાત્ર બહાદુરી અને હિંમત દર્શાવી એવા ખાલસા સરદારોનો ઇતિહાસ બહાદુરી અને ગૌરવથી ભરેલો છે. સરદાર અર્જુનસિંહ આ મહાન ખાલસા સરદારોના વંશજ હતા. તેઓ પણ ક્રાંતિકારી વિચારોથી રંગાયેલા હતા અને સ્વતંત્ર વિચારસરણીની હિમાયત કરતા હતા. તેમને દેશભક્તિ અને બહાદુરીના ગુણો વારસામાં મળ્યા હતા. તેમણે સમાજમાં પ્રવર્તતી સડેલી, જૂની માન્યતાઓ અને દુષ્ટતાઓનો નિર્ભયતાથી વિરોધ કરતાં કહ્યું હતું કે,"વ્યક્તિની ઓળખ દુનિયામાં તેના ધાર્મિક, સામાજિક કે આર્થિક સ્થિતિ દ્વારા નહીં, પરંતુ તેના સારા કાર્યો અને ગુણો દ્વારા થવી જોઈએ. માનવતા પોતે જ પરસ્પર પ્રેમ, સ્નેહ અને સૌહાર્દપૂર્ણ વર્તન ઉત્પન્ન કરે છે. તેથી વ્યક્તિએ તમામ રૂઢિઓ તોડી માનવતામાં જ માનવું જોઈએ." આવા પ્રગતિશીલો વિચારોને કારણે તેમની લોકપ્રિયતા મોખરે હતી. એક દિવસ સવારે નવ વાગ્યાની આસપાસ એક બંધ ઓરડામાં સ્ત્રીના દુ:ખના કણસતા અવાજો ગુંજી રહ્યા હતા. તેની સાસુ પાસે બેઠી બેઠી કપાળ પર હાથ ફેરવીને દિલાસો આપી રહી હતી. સુયાણી પોતાના કામમાં વ્યસ્ત હતી. ઓરડાની બહાર અર્જુનસિંહ સારા સમાચારની રાહ જોતા ઉત્સુકતાથી "વાહગુરુ"નો ગણગણાટ કરતા કરતા બંધ દરવાજા તરફ જોતા હતા. એટલામાં જ એક નવજાત બાળકના રડવાના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠતાં તેમણે રાહતનો શ્વાસ લીધો અને વાહેગુરુનો આભાર માનવા માટે હાથ ઊંચા કર્યા. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને દાયણીએ ખુશખબર આપી,"અભિનંદન, સરદાર સાહેબ. તમારે ત્યાં પૌત્રનો જન્મ થયો છે." અર્જુનસિંહના ચહેરા ઉપર ચમક આવી ગઈ. હસતાં હસતાં તેમણે સુયાણીને કહ્યું, "આ મારો પૌત્ર નથી, પણ મારો પુનર્જન્મ છે. મને વિશ્વાસ છે કે એનું જીવન સંપૂર્ણપણે માનવસેવા અને દેશસેવા માટે સમર્પિત રહેશે." 

