જીવનમાં કેટલીક મુસાફરીઓ માત્ર એક શહેર સુધી પહોંચાડતી નથી, પરંતુ વિચાર, સંવેદના અને ઇતિહાસની ઊંડાઈ સુધી લઈ જાય છે. એવી જ એક યાદગાર, અગવડભરી છતાં પ્રેરણાદાયી મુસાફરી નાશિક તરફ કરવાની તક મળી. એકતરફી ૧૪ કલાકની લાંબી, થાકથી ભરપૂર અને અગવડભરી બસ મુસાફરી બાદ આખરે વાપી પહોંચ્યો. શરીર થાકથી કંટાળેલું, આંખોમાં ઊંઘનો ભાર અને મનમાં ગંતવ્ય સુધી પહોંચ્યાનો સંતોષ — આ બધી લાગણીઓ એકસાથે મનમાં ઉછળી રહી હતી. ત્યાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ ઉભી હતી. મુસાફરો બેસવા માટે પડાપડી કરતાં હતાં. મને ખબર નહોતી કે એ બસ નાશિક જાય છે. હું દૂર ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો હતો. પંદરેક મિનિટ પછી કંડકટરને પૂછ્યું. યે બસ નાશિક જાયેગી ? "नाशिक तर जातंय...... बोर्ड वाचा" એવું કંડકટર મરાઠીમાં બોલ્યા. ખાલી બસની સામે ઊભેલો પણ ખબર નહોતી કે એ બસ નાશિક જવાની છે. વહેલી સવારના અંધારામાં બોર્ડ વંચાતું નહોતું. જેવો બસમાં ચડ્યો કે વિદ્યાર્થીકાળ યાદ આવી ગયો. એ સમયે આવી બસમાં અભ્યાસાર્થે આવ-જા કરેલી. એ બસ માત્ર બસ નહોતી પણ એ તો ગામડાની "...