Skip to main content

શુદ્રો તેમજ અસ્પૃશ્યોની શૂરવીરતાના ઈતિહાસનો સાક્ષી એટલે ભીમા કોરેગાંવનો વિજય ક્રાંતિસ્તંભ


        સંભાજીને ઈ.સ.૧૬૮૯માં એક એક અંગ કાપીને રિબાવી રિબાવીને મારી નાખવામાં આવ્યો એવું સ્વામી સચ્ચિદાનંદે પોતાના પુસ્તકમાં લખ્યું છે. જ્યારે સંભાજીની હત્યા કરી શરીરના ટૂકડા ફેંકતાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે કોઈ આ ટૂકડાઓને હાથ લગાવશે તેની પણ આવી હાલત થશે..!! એટલે ઘણો સમય સુધી કોઈ લાશ લેવા આગળ આવ્યું નહિ, ત્યારે એક યુવાને હિંમત કરી. એણે મહારાજ સંભાજીના શરીરના રઝળતા ટૂકડાઓ વીણી ભેગા કર્યા અને સિલાઈ કરીને મુખાગ્નિ આપ્યો હતો. આ યુવાન મહાર જ્ઞાતિનો હતો. (સંભાજીની સમાધિ આજે પણ એ જ મહારવાડી વિસ્તારમાં આવેલી છે) જાહેરાત પ્રમાણે યુવાનની પણ સંભાજીના જેવી જ હાલત થઈ અને એની આખી સમાજ ઉપર પેશ્વાઓએ (ચિતપાવન બ્રાહ્મણો) કેટલાક અમાનવીય નિયમો થોપી દીધા. પેશ્વાઓ મૂળ રીતે છત્રપતિ (મરાઠા સામ્રાજ્યના રાજા)ના ગૌણ તરીકે સેવા આપતા હતા. છત્રપતિ સંભાજીની હત્યા પછી મરાઠા સામ્રાજ્યની કમાન તેમના ભાઈ રાજારામ પાસે રહી. રાજારામ ઈ.સ.૧૭૦૦માં મૃત્યુ પામ્યા એટલે તેમની પત્ની તારાબાઈએ તેમના પુત્ર શિવાજી બીજો સાથે મરાઠા સામ્રાજ્યની કમાન સંભાળી. ઈ.સ.૧૭૦૭માં ઔરંગઝેબના મૃત્યુ પછી બહાદુરશાહ પહેલાએ છત્રપતિ સંભાજીના પુત્ર શાહુજીને તેની કેદમાંથી કેટલીક શરતો પર મુક્ત કર્યા. ત્યારબાદ તરત જ શાહુજીએ મરાઠા સિંહાસનનો દાવો કર્યો અને તેમની કાકી તારાબાઈ અને તેમના પુત્રને પડકાર આપ્યો. ઈ.સ.૧૭૧૩માં મરાઠા સામ્રાજ્યના છત્રપતિ બનેલા શાહુજીએ બાલાજી વિશ્વનાથને જે ચિતપાવન બ્રાહ્મણ હતા, તેમને પાંચમા પેશવા (વડાપ્રધાન જેવું પદ) તરીકે જાહેર કર્યા પછી શરૂ થયો પેશવા યુગ. પેશવાઓ વધારે ને વધારે બળવાન થતા ગયા. પેશવા નામથી ઓળખાતા તેમના વડાપ્રધાને રાજાને દાબીને રાજ્યની ખરી સત્તા હાથમાં કરી. જાપાનના શોગુનની પેઠે પેશવાનું પદ પરંપરાગત બન્યું અને રાજાનું મહત્વ નામનું જ રહ્યું અને છત્રપતિ આજના રાષ્ટ્રપતિની જેમ શક્તિહીન ઔપચારિકતા રહ્યા. મરાઠા સામ્રાજ્યની સંપૂર્ણ ધુરા પેશવાઓના હાથમાં ગઈ અને તેમની જાતિવાદી વિચારસરણીને કારણે પેશવાઓએ મહારો (એક અછૂત/અસ્પૃશ્ય જાતિ) પર મનુસ્મૃતિની વ્યવસ્થા લાદી. જે.એચ.હટને પુસ્તક "હિન્દુસ્તાનની જ્ઞાતિ સંસ્થા"માં નોંધ્યું છે કે, ઈ.સ.૧૭૮૩માં પેશ્વાએ એવો ઢંઢેરો કાઢ્યો હતો કે અસ્પૃશ્ય જ્ઞાતિઓએ (જ્ઞાતિઓના નામ લખેલ છે પણ હવે એ ગેરબંધારણીય હોવાથી અહીં લખી શકાય એમ નથી) સવારે નવ વાગ્યા પછી ઘરની બહાર નીકળવું નહીં." આમ, પેશ્વાઓના શાસનકાળમાં મહાર જેવી અન્ય જ્ઞાતિઓને જાહેર રસ્તા પરથી પસાર થવા માટે સજ્જડ પ્રતિબંધ હતો. જો કોઈ મહાર રસ્તા પર થુંકે અને તેના ઉપર કોઈ બ્રાહ્મણનો પગ પડે તો તે અભડાઈ જતો. તેને ફરી સ્નાન કરવું પડતું એટલે તેના માટે થઈને આ અભડાઈ જવામાંથી છુટકારો મેળવવા અસ્પૃશ્યોને થૂંકવા માટે ગળામાં માટીની કુલડી બાંધવાની ફરજ પાડી હતી.
         સંભાજીની હત્યા પછી પેશવાઓ દ્વારા મહાર જાતિના લોકો પર ઘણા અત્યાચારો શરૂ કરવામાં આવ્યા હતા. મહાર શરૂઆતથી જ માર્શલ જાતિ (લશ્કરમાં લડનાર) હતી, પરંતુ પેશવાઓએ આ લોકો પર માર્શલ લૉ (લશ્કરમાં લડવા પર પ્રતિબંધ) લાદી દીધો. મોટાભાગના ઈતિહાસકારોનો મત પણ એ જ છે કે, મહાર છત્રપતિ શિવાજીના સમયથી મરાઠા સેનાનો એક ભાગ હતો. પરંતું બાજીરાવ બીજાએ તેની બ્રાહ્મણવાદી વિચારસરણીને કારણે સેનામાં ભરતી કરવાનો ઇન્કાર કર્યો હતો. જેના કારણે મહારો નારાજ હતા. મહારો તેમના જુલ્મથી કંટાળી ગયા હતા અને તેમના સ્વાભિમાન તેમજ અધિકાર માટે આંદોલન કરવાનું વિચારી રહ્યા હતા. તે દરમિયાન અંગ્રેજો ભારતમાં આવી ગયા હતા પરંતુ તેઓ પેશવાઓના શક્તિશાળી સૈન્ય પર જીત મેળવી શક્યા ન હતા. તેમના માટે પેશવાઓને હરાવવા ખૂબ જ મહત્વપૂર્ણ હતું. અંગ્રેજોએ વ્યૂહરચના બનાવી હતી. તે સમયે, મહારોએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે લડવા માટે પેશવાઓની સેનામાં જોડાવા વિનંતી કરી, જેને પેશવાઓએ અપમાનજનક રીતે નકારી કાઢી જ્યારે અંગ્રેજોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે મહારોને પોતાની સેનામાં જોડાવા આમંત્રણ આપ્યું. તેઓ સ્વમાન ખાતર અંગ્રેજો સાથે જોડાઈ ગયા અને મહારોએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં તેમની સેવા શરૂ કરી. મહારો કેટલાય યુદ્ધોનો હિસ્સો બન્યા. ૧લી જાન્યુઆરી, ઈ.સ.૧૮૧૮ના રોજ પુણેની નજીકમાં વહેતી ભીમા નદીના કિનારે કોરેગાંવ (પુણે અને અહમદનગર માર્ગ)ના મેદાનમાં પેશવાઓને સામે યુદ્ધ ખેલાણું. પેશવાના ૨૫૦૦૦ સૈનિકો અને ૫૦૦૦ ઘોડેસવારો હતા. જ્યારે સામે અંગ્રેજોની સેનામાં માત્ર ૫૦૦ સૈનિકો અને ત્રણ સો ઘોડેસવારો તેમજ પાંચ અંગ્રેજ અફસરો હતા. સેના જોતાં જ અંગ્રેજોએ પેશવા સામે લડવાને બદલે સમાધાન કરી પાછા હટી જવાનો ઇરાદો મહાર સૈનિકો સામે વ્યક્ત કર્યો ત્યારે બહાદુર પરાક્રમી એવા વીર મહાર સૈનિકોને પોતાના સમાજ ઉપર અસ્પૃશ્યતા અને તેની અસંખ્ય સતામણી, ત્રાસ અને જુલ્મ પેશવા બ્રાહ્મણોએ ગુજારેલ અત્યાચાર નજર સામે તરવરવા લાગ્યો. જાહેર માર્ગ ઉપરથી મહારો ચાલી શકે નહીં એવો હુકમ, રસ્તામાં ક્યાંય થુંકાય નહીં એટલે ગળામાં થૂંકવા માટે માટીની કુલડી, પાછળ લટકતું ઝાડનું ઝાંખરુ જે એમના પગલા ભૂંસી નાખે જેથી બ્રાહ્મણો એનાથી અભડાઈ ન જાય અને તેમની પવિત્રતા જળવાઈ રહે વગેરે જેવા માણસાઈને અમાનુષી રીતે પંખી નાખતા પેશવાઓના હુકમો યાદ આવી ગયા. આંખો તો અંદરથી રડી રહી હતી પરંતુ હૈયું સાબુત રાખી આંખમાં ખૂન્નસ અને બદનમાં ઝનૂની જુસ્સા સાથે મહાર સૈનિકોએ વિચાર્યું કે જો આજે પાછા પડ્યા તો કાયમી ગુલામી આપણા ગળામાં સમજો. આવતી પેઢી આના માટે આપણને ક્યારેય માફ નહીં કરે. આજની આ તક અસ્પૃશ્યતાના પ્રતિકોને અને એના હિમાયતીઓને મિટાવી દઈ આપણી શૂરવીરતાને પ્રસ્થાપિત કરી પેશવાઈ બ્રાહ્મણોએ કરેલા અમાનુષી અત્યાચાર અપમાનનો બદલો લઈ સન્માન પાછું મેળવવાનો મોકો છે.
            સ્વાભિમાન ઝંખતા શૂરવીર મહાર સૈનિકોએ અંગ્રેજ અફસરોને રોકડું પરખાવ્યું. આપણે પાછા નથી પડવું અને સમાધાન શેનું ? અમો લડીશું, ખપી જઈશું પણ પાછી પાની નહીં કરીએ. આજે પેશવાઈ બ્રાહ્મણશાહી નેસ્તનાબૂદ કરીને જ જંપીશું. શૂરવીર મહાર સૈનિકોની આંખમાં ચમકતી ક્રાંતિની જ્વાળા અંગ્રેજ અફસરો પારખી ગયા ને પેશવાઈ બ્રાહ્મણશાહી સામે ભારે પરાક્રમથી લડ્યા. ભૂખ્યા અને તરસ્યા રહીને પોતાના સ્વમાન માટે મહારસેનાએ પોતાની અદભુત બહાદુરીથી પેશવા સૈન્યને હરાવ્યું હતું. આ યુદ્ધનો ઉલ્લેખ અંગ્રેજ લેખક જેમ્સ ગ્રાન્ટ ડફે પોતાના પુસ્તક "ઍ હિસ્ટ્રી ઑફ ધ મરાઠાઝ"માં પણ કર્યો છે. જે મુજબ, "ભીમા નદીના કિનારે આ યુદ્ધમાં મહાર સૈનિકોએ ૨૮ હજાર મરાઠાઓને રોક્યા હતા." શૂરવીર મહાર સૈનિકો શહીદ થયા પરંતુ અંગ્રેજસેનાનો ભવ્ય વિજય થયો. બ્રિટિશ સંસદમાં પણ ભીમા કોરેગાંવ યુદ્ધની પ્રશંસા કરવામાં આવી હતી. બ્રિટિશ મીડિયામાં પણ મહાર સેનાની બહાદુરીના વખાણ કરવામાં આવ્યા હતા. અંગ્રેજોએ આ યુદ્ધના શૂરવીરોની યાદમાં સ્મારક બનાવ્યું, જે આજે પણ અસ્પૃશ્યોની શૂરવીરતાના ઈતિહાસનું સાક્ષી છે. તે "વિજય ક્રાંતિસ્તંભ" તરીકે ઓળખાય છે.
મહાર યોદ્ધાઓની સ્મૃતિમાં બનાવેલ વિજય ક્રાંતિસ્તંભ