               એવું કહેવાય છે કે સદ્ગુણી આત્માના આગમન સાથે અશુભ પણ ધીમે ધીમે ઝાંખું થઈ શુભમાં પરિવર્તિત થાય છે. સરદાર અર્જુનસિંહ સાથે પણ આવું જ બન્યું. જ્યારે તેમનું આંગણું નવજાત બાળકના રુદનથી ગુંજી રહ્યું હતું ત્યારે દેશભક્તિના ઉત્સાહથી પ્રેરિત તેમના પુત્રો કઠોર જેલની સજા ભોગવી રહ્યા હતા. અજિતસિંહ, કિશનસિંહ અને સ્વર્ણસિંહ ત્રણેય ભાઈઓ બ્રિટિશ સરકાર માટે કાંટો બની ગયા હતા એટલે તેમને ટ્રાયલ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા. વકીલોએ કોર્ટમાં સરકાર વિરુદ્ધ પોતાનો કેસ રજૂ કર્યો હોવા છતાં જેલમાંથી મુક્તિ અશક્ય લાગતી હતી. આવા સંજોગોમાં બાળકનું આગમન પરિવાર માટે શુભ સાબિત થયું. વકીલોના પ્રયત્નો રંગ લાવ્યા; સરકારે નમવું પડ્યું. બાળકના જન્મ પછી ત્રીજા દિવસે કિશનસિંહ અને સ્વર્ણસિંહને જામીન પર મુક્ત કરવામાં આવ્યા. ઘરમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું. નવજાત બાળકને ખોળામાં લઈને દાદી જયકૌરે ભાવનાત્મક રીતે કહ્યું, "મારો દીકરો ખૂબ જ ભાગ્યશાળી છે. તેના આગમનથી અમારો અલગ થયેલો પરિવાર ફરી એક થયો છે. મને લાગે છે કે તે પાછલા જન્મમાં એક મહાન ભગત રહ્યો હશે. આ જીવનમાં તે આપણા કુળને બચાવવા આવ્યો છે." દીકરા કિશનસિંહે માતાના હૃદયમાંથી નીકળેલા શબ્દોને સમર્થન આપતાં કહ્યું કે,"ઠીક છે બેબે, આજથી આપણે તેને 'ભગત' કહીશું, ભાગ્યશાળી ભગત. આમ, વાતવાતમાં જ બાળકનું નામ રાખવામાં આવ્યું 'ભગતસિંહ'. 

               ક્રાંતિકારી વિચારો ભગતસિંહને વારસામાં મળ્યા હતા.  તેઓ કટ્ટર ધાર્મિકતા, સામાજિક પ્રથાનું ફેલાયેલું દૂષણ અને અંગ્રેજ સરકારની કૂટનીતિનો ખુલ્લેઆમ વિરોધ કરતા. દેશની સ્વતંત્રતા માટે પોતાનો જીવ આપી દેવામાં પણ ભગતસિંહે કોઈ પાછી પાની કરી નહીં. ડિફેન્સ કમિટીએ પ્રિવી કાઉન્સિલમાં ફાંસી મુલત્વી રાખવા અપીલ કરવાની તૈયારી કરી. ભગતસિંહે એનો પણ વિરોધ કર્યો. મોતીલાલ નહેરુએ એમને ખૂબ સમજાવ્યા કે અપીલ તો થવા દો, પણ માને એ બીજા..! અપીલ કાઢી નાખી, ૧૯૩૧ની ૧૮મી માર્ચે ફાંસીની સજા નક્કી થઈ. વકીલ પ્રાણનાથે ભગતસિંહને વિનંતી કરી - 'ભગતસિંહ, તમે તો આપણા દેશની થાપણ છો. અમે લોકો વાઇસરોયને દયા માટેની અરજી કરવા માંગીએ છીએ. તમે એ પર સહી કરી દેજો.' વાત સાંભળીને રાજગુરુ તો ધુંઆપુંઆ થઇ ગયા. ભગતસિંહે આંખના ઈશારાથી એને ટાઢો પાડ્યો. પ્રાણનાથને કહ્યું - 'ભાઈ, એવી અરજી તો અમે પણ લખી શકીએ.' પ્રાણનાથ એકદમ ખુશ. કહે - 'ના, ના, અમે જ લખી નાખીએ.' બીજે દિવસે સવારે તૈયાર થઈને ગયા ત્યારે ભગતસિંહે હસતા હસતા કહ્યું - 'આ તો તમે મહેનત લીધી. અમે તો અરજી મોકલી પણ દીધી, મોડું થતું હતું એટલે.' ભગતસિંહે તેમની પાસે રહેલી એ નકલ પ્રાણનાથને આપી. તેમાં લખ્યું હતું કે અમે ભારપૂર્વક કહેવા માંગીએ છીએ કે કોર્ટના ફેંસલા પ્રમાણે અંગ્રેજ સરકારની વિરુદ્ધ યુદ્ધકર્તા તરીકે અમને જાહેર કરી દીધા છે, એટલે અમે ત્રણે યુદ્ધકેદીઓ છીએ. તેથી અમે માંગણી કરીએ છીએ કે અમને યુદ્ધબંધીઓ જેવી જ સજા કરવામાં આવે એટલે કે અમને ફાંસીને બદલે જાહેરમાં ગોળીથી ઉડાવી દેવામાં આવે.' પ્રાણનાથ તો સ્તબ્ધ થઈ ગયા. કાપો તો લોહી ન નીકળે..! પછી પૂછ્યું - 'તમારી કોઈ ઈચ્છા ?' ભગતસિંહે કહ્યું -  'ઈન્કલાબ જીન્દાબાદ.! સામ્રાજ્યવાદ મુર્દાબાદ.!' 

