![]() |
૧૬ સપ્ટેમ્બર, વિશ્વ ઓઝોન દિવસ |
આજે આપણે એવી ઘણી પ્રવૃત્તિઓ કરીએ છીએ જે પર્યાવરણ વિરુદ્ધ છે. પર્યાવરણના દુરુપયોગના કારણે કચરો ઉત્પન્ન કરવો, વૃક્ષોનો નાશ, પેટ્રોલ કે ડીઝલનો વધુ પડતો ઉપયોગ, કારખાનાંનો ધુમાડો, જંગલોમાં આગ, એ.સી કે ફ્રીઝ માટે ક્લોરોફ્લોરો કાર્બન વગેરે પર્યાવરણને નુકસાનકારક પદાર્થોનો માનવી ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે.
પૃથ્વી પરનું તાપમાનમાં આજે ચિંતાજનક રીતે વધારો થતો જાય છે અને તેના કારણે સમુદ્રની જળ સપાટી પણ સતત ઊંચી આવતી જાય છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓની પર્યાવરણ પર નિષેધક અસર પડે છે. આ અસરમાં વાવાઝોડું વધુ પ્રમાણ અને હવામાનમાં થતા ફેરફારો તે મુખ્ય ગણાવી શકાય. બધા જ જાણીએ છીએ કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં હિમશીલાઓ ઓગળવાને પરિણામે દરિયાના પાણીની સપાટી ઊંચી આવી છે. આ અસરો જગતના જુદાજુદા દેશોમાં પણ જોવા મળી છે. એક સર્વેમાં જાણવા મળ્યું કે દર પાંચ વર્ષે એક ઇંચ સમુદ્રના પાણીનું સ્તર ઊંચું આવે છે અને હવામાનમાં સતત પરિવર્તન થાય છે. આ પરિવર્તનને "ગ્રીન હાઉસ ઇફેક્ટ" કહે છે.
ગ્રીન હાઉસ ઇફેક્ટ તે પારદર્શક છે જે સૂર્ય પ્રકાશથી ગરમ થાય છે, પરંતુ તેમાંથી ગરમ જતી હવા રોકાઈ રહે છે આ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને નાઈટ્રસ ઓક્સાઈડ છૂટે છે જેમાંથી સૂર્યની ગરમી પણ છૂટે છે,તેને રોકી રાખે છે અને પૃથ્વીને વિશાળ સ્વરૂપે ગ્રીનહાઉસમાં બદલી નાખે છે. આ ત્રણ વાયુ નું પ્રમાણ ૧૮મી સદીના મધ્યથી વધી રહ્યું છે. હાલમાં પણ તેમાં સતત વધારો ચાલુ છે અને પૃથ્વીના તાપમાનમાં પણ સતત વધારો ચાલુ છે.
પર્યાવરણની સૌથી વધુ ખતરારૂપ ક્લોરોફ્લોરો કાર્બનના ઉપયોગ પર લગભગ પચાસેક જેટલા રાષ્ટ્રોએ નિયંત્રણ લાદેલ છે. છતાં આજે પણ ઓઝોનના સ્તરમાં ઘણું મોટું નુકસાન થયેલું જોવા મળે છે. ઓઝોનના પડની ચિંતા કરવા માટે કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં ૧૯૮૫માં એક બેઠક યોજાઇ હતી. તેમાં જગતભરના દેશોએ ક્લોરો ફ્લોરો કાર્બન (સીએફસી) નું ઉત્પાદન ઘટાડવા સહમતિ દર્શાવી. પાછળથી દરેક ઠરાવની માફક તેનું પણ બાળમરણ થયું ત્યારથી ૧૬ સપ્ટેમ્બરને દર વર્ષે "વર્લ્ડ ઓઝોન ડે " તરીકે ઉજવવાનું નક્કી થયું.
