Skip to main content

સમાનતા અને સંઘર્ષની સાક્ષીની ધરતી એટલે નાશિક

               જીવનમાં કેટલીક મુસાફરીઓ માત્ર એક શહેર સુધી પહોંચાડતી નથી, પરંતુ વિચાર, સંવેદના અને ઇતિહાસની ઊંડાઈ સુધી લઈ જાય છે. એવી જ એક યાદગાર, અગવડભરી છતાં પ્રેરણાદાયી મુસાફરી નાશિક તરફ કરવાની તક મળી. એકતરફી ૧૪ કલાકની લાંબી, થાકથી ભરપૂર અને અગવડભરી બસ મુસાફરી બાદ આખરે વાપી પહોંચ્યો. શરીર થાકથી કંટાળેલું, આંખોમાં ઊંઘનો ભાર અને મનમાં ગંતવ્ય સુધી પહોંચ્યાનો સંતોષ — આ બધી લાગણીઓ એકસાથે મનમાં ઉછળી રહી હતી. ત્યાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ ઉભી હતી. મુસાફરો બેસવા માટે પડાપડી કરતાં હતાં. મને ખબર નહોતી કે એ બસ નાશિક જાય છે. હું દૂર ઊભો ઊભો આ બધું જોઈ રહ્યો હતો. પંદરેક મિનિટ પછી કંડકટરને પૂછ્યું. યે બસ નાશિક જાયેગી ?

"नाशिक तर जातंय...... बोर्ड वाचा" એવું કંડકટર મરાઠીમાં બોલ્યા.

             ખાલી બસની સામે ઊભેલો પણ ખબર નહોતી કે એ બસ નાશિક જવાની છે. વહેલી સવારના અંધારામાં બોર્ડ વંચાતું નહોતું. જેવો બસમાં ચડ્યો કે વિદ્યાર્થીકાળ યાદ આવી ગયો. એ સમયે આવી બસમાં અભ્યાસાર્થે આવ-જા કરેલી. એ બસ માત્ર બસ નહોતી પણ એ તો ગામડાની "ચાલતી સંસ્કૃતિ" હતી..! સરકારી જૂની બસ, બહારથી જોતાં લાગે કે હવે નિવૃત્તિ લઈ લેવાની તૈયારીમાં હશે… પણ રોડ પર દોડે એવી કે આજકાલની નવી બસો પણ વિચારે — "આન્ટી હજુ સુધી ફિટ કેવી રીતે ?" 

            એનો રંગ એવો ફીકો પડી ગયો હોય, જાણે સૂરજ સાથે વર્ષોથી સીધી મિત્રતા ન હોય..! અને બસ પર લખેલું રૂટ નંબર પણ અડધું દેખાય અને ન પણ દેખાય..!!! તો બાકીનું મુસાફરોના અનુભવ પરથી સમજવું પડે..! એની બારીઓનો તો અલગ જ સ્વભાવ..! એક બારી ખોલો તો બીજી આપોઆપ બંધ થઈ જાય… અને કોઈ બારી બંધ કરવી હોય તો બે-ત્રણ મુસાફર દ્વારા ધક્કા અને જોરથી પકડો એવું ટીમવર્ક જોઈએ..! કેટલીક બારીઓ તો એવી હોય કે ચાલતી બસમાં "ટકટકટક" અવાજ કરીને પોતાનું અસ્તિત્વ સતત યાદ અપાવતી રહેતી હતી હોય...! બસની સીટો એટલી પહોળી કે બે અજાણ્યા માણસો પાંચ મિનિટમાં ઓળખાણ કરી લે… અને એકબીજાના ગામના સરપંચ કોણ એની પણ ખબર આપી દે...! કેટલીક સીટો એવી ઢીલી હોય કે બેસો ત્યારે લાગે — "હવે તો હું પણ બસ સાથે જ ઝૂલું...!!!" ઉપરનું મજબૂત માળિયું તો જાણે મિની ગોડાઉન..!

             બસ સ્ટાર્ટ થાય ત્યારે એવો અવાજ આવે કે લાગે ગામનો આખો ઇતિહાસ ઉંઘમાંથી જાગી જાય..! અને ગિયર બદલાય ત્યારે ડ્રાઈવર નહીં, બસ પોતે જ નિર્ણય લેતી હોય એવું લાગે..! હોર્ન તો એવું જબરદસ્ત — બધાને ખબર પડી જાય કે "સરકારી રાણી આવી રહી છે...!" વરસાદમાં બસની છત પણ મજા કરાવતી હોય. એ સમયે મુસાફરો સીટ બદલીને સંગીત ખુરશી રમવા મજબૂર થઈ જતા.

