Skip to main content

સ્વાભિમાનથી જીવવા શિક્ષણ મેળવી ગુલામીની સાંકળો તોડો - સાવિત્રીબાઈ ફૂલે

                એક દિવસ નાનકડી છોકરી પોતાના ઘરમાં અંગ્રેજી પુસ્તકના પાના ફેંદી રહી હતી. તેના પિતાની નજર આ પાના ફેંદતી છોકરી પર પડી. આ જોઈને તેઓને ગુસ્સો આવ્યો અને તેમણે તેના હાથમાંથી પુસ્તક છીનવી, ઘરની બહાર ફેંકતાં કહેતા હતા કે માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ શિક્ષણનો અધિકાર છે. મહિલાઓ, દલિતો તેમજ અસ્પૃશ્યો માટે શિક્ષણ મેળવવું એ પાપ છે, જો તેઓ આ પાપ કરે તો મૃત્યુદંડ સુધીની સજા છે. ત્યારે એ જ ક્ષણે છોકરીએ પ્રતિજ્ઞા લીધી કે તે એક દિવસ ચોક્કસપણે વાંચવાનું શીખશે જ. અને તેની મહેનત રંગ લાવી, પ્રતિજ્ઞા ફળી. તેણીએ માત્ર વાંચવાનું જ નહીં, ઘણી છોકરીઓને શિક્ષિત કરી અને તેમનું ભવિષ્ય ઘડ્યું અને ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે પોતાનું નામ સોનેરી અક્ષરોમાં અંકિત કર્યું, એ હતાં સાવિત્રીબાઈ ફુલે. 
            કોઈપણ દેશ અથવા સમાજના વિકાસમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા બાંધે છે. જે દેશ, સમાજ અને ઘરમાં મહિલાઓ ભણેલી હોય છે ત્યાં તેમને નિર્ણય લેવાનો અધિકાર હોય છે. તેની ફળશ્રુતિ નિરંતર વિકાસ રૂપે મળે છે. જ્યાં સ્ત્રીને ઉપભોગની વસ્તુથી વિશેષ કશું માનવામાં આવતી નથી અને તેના તમામ અધિકારો છીનવી લેવામાં આવે છે તે દેશ હંમેશા ગુલામ રહે છે, સદા પતન પરસ્ત રહે છે. આપણા દેશમાં હજારો વર્ષોથી મહિલાઓ તેમના હકથી વંચિત રાખવામાં આવી રહી હતી. "ઢોર, ગમાર, શુદ્ર ઔર નારી, યે સબ તાડન કે અધિકારી"ની વિચારધારા ફેલાવી સ્ત્રીઓ સાથેના પશુ સમ વ્યવહારને રોજિંદા જીવનનો ભાગ બનાવાયો હતો. તેનો પાયો બે હજાર વર્ષ સુધી ભારતીય સમાજને નિયંત્રિત કરનારી મનુસ્મૃતિ હતી. મનુએ લખ્યું છે : "રાતે કે દિવસે ક્યારેય સ્ત્રીને સ્વતંત્ર રહેવા દેવી જોઈએ નહીં. તેને હંમેશા લૈંગિક સંબંધો દ્વારા પોતાના વશમાં રાખવી જોઈએ. બાળપણમાં પિતા, યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્રએ તેની રક્ષા કરવી. સ્ત્રી સ્વતંત્ર થવાને લાયક નથી." મનુના લીધે જ સમાજમાં સતીપ્રથા, બાળલગ્ન, વિધવાઓનું મુંડન જેવી કુપ્રથાઓ ઘૂસી અને તેના લીધે મહિલાઓની હાલત બદથી બદતર બનવા લાગી. આ કુપ્રથાઓને તોડવા રૂઢિવાદ સામે પડકારરૂપ બન્યાં સાવિત્રીબાઈ ફૂલે. માળી જ્ઞાતિના એક ખેડૂત પરિવારમાં જન્મેલાં તેઓ ઔપચારિક શિક્ષણથી વંચિત હતાં. નવ વર્ષની ઉંમરે જ્યોતિરાવ સાથે લગ્ન થયાં. લગ્ન પછી પતિ સાથે પુણે રહેવા ગયાં. સાવિત્રીબાઈ ફૂલેને વાંચનનો ખૂબ શોખ હતો. આ જોઈને પતિએ તેમને લખતાં વાંચતા શીખવ્યું. આ પછી તેમણે અહમદનગર અને પુણેમાં શિક્ષકની તાલીમ પણ લીધી. ઈ.સ.