સંસ્કૃતમાં એક સુભાષિત છે કે ઉત્સવ પ્રિયા ખલુ જના: અર્થાત્ લોકો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. આ સુભાષિત આપણને લાગુ પડે છે. ભારતીયો ખરેખર ઉત્સવ પ્રિય લોકો છે. દરેક પર્વને ધામધૂમપૂર્વક ઉજવે છે. દિવાળી એ વર્ષનો સૌથી મહત્વનો તહેવાર છે, અંધકાર ઉપર અજવાળાનું અને અનિષ્ટ ઉપર સત્યની ઉજવણીનું પર્વ છે. સૌ સાથે મળી હર્ષોલ્લાસથી આ પર્વ મનાવે છે. દિવાળીનો તહેવાર એટલે ફક્ત દિવાનો પ્રકાશ જ નહિ, પણ અંતરનું અજવાળું. જૂની સમસ્યાઓ, ભૂલો, વિપરિત પરિસ્થિતિઓથી કંઈક નવી શિખામણ થકી તેને નિવારી એક નવો રસ્તો કંડારવાનો અવસર. નવા વિકલ્પો સાથે જીવનને અતિ આનંદી બનાવવાની સોનેરી તક. નવી આશાઓ, નવાં સપનાં , નવા લક્ષ્યો, નવા વિચારો સાથે લોકો નવા વર્ષનું સ્વાગત કરે છે.
કસરત કરવી, શરીર ઉતારવું, સિક્સ પેક બોડી બનાવવી, ડાયરી લખવી, આટલી સંખ્યામાં દર મહિને પુસ્તકો વાંચવાં એટલે વાંચવાં જ, પૈસાની તો આટલી બચત કરવી જ, આમ ન કરવું; તેમ ન કરવું વગેરે વગેરે નવા વર્ષની પુર્વસંધ્યાએ લોકો સંકલ્પ કરતા હોય છે. આવા સંકલ્પો કરવાનો આપણે ત્યાં મહિમા છે. એવું મનાય છે કે નવા વર્ષે કરેલા સંકલ્પો ફળીભૂત થતા હોય છે. આથી ઘણા લોકો નવા વર્ષે પોતાને અનુકૂળ આવે એવા સંકલ્પ લેતા હોય છે. સંકલ્પો કેટલા પરિપૂર્ણ થાય છે એ તો સમય જ કહેતો હોય છે પણ અમુક દિવસો સુધી તો આ સંકલ્પો પ્રમાણે બધું બરાબર ચાલે પછી જૈસે થે એટલે કે સંકલ્પોનું ફીંડલું વળી જાય છે. એક ભાઈએ નવા વર્ષને દિવસે ક્રોધ જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાત વાતમાં ચિડાય એવા સ્વભાવના હતા પણ બેસતા વર્ષના બીજા જ દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નિને બૂમ મારી : અરે સાંભળે છે કે ? ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહિ "હોય દુનિયા છે" કહીને હસી નાખવું. પત્ની ફક્ત એટલું જ બોલી : ઠીક છે તમારો સંકલ્પ ગમ્યો પણ પાળો તો ખરા. આટલું સંભાળતા પતિદેવ તાડુકીને બોલ્યા : તું તારા મનમાં સમજે છે શું ? હું તે કંઈ... અને એન્જિન બગડયું. મિજાજ છટક્યો. આખી સોસાયટી ગજવતા હતા ત્યાં એમનાં શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાંને ત્યાં જ તોડ્યો, ત્યારે માંડ માંડ એ શાંત પડ્યા..!! આવા રમૂજી કિસ્સાઓ થકી હાસ્યલેખક તરીકે જાણીતા બકુલ ત્રિપાઠીએ નવા વર્ષના સંકલ્પોને વહેલી પરોઢનું ઝાકળ કહ્યું છે. જે બે ઘડી સંતોષ આપી ઉડી જાય છે. લેખક કહે છે કે, "જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોંશ થઈ આવે છે."