             બસમાં પંખા નહોતા… પણ હવા આવશે જ એવા આત્મવિશ્વાસ સાથે સૌ બેઠાં હોય... પણ એક વાત માનવી પડે… એસી વગર, મ્યુઝિક વગર, ચાર્જિંગ પોઈન્ટ વગર, મોટા મોટા ફીચર વગર પણ… આ બસ લોકોના દિલ સુધી પહોંચી જતી હતી. કારણ કે આ બસમાં માત્ર મુસાફરી નહોતી થતી… અહીં ઓળખાણો બનતી, ગામની ખબર મળતી, હાસ્ય વહેંચાતું, અને આખો રસ્તો "આપણાપણું" સાથે પસાર થતો....! આવી જ વાપીથી નાશિકની બસ મળી અને નાશિક પહોંચ્યો.


                બસમાંથી નીચે ઊતરતાં જ નાશિકના સાંકડા, ગીચ અને અસુવિધાઓથી ભરેલા બસ ડેપોએ પ્રથમ આવકાર આપ્યો. ચારે તરફ મુસાફરોની ભીડ, વાહનોના અવાજો અને ઉતાવળનું વાતાવરણ જાણે શહેરની દોડધામનો પરિચય કરાવી રહ્યું હતું.

                     થાકેલા શરીરને થોડો આરામ આપવા માટે સ્નાન કરવાની વ્યવસ્થા કરી. એ ક્ષણે સમજાયું કે મુસાફરીમાં વૈભવનું નહીં, પરંતુ તાજગી અને હિંમત વધુ મહત્વ હોય છે. થોડું તાજગીભર્યું અનુભવ્યા પછી ગૂગલ મેપનો સહારો લઈને ઐતિહાસિક કાલારામ મંદિર તરફ આગળ વધ્યો. મંદિરના રસ્તે આગળ વધી રહ્યો ત્યાં વચ્ચે પંચવટી રજવાડા વિસ્તારના ચોકમાં બાબાસાહેબની તસ્વીર ટાઇલ્સમાં જડેલી જોવા મળી બેઘડી થંભીને વંદનસહ આદર કર્યો.


                નાશિકનું પ્રખ્યાત કાલારામ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નથી, પરંતુ ભારતના સામાજિક ઇતિહાસની એક મહત્વપૂર્ણ સાક્ષી પણ છે. દાયકાઓ પહેલાં અહીં અસ્પૃશ્ય ગણાતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હતો. બાબાસાહેબ ડૉ.આંબેડકરના નેતૃત્વ હેઠળ થયેલા કાલારામ મંદિર પ્રવેશ આંદોલનની યાદો ત્યાં પહોંચતા જ મનમાં તાજી થઈ ગઈ. મંદિરના ભવ્ય શિખરોને નિહાળતાં મનમાં અનેક પ્રશ્નો અને વિચારોએ જન્મ લીધો — એક સમય એવો હતો જ્યારે માણસને માણસ ગણવામાં પણ ભેદભાવ થતો હતો..! એ ધરતી પર ઉભા રહી સમાનતા અને માનવતાનો અર્થ વધુ ઊંડાણથી સમજાયો. 

             ભારતના ઇતિહાસની કલંકિત એ ઘટનાની યાદ આવી ગઈ જે ૧૯૩૦માં બની હતી.

"આ મંદિર ફક્ત ઉચ્ચ સવર્ણ હિન્દુઓ માટે જ છે. આ મંદિરમાં ભૂલેચૂકે જો અસ્પૃશ્યો પ્રવેશ કરશો તો તેમના ઉપર કાયદેસર કામ ચલાવવામાં આવશે." રૂઢિચુસ્ત બ્રાહ્મણોએ અસ્પૃશ્યો માટે આવા જોહુકમી નિયમો બહાર પાડ્યા હતા.

          એક તરફ ગાંધીએ સવિનય કાનૂનભંગ, મીઠાનો સત્યાગ્રહ કરી સ્વતંત્રતા સંગ્રામને સતેજ કરવાનો સંકલ્પ વાઈસરૉયને વિદિત કર્યો બરાબર આ જ સમયે દલિત દિવાકર ડૉ.આંબેડકરે નાસિક કાલારામ મંદિર પ્રવેશ માટેનો સંઘર્ષ છેડયો હતો. તેમનું માનવું હતું કે, "કોઈપણ સત્યાગ્રહ-સંઘર્ષ માનવીના ધૈર્યને લડવા માટે શક્તિ પ્રદાન કરે છે. આમ, આ સત્યાગ્રહ પણ દલિતોને તેમની દાસત્વની શૃંખલા તોડવા બળ પૂરું પાડશે."

