Skip to main content

પાખંડી ભૂવાઓથી ચેતો, વિજ્ઞાનયુગમાં શિક્ષણ જ સર્વસ્વ

         

              સમજ્યા વગરનો સ્વીકાર એટલે અંધશ્રદ્ધા. આટલા બધા લોકો કહે છે એટલે સાચું જ હશે; એમ માની મગજને જરા પણ તસ્દી આપ્યા વિના કોઇપણ વાત સ્વીકારી લેવાની વૃત્તિ એ અંધશ્રદ્ધા જ છે. આ માટે સમાજનું પછાતપણું, શિક્ષણનો અભાવ, જીવનમાં આવતી મુશ્કેલીઓ, દાક્તરી સારવારનો અભાવ વગેરે જેવાં અનેક કારણો જવાબદાર છે. અંધશ્રદ્ધા ફેલાવનારા અનેક પ્રકારનાં પ્રલોભનો અને હૈયાધારણ આપે છે. તદ્દન ખોટી હકિકતો અને બનાવોને જાતે જોયેલી અને અનુભવેલી વાતો તરીકે રજૂ કરી લોકોને જાળમાં ફસાવે છે. મોટાભાગે વીંછી-સાપનું ઝેર ઉતારનારા, ભૂતપ્રેત ભગાડનારા ભુવા અને હાથ અથવા કુંડળી જોઈ ભવિષ્ય કથન કરનારા કર્મકાંડીઓ પોતાનું ગુજરાન ચલાવવા અનેક રીતે લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાના પુરેપુરા પ્રયત્નો કરે છે. ભગતસિંહે એક ભાષણમાં કહેલું કે, "ધાર્મિક અંધશ્રદ્ધા અને ધર્માંધતા આપણી પ્રગતિના માર્ગમાં સૌથી વધુ અડચણરૂપ છે. તે આપણા રસ્તામાં આડખીલી રૂપ સાબિત થાય છે અને આપણે તેમને ફગાવી દેવા જોઈએ. જે વૈચારિક સ્વાતંત્ર્ય સહી ન શકે તેનો અંત લાવવો જોઈએ. દરેક સમાજમાં ક્રાંતિકારી વિચારોથી થનગનતા યુવાનોની જરૂર છે." શહીદ-એ-આઝમના આ શબ્દો આજે અતિ જરૂરી છે પણ ટેકનોલોજીની ૨૧મી સદીમાં દેશનો વિકાસ જેટ ગતિએ છતાંય ગ્રામીણ વિસ્તારોમાં ભુવા-ભરાડી અને મેલી વિદ્યાનો જનમાનસ પર પ્રભાવ ઓછો નથી થઈ શક્યો. નાની-નાની બાબતોમાં મંત્ર-તંત્ર અને મેલી વિદ્યાના શરણે જઈ પોતાના પરિવારની બરબાદીને નોતરતા કેટલાય લોકો આજે પણ અંધશ્રદ્ધા અને વાસ્તવિકતા વચ્ચે ઝોલા ખાતા હોય છે. વહેમ, અંધશ્રદ્ધા, જ્યોતિષ, ચમત્કારો વગેરેનો લાભ ઉઠાવી આમ પ્રજાને ઠગવાના કેટલાય કિસ્સોઓ સામે પણ આવે છે. ભુવા કે તાંત્રિક વિધિના બહાને મહિલાની લાજ લૂંટે છે તો કોઈ મૂડી ખોવે છે. દ્વારકા જીલ્લાના ઓખામઢી ગામમાં ભુવાએ વળગાડ ભગાડવાની વિધિના નામે મહિલાને સાંકળથી માર માર્યા બાદ ભારે પ્રમાણમાં શરીરે ડામ દેતાં ગંભીર ઇજાઓ થઇ અને વિધિ દરમ્યાન મહિલાનું મોત થયું હતું. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પણ આવી જ રીતે અંધશ્રદ્ધામાં યુવતીનો ભોગ લેવાયો હોવાની ઘટના સામે આવી હતી. 