શુષ્ક એવા ઓક્સિજનને શાંત વિદ્યુત વિસર્જનમાંથી પસાર કરવામાં આવે ત્યારે ૧૦ ટકા ઓક્સિજનનું ઓઝોન વાયુમાં રૂપાંતર થાય છે. ઓઝોનની સૌપ્રથમ શોધ ૧૭૮૫ માં થયેલ અને તેનું બંધારણ ૧૭૭૨માં નક્કી થઈ ગયું હતું. ઘન ઓઝોન કાળા જાંબલી રંગનો હોય છે. તેની વાસ વિશિષ્ટ અને દાહક પ્રકારની હોય છે. હવાના ૧૦૦ પીપીએમ ઉપર જાવ તો વ્યક્તિ બેચેની અનુભવે છે અને તેને માથું પણ દુખે છે. ઓઝોનના પડેલા ગાબડાની માનવજાતને પ્રથમ જાણ ઘણી રસપ્રદ છે. સપ્ટેમ્બર ૧૯૮૨ માં બ્રિટિશ સંશોધકની ટુકડી સાથે ફાયરમેન દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં રહેતા હતા. તેઓ ૧૯૫૭ની સાલથી ત્યાં ધૂણી ધખાવીને બેઠા હતા. તેનું ફળ તેમને ૧૯૮૨માં મળ્યું. ત્યાં તેમને દક્ષિણ ધ્રુવના ખંડ માથે રીતસરનું આભ ફાટતું દેખાયું અને તેનો સંકેત તેમને સ્પેકટ્રો ફોટોમીટર આપ્યો હતો. આ યંત્રએ બતાવ્યું કે ૧૨ થી ૧૪ કિલોમીટર સુધી ઓઝોન વાયુનું રક્ષાત્મક સ્તર અકબંધ નથી. સમગ્ર દક્ષિણ ધ્રુવ ખંડને સૂર્યના ખતરનાક નીલાતીત કિરણો સામે ખુલ્લા પાડી દેતું ગાબડું તેમાં છે અને ઓઝોનના સ્તરમાં ૪૦ ટકાથી પણ વધુ ઘટાડો થયેલો છે. ત્યાર પછી પણ જોસેફ ફાયરમેને ઘણા સંશોધનો કર્યા પરંતુ તેમાં તેમને માહિતી મળી નહીં.
જોસેફ ફાયરમેને ત્યાર પછી વધુ અભ્યાસ સ્પેકટ્રોફોટોમીટર વડે ઓઝોન પર કર્યો. નવેમ્બર ૧૯૮૪માં બ્રિટિશ વિજ્ઞાનના મેગેઝીન "નેમ" એ જોસેફ ફાયરમેનનો ઓઝોનમાં પડેલા ગાબડા અંગેનો લેખ છાપ્યો ત્યારે દુનિયા તે વાત જાણી સડક થઈ ગઈ. ગાબડા માટે કારણભૂત ફ્રિજ અને એસીમાં વપરાતા ક્લોરોફ્લોરો કાર્બન ભૌતિક સુખ-સગવડો પર્યાવરણ માટે કેટલું નુકસાનકારક છે તેની માહિતી સૌપ્રથમ વખત લોકોએ મેળવી.
ક્લોરો ફ્લોરો કાર્બનનું આયુષ્ય ૧૨૦ વર્ષનું હોય છે એટલે હવે હવામાં સીઍફસી ભળવાનું ઓછું ચોક્કસ થયું છે પણ જેટલું સીએફસી મોજુદ છે એટલો તો એક સદી પરેશાન કરવાનો જ છે. ઘણા દેશોએ સીએફસીનું ઉત્પાદન ઘટાડી ઓઝોનના નાદુરસ્ત પડની હાલત સુધારવાની શરૂઆત કરી ત્યાં તો નાઈટ્રેટ એક્સાઈડે કનડગત શરૂ કરી. આ બધાના પરિણામે ઓઝોનનું ૪૦ ટકા પડ નાશ પામી ચૂક્યું છે. સપ્ટેમ્બર ૧૯૮૨ માં ઓઝોનમાં ગાબડાની માહિતી મળ્યા પછી પણ તેને બચાવવાના પ્રયાસો થયા નથી. ત્યારના એક અંદાજ પ્રમાણે ૧૫ વર્ષમાં તે ગાબડું ૨,૭૩,૦૦,૦૦૦ ચો. કિ.મી. થવાનું હતું. છેલ્લા ૨૦ વર્ષથી ઓઝોનના પડમાં થોડુંક સંધાણ કરી શકાયું છે. ૧૯૭૯માં ઓઝોનના પડમાં ગાબડું નજરે પડયું ત્યારે તેનું કદ ૧.૩ લાખ ચોરસ કિલોમીટર (ક્યૂબા દેશ જેવડું) હતું. આજે એ ગાબડું વિસ્તરીને ૨.૮૪ કરોડનું થયું છે એ કદ અમેરિકાના ક્ષેત્રફળ કરતાં ત્રણ ગણું અને ભારતના ક્ષેત્રફળ કરતાં આઠેક ઘણું મોટું થયું છે. માનવજાત અને સજીવ માટે ખૂબ જ નુકસાનકારક બનશે તેવા અભ્યાસો ત્યારે થયેલા. આજે ૧૩૬ વર્ષ થયાં છે તો શું દશા હશે એ આપણે બધાએ વિચારવું જ રહ્યું..!!
