Skip to main content

સ્વાભિમાનથી જીવવા શિક્ષણ મેળવી ગુલામીની સાંકળો તોડો - સાવિત્રીબાઈ ફૂલે

                એક દિવસ નાનકડી છોકરી પોતાના ઘરમાં અંગ્રેજી પુસ્તકના પાના ફેંદી રહી હતી. તેના પિતાની નજર આ પાના ફેંદતી છોકરી પર પડી. આ જોઈને તેઓને ગુસ્સો આવ્યો અને તેમણે તેના હાથમાંથી પુસ્તક છીનવી, ઘરની બહાર ફેંકતાં કહેતા હતા કે માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ શિક્ષણનો અધિકાર છે. મહિલાઓ, દલિતો તેમજ અસ્પૃશ્યો માટે શિક્ષણ મેળવવું એ પાપ છે, જો તેઓ આ પાપ કરે તો મૃત્યુદંડ સુધીની સજા છે. ત્યારે એ જ ક્ષણે છોકરીએ પ્રતિજ્ઞા લીધી કે તે એક દિવસ ચોક્કસપણે વાંચવાનું શીખશે જ. અને તેની મહેનત રંગ લાવી, પ્રતિજ્ઞા ફળી. તેણીએ માત્ર વાંચવાનું જ નહીં, ઘણી છોકરીઓને શિક્ષિત કરી અને તેમનું ભવિષ્ય ઘડ્યું અને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે પોતાનું નામ સોનેરી અક્ષરોમાં અંકિત કર્યું, એ હતાં સાવિત્રીબાઈ ફુલે. 
            કોઈપણ દેશ અથવા સમાજના વિકાસમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા બાંધે છે. જે દેશ, સમાજ અને ઘરમાં મહિલાઓ ભણેલી હોય છે ત્યાં તેમને નિર્ણય લેવાનો અધિકાર હોય છે. તેની ફળશ્રુતિ નિરંતર વિકાસ રૂપે મળે છે. જ્યાં સ્ત્રીને ઉપભોગની વસ્તુથી વિશેષ કશું માનવામાં આવતી નથી અને તેના તમામ અધિકારો છીનવી લેવામાં આવે છે તે દેશ હંમેશા ગુલામ રહે છે, સદા પતન પરસ્ત રહે છે. આપણા દેશમાં હજારો વર્ષોથી મહિલાઓ તેમના હકથી વંચિત રાખવામાં આવી રહી હતી. "ઢોર, ગમાર, શુદ્ર ઔર નારી, યે સબ તાડન કે અધિકારી"ની વિચારધારા ફેલાવી સ્ત્રીઓ સાથેના પશુ સમ વ્યવહારને રોજિંદા જીવનનો ભાગ બનાવાયો હતો. તેનો પાયો બે હજાર વર્ષ સુધી ભારતીય સમાજને નિયંત્રિત કરનારી મનુસ્મૃતિ હતી. મનુએ લખ્યું છે : "રાતે કે દિવસે ક્યારેય સ્ત્રીને સ્વતંત્ર રહેવા દેવી જોઈએ નહીં. તેને હંમેશા લૈંગિક સંબંધો દ્વારા પોતાના વશમાં રાખવી જોઈએ. બાળપણમાં પિતા, યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્રએ તેની રક્ષા કરવી. સ્ત્રી સ્વતંત્ર થવાને લાયક નથી." મનુના લીધે જ સમાજમાં સતીપ્રથા, બાળલગ્ન, વિધવાઓનું મુંડન જેવી કુપ્રથાઓ ઘૂસી અને તેના લીધે મહિલાઓની હાલત બદથી બદતર બનવા લાગી. આ કુપ્રથાઓને તોડવા રૂઢિવાદ સામે પડકારરૂપ બન્યાં સાવિત્રીબાઈ ફૂલે. માળી જ્ઞાતિના એક ખેડૂત પરિવારમાં જન્મેલાં તેઓ ઔપચારિક શિક્ષણથી વંચિત હતાં. નવ વર્ષની ઉંમરે જ્યોતિરાવ સાથે લગ્ન થયાં. લગ્ન પછી પતિ સાથે પુણે રહેવા ગયાં. સાવિત્રીબાઈ ફૂલેને વાંચનનો ખૂબ શોખ હતો. આ જોઈને પતિએ તેમને લખતાં વાંચતા શીખવ્યું. આ પછી તેમણે અહમદનગર અને પુણેમાં શિક્ષકની તાલીમ પણ લીધી. ઈ.સ.