             વિજ્ઞાનના યુગમાં પણ હજી અંધશ્રદ્ધા મજબુત રીતે જીવી રહી છે. આજે પણ ગામડાઓના અમૂક લોકો બિમારી કે મુશ્કેલીઓમાં ભુવાઓનો સહારો લે છે. બનાસકાંઠાના ડીસામાં એક પરિવારના કોરોનાની સારવાર દરમિયાન ઓક્સિજન પર રહેલા વૃદ્ધ વ્યક્તિને ચાલુ સારવારમાંથી રજા લઈને ભૂવા પાસે સારવાર કરાવવા લઈ ગયા હતા. જેનું પરિણામ ખરાબ મળ્યું. હોસ્પિટલમાં ઓક્સિજન મળતો હતો પરંતુ ભુવાના કહેવાથી દર્દીને ઘરે જ રાખતાં તેનું મોત થઈ ગયું હતું. ભુવાએ કરેલી વિધિ અને વિચિત્ર વાયદાઓનો વિડીયો પણ વાયરલ થયો હતો. તો વડોદરાના કાલુપુરા મેઈન રોડ પર આવેલા ભાથુજી મહારાજના મંદિરનો ભુવા પણ બિમારી દૂર કરતાંનો વીડિયો પણ સામે આવ્યો હતો. ગોંડલમાં રહી કડીયાકામની મજુરી કરતા દાહોદના શ્રમિક પરિવારની બે માસની બાળકીની તબિયત સારી ન હોવાથી રાજકોટની બાળકોની હોસ્પિટલ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં આ બાળકીને દાખલ કરવામાં આવી હતી. બાળકીના શરીરે કોઈ ગરમ વસ્તુથી ડામ દેવાયા હોવાનું સામે આવતાં તબીબી સ્ટાફે તુરંત પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. ભુવાએ સોયથી ડામ આપતાં એ બેભાન થઈ હતી એવું તપાસના અંતે બહાર આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપુર ગામમાં કર ઉતારવા માતાજીની માનતામાં પશુબલિ માટે ત્રણ ઘેટા અને ત્રણ બકરાને કાપવાની તૈયારીમાં હતા બરાબર એ જ સમયે બાબરા પોલીસ ત્રાટકી પશુઓને બચાવી લીધાં. પશુ કાપવાના સાધનો સહિત એક ભૂવાને પોલીસ પકડી લીધો અને ભાગદોડમાં એક અન્ય ભુવો વંડી ઠેકીને ભાગી જવામાં સફળ થઈ ગયો હતો. પકડાયેલા ભુવાએ માફી માંગીને કાયમી ધુણવાના ધતિંગ બંધ કરવા જાહેરાત કરી હતી. 

         સવાલ થાય છે કે, વિજ્ઞાનના જમાનામાં પણ અંધશ્રદ્ધા ક્યાં સુધી ? ભણેલો-ગણેલો વર્ગ હજુ સુધી કેમ સમજતો નથી ? શિક્ષિત વર્ગ હજુ કેમ અંધશ્રદ્ધામાં માને છે ? કેમ ભુવાઓ પોતાને ભગવાન માનવા લાગ્યા છે ? ડામ આપવાથી કયુ દુઃખ દૂર થાય છે ? કોઈને વેદના આપવાથી દુઃખ દૂર થાય તેવા કોઈ પુરાવા છે ? મહિલાને સાંકળ મારવાથી વળગાડ દૂર કેવી રીતે થઈ શકે ? આટલી હદે અત્યાચાર કરવાનો અધિકાર ભુવાઓને કોણે આપ્યો ? આવા ધતિંગ કરનારા વિરુદ્ધ સરકાર પગલાં લઈ શકે જ પણ તેમના મંત્રી જ ધુણતા નજરે પડ્યા..! પછી શ્રદ્ધાના ઓથા પાછળ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા ભુવાઓ વિરુદ્ધ કાર્યવાહી ક્યાંથી કરવામાં આવે.? ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીના પરિવારે તેમના ગામ રાજકોટ તાલુકાના ગુંદામાં રાખેલા માતાજીના માંડવામાં રૈયાણી ધુણ્યા તેમણે ધુણતાં ધુણતાં સાંકળથી પોતાના પર કોરડા પણ ફટકર્યા હતા તેમજ માતાજીની ચુંદડી ઓઢીને ધુણતાં મંત્રી પર પરિવારજનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો..! એવો વિડિયોય વાયરલ થયો છે. આવી અંધશ્રદ્ધા લોકોમાં હજી પણ છે ગામડાઓમાં હજીય લોકો માતા આવી એવું કહેતા હોય છે અને કોઈ વ્યક્તિને પવન આવે છે એવું લોકો કહેતા હોય છે અને લોકોને ધૂણતા પણ આપણે જોયા છે. આરતી થતી હોય કે ગરબા રમાતા હોય ત્યારે અચાનક કોઇ મહિલા કે પુરુષ ધૂણવા માંડે છે. આવા સમયે લોકો કહે છે, ‘માતાજી આવ્યાં, પગે લાગો.’ અને સાચે લોકો તેમને પગે લાગે પણ છે. પ્રશ્ન થાય કે શું ખરેખર માતાજી આવે ખરાં ? ખરેખર આ માનવું જોઈએ કે નહિ અને આ બાબતમાં તથ્ય કેટલું ? આ વાતને મનોચિકિત્સકોના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરીએ. કેટલાક મનોચિકિત્સકોનાં મંતવ્યો વાંચવામાં આવેલાં, એ જોઈએ. 