ઓઝોનનું પડ પાતળું પડતાં સૂર્યના કિરણોમાંથી અલ્ટ્રાવાયોલેટ બી કિરણો ધરતી પર મોટા પ્રમાણમાં પહોંચે છે. આનાથી તેની હાનિકારક અસરો માનવી પર થાય છે. તેમાં કેન્સર, મોતીયો, રોગપ્રતિકારક શક્તિનો નાશ, શારીરિક વિકલાંગતા અને અનેક અજાણ્યા રોગો તેમજ વિકૃત બાળકો જેવી વગેરે અસરો થઈ શકે છે એક અંદાજ પ્રમાણે ૨૧૦૦ના વર્ષ સુધીમાં પૃથ્વીની સપાટી પરનું તાપમાન સરેરાશ ૩.૫ ડિગ્રી ફેરનહીટ હવાનુ તાપમાન વધી જશે. હવામાનમાં વધારો થવાથી ખેતીના ઉત્પાદનમાં મોટું નુકસાન થશે. તાપમાનમાં વધારો થવાથી ગ્રીન હાઉસ ઇફેક્ટ અને પરિણામે દરિયાની સપાટી વધતાં જમીનનો ઘણો ભાગ પાણીમાં ગરકાવ થઇ જશે. ઓઝોનનું સ્તર સજીવ સૃષ્ટિ માટે સુરક્ષા કવચ છે. પૃથ્વીને હુંફાળી રાખવા માટે કુદરતે આપેલી અદભુત વ્યવસ્થા છે, તેથી તેને બચાવવાના ઉપાયો આપણે કરવા જોઈએ. ઓઝોનના સ્તરમાં પડી રહેલું ગાબડું માનવજીવન માટે ગંભીર સમસ્યા છે અને આ ગાબડાને મોટું થતું અટકાવવા આપણે હવામાં કાર્બન ડાયોક્સાઇડ છૂટવાનું પ્રમાણ ઓછું થાય તે માટે વધુ વૃક્ષો વાવવા, ફ્રિજ અને એસીનો ઉપયોગ ટાળવો અથવા તો તેના ઉપયોગ ઉપર સખ્ત નિયંત્રણ લાદવું. વાહનો દ્વારા થતા ધુમાડા અટકાવવા, ઉર્જાનો ઉપયોગ ઘટાડવો વગેરે ઝુંબેશ ચલાવવી જોઈએ. ઓઝોન વાયુ ન હોય તો શું થાય ? તેનો જવાબ મળી જાય છે. કેનેડા સહિતના ઉત્તર ધ્રુવની આસપાસ વીંટળાયેલા દેશો આ બધી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે તે ઉપરાંત પૃથ્વીનું તાપમાન તો સતત વધી રહ્યું છે. વર્ષ ૧૯૦૦માં પૃથ્વીનું સરેરાશ તાપમાન ૧૩.૬ ડિગ્રી હતું જે વર્ષ ૨૦૦૫માં વધીને ૧૪.૬ ડિગ્રીએ પહોંચ્યું.
ઓઝોન પડમાં પડેલા બોકરા પૃથ્વીવાસીઓને સીધી રીતે નુકસાન કરી શકે એવી સ્થિતિમાં હજુ સુધી આવ્યા નથી. પહેલાં પૃથ્વીના દક્ષીણ ધ્રુવ અને હવે ઉત્તર ધ્રુવના આકાશમાં ઓઝોનના પડમાં તોડફોડ થઈ છે. લગભગ નહિવત વસ્તી ધરાવતો આ વિસ્તાર છે એટલે જગતને ઓઝોનનું પડ ન હોય તો શું થાય તેવી ગંભીરતા નથી.
વિશ્વ સ્તરે વિશ્વની દરેક વ્યક્તિ સ્વયં વ્યક્તિગત પ્રયાસ કરી પ્રદૂષણ અટકાવશે તો જ આપણે સજીવ સૃષ્ટિની સ્વસ્થતા, સુરક્ષિતતા બક્ષી શકીશું અને માનવજાતના અસ્તિત્વ સામે તોળાતો ઓઝોનમાં ગાબડાનો ભય ઘટાડી શકીશું તેમજ આપણી ભાવિ પેઢીને સુરક્ષિત કરી શકીશું.
સંદર્ભ : ૧૬ સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન વિશે દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારા લેખમાંથી સાભાર....👇🏻
સરસ
ReplyDeleteહેમાણી સાહેબ આપનો આભાર
Delete🌹
🙏🏻
Very informative 👍
ReplyDeleteThank you
Delete🌹
Nice article 🌸
ReplyDeleteક્યારેય ન જાણેલ માહિતી જાણવા મળી સાહેબ
ReplyDelete