![]() |
રાણીની વાવ, પાટણ |
સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ નમૂના તરીકે રાણીવાવની ગણના થાય છે. તેની કોતરણી અને સ્થાપત્ય કલા વિશ્વની અજાયબીઓ સાથે તુલનામાં આવે તેવી છે.
વાવ એટલે પગથિયાં વાળો મોટો કુવો. એ ભારતમાં ગુજરાત પ્રદેશમાં મળી આવતું અજોડ પ્રકારનું વિલક્ષણ સ્થાપત્ય છે. વાવ પ્રકારના સ્થાપત્યોની રચના પાણીના સંગ્રહ માટે કરવામાં આવતી. શાંત અને એકાંત સ્થળોએ પગથિયાં ઊતરીને વાવના પાણી સુધી પહોંચી શકાય તે રીતે વાવ બાંધવામાં આવતી હતી. જૂના સમયમાં મુસાફરોના મુખ્ય રસ્તાઓ ઉપર વૃક્ષોની છાયા વાળા સ્થળો વાવ માટે પસંદ કરવામાં આવતા. પ્રવાસીઓ અને વેપારીઓ, સામાનની હેરફેર કરનારા લોકો ગરમીના દિવસોમાં વાવ પાસે આરામ કરતા. ભાથું ખાતા અને વાવનું શીતળ જળ પીતા. આથી તેમનો તથા તેમના પ્રાણીઓનો થાક ઉતરી જતો અને તાજગી મળતી. ઈ.સ. ૯૦૦ની આસપાસ ગુજરાતના પાટણ શહેરમાં ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ આ રાણીની વાવ બંધાવી હતી. રાણી ઉદયમતી ઘણી ધર્મપરાયણ હતી. આથી આ વાવને પણ ભવ્ય દેવમંદિર જેવી કલાત્મક અને કોતરણીવાળી શૈલીની બનાવવામાં આવી. ગુજરાતમાં અનેક સ્થળે વાવો હતી. આજે પણ લગભગ ૧૦૦ જેટલી વાવ ગુજરાત રાજ્યમાં છે. તેમાં કેટલીક વાવની બાંધણી, કોતરણી અને કમાનો વિશિષ્ટ છે, પણ સઘળી વાવોમાં રાણીની વાવ અજોડ છે.
કોઈ અજ્ઞાત કારણોસર સાત-આઠ મજલાની ઊંડાઈ વાળી રાણીવાવ સૈકાઓ સુધી ધૂળમાં દટાયેલી રહી. ભારત આઝાદ થયા બાદ રાણીની વાવને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવ્યું. પુરાતત્વ ખાતા તરફથી ઈ. સ.૧૯૬૦માં તેમનું ઉત્ખનન કાર્ય શરૂ થયું હતું. હાલમાં વાવનું સંપૂર્ણ સ્થાપત્ય પ્રગટ થઈ ગયું છે. વાવની દીવાલો પર સુંદર નજાકત ભરી બેનમૂન અને ખીચોખીચ કોતરણી કરવામાં આવેલી છે. જેમાં ભાગ્યે જ કદાચ એકાદ ઇંચ જેટલી જગ્યા પણ સપાટ હોય..!! જ્યારે યુરોપમાં પણ અંધકાર યુગ પ્રવર્તતો હતો અને વિજ્ઞાનનો ઉદય થવો હજી બાકી હતો, ત્યારે ૧૧૦ વર્ષ પહેલાં ભારતમાં આવું ભવ્ય સ્થાપત્ય જમીનમાં આટલા ઊંડાણમાં બંધાયેલું હતું તે ભૂતકાળની એક વિશિષ્ટ ઘટના ગણાય. સ્થાપત્ય વિદ્યાના કોઈ વૈજ્ઞાનિક સાધનો વિના આવું કોતરણીથી ખચિત સ્થાપત્ય રચાયું તે વિશ્વની સ્થાપત્ય કલામાં એક અજોડ નમૂનો ગણી શકાય.
સંદર્ભ : વર્ષ ૨૦૦૮માં દૈનિક સમાચારપત્રમાં છપાયેલ મારી
"જ્ઞાનદર્શન" કોલમમાંથી સાભાર...👇🏻
તમારા વર્ણનની શૈલી રાણીકી વાવની કોતરણી સમાન છે..!!!🌸
ReplyDeleteઆભાર ઉમેશભાઈ
Delete