                 ભગતસિંહ ફક્ત ક્રાંતિકારી જ નહિ, એક વિચાર છે. એક એવું દર્શન જેણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને દાર્શનિક પરિમાણ આપ્યું. જેલવાસ દરમિયાન વાંચેલ પુસ્તકોની નોંધ પરથી તેમના વિચારશીલ વ્યક્તિત્વની ઓળખ થાય છે. વર્તમાન સરકાર મૂડીવાદને અતિ પ્રાધાન્ય આપી રહી છે પણ ભગતસિંહ મૂડીવાદના ખ્યાલને નકારતા હતા. તેમણે સામાજિક અને રાજકીય બંને દ્રષ્ટિકોણથી મૂડીવાદની ટીકા કરી છે. પોતાની જેલ ડાયરીમાં લખે છે કે, 'ખેડૂતો અને ગરીબોને ફક્ત વિદેશી શોષકોથી જ નહીં, પણ સ્વદેશી મૂડીવાદીઓ અને જમીનદારોની ચુંગાલમાંથી પણ મુક્ત કરવા જોઈએ.' તેમણે આગળ નોંધ્યું છે કે, "લોકશાહી સૈદ્ધાંતિક રીતે રાજકીય અને કાનૂની સમાનતાની વ્યવસ્થા છે, પરંતુ નક્કર અને વ્યવહારિક દ્રષ્ટિએ તે જૂઠાણું છે કારણ કે જ્યાં સુધી આર્થિક શક્તિમાં મોટી અસમાનતા છે ત્યાં સુધી રાજકારણમાં કે કાયદા સમક્ષ સમાનતા હોઈ શકતી નથી. મૂડીવાદી શાસન હેઠળ લોકશાહીનું સમગ્ર તંત્ર બહુમતી પર દમન કરીને સત્તા ટકાવી રાખવાનું કામ કરે છે." 

               દેશમાં રાષ્ટ્રીય ચળવળ વેગ પકડી જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહી હતી ત્યારે ડૉ.આંબેડકર પણ રાજકારણમાં સક્રિય થઈ ગયા હતા. અસ્પૃશ્યતાના મુદ્દાને ઉકેલવાના પ્રયાસો શરૂ થઈ રહ્યા હતા. તે દરમિયાન ભગતસિંહે જૂન ૧૯૨૮માં પ્રકાશિત પંજાબી મેગેઝિન કિરતીમાં અસ્પૃશ્યોની સમસ્યા નામનો લેખ લખ્યો. એમાં લખ્યું કે,'જ્યારે તમે કોઈ માનવીને પીવાનું પાણી, શાળામાં અભ્યાસ કરવાનો અધિકાર, મંદિરમાં પ્રવેશવાનો અધિકાર અને માનવીના સમાન અધિકારોનો ઇન્કાર કરો છો, ત્યારે તમે વધુ રાજકીય અધિકારો માંગવા માટે કેવી રીતે હક કરો ?' આગળ લખ્યું કે, 'એક કૂતરો ખોળામાં બેસી શકે છે, પરંતુ માનવનો માત્ર સ્પર્શ ધર્મને ભ્રષ્ટ કરે છે. કેટલી વિડંબના.!' આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેઓ કહે છે કે, 'આપણે પહેલા એ સ્વીકારવું જોઈએ કે બધા માનવી સમાન છે. કોઈપણ વ્યક્તિ જન્મ કે કામના વિભાજનથી અલગ નથી.' અસ્પૃશ્ય સમુદાયને સંગઠિત થવા માટે આહ્વાન કરતાં ભગતસિંહ કહે છે કે, 'બીજાઓ તરફ ન જુઓ; સંગઠિત થાઓ. સામાજિક ચળવળો દ્વારા ક્રાંતિ કરો તેમજ રાજકીય અને આર્થિક ક્રાંતિ માટે તૈયારી કરો.' 