         ભીમા કોરેગાંવનું યુદ્ધ પેશવાઓ અને મહારો વચ્ચે થયું હતું અને આ યુદ્ધ પેશવાઓના જાતિવાદી અભિમાન સામે મહારોના સ્વાભિમાનની લડાઈ હતી. તેથી જ અસ્પૃશ્યો/અછુતો માટે આ લડતનું એક અલગ જ મહત્વ છે. તેને માત્ર બે જાતિ વચ્ચેની લડાઈ પુરતું સીમિત ન કરી શકીએ. પરંતું આ લડાઈ એ જાતિ વ્યવસ્થા સામે હતી. જેમાં શૂદ્રોને યુદ્ધમાં ભાગ લેવાનો અધિકાર નહોતો તેમજ અસ્પૃશ્યોને તો ગામ રહેવાનો પણ અધિકાર નહોતો. તે જાતિના સ્વમાન સામેની લડાઈ હતી. શરૂઆતમાં, મહાર લોકો પેશવા પાસે ગયા, પરંતુ તેઓએ મહારોને નકારી કાઢ્યા અને તેમની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા, એટલે લડાઈ થઈ..!
           આજે સેનામાં રાજપૂત, ગોરખા, મરાઠા રેજિમેન્ટ છે, એમ ચમાર અને મહાર રેજિમેન્ટ પણ હતી.

