Skip to main content

ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગ સાંકળનાર પ્રથમ સફરી : વાસ્કો-દ-ગામા (ઈ.સ.૧૪૯૬ - ઈ.સ. ૧૫૨૪)


વાસ્કો-દ-ગામા

                 તાગોસ નદીકિનારે ચાર વહાણ લંગારેલા પડ્યાં છે એ વહાણોમાં ત્રણ વર્ષ ચાલે એટલો ખાદ્ય ખોરાક અને બીજો માલ સામાન ભરાયો છે. એ જમાનાના શ્રેષ્ઠ સાધનોથી એ વહાણોને સજ્જ કરાયાં છે. એ પરથી લાગે છે કે કોઈ લાંબી અને ખૂબ મહત્વની સફરની તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ કાફલાનો કપ્તાન વાસ્કો-દ-ગામા પોર્ટુગલના રાજા મેન્યુઅલની વિદાય લેવા દરબારમાં હાજર થઈ ગયો.


               બીજા દિવસે ૯મી જુલાઈ ૧૪૯૭ના રોજ વાસ્કો-દ-ગામાની શોભાયાત્રા ધામધૂમથી નીકળી અને નદીના કિનારે પહોંચી આ શોભાયાત્રામાં ખલાસીઓ સળગતી મીણબત્તી સાથે જોડાયા. તેમ પાદરીઓ પણ જોડાયા અને અલબત્ત નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં. આ કાફલામાં ચારમાંથી બે જહાજ તો ખાસ આ સફરને ધ્યાનમાં રાખીને બાંધવામાં આવ્યાં હતા. વાસ્કો-દ-ગામાના કાફલાએ તાગુસ નદીના કિનારેથી પોતાના લંગર છોડ્યાં, સઢ ખોલ્યા અને ઉપડ્યાં. ઉપડીને દક્ષિણ આફ્રિકાનું ચક્કર મારીને માંજા-મોમ્બાસા પહોંચ્યો. હવે હિંદી મહાસાગર ઓળંગવા માટે ઈશાનના મોસમી પવનો અનુકૂળ હતા. ૨જી, મે ૧૪૯૮ના દિને વાસ્કો-દ-ગામાનો કાફલો કાલીકટ બંદરે લાંગર્યો. આખરે એ ભારતના પશ્ચિમ કિનારે પહોંચ્યો હતો. કાલિકટમાં વાસ્કો-દ-ગામા ત્યાંના રાજા સાથે ધાર્યા હતા એ પ્રમાણેના કરાર ન કરી શક્યો કે ન તો ઝાઝો વેપાર કરી શક્યો. વાસ્કો-દ-ગામાની સફરનું વર્ણન કરતા રોટેરિયો નામના લેખકે કાલિકટમાં કરેલા વેપાર અંગેની માહિતી આપી છે. વાસ્કો-દ-ગામા ભારતમાં ત્રણ મહિના રહ્યો. ભારત છોડતા પહેલાં એણે કાલિકટના રાજા ઝામોરીનને પોતાની ભારતની મુલાકાતની સ્મૃતિ તાજી રહે એ માટે એક કીંમતી ભેટ આપી પછી વિનંતી કરીને પોતે ભારતની બીજીવારની સફરે આવે ત્યારે ચાંદી, સોનુ વગેરેના બદલામાં કીંમતી રત્નોનો સોદો કરવાનું વચન એણે રાજા ઝામોરિન પાસેથી મેળવ્યું અને ત્યાર પછી જ ૨૯મી ઓગષ્ટે પોર્ટુગલ પાછો ફરવા માટે ઉપડ્યો. તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત થયું. રાજા મેન્યુઅલે એને સારું એવું વર્ષાસન બાંધી આપી એની આ સફરની કદર કરી. ભારત પહોંચવાના દરિયાઈ માર્ગની શોધનો આનંદ બધાને એટલો બધો હતો કે એમાં વિસરાઈ ગયું કે કાફલાના ચાર જહાજમાંથી બે જહાજ તો નાશ પામ્યા છે..! ત્યારે યુરોપના દેશોમાં એક હરીફાઈ ચાલતી હતી અને આ હરીફાઈમાં વાસ્કો-દ-ગામાએ પોર્ટુગલને વિજય અપાવ્યો હતો.


                   ઈ. સ. ૧૫૦૨ના ફેબ્રુઆરીમાં વાસ્કો-દ-ગામા એ ભારત માટેની બીજી વારની ખેપ ઉપાડી. આ વખતે એના કાફલામાં બે-ચાર નહીં પણ પૂરા પંદર જહાજ હતાં અને બીજા પાંચ જહાજ પાછળથી આ કાફલા સાથે જોડાયાં હતાં. વાસ્કો-દ-ગામા ની પહેલી સફર પછી પેટ્રો અલ્વારિસના કપ્તાનપદ હેઠળ ઉપડેલી એક બીજી સફરના વહાણો કાલીકટ બંદરે લાંગર્યાં હતાં અને પેટ્રોએ એક વેપારી થાણું નાખ્યું હતું. આ વખતે તોફાને ચડેલા સ્થાનિક લોકોએ પચાસેક જેટલા જેટલા પોર્ટુગીઝ ખલાસીઓ વગેરેની કતલ કરી નાખી. વાસ્કો-દ-ગામા દુનિયાને પોર્ટુગલની તાકાતનો પરિચય કરાવવા માંગતો હતો એ માટે આ કાફલો લીધો હતો. માર્ગમાં એણે મક્કાની હજ કરીને પાછા ફરતા સ્ત્રી પુરુષો અને બાળકોથી ભરેલા એક જહાજને આગ લગાડી. તે આગમાં તમામ યાત્રાળુઓ જીવતાં ભડથું થઈ ગયાં. આ રીતે એણે વેરની વસુલાત કરી.

             
              એ કાલિકટ પહોંચો ત્યારે આ ઘટનાની માહિતીથી ગભરાઈ ગયેલા રાજા ઝામોરિને વાસ્કો-દ-ગામા સાથે સમાધાન સાધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ વાસ્કો-દ-ગામાએ તેને કોઈ મચક ન આપી અને એણે કાલિકટ પર તોપમારો ચલાવ્યો. ત્યાં તેણે પોતાનો મનસૂબો પુરો કર્યો. ભારતની બીજી સફર ખેડીને પોર્ટુગલ પાછા ફર્યા બાદ વાસ્કો-દ-ગામાએ પોતાની બાકીની જિંદગી નિવૃત્તિમાં વિતાવી. ઈ. સ લ. ૧૫૨૪માં એની ભારતના પોર્ટુગીઝ હાકેમ (વાઈસરોય) તરીકે નિમણૂક થઈ. ૨૪ ડિસેમ્બર ૧૫૨૪ના દિને એણે કોચીન ભારતની ભૂમિ પર જ પોતાનો દેહ છોડયો હતો. ભારતને યુરોપ સાથે સમુદ્રી માર્ગે કરનાર પ્રથમ સફરી તરીકે વાસ્કો-દ-ગામાનું નામ ચિરંજીવી રહ્યું છે.

સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻

Comments

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...