કાલારામ મંદિર, નાસિક 


        ૨જી માર્ચ, ૧૯૩૦ના દિવસે ડૉ.આંબેડકરની આગેવાની નીચે હજારો સત્યાગ્રહીઓનું વિશાળ સરઘસ કાલારામ મંદિરપ્રવેશ માટે નીકળી પડ્યું. નાસિકના ઈતિહાસમાં આવું સરઘસ કદાપિ નીકળ્યું ન હતું. પરંતુ મંદિરે પહોંચે તે પહેલાં જ પૂજારીઓએ પરમેશ્વરને મંદિરમાં પૂરી દીધા. મંદિરના દરવાજા બંધ કરી દીધા. ધનંજય કીર લખે છે કે, "સનાતનીઓએ વાતાવરણ એવું સ્ફોટક બનાવ્યું હતું કે, પ્રત્યક્ષ ભગવાન રામચંદ્ર પણ અસ્પૃશ્યોના મંદિરપ્રવેશ માટે આજ્ઞા આપે તો તેમને પણ સનાતનીઓએ દૂર ફેંકી દીધા હોત..." આથી સરઘસને ગોદાવરી ઘાટ તરફ વાળવામાં આવ્યું અને ત્યાં સભા ભરી સત્યાગ્રહ કરવાનો મક્કમ નિર્ધાર જાહેર કરવામાં આવ્યો. એ દિવસે નાસિકના ખુલ્લા મેદાનમાં બાબાસાહેબ ડૉ.આંબેડકરની અધ્યક્ષતામાં સંમેલન થયું. બાબાસાહેબે તેમનું શક્તિશાળી ભાષણ આપતાં કહ્યું કે, "આજે આપણે મંદિરમાં પ્રવેશ કરવાના છીએ, પણ મંદિર પ્રવેશ તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકતો નથી. આપણી સમસ્યાઓ રાજકીય, સામાજિક અને આર્થિક રીતે વિશાળ છે. પરંતુ આજે આપણો મંદિર પ્રવેશ સત્યાગ્રહ ઉચ્ચ જાતિના હિન્દુઓના હૃદયને સ્પર્શે છે. સેંકડો વર્ષોથી, ઉચ્ચ જાતિના હિન્દુઓએ આપણને માનવ અધિકારોથી વંચિત રાખ્યા છે. આ સત્યાગ્રહ સાબિત કરશે કે શું તેઓ આપણને માનવ અધિકારો આપવા માટે સંમત છે કે નહીં. નિર્ણય લેવાનો છે. ઉચ્ચ જાતિના હિન્દુઓ આપણને કૂતરા અને બિલાડી કરતા પણ વધુ હલકી ગુણવત્તાવાળા માને છે. હવે આ સત્યાગ્રહ એ પ્રશ્નનો જવાબ આપશે કે શું તેઓ આપણને માનવીય મૂલ્યો આપશે ? આ સત્યાગ્રહ હિન્દુઓના હૃદયને પરિવર્તિત કરવા માટે છે. તે સફળ થાય છે કે નિષ્ફળ જાય છે તે હિન્દુઓના વલણ પર આધાર રાખે છે."

            બ્રાહ્મણો અને વાણિયાઓ ગોદાવરી નદીમાં દરરોજ સ્નાન કરતા હતા, તેમના પાપો ધોયા પછી ખુશી અનુભવતા હતા. અછૂત લોકો તે નદીમાં સ્નાન કરી શકતા ન હતા, અને તરસ લાગે ત્યારે પાણી પણ પી શકતા ન હતા..! આ બ્રાહ્મણ કાયદાનો ભંગ કરવા માટે અસ્પૃશ્ય લોકો ગોદાવરી નદીમાં કૂદી પડ્યા અને સ્નાન કરવાનું શરૂ કર્યું. પાણીનો હેતુ ગંદકીને સ્વચ્છ અને શુદ્ધ કરવાનો અને તરસ્યા લોકોની તરસ છીપાવવાનો છે. પરંતુ અછૂત લોકો સ્નાન કરવાને કારણે, પાણી પોતે જ અસ્પૃશ્ય બની ગયું. પછી, હિન્દુઓએ નિઃશસ્ત્ર સત્યાગ્રહીઓ પર લાકડીઓ અને ભાલાઓથી હુમલો કર્યો. ઘણા લોકો ઘાયલ થયા. ગોદાવરીનું પાણી ઘાયલ લોકોના લોહીથી લાલ થઈ ગયું.

               બ્રાહ્મણો, વાણિયાઓ અને બ્રાહ્મણવાદીઓ પથ્થર દેવતા, કાલરામના દર્શન કરવા માટે પાછળના દરવાજામાંથી ચોરીછૂપીથી આવતા હતા. આ વાતની જાણ થતાં અછૂત સત્યાગ્રહીઓએ પણ તે બાજુથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. આનાથી તણાવ ઘણો વધી ગયો. પોલીસે તે દરવાજો પણ બંધ કરી દીધો. આમ, નાસિકના કાલરામ દેવતા ફરી એકવાર બ્રાહ્મણોના તાળાઓમાં સંપૂર્ણપણે બંધ થઈ ગયા. હવે તે ફક્ત બ્રાહ્મણો અને વાણિયાઓના કેદી હતા - નિર્જીવ અને ગતિહીન.

              રામનવમીનો તહેવાર આવ્યો. તે દિવસે કાલારામની મૂર્તિને રથ પર બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવી. હજારો શૂદ્રો (મરાઠા, કોળી, કુર્મી અને અન્ય જાતિના લોકો) રથ ખેંચતા હતા, પરંતુ અસ્પૃશ્યોને તેને ખેંચવાની કે ખેંચાણમાં ભાગ લેવાની મનાઈ હતી. એવો ભય હતો કે આ વિશાળ રથને સ્પર્શ કરવાથી તે અસ્પૃશ્ય પણ થઈ જશે. સત્યાગ્રહીઓએ રથના દોરડા ખેંચવામાં ભાગ લેવાનું નક્કી કર્યું. રૂઢિચુસ્ત હિન્દુઓ અને અસ્પૃશ્ય સત્યાગ્રહીઓ વચ્ચે તણાવ વધી રહ્યો હતો. કેટલાક ઉદાર હિન્દુઓએ દરમિયાનગીરી કરી અને નિર્ણય લીધો કે અસ્પૃશ્ય દોરડાની એક બાજુ ખેંચશે, જ્યારે બ્રાહ્મણો અને વાણિયાઓ બીજી બાજુ ખેંચશે. અસ્પૃશ્ય લોકો આ નિર્ણય સ્વીકારવા સંમત થયા. ડૉ.આંબેડકરે વ્યક્તિગત રીતે વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. દરમિયાન, મંદિરના પૂજારીઓ અને વહીવટકર્તાઓના કહેવાથી હિન્દુઓ પણ એક જ રથ દોરડા ખેંચવા માટે તૈયાર હતા. મુલાકાતીઓ અને વિરોધીઓની ભીડ ચારે બાજુ વધી રહી હતી. અન્ય દર્શકો પણ ભેગા થઈ રહ્યા હતા, અને ભીડ દરેક ક્ષણે મોટી થઈ રહી હતી.

           રથ જ્યાં ઉભો હતો તે કાલારામ મંદિરનો ચોક હતો, જ્યાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો. બ્રાહ્મણોએ તેમના પરંપરાગત વલણમાં રહી કરાર તોડ્યો અને એક જ દોરડાથી રથ ખેંચીને ભાગવા લાગ્યા. અફડાતફડી મચી ગઈ. વસંત મૂન લખે છે કે, "ડૉ. આંબેડકર પોતે શોભાયાત્રામાં જોડાયા. રથ ચોક્કસ અંતરે પહોંચતા જ સનાતનીઓએ રથ ખેંચતા અસ્પૃશ્યો પર હુમલો કર્યો. તેમને માર મારવાનું શરૂ થયું. રસ્તો સાંકડો હતો, બંને બાજુ કાંટાળા તાર લંબાયેલા હતા. ડૉ. આંબેડકર અને તેમના સાથીઓ એક ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હતા. નજીકના ખેતરોમાંથી તેમના પર પથ્થરમારો થઈ રહ્યો હતો. ડૉ. આંબેડકરના સાથીઓએ તેમને બચાવવા માટે ચારે બાજુથી ઘેરી લીધા હતા. કેટલાક તેમના માથા પર છત્રીઓ લઈને ઉભા હતા. જો એક છત્રી તૂટી જાય તો બીજી ખુલી જતી. બાબાસાહેબને બચાવવા માટે ઘણા સાથીઓએ પથ્થરોનો માર સહન કર્યો. જોકે, બાબાસાહેબને ઘણી જગ્યાએ વાગ્યા હતા, અને તેમના સાથી ભાસ્કરરાવ કાદ્રેકરને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘણા સત્યાગ્રહીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા." દાદાસાહેબ ભાઉરાવ ગાયકવાડે આ તોફાન જોયું અને તમારો જીવ જોખમમાં છે એવું બાબાસાહેબને કહી સલામત સ્થળે જવા વિનંતી કરી. બાબાસાહેબે દૃઢ, અડગ અને ગંભીર અભિવ્યક્તિ સાથે કહ્યું : "હું એક બહાદુર સૈનિકનો પુત્ર છું. મારી નસોમાં કાયરતા નથી. હું આ ચળવળ છોડીને ભાગવા માટે દોડી રહ્યો નથી, મારા હજારો ભાઈઓના જીવ જોખમમાં મૂકી રહ્યો છું. ભલે હું મારો જીવ ગુમાવી દઉં, પણ હું યુદ્ધનું મેદાન છોડીશ નહીં."

