ઉત્તર ધ્રુવ પ્રદેશના સૌથી ઉંડા ભાગ સુધી પહોંચનાર પ્રથમ પ્રવાસી અને ઉત્તર ધ્રુવ વિજેતા : રોબર્ટ એડવીન પિયરી (૧૮૫૬-૧૯૨૦)
![]() |
રોબર્ટ એડવીન પિયરી |
૬ઠ્ઠી એપ્રિલે ૧૯૦૯ની ઢળતી બપોરે પૃથ્વીના સૌથી ઉત્તરના છેડે આવેલા એક સ્થળે છ જણ ઊભા હતા. આ છ જણની નાની અમથી ટુકડીનો નેતા હતો અમેરિકાના નૌકાદળનો રોબર્ટ પિયરી નામનો એક નૌકાપતિ. સાથે બીજા પાંચ જણ હતા એનો એક નોકર અને ચાર એસ્કીમો, વર્ષોની પૂર્વ તૈયારી પછી આરંભાયેલો ઉત્તર ધ્રુવ પ્રદેશનો એમનો પ્રવાસ આખરે સફળ નીવડ્યો હતો. ૧૯૦૮માં જુલાઈમાં સેનાપતિ પીયરીએ રૂઝવેલ્ટ નામનું એક જહાજ આ સફર ખેડવા હંકાર્યું, સફળ થવાના દ્રઢ નિર્ધાર સાથે.
આ સફર માટે જોઇતા નાણાં એકઠા કરવા એણે ૯૬ દિવસમાં ૧૬૮ પ્રવચનો આપ્યાં. આ પછી એ પોતાની પત્ની સાથે ધ્રુવ પ્રદેશની સફરે ઉપડ્યો એ ગ્રીનલેન્ડ પહોંચ્યો અને ત્યાંના સાગર કિનારાના એક ભાગ પર નાની મઢુલી બાંધી. આ મઢુલીમાં એની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો. ધ્રુવ પ્રદેશની આ સફર ખરાબ હવામાન, તરતી હિમ શિલાઓમાં ફસાઈ જવાય એવી તંગી અને થકાવટ વગેરે અનેક જાતની દવાઓ અને વિપત્તિઓની ભરપુર આ સફર હતી. આ બધાને કારણે એણે પોતાની સફર અધૂરી મૂકીને પાછા ફરવું પડ્યું પણ ત્યાર પહેલાં તો ઉત્તર ધ્રુવ પ્રદેશના સૌથી ઊંડા ભાગ સુધી પહોંચનાર પ્રવાસી તે બની ચૂક્યો હતો.
બાવન વર્ષની વયે ૧૯૦૮માં એણે ફરી એકવાર પ્રવાસ ખેડ્યો ૨૮મી ફેબ્રુઆરી ૧૯૦૯નો દિવસ ધ્રુવ પ્રદેશ પર પહોંચવા માટેના આખરી પ્રયાસ કરવા માટે મુકરર કરાયો. આ સફરમાં એની સાથે ૨૪ સાથીઓ, ૧૯ હિમગાડીઓ અને ૧૩૩ હિમગાડી ખેંચનારા કૂતરા હતા. આ કાફલા સાથે પીયરીએ અફાટ હિમાચ્છાદિત પ્રદેશની કૂચ કદમ આદરી.
આખરે ઉત્તર ધ્રુવ પર પહોંચીને પીયરીએ છઠ્ઠી એપ્રિલે પોતાની નોંધપોથીમાં નોંધ્યું કે, 'ત્રણ-ત્રણ સદીના પ્રયાસોનું જાણે પારિતોષિક વીસ-વીસ વર્ષથી મેં સેવેલું સપનું આખરે સાકાર બન્યું..! પણ આ સત્ય જાણે હું માની શકતો નથી અહીં સર્વત્ર જાણે સાધારણ સાદું સીધું લાગે છે.'
એની પત્નીએ એને એક રેશમી ધ્વજ આપ્યો હતો અને એ હંમેશાં પોતાના હાથ પર લપેટી રાખતો. આ ઐતિહાસિક પ્રસંગ માટે એણે એ ધ્વજ સાચવી રાખ્યો હતો અને એ ઉત્તર ધ્રુવ પરની હવામાં ફરફરી રહ્યો હતો તેમજ પીયરી એને ગૌરવભેર નીરખી રહ્યો હતો.
૧૯૧૧માં ઉત્તર ધ્રુવ વિજેતા તરીકે રોબર્ટ પિયરીનું બહુમાન કરવામાં આવ્યું. નૌકાદળના રિઅર એડમિરલના પદેથી નિવૃત્ત થયા ત્યારે એમને સારું એવું નિવૃત્તિ વેતન બાંધી અપાયું એ તો ખરું જ પણ આખી દુનિયામાંથી એમને ઉત્તર ધ્રુવ પ્રદેશની સિદ્ધિ માટે અનેક બહુમાનો મળ્યા કર્યાં.
સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻
અત્યંત રસપ્રદ
ReplyDeleteઆપશ્રીનો આભાર
Delete