સમયચક્રની સાથે મનુષ્ય જીવનનું ચક્ર પણ ફરતું જ રહે છે. એક જૂનું વર્ષ જાય અને નવા વર્ષનો ઉમેરો થઈ જાય છે. ભીંત ઉપર નવા વર્ષનું તવારિખીયું ટીંગાઈ જાય છે અને આખા વર્ષ દરમિયાન દર મહિને એ તવારિખીયાનાં પાનાં બદલાતાં જાય છે. આમ, જોવા જઈએ તો નવા વર્ષમાં અને જૂના વર્ષમાં સમયની દ્રષ્ટિએ ઝાઝો ફેર નથી, નવું વર્ષ તો તવારિખીયાની કમાલ છે પરંતું સ્વાભાવિક રીતે જ માણસને કંઈક નવું હોય એ મુળભૂત રીતે જ ગમે છે. આ તવારિખીયું તો બદલાયું પણ આપણે બદલાયા ખરા..!! જો ના. તો સાચા અર્થમાં નવું વર્ષ કેમ કહેવાય..!!
વિતેલા વર્ષમાં જે નથી ગમ્યું, નથી ફાવ્યું અને જે નથી જામ્યું એનાં લેખાંજોખાંથી જીવનને અતિ સમૃદ્ધ, સુખી અને આનંદમયી બનાવવા નવા વર્ષના કેટલાક નવા વિકલ્પો : ચિંતા અને તાણ મુક્ત રહો, અડગ વિશ્વાસ અને હકારાત્મક અભિગમ ધરાવો, લક્ષ્ય પ્રાપ્તિ માટે તનતોડ મહેનત કરો, દુ:ખ, આફત, શંકા-કુશંકા, આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં નાસીપાસ ન થવું એને નિવારવાનો પ્રયત્ન કરો, જે જતું કરી શકે તે બધું કરી શકે છે એટલે જતું કરવાની ભાવના કેળવો, સમજણ શક્તિ મજબુત રાખવી, કાચા કાને સાંભળેલું અર્ધસત્ય ગમે તેવો ગાઢ સંબંધ પણ તોડી નાખતો હોય છે એટલે તમારા વિશે કાનભંભેરણી કરતા અને કુવિચારો ધરાવતા લોકોને તમે બદલી નહી શકો માટે તેમને છોડી પોતે સ્વયં બદલાઈ જાઓ, ફૂલ ત્યાં સુધી જ ખીલેલું રહે છે, જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું છે. જીવનમાં તમારી ડાળી કોણ છે ? એને ઓળખજો અને જોડાયેલા રહેજો કેમ કે ખોઈ દીધા પછી જ ખ્યાલ આવે છે કે કેટલો કિંમતી હતો સમય,વ્યકિત અને સંબંધ..!! નવા વર્ષની ઉજવણી પાછળની એવી માન્યતા છે કે જો વર્ષનો પહેલો દિવસ ઉત્સાહે અને ખુશીથી ઉજવવામાં આવે તો આખું વર્ષ તે જ ઉત્સાહ અને ખુશી સાથે પસાર થાય પણ ખરેખર તો દરેક દિવસને વર્ષના પહેલા દિવસની જેમ મનાવીએ તો આખું વર્ષ રંગીન અને હસીન લાગે જ. કોઈ અજ્ઞાત કવિએ સરસ કહ્યું છે કે,
કંઈક યાદો લઈને વીત્યું વરસ
જોતજોતામાં નવું આવ્યું વરસ
હાસ્ય આપ્યું, તો ભીંજાઈ આંખ પણ
ને ફરીથી સ્વપ્નો નવાં લાવ્યું વરસ
સંદર્ભ :- સમાચાર પત્રમાં આવેલ મારા લેખમાંથી સાભાર..
Comments
Post a Comment