Skip to main content

ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગ સાંકળનાર પ્રથમ સફરી : વાસ્કો-દ-ગામા (ઈ.સ.૧૪૯૬ - ઈ.સ. ૧૫૨૪)


વાસ્કો-દ-ગામા

                 તાગોસ નદીકિનારે ચાર વહાણ લંગારેલા પડ્યાં છે એ વહાણોમાં ત્રણ વર્ષ ચાલે એટલો ખાદ્ય ખોરાક અને બીજો માલ સામાન ભરાયો છે. એ જમાનાના શ્રેષ્ઠ સાધનોથી એ વહાણોને સજ્જ કરાયાં છે. એ પરથી લાગે છે કે કોઈ લાંબી અને ખૂબ મહત્વની સફરની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ કાફલાનો કપ્તાન વાસ્કો-દ-ગામા પોર્ટુગલના રાજા મેન્યુઅલની વિદાય લેવા દરબારમાં હાજર થઈ ગયો.


               બીજા દિવસે ૯મી જુલાઈ ૧૪૯૭ના રોજ વાસ્કો-દ-ગામાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી અને નદીના કિનારે પહોંચી આ શોભાયાત્રામાં ખલાસીઓ સળગતી મીણબત્તી સાથે જોડાયા. તેમ પાદરીઓ પણ જોડાયા અને અલબત્ત નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં. આ કાફલામાં ચારમાંથી બે જહાજ તો ખાસ આ સફરને ધ્યાનમાં રાખીને બાંધવામાં આવ્યાં હતા. વાસ્કો-દ-ગામાના કાફલાએ તાગુસ નદીના કિનારેથી પોતાના લંગર છોડ્યાં, સઢ ખોલ્યા અને ઉપડ્યાં. ઉપડીને દક્ષિણ આફ્રિકાનું ચક્કર મારીને માંજા-મોમ્બાસા પહોંચ્યો. હવે હિંદી મહાસાગર ઓળંગવા માટે ઈશાનના મોસમી પવનો અનુકૂળ હતા. ૨જી, મે ૧૪૯૮ના દિને વાસ્કો-દ-ગામાનો કાફલો કાલીકટ બંદરે લાંગર્યો. આખરે એ ભારતના પશ્ચિમ કિનારે પહોંચ્યો હતો. કાલિકટમાં વાસ્કો-દ-ગામા ત્યાંના રાજા સાથે ધાર્યા હતા એ પ્રમાણેના કરાર ન કરી શક્યો કે ન તો ઝાઝો વેપાર કરી શક્યો. વાસ્કો-દ-ગામાની સફરનું વર્ણન કરતા રોટેરિયો નામના લેખકે કાલિકટમાં કરેલા વેપાર અંગેની માહિતી આપી છે. વાસ્કો-દ-ગામા ભારતમાં ત્રણ મહિના રહ્યો. ભારત છોડતા પહેલાં એણે કાલિકટના રાજા ઝામોરીનને પોતાની ભારતની મુલાકાતની સ્મૃતિ તાજી રહે એ માટે એક કીંમતી ભેટ આપી પછી વિનંતી કરીને પોતે ભારતની બીજીવારની સફરે આવે ત્યારે ચાંદી, સોનુ વગેરેના બદલામાં કીંમતી રત્નોનો સોદો કરવાનું વચન એણે રાજા ઝામોરિન પાસેથી મેળવ્યું અને ત્યાર પછી જ ૨૯મી ઓગષ્ટે પોર્ટુગલ પાછો ફરવા માટે ઉપડ્યો. તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત થયું. રાજા મેન્યુઅલે એને સારું એવું વર્ષાસન બાંધી આપી એની આ સફરની કદર કરી. ભારત પહોંચવાના દરિયાઈ માર્ગની શોધનો આનંદ બધાને એટલો બધો હતો કે એમાં વિસરાઈ ગયું કે કાફલાના ચાર જહાજમાંથી બે જહાજ તો નાશ પામ્યા છે..! ત્યારે યુરોપના દેશોમાં એક હરીફાઈ ચાલતી હતી અને આ હરીફાઈમાં વાસ્કો-દ-ગામાએ પોર્ટુગલને વિજય અપાવ્યો હતો.


                   ઈ. સ. ૧૫૦૨ના ફેબ્રુઆરીમાં વાસ્કો-દ-ગામા એ ભારત માટેની બીજી વારની ખેપ ઉપાડી. આ વખતે એના કાફલામાં બે-ચાર નહીં પણ પૂરા પંદર જહાજ હતાં અને બીજા પાંચ જહાજ પાછળથી આ કાફલા સાથે જોડાયાં હતાં. વાસ્કો-દ-ગામા ની પહેલી સફર પછી પેટ્રો અલ્વારિસના કપ્તાનપદ હેઠળ ઉપડેલી એક બીજી સફરના વહાણો કાલીકટ બંદરે લાંગર્યાં હતાં અને પેટ્રોએ એક વેપારી થાણું નાખ્યું હતું. આ વખતે તોફાને ચડેલા સ્થાનિક લોકોએ પચાસેક જેટલા જેટલા પોર્ટુગીઝ ખલાસીઓ વગેરેની કતલ કરી નાખી. વાસ્કો-દ-ગામા દુનિયાને પોર્ટુગલની તાકાતનો પરિચય કરાવવા માંગતો હતો એ માટે આ કાફલો લીધો હતો. માર્ગમાં એણે મક્કાની હજ કરીને પાછા ફરતા સ્ત્રી પુરુષો અને બાળકોથી ભરેલા એક જહાજને આગ લગાડી. તે આગમાં તમામ યાત્રાળુઓ જીવતાં ભડથું થઈ ગયાં. આ રીતે એણે વેરની વસુલાત કરી.