             મંદિરની છત પરથી બ્રાહ્મણ પૂજારીઓએ બૂમ પાડી, "આંબેડકરને મારી નાખો ! તે જ આ અસ્પૃશ્યોને ઉશ્કેરી રહ્યો છે. તેને છોડશો નહીં, તેને મારી નાખો !" બધા હિન્દુ ગુંડાઓ આંબેડકર તરફ દોડયા, જ્યાં તે ઉભા હતા. તે જ ક્ષણે સમતા સૈનિક દળના બહાદુર યોદ્ધાઓએ ડૉ.આંબેડકરને બચાવવા પોતાના હાથનો ઉપયોગ જાળી તરીકે કર્યો. તે દરમિયાન, પોલીસ આવી. ખચકાટ વગર, તેમણે અછૂત લોકો પર લાઠીચાર્જ શરૂ કર્યો. તેમણે હિંદુ ગુંડાઓ પર હળવો લાઠીચાર્જ કર્યો. છેવટે, તો તેઓ આ બ્રાહ્મણવાદ દ્વારા ખરીદેલા ગુલામ હતા. તેઓ નિઃશસ્ત્ર સત્યાગ્રહીઓ પર કેવી રીતે દયા કરી શકે ? ડૉ.આંબેડકરની હત્યાના દુષ્ટ કાવતરા પર આધારિત આ ત્રીજું કાવતરું હતું. તે પણ નિષ્ફળ ગયું. પરંતુ આ ઘટનાએ એક વાત સાબિત કરી હતી : અછૂતો હિન્દુ નથી. ન તો હિન્દુ ધર્મ એમનો ધર્મ. ન તો હિન્દુઓ એમના શુભેચ્છક છે. તે શુભેચ્છક છે; તો તે ફક્ત એક શોષક, જુલમી અને અનૈતિક બ્રાહ્મણ ધર્મના. 

               મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકર નામના પુસ્તકમાં ડૉ.મહેશચંદ્ર પંડ્યાની નોંધ મળે છે કે હિન્દુઓ ધર્મને નામે અસ્પૃશ્યતા પાળતા હતા. અસ્પૃશ્યો હિન્દુ ધર્મના રીતરિવાજો પ્રમાણે જીવન જીવતા હતા, હિન્દુ ધર્મના દેવ-દેવીઓને આરાધ્ય દેવો માની પૂજા કરતા હતા. તેમ છતાં તેમને માટે દેવમંદિરોના દ્વાર હંમેશાં માટે બંધ જ રહેતા હતા. તેથી ડૉ.આંબેડકર ભારે મૂંઝવણ અનુભવતા હતા. ડૉ.આંબેડકર દ્વારા અસ્પૃશ્યોને નાસિકનાં કાલારામ મંદિરમાં પ્રવેશ મળે તે માટે સત્યાગ્રહ કરવામાં આવ્યો એનો રૂઢિચુસ્ત હિંદુઓએ હિંસક વિરોધ કર્યો. સમગ્ર નાસિક જીલ્લામાં અસ્પૃશ્યોએ ભારે યાતનાઓ વેઠવી પડી. તેમનાં બાળકો માટે શાળાઓ બંધ કરી દેવામાં આવી. રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા. બજારમાં જીવન જરૂરી વસ્તુઓ પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું. લગભગ ત્રણ વર્ષ સુધી સત્યાગ્રહ ચાલ્યો પરંતુ હિંદુઓનાં હૃદય પરિવર્તન થયા નહિં. આખરે બાબાસાહેબને સત્યાગ્રહ સમેટી લેવાની ફરજ પડી. તા.૨૩મી જૂન ૧૯૩૨નાં રોજ કોલ્હાપુર ખાતેનાં પ્રવચનમાં હૈયાવરાળ ઠાલવતાં બાબાસાહેબે કહ્યું કે, "મહાડ, નાસિક અને અન્ય ઠેકાણે કરેલાં સત્યાગ્રહોથી મને એવી ખાતરી થઈ ચૂકી છે કે હિંદુઓનાં અંતઃકરણ પથ્થર - ઈંટોની બનેલી ભીત જેવા નિર્જીવ છે."