શૂરવીરતાનો ઈતિહાસ ભૂંસવા રેજિમેન્ટ નાબૂદ કરી દીધી..!! પહેલી વાત તો એ કે બંધારણના અમલીકરણ પછી
દેશની સેનામાં સમાનતા માટે જ્ઞાતિઓના નામવાળી રેજિમેન્ટ ન હોવી જોઈએ, તેથી જ્ઞાતિના નામવાળી બાકીની રેજિમેન્ટ પણ નાબૂદ થવી જોઈએ. પરંતુ જો આમ ન થાય તો મહાર અને ચમાર રેજિમેન્ટને પુનઃસ્થાપિત કરવી જ જોઈએ, જેથી કરીને અસ્પૃશ્ય લોકોની શૂરવીરતા અને બહાદુરીનો ઉજળો ઈતિહાસ અમર રહે. યાદ રહે, ભારત સરકારે મહાર રેજિમેન્ટના નામે ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.
ભારત સરકારે બહાર પાડેલ મહાર રેજિમેન્ટની ટપાલ ટિકિટ 

          પેશવાઈ બ્રાહ્મણ સૈનિકોને માત્ર ૫૦૦ શૂરવીર મહાર સૈનિકોએ ઝબ્બે કર્યા. તેમની બેમિસાલ વીરતા અને સ્વાભિમાનનું પ્રતિક અને શૌર્યસમા ભીમા કોરેગાંવના વિજય ક્રાંતિસ્તંભે બાબાસાહેબ ડૉ.આંબેડકર જીવ્યા ત્યાં સુધી આ વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા ત્યાં જતા. તેમણે ભીમા કોરેગાંવની સ્વાભિમાનની લડાઈ વિશે કહેલું કે, "અસ્પૃશ્યાદિ-પદ દલિત વર્ગો સાથે પેશવાઈના કાળમાં અમાનુષી વ્યવહાર કરવામાં આવતો હતો. જાણે તેમને મનુષ્ય તરીકે જીવવાનો કોઈ અધિકાર જ નહિ. શૂરવીર જાતિ હોવા છતાં પદ દલિત હોવાના કારણે તેમની કોઈ કિંમત પેશવાઈમાં થતી નહીં એટલે અંગ્રેજોના લશ્કરની ભરતીમાં જોડાવા સિવાય અસ્પૃશ્યો માટે બીજો કોઈ ઉપાય નહોતો. હિન્દુસ્તાનમાં અંગ્રેજોએ રાજ્ય મેળવ્યું તે માત્ર અસ્પૃશ્ય સમાજના શૂરવીર સૈનિકોની મદદથી મેળવ્યું. તેને જો ઈતિહાસની સાક્ષીની મહોર મારવી હોય તો કોરેગાંવનો જે ક્રાંતિસ્તંભ ઉભો કરવામાં આવ્યો છે તેના ઉપરથી જાણી શકશો. જો હિન્દુસ્તાનમાં અસ્પૃશ્યતા ના હોત તો અંગ્રેજોને આ દેશમાં રાજ્ય ક્યારે મળ્યું ના હોત.!!!" આવા ભાષણોથી ઘણાને પેટનો દુ:ખાવો ઉપડ્યો હતો. અને આરએસએસના બીજા સરસંઘચાલક ગોલવલકરે ભીમા કોરેગાંવની કરાતી ઉજવણીને વિકૃતિ કહેતાં બાબાસાહેબ માટે જે પ્રકારની અપમાનજનક ભાષા પ્રયોજી છે, તે તેમના પુસ્તક "બંચ ઓફ થોટસ"માં વાંચવા મળે છે. સંઘ અને ગોલવલકરની આવી હિનમાનસિક્તા હોવા છતાંય આજે પણ કેટલાય દલિત, આદિવાસી અને પછાત લોકો નિજસ્વાર્થ માટે સંઘની શાખાઓમાં જઈ માધવ સદાશિવ ગોલવલકરના જય જયકારના નારા લગાવી રહ્યા છે.! ખેર, બે દિવસ ભૂખ્યા રહીને પણ પોતાના ગૌરવ અને સ્વાભિમાન માટે લડનાર ૫૦૦ મહાર વીર યોદ્ધાઓને શત્ શત્ વંદન કે જેમણે ૨૮૦૦૦ પેશવાઓને મારી અને ભીમા નદીના પાણીને લોહીથી લાલ કરી પોતાની બહાદુરી ઇતિહાસના પાના પર નોંધાવી.

સંદર્ભ :
૧. ભીમા કોરેગાંવ કી શૌર્યગાથા
૨. ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ
૩. જગતના ઇતિહાસનું રેખાદર્શન
૪. ડૉ.આંબેડકરનાં ભાષણો, ભાગ-૪
૫. બંચ ઑફ થૉટસ
૬. હિન્દુસ્તાનની જ્ઞાતિ સંસ્થા
૭. ઍ હિસ્ટ્રી ઑફ ધ મરાઠાઝ

Comments

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...