                 અંતિમ દિવસોમાં ભગતસિંહને જેલમાં મળવા માટે આખો પરિવાર ગયેલો ત્યારે ભગતસિંહે માતાના હાથને સ્પર્શ કરીને કહ્યું હતું કે,'બેબે, તું તારા પુત્ર પર વિશ્વાસ રાખ. તે એવી બહાદુરીથી મૃત્યુને સ્વીકારશે કે સદીઓથી સુષુપ્ત દેશનું ગૌરવ ફરી જાગૃત થશે. હું આ દુનિયા છોડી દઈશ, પણ મારું મૃત્યુ આ દેશમાં એક નવી ક્રાંતિ લાવશે. જ્યાં સુધી મારો દેશ, મારા દેશવાસીઓ ગુલામીના બંધનમાંથી મુક્ત નથી, અસ્પૃશ્ય બંધુઓ ખુલ્લા આકાશમાં શ્વાસ લઈ શકતા નથી આ બધાના પ્રતિકાર માટે હું ક્રાંતિ બનીને જન્મ લઈશ અને વારંવાર જન્મ લેતો રહીશ. મારું બલિદાન વ્યર્થ નહીં જાય. મારા મૃત્યુથી લાખો ભગતસિંહ જન્મશે.' પરિવાર સાથે આ છેલ્લી મુલાકાતના થોડા દિવસ પછી ૨૩મી માર્ચ ૧૯૩૧ની સાંજે ભગતસિંહ પ્રાણનાથ મહેતાએ આપેલ લેનિનનું જીવનચરિત્ર વાંચી રહ્યા હતા. ત્યાં જેલના અધિકારીએ દરવાજો ખોલ્યો અને કહ્યું, "સરદારજી, ફાંસીની સજાનો હુકમ આવી ગયો છે તૈયાર થઈ જાઓ." ભગતસિંહ હાથમાં રહેલું પુસ્તક વાંચતા હતા એટલે તેમણે ઉપર જોયા વિના કહ્યું, "રાહ જુઓ..! એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહ્યો છે." થોડું વધુ વાંચ્યા પછી પુસ્તક નીચે મૂક્યું, ઉભા થયા અને કહ્યું, "ચાલો જઈએ!"... અને આમ, ભગતસિંહને નિર્ધારિત તારીખના એક દિવસ પહેલા ફાંસી આપી દેવામાં આવી. સામાજિક તેમજ ધાર્મિક સુધારણા અને સ્વાધીનતા સંગ્રામના યોદ્ધા શહીદ ભગતસિંહના વિચારો સૌ ભારતીયો આત્મસાત્ કરે એવી આશા....


સંદર્ભ  :-

૧. ભગતસિંહ કી આત્મકથા 

૨. ભગતસિંહ કી જેલ ડાયરી 

Comments

  1. હૃદયસ્પર્શી અભિવ્યક્તિ 🙌🏻

    ReplyDelete

Post a Comment

Read more

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદ

            અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.             ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા , ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર ...

પ્યાર કે રંગ મેં બસ નહાયેંગે હમ, ઈસ તરહ આજ હોલી મનાયેંગે હમ

               આ પર્વ સાથે એક પૌરાણિક કથા કહેવાતી આવી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. એને બ્રહ્માનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કશાથી એનું મૃત્યું થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો. તેને મારવો એ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો. સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો. હિરણ્યકશિપુની જેમ આજના નેતાઓ ઉપર પણ અમુક સંગઠનનાં વરદાન હોવાથી અજયત્વ, અમરત્વ મળ્યું હોય એમ અભિમાની બની ગયા છે. ખેર, કથામાં આગળ એવું વર્ણન જોવા મળે છે કે એ  હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એને કંઇ કેટલાંય પ્રલોભનો તથા ડર બતાવી ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. પ્રહલાદને મારવા માટે પણ બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ ઇશ્વરકૃપાથી તે બધા વિફળ રહ્યા. છેવટે પ્રહલાદને મારી નાખવાના...