Skip to main content

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓનો ધીકતો ધંધો શિક્ષણનો ખુલ્લેઆમ વેપાર

  

        વ્યાખ્યાની દૃષ્ટિએ શિક્ષણની એકથી વધારે વ્યાખ્યાઓ વિવિધ શિક્ષણશાસ્ત્રીઓ, વિચારકો અને લેખકો દ્વારા આપવામાં આવી છે. આપણે એ બધી વ્યાખ્યાઓમાં ન પડીએ અને માત્ર શિક્ષણ શબ્દના અર્થને પકડીએ તો પણ શિક્ષણ એટલે શું ? એ ખ્યાલ આવી જશે. શિક્ષણ એટલે કે Education. એ લેટિન શબ્દ Educo પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે પરિપકવ બનાવવું, પ્રગતિ કરવી, પથદર્શિત કરવું, દોરવણી આપવી, ઘડતર કરવું, સત્વ બહાર લાવવું, પ્રશિક્ષિત કરવું, શિક્ષણ-જ્ઞાન-માહિતી પ્રદાન કરવા અને કેળવવું, ઉછેરવું વગેરે. આના પરથી કહી શકાય કે શિક્ષણ વ્યક્તિને તેની કાચી કે અપરિપકવ અવસ્થામાંથી બહાર લાવી તેનું યથાર્થ ઘડતર કરવા અને બૌદ્ધિક પોષણ આપવા તેને દોરવણી, શિસ્ત, રીતભાત, આચાર, વિચાર, માર્ગદર્શન, માહિતી અને જ્ઞાન પ્રદાન કરી તેને એવી રીતે કેળવે છે કે જેથી કરીને તેની અંદર રહેલું શ્રેષ્ઠત્તમ તત્ત્વ બહાર આવે અને એ શ્રેષ્ઠત્તમ તત્ત્વની મદદથી અન્યોના માન-સન્માન કે હક્કોને હાનિ પહોંચાડ્યા વિના વ્યક્તિ પોતાના જીવન નિર્વાહનો માર્ગ સુનિશ્ચિત કરી જીવન પથ પર પ્રગતિ કરતો રહે સાથે સાથે અન્યોને પણ પોતાના જ્ઞાનનો લાભ આપતો રહે અને એ રીતે પોતાનો મનુષ્ય જન્મ સાર્થક કરે.

              શિક્ષણનો હેતુ મુખ્યત્વે સામાજિક, આર્થિક વગેરે બાબતો માટે વિવેકપૂર્ણ દ્રષ્ટિ કેળવી સમાજને પ્રગતિશીલ બનાવવાનો છે. સમાજ સતત પરિવર્તનશીલ છે. તે સતત નવી બાબતો અપનાવી પ્રગતિ કરે છે. આ નવી બાબતોની જાણકારી માણસને શિક્ષણ આપે છે. ટૂંકમાં, શિક્ષણનો હેતુ પ્રગતિશીલ સમાજ નિર્માણનો છે પણ “દીવા તળે અંધારું" કયાંક તો આ કહેવત સાંભળી જ હશે. શિક્ષણ એ દીવો છે અને દીવામાંથી નીકળતો પ્રકાશ એ દેખાતી અને ઉભરતી પ્રગતિ છે. પરંતુ પ્રશ્ન થાય કે “અંધારા”નું શું ? તો ખાનગીકરણ એ જ અંધારું. કોઈપણ દેશના નાગરિક તરીકે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ એમ દરેક કક્ષાનું શિક્ષણ દેશના તમામ નાગરિકોની પરમ જરૂરિયાતોમાં સ્થાન પામેલ છે અને સત્તા પર બેસાડવામાં આવેલ “વેપારીઓ” પોતે એ શિક્ષણ આપવા નિમાયેલા પણ છે. (પ્રયાસ તો “નેતાઓ” લખવાનો હતો, પણ વેપારીઓ લખવું યોગ્ય લાગ્યું) આ વેપારીઓએ શિક્ષણનું ખાનગીકરણ કરી ધંધો બનાવી દીધું છે.

              શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવ્યું ત્યારે જે-તે સંસ્થા કે વ્યક્તિઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ સેવાનો હતો. સેવાભાવી મંડળો કે વ્યક્તિઓ સરકારના નિયમોને આધિન રહીને ઉમદા પ્રકારનું કાર્ય કરતા હતા. આવી સંસ્થા કે વ્યક્તિઓ પૈસા પાછળ પાગલ ન હતી. પરંતુ આજે જેમ વેપારીનો હેતુ નફો રળવાનો જ હોય એમ શૈક્ષણિક સંસ્થાઓનો હેતુ વેપારીઓ જેવો બની ગયો. જુદી જુદી પ્રયુક્તિઓ દ્વારા વિદ્યાર્થી અને વાલીને આવી સંસ્થાઓ છેતરી રહી છે. વાલીઓના નાના મોટા વિરોધ થયા પણ વાલીઓ ફાવ્યા નહિ. વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી લઈ આવી સંસ્થાઓ પોતાના રોટલા શેકે છે. સંચાલકોને માલેતુજાર બનતાં જોઈ અન્ય ધંધાદારી લોકોએ પણ શિક્ષણના ધંધામાં ઝંપલાવ્યું. જે સંસ્થાઓ ખરેખર શિક્ષણ સેવાનું કામ કરતી હતી તેમને આ ચેપ ન લાગ્યો. પણ નવા વાતાવરણની આધુનિક સગવડતાને નામે ફુંકાતી હવા સામે સારી ગણાતી સેવાભાવી સંસ્થાઓને ટકવું મુશ્કેલ બન્યું. એટલે તે ઘણી પાછળ ધકેલાઈ ગઈ. બોર્ડના પરિણામ વગર ખાનગી સંસ્થાઓ નિયમોને નેવે મૂકી લાખો રૂપિયા લઈ પ્રવેશ આપે છે. શિક્ષણમાં આ પ્રકારના ખાનગીકરણનો ઉપયોગ દેશનો દરેક વર્ગ કરી શકે એ જરૂરી નથી. અને જો દરેક વર્ગ એ ન કરી શકતો હોય તો એ અન્યાય છે. એક સામાન્ય નાગરિક તરીકે એટલી તો ખબર પડે કે સરકારી શાળા સસ્તી હોય અને ખાનગી શાળા મોંઘી હોય, સરકારી પરિવહન સસ્તું હોય જ્યારે ખાનગી પરિવહન મોંઘુ, સરકારી હોસ્પિટલ સસ્તી હોય જ્યારે ખાનગી હોસ્પિટલ મોંઘી, સરકારી રાશન સસ્તું હોય જયારે મોલમાંથી લીધેલ રાશન મોંઘુ. આના પરથી અંદાજ લગાવી શકાય કે ખાનગીકરણનું શિક્ષણ પણ મોંઘું જ છે.
         "અભિદૃષ્ટિ"ના ડિસેમ્બર-૨૦૧૬ના અંકમાં "ગુણવત્તા, શિક્ષણ-શિક્ષક અને સંચાલન" એ મથાળાથી લખાયેલા સંપાદકીયમાં નીચે મુજબ એક ચિંતા પ્રગટ થઈ હતી. "૧૯૯૧થી ભારતમાં લાગુ કરાયેલી નવી આર્થિક નીતિ હેઠળ શિક્ષણ પણ ધંધો બની ગયું છે. શાળા અને કૉલેજના સંચાલકો પણ નફો અને પૈસાના હેતુથી જ આ સમગ્ર વ્યવહાર આચરે છે. કોઈ પણ ધંધાકીય કારભારમાં જે નિયમો અને વલણો લાગુ પડે તે જ શિક્ષણમાંય લાગુ પાડયાં છે. ધંધાદારી પેઢીઓમાં વધુમાં વધુ માલ વેચાય એવી પેરવીઓ ચાલતી હોય છે. તે જ રીતે શિક્ષણમાં પણ, દરેક સંસ્થા પોતાને ત્યાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ આકર્ષાય તે માટે જાહેરાતો સહિતનાં અનેક પગલાં ભરે છે. પેઢીઓ હરીફાઈ કરવાને બદલે પોતાનો ઈજારો સ્થાપવા મથતી હોય છે, તે જ રીતે આવી શાળાઓ પણ પોતાના વિસ્તારમાં પોતાનો ઈજારો જળવાઈ રહે તે માટે મથે છે. પેઢીઓ સસ્તા ભાવ, હલકી ગુણવત્તા વગેરેનો હથકંડા અપનાવતી હોય છે, ધંધાદારી શાળાઓ પણ આવી જ પેરવી કરતી રહે છે. કદાચ આજ કારણે આવી શાળાઓ સાચા શિક્ષણકારો દ્વારા નહીં પણ ધંધાદારી અને રાજકારણી ઘરોબો ધરાવતા ચાપલૂસિયા માટે મોકળું મેદાન બની રહે છે. દેખીતી રીતે જ આવી સંસ્થાઓ પાસેથી ગુણવત્તાની અપેક્ષા રાખવાની હોય નહીં."
૧૧,જૂન : ૨૦૨૨, ગુજરાત સમાચાર
        કોર્ટનો હુકમ છતાં શાળાઓ ગણવેશ, જૂતાં, ચોપડીઓ, નોટબુક્સ, અન્ય સ્ટેશનરી વગેરે તો પોતાને ત્યાંથી જ ખરીદાય અથવા પોતે નક્કી કરેલા વેપારી પાસેથી ખરીદાય તેનો આગ્રહ રાખે છે આના પરિણામે શિક્ષણની આ હાટડીઓ શું કરે છે તે જુઓ. વિદ્યાર્થીઓએ કાળાં બુટ પહેરવા ફરજિયાત છે. એ જૂતા બજારમાં સસ્તાં મળી શકે તેમ હોય છે, છતાં તેને નક્કી કરેલ જગ્યાએથી જ ખરીદવાનો આગ્રહ રખાય છે, અમુક શાળાઓમાં બ્લેઝર પહેરવું ફરજિયાત છે. તે પણ નક્કી કરેલી દુકાનેથી જ લેવાનું. તેનું બટન શાળાનો લોગો ધરાવતું હોય છે. આથી જો બટન તૂટી કે ખોવાઈ જાય તો નવો આખો સેટ લેવો ફરજિયાત છે,