          ૧૯૩૫માં જ્યારે મંદિર પ્રવેશનો કાયદો બન્યો ત્યારે કાલારામ મંદિરના દરવાજા બંધ રહી શક્યા નહીં. પછી "અછૂત" પણ મંદિરમાં જઈ શકતા હતા. જ્યાં સુધી સરકારી કાયદો બન્યો નહીં ત્યાં સુધી ‘હિન્દુઓનું હૃદય પરિવર્તન' થયું જ નહીં.

               મંદિરના પરિસરની દીવાલ પર મંદિર અને તે ક્ષેત્રનું મહત્ત્વ દર્શાવતી વિગતો છે. પણ એમાં આ સત્યાગ્રહનો ઉલ્લેખ ન જ હોય ને !!!?? પણ હા, મંદિરના પરિસરની બહારની દીવાલ પર દાદાસાહેબ ગાયકવાડની જન્મશતાબ્દીના ઉપલક્ષ્યમાં ઇ.સ.૨૦૦૮માં તત્કાલિન સરકાર દ્વારા એક શિલાલેખ કોતરાવવામાં આવ્યો છે. જેમાં સત્યાગ્રહ સમિતિના તમામ સભ્યોનાં નામ છે. કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ માનવ અધિકારો અને દેશના વંચિતોના ઇતિહાસના સુવર્ણપૃષ્ઠ તરીકે કાયમ યાદ રહેશે. 

મંદિર બહાર રહેલ શિલાલેખ 

શિલાલેખ 
             ત્યારબાદ કાર્યક્રમ સ્થળે જવા માટે ઓટોરિક્ષા ચાલકને પૂછ્યું. અન્ય રાજ્યના હોવાનું જાણી તેણે ભાડું વધુ પડતું કહ્યું. ક્ષણમાં મૂંઝવણ થઈ, પરંતુ પછી ફરી ગૂગલ મેપનો સહારો લીધો અને પગપાળા જ કાર્યક્રમ સ્થળે જવાનું નક્કી કર્યું. અજાણી ગલીઓ, નવા રસ્તાઓ અને શહેરની જીવંત ગતિ વચ્ચે ચાલતા ચાલતા નાશિકને નજીકથી જોવાની તક મળી.

                રસ્તામાં ગરમી અને થાક વચ્ચે એક જગ્યાએ ઠંડી અને સ્વાદિષ્ટ મેંગો લસ્સી નજરે પડી. એક ઘૂંટડો લીધો અને જાણે આખા શરીરમાં નવી તાજગી ફરી વળી. મીઠાશથી ભરપૂર એ લસ્સી પીણું જ નહિ, પણ થાકેલી મુસાફરીમાં મળેલો નાનો આનંદ હતો. અંતે કાર્યક્રમ સ્થળે પહોંચ્યો. ત્યાંનું આત્મીય સ્વાગત હૃદયને સ્પર્શી ગયું. પરંપરાગત મહારાષ્ટ્રીયન ફેટો બાંધી અને ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું. મહારાષ્ટ્રની સંસ્કૃતિની મહેક ત્યાં સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. મરાઠીયન બ્યૂગલોના ગૌરવશાળી નાદ સાથે કાર્યક્રમની શરૂઆત થઈ અને સમગ્ર વાતાવરણ ઉત્સાહ, ગૌરવ અને ઉર્જાથી ઝળહળી ઉઠ્યું.

            કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવોએ પત્રકારિતા, સમાજજાગૃતિ અને લોકશાહીમાં મીડિયાની જવાબદારી વિષે પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા. શબ્દો માત્ર ભાષણ ન હતા, પરંતુ ભારતીય સમાજ પ્રત્યેની જવાબદારીનો સંદેશ હતાં. ત્યારબાદ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. એ ક્ષણોમાં સમજાયું કે સાચું કાર્ય ક્યારેય વ્યર્થ જતું નથી; સમય આવ્યે એક દિવસ તેને અવશ્ય માન મળે છે.

               કાર્યક્રમ પૂર્ણ થયા પછી અશોકચક્ર સર્કલ તરફ જવાનો સમય આવ્યો. ત્યાંના અશોક સ્તંભને જોતા જ સમ્રાટ અશોકના અખંડ ભારત અને ધર્મ, શાંતિ તથા માનવતાના સંદેશની વાતો માનસપટલ પર આવી ગઈ. પથ્થરમાં કોતરાયેલા એ પ્રતિકમાં ઇતિહાસ નહોતો, પરંતુ ભારતની સાંસ્કૃતિક એકતાનો ગર્વ છુપાયેલો હતો. ત્યારબાદ મહામાર્ગ (મુંબઈ નાકા) બસ સ્ટેશન તરફ જવા માટે ઓટોરિક્ષામાં બેઠો. રસ્તામાં મરાઠી ભાષા સંપૂર્ણ રીતે સમજાતી ન હોવાથી થોડું મૂંઝવણભર્યું વાતાવરણ સર્જાયું. અજાણ્યા શહેરમાં ભાષાની મર્યાદા કેટલી અસર કરે છે તેનો અનુભવ થયો. છતાં, મુસાફરી માણસને ધીરજ અને સમજણ બંને શીખવાડે છે. 

