Skip to main content

કોઈ એક બે દેશ કે પ્રદેશ નહીં, પણ જગત આખાનો આંટો મારનાર મહાન પ્રવાસી : ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

ફર્ડિનાન્ડ મેગેલન (ઈ.સ. ૧૪૮૦ -૧૫૨૧)

        મેગેલનનો જન્મ પોર્ટુગલના ઓપાર્ટા નામના સ્થળે ૩જી ફેબ્રુ. ઈ.સ.૧૪૮૦માં થયો હતો. એકવાર પોર્ટુગલના દરબારમાં એને ફ્રાન્સિસ્કો સેરાઓ નામના માણસનો ભેટો થઈ ગયો. એ પાછળથી એનો જિંદગીભરનો દોસ્ત બની રહ્યો. ફ્રાન્સિસ્કો પણ એક સાહસિક સફરી હતો. વખતના વહેવા સાથે બંનેને પોર્ટુગલના દરબારમાં સારા હોદ્દે બઢતી મળી અને બંને જણ લિસ્બનમાં સાગરખાતામાં નોકરી કરવા લાગ્યા. સાહસિક શોધ સફરોનો એ જમાનો હતો. મેગેલન ભારે ખંતીલો અને અભ્યાસી વૃત્તિનો હતો. એણે નૌકા ચાલન શાસ્ત્રના સૈદ્ધાંતિક જ્ઞાનનું સારું એવું ભાથું બાંધી લીધું હતું. ભરાવદાર દાઢી અને રૂઆબદાર દેખાવવાળો મેગેલન એક દિવસ સ્પેનના રાજા ચાર્લ્સ પહેલાની સમક્ષ ખડો થયો અને પોતાના સાહસની યોજના સમજાવી. રાજાએ એની યોજના મંજૂર કરી અને એને કોલંબસને આપ્યું હતું તેવા "શાંતા મારીયા" કરતાં વધુ સારું વહાણ આપી શોધ સફરે મોકલ્યો. એ જમાનામાં નૌકાચાલન માટે મળતા શ્રેષ્ઠ યંત્રો અને સાધનો આ વહાણમાં ગોઠવાયા હતા. ઈ.સ.૧૫૧૯ના સપ્ટેમ્બર મહિનાના એક દિવસે આ કાફલાએ કિનારો છોડ્યો ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે આ કાફલાની સફર ઈતિહાસની મહાન સફર પૈકીની એક સફર બની રહેશે. આ સફરનો અમુક ભાગ તો પરિચિત માર્ગે જ હતો. સ્પેનનો કિનારો છોડ્યા પછી ૧૪ મહીને મેગેલને દક્ષિણ અમેરિકાના ભૂમિખંડ પર પોતાના કાફલાને લાંગર્યો અને એ સફર વિશેની જે પોતાની સૈદ્ધાંતિક માન્યતા હતી તે સાચી સાબિત કરી બતાવી. ત્યાર પછી એનો કાફલો પશ્ચિમ દિશામાં આગળ ધપતો રહ્યો અને ૩૫ દિવસ સુધી અમેરિકી સમુદ્રધુનીના ઝંઝાવાતી મોજાંઓનો સામનો કરતો રહ્યો આજે એ સમુદ્રધુની એના નામ પાછળ "મેગેલનની સમુદ્રધૂની" તરીકે ઓળખાય છે.

                  આ સફરમાં એના અનેક નાવિકો માર્યા ગયા. જે થોડા જીવતા રહ્યા તેઓ એક ઈતિહાસ રચી ગયા કારણ કે એમણે એક નવા જ મહાસાગરની શોધ કરી હતી..! સમુદ્રધુની પાર કર્યા પછીના મહાસાગરમાં મેગેલનને એ સાગર તદ્દન શાંત લાગ્યો અને તેથી તેણે એનું નામ પાડ્યું "પેસેફિક શાંત મહાસાગર."

                  એ પછી એણે પોતાના કાફલાને ઉત્તર દિશા તરફ વળ્યો અને દક્ષિણ અમેરિકાના કિનારે કિનારે આગળ વધતો રહ્યો આમ કરીને એણે જગતના નકશાકારો માટે ખૂબ જ મહત્વની સામગ્રી પૂરી પાડી. એની આગળ શું છે એની કોઈ કલ્પના મેગેલનને પોતાને પણ ન હતી. એનાં વહાણો પણ હવે દુરસ્તી માંગતાં હતાં. ખાદ્ય સામગ્રી ખૂટવા આવી હતી પણ મેગેલન કોઈ ખલાસીની કોઈપણ ફરીયાદ કાન પર ધરતો ન હતો. તેણે બધાને સંભળાવી દીધું હતું કે, "જે કોઈ પરિસ્થિતિની અકળાવવાની વાત કરશે એ જીવતો નહીં રહે."

                   મેગેલને જો એની સફર દક્ષિણ દિશામાં વધુ આગળ ધપાવી હોત તો કદાચ એ ફીજી ટાપુ પર પહોંચી ગયો હોત અને એને ત્યાં જોઈએ તેટલી ખાદ્ય સામગ્રી મળી રહી હોત પરંતુ એમ ન બન્યું. એના ૧૯ ખલાસીઓ ભૂખમરા અને થાકના ખપ્પરમાં હોમાઈ મોતને ભેટ્યા. આખરે આ કાફલો ફીલિપિંસ પહોંચ્યો. સેલુ નામના ટાપુના રાજાને મળવાનું મેગેલને કહેણ મોકલ્યું અને રાજાએ એને તરત મળવા બોલાવ્યો. પરંતુ એની સાથેના ૬૦ નાવિકોએ ટાપુના રાજાની સત્તાને પડકારી. પરિણામ ખતરનાક આવ્યું લડાઈ થઈ તેમાં જંગલી ટાપુવાસીઓએ સ્પેનના ખલાસીઓને રહેંસી નાખ્યા. તેમાંનો એક મેગેલન પણ હતો. એ પોતે પણ આ ઝપાઝપીમાં માર્યો ગયો..!!

                     દુનિયા ફરતી સૌથી લાંબી અને સાહસિક સફરનો યશ મેગેલનની સફરને જાય છે પણ આ સફર માંડનાર પ્રથમ કપ્તાન મેગેલન હતો એવો યશ પામવા એ જીવતો ન રહ્યો. એ એના જીવનની એક કરુણાંતિકા જ લેખાય ને...!! જે ખંડ શોધવામાં કોલંબસ નિષ્ફળ ગયો હતો એ ખંડ એણે શોધી કાઢ્યો હતો. પણ આ શોધનું માન પામવા એ જીવતો ન રહ્યો.

                   મેગેલન ૨૬મી એપ્રિલ ઈ.સ.૧૫૨૧ના દિવસે ટાપુ પરની લડાઈમાં ટાપુવાસીઓના હાથે માર્યો ગયો તે પછી સોળ મહિને સાતમી સપ્ટેમ્બર ઈ.સ.૧૫૨૨ના દિવસે ત્રણ વર્ષની લાંબી આકરી સફર પછી વિક્ટોરિયા નામનું માત્ર એક જહાજ સ્પેનના કિનારે હેમખેમ પાછું ફર્યું. મેગેલનના કપ્તાનપદે કાફલો ઉપડ્યો ત્યારે ૨૭૦ નાવિકો હતા, તેમાંથી માત્ર ૧૮ જીવતા સ્વદેશ પાછા ફરી શક્યા.


સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻

Comments

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...