             
              એ કાલિકટ પહોંચો ત્યારે આ ઘટનાની માહિતીથી ગભરાઈ ગયેલા રાજા ઝામોરિને વાસ્કો-દ-ગામા સાથે સમાધાન સાધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ વાસ્કો-દ-ગામાએ તેને કોઈ મચક ન આપી અને એણે કાલિકટ પર તોપમારો ચલાવ્યો. ત્યાં તેણે પોતાનો મનસૂબો પુરો કર્યો. ભારતની બીજી સફર ખેડીને પોર્ટુગલ પાછા ફર્યા બાદ વાસ્કો-દ-ગામાએ પોતાની બાકીની જિંદગી નિવૃત્તિમાં વિતાવી. ઈ. સ લ. ૧૫૨૪માં એની ભારતના પોર્ટુગીઝ હાકેમ (વાઈસરોય) તરીકે નિમણૂક થઈ. ૨૪ ડિસેમ્બર ૧૫૨૪ના દિને એણે કોચીન ભારતની ભૂમિ પર જ પોતાનો દેહ છોડયો હતો. ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગે કરનાર પ્રથમ સફરી તરીકે વાસ્કો-દ-ગામાનું નામ ચિરંજીવી રહ્યું છે.

સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻

Comments

Post a Comment

Read more

વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ બદલ જાગૃત જનતાએ ઈન્દિરાને પણ સત્તાથી દૂર કર્યાં હતાં

                 "આપણે જો આપણી દુનિયાને બરાબર જાણવી હોય તો આપણો જન્મ થયો છે તે દેશનું જ નહીં પણ પૃથ્વી પર જેટલા દેશો આવેલા છે અને તે બધામાં જે પ્રજાઓ વસેલી છે તે સર્વનો ખ્યાલ મનમાં રાખવો જોઈએ. મારા આ કાગળોમાં હું તને ઝાઝું કહી શકીશ એવો મને ભરોસો નથી. પણ મને એવી ઉમેદ છે કે હું જે કંઈ થોડું લખી મોકલીશ તેમાં તને રસ પડશે અને તે ઉપરથી આપણી આ દુનિયા એક મોટું કુટુંબ છે અને તેના પર વસતાં સર્વ લોકો આપણા ભાઈ બહેનો છે એમ તું સમજતી થઈશ."  ઇન્દિરા નાનાં હતાં ત્યારથી જ નહેરૂએ પત્રો થકી એમનામાં ભ્રાતૃભાવ, દેશપ્રેમના ગુણ સિંચ્યા હતા. તેમ ના શિક્ષણ અને સંસ્કારમાં પિતાનો ફાળો ખૂબ મોટો રહ્યો હતો. સમય મળે ત્યારે ઈન્દિરાને મહાપુરુષોની કથાઓ દેશભક્તિની વાર્તાઓ સંભળાવતા હતા. નેહરુએ એકવાર પૂછયું, બેટા પ્રિયદર્શની મોટા થઈને તારે શું બનવું છે ? જવાબ હતો પપ્પા ! હું....હું જ બનવા માંગુ છું. મારે બીજા કોઈની નકલ નથી કરવી અને ઇંદિરાજીએ ઇન્દિરા બનીને બતાવ્યું તેમણે કોઈની નકલ ન કરી લોકો એમની નકલ કરતા હતા.  આનંદ ભવનમાં રહીને અનેક રાજકીય પ્રવૃત્તિઓ નિહાળી હતી એ ભલે ન...

દેશની રળિયામણી ભૂમિમાં જવાહરલાલ એ જવાહર જ પાક્યું

               ૧૮મી સદીમાં ફરુખશિયર નામના બાદશાહના સમયમાં રાજ કૌલ શાખાઓના વડવાઓની આખા કાશ્મીરમાં સંસ્કૃત અને ફારસીના વિદ્વાન તરીકે નામના હતી. બાદશાહ તેમનાથી આકર્ષાયો. તેના આગ્રહથી કુટુંબના વડવા કીર્તિ અને ધન કમાવવા કાશ્મીરની રળિયામણી કુંજો છોડી ફળદ્રુપ મેદાનોમાં જઈ વસ્યા. દિલ્હીમાં એક નહેર કાંઠે થોડી જમીન અને મકાન બક્ષિસમાં આપ્યાં. નહેરના કાંઠે ઘર હોવાથી નહેરુ- કૌલ તરીકે ઓળખાવા લાગ્યા. મૂળ કાશ્મીરી બ્રાહ્મણ પણ વર્ષો જતાં કૌલમાંથી માત્ર નેહરુ રહ્યું. ત્યારથી તેમનું કુંટુંબ "નેહરુ" અટકથી ઓળખાયું. પરદાદા લક્ષ્મીનારાયણ દિલ્હી બાદશાહના દરબારમાં સરકાર કંપનીના પહેલા વકીલ હતા. દાદા ગંગાધર નહેરુ દિલ્હીના કોટવાલ હતા અને પિતા મોતીલાલ નહેરુ તેર-ચૌદ વર્ષની ઉંમરે ફારસીના વિદ્વાન ગણાતા પણ વ્યવસાયે વકીલ. આવા નામચીન અને શ્રીમંત પરિવારમાં જન્મેલા જવાહરલાલ નહેરુએ દેશના વિજ્ઞાન, શિક્ષણ, કલા, સાહિત્ય વગેરેને પુષ્કળ ઉત્તેજન આપ્યું. ખરેખર એમની આગેવાની હેઠળ દેશની કાયાપલટ થઇ અને દેશ બળદગાડાની સંસ્કૃતિમાંથી રૉકેટની સંસ્કૃતિ સુધી આગળ વધ્યો. તેને કારણે ઘર આંગણે એ સૌથી લોકપ્ર...