        બસ સ્ટેશન પર પહોંચતાં જ સામે આવેલા વિશાળ ચોકમાં સ્થાપિત બે પ્રતિમાઓએ પગ અટકાવી દીધા. એ પ્રતિમાઓ હતી ક્રાંતિસૂર્ય મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેની. બંને મહાન આત્માઓની પ્રતિમાઓ સામે ઊભા રહી મન ગૌરવ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું. જ્યોતિરાવ અને સાવિત્રીબાઈ ફૂલેએ સમાજમાં સમતા, સ્વતંત્રતા અને શિક્ષણનો દીવો પ્રગટાવ્યો હતો. જ્યારે સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી, ત્યારે સાવિત્રીબાઈ ફૂલેએ પ્રથમ ભારતીય મહિલા શિક્ષિકા બની કન્યા શિક્ષણ ક્રાંતિનો પાયો નાખ્યો. સમાજના તિરસ્કાર અને વિરોધ વચ્ચે પણ બંનેએ શિક્ષણ અને માનવતાનો માર્ગ છોડ્યો નહીં. તેમની પ્રતિમાઓ સામે મસ્તક નમાવતા એક અનોખી ધન્યતા અનુભવાઈ.

ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે ચોક, મુંબઈ નાકા, નાશિક 

                 સમય હવે વતન તરફ પરત ફરવાનો હતો. ફરીથી ૨૨ કલાકની લાંબી મુસાફરી રાહ જોઈ રહી હતી. બસ સ્ટેશન પર બેઠા બેઠા બસની કાગડોળે રાહ જોતા મનમાં આખી યાત્રાનાં દ્રશ્યો ફરી રહ્યા હતા — થાક, અજાણપણું, ઇતિહાસ, સમાનતાનો સંદેશ, શિક્ષણનો પ્રકાશ અને લોકોનો આત્મીય પ્રેમ. દૃશ્યો સાથે બસ સ્ટેશનમાં અનેક બસો પણ નજરે ચડી રહી હતી. કોઈ જૂની યાદો જગાવતી તો કોઈ આધુનિકતાનો અહેસાસ કરાવતી… એ દરમિયાન અચાનક નજર એક નવી સરકારી બસ પર અટકી. દેખાવમાં જાણે કોઈ લકઝરી કોચ હોય એવી આકર્ષક. પરંતુ સૌથી વધુ મનને સ્પર્શ્યું તેનું નામ — "સંવિધાન એક્સપ્રેસ"

                 આ નામ માત્ર એક બસનું નહોતું, પરંતુ લોકશાહી ભારતના આત્માનું પ્રતીક હતું. એ ક્ષણે એવો સંદેશ મળ્યો કે રસ્તા પર દોડતી આ બસ માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ સમાજને પણ એક દિશા આપી રહી છે કે લોકશાહી દેશમાં બંધારણ સર્વોપરી છે.

           બંધારણ એટલે સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને ભાઈચારાનો જીવંત દસ્તાવેજ. રાજા હોય કે રંક, સત્તાધારી હોય કે સામાન્ય નાગરિક સૌ માટે એકસરખું માર્ગદર્શન. "સંવિધાન એક્સપ્રેસ" નામ જાણે યાદ અપાવે છે કે વિકાસના માર્ગ પર દેશ ત્યારે જ સાચી ગતિએ આગળ વધી શકે, જ્યારે દરેક પગલું બંધારણીય મૂલ્યોના પાટા પર દોડે. બસના ચમકતા કાચોમાં ફ્ક્ત આધુનિકતા જ નહોતી દેખાતી, પરંતુ બાબાસાહેબ ડૉ.આંબેડકર દ્વારા રચાયેલ લોકશાહી ભારતનું સ્વપ્ન પણ ઝળહળી રહ્યું હતું. ખરેખર, આવી પહેલ પરિવહનની સુવિધા નહિ, પરંતુ જનમાનસમાં બંધારણ પ્રત્યે ગૌરવ, જાગૃતિ અને આદર જગાવતો એક પ્રેરણાદાયી સંદેશ છે.