       માતાજી આવવા અને કોઈના ધુણવા અંગે અમદાવાદના મનોચિકિત્સક દીપ્તિ જાનીનું કહેવું છે કે, "આને પઝેસિવ સિમ્પટમ્સ અથવા બાયપોલર મૂડ ડિસઓર્ડર કહી શકાય. આમાં વ્યક્તિને એવું લાગે કે પોતાનામાં માતાજી આવી રહ્યાં છે. લોકો પગે લાગે છે અને તેથી આવા લોકોને પ્રોત્સાહન મળે છે. લોકોનું મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ કરાવવું જોઈએ અને વારંવાર આવું બને તો તેની જરૂરી ટ્રીટમેન્ટ પણ કરાવવી જોઇએ." વડોદરાના મનોચિકિત્સક ગૌતમ અમીનનો મત પણ કંઇક આવો જ છે, "આને અટેન્શન હેકિંગ બિહેવિયર કહેવાય. અન્ય લોકોની માનસિકતા પણ એવી હોય છે કે આને માતાજી આવે છે. આરતી શરૂ થઇ એટલે માતાજી આવશે. આના ઉપાય તરીકે તો જેમને આવું થતું હોય તેમને આવા સ્થળોથી પહેલા તો દુર રાખવા પ્રયત્નો કરવા જોઈએ. અને જો આવા સ્થળે હાજર રહે તો પણ તેમના પ્રત્યે ધ્યાન ઓછું આપવું જોઇએ. વારંવાર આવું બને તો તેમનું કાઉન્સેલિંગ કરાવવું જરૂરી." રાજકોટના મનોચિકિત્સક વિજય નાગેચાએ બાબતે જણાવ્યું, "આવું થવું કલ્ચર બાઉન્સ સિન્ડ્રોમ છે. આવા સમયે તેઓ હાયપર સજેસ્ટિવ બની જાય છે. અને કોઈપણ તેમની વાત માની લે છે. આવું થાય ત્યારે જરૂર છે, વ્યક્તિને આવી ફીલિંગમાંથી બહાર કાઢવાની. જો વારંવાર આવું બને તો એપિસોડિક સાઇક્યિાટ્રિક ડિસઓર્ડર ગણી અલગ ટ્રીટમેન્ટ કરાવવી અને યોગ્ય સારવાર કરાવવી જોઈએ." ભાવનગરના મનોચિકિત્સક શૈલેષ જાની કહે છે, "બેઝિકલી પઝેસિવ સિમ્પટમ્સ કહેવાય. જે લોકો નબળા મનના હોય, સજેસ્ટિવ હોય, સેન્સિટિવ હોય, એવા લોકોને માતાજી આવતાં હોય એવું લાગે છે. વધુમાં એમણે એવું પણ કહ્યું કે આવી સ્થિતિ દસ-પંદર મિનિટ રહે છે પછી વ્યક્તિ શાંત થઇ જાય છે આથી વધારે ધ્યાન આપવું જોઇએ. વારંવાર આવું બને તો જરૂરી ટ્રીટમેન્ટ કરાવવી જ જોઇએ." 

        મનોચિકિત્સકોના અભિપ્રાયો માનીએ તો એટલું ચોક્કસ કહી શકાય કે માતાજી આવવા તે ખરેખર તો વ્યક્તિની માનસિક નબળાઇ, બેચેની,વ્યગ્રતા છે. આવી માન્યતાને પ્રોત્સાહન આપવું અતિ નુકશાનકર્તા છે. લોકો માતાજી આવવા અને કોઈના ધુણવા અંગે ખોટી માનસિકતા સાથે જીવે છે અને ખોટી અંધશ્રદ્ધા રાખતા હોય છે જે વિજ્ઞાનના જમાનામાં ખોટું પડે. એક પુસ્તક, એક પેન, એક બાળક, એક શિક્ષક આ જગતને બદલી શકે છે. કર્મકાંડ કે અંધશ્રદ્ધા પાછળ નહી; બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરતા શિક્ષણ પાછળ ખર્ચ કરો; એ જ સૌથી વધુ વળતર આપશે. ચમત્કાર કોઈ ઈશ્વર,માતાજી,ધર્મગુરુ કે ભુવાઓ કરી નહિ શકે; માત્ર શિક્ષણ જ ચમત્કાર કરી શકશે. અંધશ્રદ્ધા નિવારણના હિમાયતી મહારાષ્ટ્રીયન સંત ગાગડેજીએ ખૂબ જ ચોટદાર વાત કરી છે : “થાળી વેચી દેવી પડે, તો એ વેચીને ભણો. હાથમાં રોટલી લઈને ખાઈ શકાશે; પણ શિક્ષણ વિના ઉદ્ધાર નથી.


સંદર્ભ : સમાચાર પત્રના લેખમાંથી સાભાર....👇🏻



Comments

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...