એનસીઈઆરટીનાં પુસ્તકોના બજાર ભાવ કરતાં બેગણા વસૂલવામાં આવે છે. લગભગ દર વર્ષે થતા મબલખ ફી વધારાની તો વાત જ શી કરવી ? માત્ર શૈક્ષણિક ફીનો તોતિંગ બોજ જ નથી હોતો, મા-બાપે તો આ ઉપરાંત ડોનેશન્સ, અન્ય ફી વગેરે પણ ભરવા તૈયાર રહેવાનું હોય છે. આ પ્રકારની ફી ભરનારા માત્ર અબુધ, ગભરુ કે અણસમજુ વાલીઓ નથી, અધિકારી કક્ષાના અને મૂંછો ઉપર લીંબુ ઠરાવનારાય મીંદડી બનીને આવી ફી ભરે છે. 
શાળાઓને હાટડી ન બનાવાય તેવો કાયદો છે અને નેવું-પંચાણું ટકા વાલીઓ ભણેલા છે તે પણ યાદ રાખીએ અને છતાંય આવી ગેરકાયદેસર ચાલતી લૂંટની સામે હરફ પણ ભાગ્યે જ ઉચ્ચારાય છે. બ્રિટિશ જમાનાની ગુલામી કોઈને યાદ આવે છે ? આવી ગુલામી માનસિકતા ધરાવતા હોય ત્યાં  શિક્ષણનું શું ભલું થવાનું ? પણ એ સત્ય છે કે જે જયાં વાલીઓ લાચારી અનુભવતા રહે, ચૂપ રહે ત્યાં ભ્રષ્ટાચારી સંચાલકો શાસકોના ખોળામાં નિરાંતે સૂઈ શકે છે. શિક્ષણના ક્ષેત્રને લોકશાહી માટે પોષક ગણવામાં આવે છે. જે દેશના શિક્ષણની જ આવી હાલત હોય તે દેશની લોકશાહી અને આઝાદીની આજ અને આવતીકાલ વિશે શું કહેવું..??

સંદર્ભ : સમાચાર પત્રના લેખમાંથી સાભાર...👇🏻

Comments

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...