આ મુસાફરી માત્ર નાશિક સુધીની નહોતી પણ,

આ મુસાફરી હતી વિચારોથી મુલાકાત કરવાની… .. ઇતિહાસને અનુભવવાની…


સંદર્ભ :-

• ધનંજય કિર, બાબાસાહેબ આંબેડકર જીવન અને કાર્ય 

• शंकरानन्द शास्त्री, युगपुरुष बाबासाहेब डॉ.भीमराव आंबेडकर 

   जीवन संघर्ष एवं राष्ट्र सेवाएं

• ડૉ.મહેશચંદ્ર પંડ્યા, મહામાનવ ડૉ.બાબાસાહેબ આંબેડકર 

• ડૉ.એમ.એલ.પરિહાર, બાબાસાહેબ આંબેડકર લાઇફ એન્ડ મિશન

• વસંત મૂન, ડૉ.બાબાસાહેબ આંબેડકર 

Comments

  1. અદ્ભુત લેખન શૈલી ! ડૉ. બાબાસાહેબ આંબેડકરના સત્યાગ્રહ અને સમાનતાની લડાઈની ભૂમિ નાસિક વિશેની આ વિગતો અને ફોટોગ્રાફ્સ સાથે નાસિકના ઇતિહાસની આ સફર કરાવવા બદલ લેખકનો ખૂબ-ખૂબ આભાર.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. आपका सफर बहुत ही शानदार और यादगार रहा ! पढ़कर बहुत खुश हुई! ब्लॉग पर लिखा गया संस्मरण - यात्रावर्णन से मात्र पुणे को ही नहीं बल्कि समकालीन भारतीय संस्कृति की परख तथा बाबा साहेब के सबंध मे आपकी बेहतरीन समझ को पढ़ने का सौभाग्य मिला! आपके यात्रा वृतांत को पढ़ते हुए हिंदी के सुप्रसिद्ध व्यंग्यकार हरिशंकर परसाई की "बस यात्रा" नामक संस्मरण याद ताज़ा हो आयी ✌️👌यूँही अपनी कलम को धार दीजिये और संविधान एक्सप्रेस की तरह भारत के लोकतंत्र की महागाथा का हमसफऱ बन मित्रो को अवगत कराते रहिये!

    ReplyDelete
  4. અદ્ભુત લેખન શૈલી ! ડૉ. બાબાસાહેબ આંબેડકરના સત્યાગ્રહ અને સમાનતાની લડાઈની ભૂમિ નાસિક વિશેની આ વિગતો અને ફોટોગ્રાફ્સ સાથે નાસિકના ઇતિહાસની આ સફર કરાવવા બદલ ખૂબ-ખૂબ આભાર સાહેબ

    ReplyDelete

Post a Comment

Read more

અખંડ ભારતની એકતાનું પ્રતિક : સરદાર વલ્લભભાઈ પટેલ

જન્મ : ૩૧, ઑક્ટોબર : ૧૮૭૫  અવસાન : ૧૫, ડિસેમ્બર ૧૯૫૦                  વાયવ્ય દિશાએથી છઠ્ઠી સદીમાં ભારત આવી વસેલી હૂણ જેવી ખડતલ જાતિ અને પંજાબના ગુર્જરો આ બંને જાતિમાંથી ઊતરી આવેલી જાતિએ ચડોતરના જંગલો કાપ્યાં. રેતાળ જમીનમાં છાણ, માટી અને ખાતરનાં ગાડાંનાં ગાડાં ઠાલવીને તેને ફળદ્રુપ બનાવી અને તેમાં ખેતી કરવા માંડી. આસપાસના રજવાડામાં સૈનિકો તરીકે પણ સેવા બજાવી. આવેશ અને ધીરજનો અદ્ભુત સમન્વય સાધીને આ જાતિએ કાળક્રમે આવેલ હિંદુ, મુસલમાન અને અંગ્રેજ રાજકર્તાઓનો આદરભાવ સંપાદન કર્યો. વધારે નક્કર લાભ એ થયો કે પોતે ખેડતા હતા તે જમીનના માલિકી હકકના દસ્તાવેજ તેમણે મેળવી લીધા અને તેથી જમીન પાટીના માલિક તરીકે આ જાતિ 'પાટીદાર અથવા પટેલ' તરીકે ઓળખાઈ. આવી સમૃદ્ધ અને સશક્ત પાટીદાર જાતિમાં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. પોતાના જ કુટુંબની સાથે શિયાળાની રાતમાં છાણાંની તાપણી કરીને તાપતા નાનકડા વલ્લભે સાંભળેલી વૃદ્ધ પિતાની વાતમાંથી રાષ્ટ્રવાદી પ્રેરણા મેળવી હતી. યુવાકાળમાં ખેતર છોડીને વલ્લભભાઈ અમદાવાદની કાપડ મિલમાં કામ કરવા ગયા હતા. તેમણે દિવસે પૈસા કમાઈ ...