૧૮૪૭માં પરીક્ષા પાસ કરીને સાવિત્રીબાઈ દેશનાં પ્રથમ શિક્ષિકા બન્યાં. તેમની આ સફર કાંય સરળ નહોતી.!!! પતિ પાસેથી તેમને મહિલાઓ માટે લડવાની પ્રેરણા મળી. તેમના આ કાર્યનો રૂઢિચુસ્ત બ્રાહ્મણોએ ઉગ્ર વિરોધ પણ કરેલો. ૧૭ વર્ષની ઉંમરે સાવિત્રીબાઈ ઘરેથી છોકરીઓ, શુદ્રો અને અસ્પૃશ્યોને ભણાવવા સ્કૂલે જતાં. રસ્તામાં વિરોધીઓ તેમને પરેશાન કરતા, ગાળો દેતા, પથ્થર મારતા, મળ-મૂત્ર ફેંકતા તો પણ સાવિત્રીબાઈ પાછીપાની કરતાં નહીં. સાથે એક વધારાની સાડી રાખતાં. મળ-મૂત્ર, કાદવ-કીચડથી ગંદી થયેલી સાડી શાળાએ જઈને બદલી નાખતાં અને ઘરે પાછાં ફરતી વખતે ફરી એ સાડી પહેરી લેતાં. તેમનું આવું વર્તન જોઈને મનુના વારસદારોને એમ લાગ્યું કે સાવિત્રીબાઈ અટકવાનાં નથી તો તેમણે જ્યોતિરાવના પિતા ગોવિંદરાવને દબાવવાનું શરૂ કર્યું. તમારો દીકરો ધર્મની વિરુદ્ધ કામ કરી રહ્યો છે જો તમે તેને નહીં અટકાવો તો તમારો સામાજિક બહિષ્કાર થશે. પિતાએ પુત્રને ઠપકો આપતાં તમામ પ્રવૃત્તિઓ આટોપી લેવાનું કહ્યું ત્યારે જ્યોતિરાવે ઘર છોડવાનું પસંદ કર્યું. પરંતુ છોકરીઓ, મહિલાઓ, શુદ્રો અને અસ્પૃશ્યોને ભણાવવાનું બંધ કર્યું નહીં. સમય જતાં સાવિત્રીબાઈએ પુણે ખાતે છોકરીઓ માટે નવી શાળાઓ શરૂ કરી. તેમના આ સાહસ અને પ્રશંસનીય કાર્ય માટે ઈ.સ.૧૮૫૨માં બ્રિટિશ સરકારે પુણે ખાતે સાવિત્રીબાઈનું એક ખાસ સમારંભમાં જાહેર સન્માન કર્યું હતું.
             માત્ર મહિલા શિક્ષણ ઝુંબેશમાં જ નહિ, પરંતુ પતિની  સમાજસુધારણા પ્રવૃત્તિઓમાં પણ સાવિત્રીબાઈ સક્રિય રહ્યાં. તે જમાનામાં પ્રચલિત સામાજિક રૂઢિ મુજબ દરેક સ્ત્રીને પતિના અવસાન પછી અનિચ્છાએ પણ વાળ ઉતરાવવા પડતા હતા. આ કુરિવાજ સામે પણ ફુલે દંપતીએ આંદોલન શરૂ કર્યું; એટલું જ નહિ, પરંતુ પુણે નગરના વાળંદોનો ટેકો મેળવવા માટે તેમણે વાળંદોની હડતાળની સફળ આગેવાની પણ કરી. આ સિવાય પુણે નગરમાં વસતા અસ્પૃશ્યો પીવાનું સ્વચ્છ પાણી મેળવી શકે તે માટે આ દંપતીએ પોતાના મકાનની પાણીની કૂંડી તેમના માટે ખુલ્લી મૂકી હતી. અસ્પૃશ્યતા અને જાતિવાદ જેવી અમાનવીય પરંપરા નષ્ટ કરવાના કાર્યમાં સાવિત્રીબાઈએ પતિ સાથે ખભેખભો મિલાવી સંઘર્ષ કર્યો.
            પતિના મૃત્યુ પછી સાવિત્રીમાઈએ તેમની ચિતાને આગ લગાડી. પતિની ચિતાને આગ લગાડનારી તે દેશની પ્રથમ મહિલા હતી. આજેય કોઈ સ્ત્રી તેના પરિવારજનને અગ્નિદાહ આપે તે છાપાંમાં છપાય છે. તો તે સમયે આ પગલું કેટલું ક્રાંતિકારી હશે..!!! તેઓ જીવ્યાં ત્યાં સુધી પતિનાં આદરેલાં કાર્યો આગળ ધપાવતાં રહ્યાં. તેમણે કાવ્ય ફૂલે અને બાવન કશી સુબોધ રત્નાકર નામના ગ્રંથોનું નિર્માણ કરી આધુનિક જગતમાં પ્રથમ મરાઠી કવયિત્રી બન્યાં.
           દેશનાં સર્વપ્રથમ શિક્ષિકા, સર્વપ્રથમ મહિલા શિક્ષણનાં હિમાયતી, પ્રથમ મરાઠી કવયિત્રી અને અમાનવીય પ્રથાઓમાંથી મુક્તિ અપાવવાના આંદોલનનાં સર્વપ્રથમ મહિલા પુરસ્કર્તા તરીકે દેશના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં સાવિત્રીબાઈ ફુલેનું નામ કાયમી સુવર્ણ અક્ષરે અંકિત થયેલું રહેશે.