૧૮૪૭માં પરીક્ષા પાસ કરીને સાવિત્રીબાઈ દેશનાં પ્રથમ શિક્ષિકા બન્યાં. તેમની આ સફર કાંય સરળ નહોતી.!!! પતિ પાસેથી તેમને મહિલાઓ માટે લડવાની પ્રેરણા મળી. તેમના આ કાર્યનો રૂઢિચુસ્ત બ્રાહ્મણોએ ઉગ્ર વિરોધ પણ કરેલો. ૧૭ વર્ષની ઉંમરે સાવિત્રીબાઈ ઘરેથી છોકરીઓ, શુદ્રો અને અસ્પૃશ્યોને ભણાવવા સ્કૂલે જતાં. રસ્તામાં વિરોધીઓ તેમને પરેશાન કરતા, ગાળો દેતા, પથ્થર મારતા, મળ-મૂત્ર ફેંકતા તો પણ સાવિત્રીબાઈ પાછીપાની કરતાં નહીં. સાથે એક વધારાની સાડી રાખતાં. મળ-મૂત્ર, કાદવ-કીચડથી ગંદી થયેલી સાડી શાળાએ જઈને બદલી નાખતાં અને ઘરે પાછાં ફરતી વખતે ફરી એ સાડી પહેરી લેતાં. તેમનું આવું વર્તન જોઈને મનુના વારસદારોને એમ લાગ્યું કે સાવિત્રીબાઈ અટકવાનાં નથી તો તેમણે જ્યોતિરાવના પિતા ગોવિંદરાવને દબાવવાનું શરૂ કર્યું. તમારો દીકરો ધર્મની વિરુદ્ધ કામ કરી રહ્યો છે જો તમે તેને નહીં અટકાવો તો તમારો સામાજિક બહિષ્કાર થશે. પિતાએ પુત્રને ઠપકો આપતાં તમામ પ્રવૃત્તિઓ આટોપી લેવાનું કહ્યું ત્યારે જ્યોતિરાવે ઘર છોડવાનું પસંદ કર્યું. પરંતુ છોકરીઓ, મહિલાઓ, શુદ્રો અને અસ્પૃશ્યોને ભણાવવાનું બંધ કર્યું નહીં. સમય જતાં સાવિત્રીબાઈએ પુણે ખાતે છોકરીઓ માટે નવી શાળાઓ શરૂ કરી. તેમના આ સાહસ અને પ્રશંસનીય કાર્ય માટે ઈ.સ.૧૮૫૨માં બ્રિટિશ સરકારે પુણે ખાતે સાવિત્રીબાઈનું એક ખાસ સમારંભમાં જાહેર સન્માન કર્યું હતું.
             માત્ર મહિલા શિક્ષણ ઝુંબેશમાં જ નહિ, પરંતુ પતિની  સમાજસુધારણા પ્રવૃત્તિઓમાં પણ સાવિત્રીબાઈ સક્રિય રહ્યાં. તે જમાનામાં પ્રચલિત સામાજિક રૂઢિ મુજબ દરેક સ્ત્રીને પતિના અવસાન પછી અનિચ્છાએ પણ વાળ ઉતરાવવા પડતા હતા. આ કુરિવાજ સામે પણ ફુલે દંપતીએ આંદોલન શરૂ કર્યું; એટલું જ નહિ, પરંતુ પુણે નગરના વાળંદોનો ટેકો મેળવવા માટે તેમણે વાળંદોની હડતાળની સફળ આગેવાની પણ કરી. આ સિવાય પુણે નગરમાં વસતા અસ્પૃશ્યો પીવાનું સ્વચ્છ પાણી મેળવી શકે તે માટે આ દંપતીએ પોતાના મકાનની પાણીની કૂંડી તેમના માટે ખુલ્લી મૂકી હતી. અસ્પૃશ્યતા અને જાતિવાદ જેવી અમાનવીય પરંપરા નષ્ટ કરવાના કાર્યમાં સાવિત્રીબાઈએ પતિ સાથે ખભેખભો મિલાવી સંઘર્ષ કર્યો.
            પતિના મૃત્યુ પછી સાવિત્રીમાઈએ તેમની ચિતાને આગ લગાડી. પતિની ચિતાને આગ લગાડનારી તે દેશની પ્રથમ મહિલા હતી. આજેય કોઈ સ્ત્રી તેના પરિવારજનને અગ્નિદાહ આપે તે છાપાંમાં છપાય છે. તો તે સમયે આ પગલું કેટલું ક્રાંતિકારી હશે..!!! તેઓ જીવ્યાં ત્યાં સુધી પતિનાં આદરેલાં કાર્યો આગળ ધપાવતાં રહ્યાં. તેમણે કાવ્ય ફૂલે અને બાવન કશી સુબોધ રત્નાકર નામના ગ્રંથોનું નિર્માણ કરી આધુનિક જગતમાં પ્રથમ મરાઠી કવયિત્રી બન્યાં.
           દેશનાં સર્વપ્રથમ શિક્ષિકા, સર્વપ્રથમ મહિલા શિક્ષણનાં હિમાયતી, પ્રથમ મરાઠી કવયિત્રી અને અમાનવીય પ્રથાઓમાંથી મુક્તિ અપાવવાના આંદોલનનાં સર્વપ્રથમ મહિલા પુરસ્કર્તા તરીકે દેશના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં સાવિત્રીબાઈ ફુલેનું નામ કાયમી સુવર્ણ અક્ષરે અંકિત થયેલું રહેશે.


સંદર્ભ :-
૧. ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે
૨. સામાજિક ક્રાંતિ કી વાહક સાવિત્રીબાઈ ફૂલે 

Comments

  1. સત સત નમન 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. શરુઆત કરી અને સિધ્ધિ મળી, સિધ્ધી મળ્યા બાદ બીજા કેટલાય આપણા સમાજ અને નાના માણસો ને શિક્ષા વિશે જાગૃત કયાઁ અને શિક્ષણ આપ્યુ એ પણ એવા સમય મા કે જયારે આપણા જેવા માણસો માટે શિક્ષા એ એક પાપ છે.
    શત શત નમન સાવિત્રીબાઈ ફૂલને

    ReplyDelete

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...