સંદર્ભ :-
૧. ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે
૨. સામાજિક ક્રાંતિ કી વાહક સાવિત્રીબાઈ ફૂલે 

Comments

  1. સત સત નમન 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. શરુઆત કરી અને સિધ્ધિ મળી, સિધ્ધી મળ્યા બાદ બીજા કેટલાય આપણા સમાજ અને નાના માણસો ને શિક્ષા વિશે જાગૃત કયાઁ અને શિક્ષણ આપ્યુ એ પણ એવા સમય મા કે જયારે આપણા જેવા માણસો માટે શિક્ષા એ એક પાપ છે.
    શત શત નમન સાવિત્રીબાઈ ફૂલને

    ReplyDelete

Post a Comment

Read more

મારે ક્રાંતિકારી વિચારોથી થનગનતા યુવાનોની જરૂર છે - શહીદ ભગતસિંહ

            શેર-એ-પંજાબ તરીકે ઓળખાતા મહારાજા રણજીતસિંહના શાસનમાં શીખ સામ્રાજયના વિસ્તાર માટે શક્તિશાળી પઠાણોને માત આપી અને અંગ્રેજો સામે પણ નોંધપાત્ર બહાદુરી અને હિંમત દર્શાવી એવા ખાલસા સરદારોનો ઇતિહાસ બહાદુરી અને ગૌરવથી ભરેલો છે. સરદાર અર્જુનસિંહ આ મહાન ખાલસા સરદારોના વંશજ હતા. તેઓ પણ ક્રાંતિકારી વિચારોથી રંગાયેલા હતા અને સ્વતંત્ર વિચારસરણીની હિમાયત કરતા હતા. તેમને દેશભક્તિ અને બહાદુરીના ગુણો વારસામાં મળ્યા હતા. તેમણે સમાજમાં પ્રવર્તતી સડેલી, જૂની માન્યતાઓ અને દુષ્ટતાઓનો નિર્ભયતાથી વિરોધ કરતાં કહ્યું હતું કે, "વ્યક્તિની ઓળખ દુનિયામાં તેના ધાર્મિક, સામાજિક કે આર્થિક સ્થિતિ દ્વારા નહીં, પરંતુ તેના સારા કાર્યો અને ગુણો દ્વારા થવી જોઈએ. માનવતા પોતે જ પરસ્પર પ્રેમ, સ્નેહ અને સૌહાર્દપૂર્ણ વર્તન ઉત્પન્ન કરે છે. તેથી વ્યક્તિએ તમામ રૂઢિઓ તોડી માનવતામાં જ માનવું જોઈએ." આવા પ્રગતિશીલો વિચારોને કારણે તેમની લોકપ્રિયતા મોખરે હતી. એક દિવસ સવારે નવ વાગ્યાની આસપાસ એક બંધ ઓરડામાં સ્ત્રીના દુ:ખના કણસતા અવાજો ગુંજી રહ્યા હતા. તેની સાસુ પાસે બેઠી બેઠી કપાળ પર હાથ ફેરવીને દિલા...

હિરા ઉદ્યોગ ભલે પડી ભાંગ્યો હોય પણ વિદ્યામંદિરના હિરા તો આજેય વિશ્વભરમાં ઝળકે જ છે.

        આજકાલ ખ્યાતનામ શાળાઓ પોતાની શાળામાં પ્રવેશ પરીક્ષા યોજે છે. બોર્ડ અથવા જે-તે શાળામાં વિદ્યાર્થી ગમે તેટલા ટકા લાવ્યો હોય પણ જો પ્રવેશ પરીક્ષામાં ઉત્તિર્ણ થાય તો જ એને પ્રવેશ મળે.! આવી પ્રવેશ પરીક્ષા આપવા માટે શહેરની જુદી જુદી શાળાઓમાં અનુભવ કર્યા હતા. પરંતું સૌથી વધારે હૃદયસ્પર્શી એક શાળા રહી અને એનો એક અનુભવ પણ સારો રહ્યો હતો.           પ્રવેશ પરીક્ષાના દિવસે અમે સવારે શાળા પરિસરમાં હાજર થઈ ગયા. પ્રકૃતિ વચ્ચે સ્વચ્છ પરિસર આંખે ઉડીને વળગે એવું હતું અને પરીક્ષા વ્યવસ્થાની તો વાત જ ન થાય..!! આવનાર પરીક્ષાર્થી બાળકોમાં પણ ઉત્સાહ દેખાતો હતો. તેમનું સપનું હતું કે બસ, આ જ શાળામાં પ્રવેશ લેવો છે, આ જ શાળામાં ભણવું છે. પરીક્ષા શરૂ થઈ, બાળકો પોતપોતાના બેઠક રૂમમાં પહોંચી ગયા. સાથે આવેલ વાલીગણ માટે આખા પરિસરમાં મન થાય ત્યાં બેસી શકે એવી છૂટ સાથે ખુરશીની વ્યવસ્થા હતી એટલે વાલીઓ પોતપોતાની રીતે નિ:સંકોચ, મુક્તપણે બેઠક લઈ લીધી. સેવક ભાઈઓ અને સિકયુરિટી ગાર્ડ પણ ખૂબ જ નમ્રપણે વાલીઓને મદદરૂપ થતા હતા. બે ભાગમાં યોજાનાર પ્રવેશ પરીક્ષાનું પ્રથમ પેપર પુરુ...