Skip to main content

વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ બદલ જાગૃત જનતાએ ઈન્દિરાને પણ સત્તાથી દૂર કર્યાં હતાં

 

              "આપણે જો આપણી દુનિયાને બરાબર જાણવી હોય તો આપણો જન્મ થયો છે તે દેશનું જ નહીં પણ પૃથ્વી પર જેટલા દેશો આવેલા છે અને તે બધામાં જે પ્રજાઓ વસેલી છે તે સર્વનો ખ્યાલ મનમાં રાખવો જોઈએ. મારા આ કાગળોમાં હું તને ઝાઝું કહી શકીશ એવો મને ભરોસો નથી. પણ મને એવી ઉમેદ છે કે હું જે કંઈ થોડું લખી મોકલીશ તેમાં તને રસ પડશે અને તે ઉપરથી આપણી આ દુનિયા એક મોટું કુટુંબ છે અને તેના પર વસતાં સર્વ લોકો આપણા ભાઈ બહેનો છે એમ તું સમજતી થઈશ." ઇન્દિરા નાનાં હતાં ત્યારથી જ નહેરૂએ પત્રો થકી એમનામાં ભ્રાતૃભાવ, દેશપ્રેમના ગુણ સિંચ્યા હતા. તેમના શિક્ષણ અને સંસ્કારમાં પિતાનો ફાળો ખૂબ મોટો રહ્યો હતો. સમય મળે ત્યારે ઈન્દિરાને મહાપુરુષોની કથાઓ દેશભક્તિની વાર્તાઓ સંભળાવતા હતા. નેહરુએ એકવાર પૂછયું, બેટા પ્રિયદર્શની મોટા થઈને તારે શું બનવું છે ? જવાબ હતો પપ્પા ! હું....હું જ બનવા માંગુ છું. મારે બીજા કોઈની નકલ નથી કરવી અને ઇંદિરાજીએ ઇન્દિરા બનીને બતાવ્યું તેમણે કોઈની નકલ ન કરી લોકો એમની નકલ કરતા હતા. 



આનંદ ભવનમાં રહીને અનેક રાજકીય પ્રવૃત્તિઓ નિહાળી હતી એ ભલે નાનાં હોય પણ તેમના માનસની કોરી સ્લેટ પર રાજકારણ અને દેશસેવા બરાબર ઘુંટાઈ ગયાં હતાં. દેશ આઝાદ થયો નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા તેમનું નિવાસસ્થાન બદલાયું અને કામનો બોજ વધ્યો તે વખતે ઈન્દિરાએ બિનસત્તાવાર રીતે તેમના પર્સનલ સેક્રેટરીની કામગીરી સંભાળતાં અને નેહરુ સાથે દેશ-વિદેશના પ્રવાસો કરતાં આમ રાજકીય અનુભવ પણ મેળવ્યો. એમ કહી શકાય કે રાજકરણ અને દેશસેવાના ગુણો ઈન્દિરાને ગળથૂથીમાં જ મળ્યા હતા.

              ઈ.સ ૧૯૫૬માં ઇન્દિરાની કોંગ્રેસ પ્રમુખ તરીકે પસંદગી થઈ. તેમણે હોદ્દા ઉપર રહી લોકોની અપેક્ષાઓ સંતોષી.

૧૯૬૦માં 
પતિનું અવસાન થયું અને ૧૯૬૪માં પિતા પણ ચાલ્યા ગયા ત્યારે બે પુત્રો રાજીવ અને સંજયની પણ જવાબદારી હતી. એમણે એ જવાબદારીને અન્યાય ન થવા દીધો. પુત્રોનેય એટલા જ સાચવ્યા અને દેશની સેવા પણ કરી. નહેરુ બાદ શાસ્ત્રી વડાપ્રધાન પદે આવ્યા અને ઈન્દિરાને તેમણે રાજ્યસભાના સભ્ય બનાવ્યાં તેમજ માહિતી અને પ્રસારણ મંત્રીનો હોદ્દો આપ્યો. તાશ્કંદ કરાર વખતે શાસ્ત્રીની પણ અણધારી વિદાય પછી તેમને વિશ્વની મહાન લોકશાહી ધરાવતા દેશ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું. શ્રીલંકાના સિરિમાઓ ભંડારનાયકે પછી વિશ્વનાં બીજાં મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી બન્યાં.
               
       ઈન્દિરા ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા ગણાય છે. ૧૯૬૦ના દશકમાં શરૂ થયેલા કૃષિ સુધારણા કાર્યક્રમ અને તેમાં સરકારી મદદની પ્રક્રિયાને તેમણે વેગ આપ્યો ત્યારે અનાજ માટે ખાસ કરીને ઘઉંની અછત દૂર કરવા ભારત-અમેરિકા ઉપર આધારિત હતો. પીએલ ૪૮૦ નામના કરાર હેઠળ અમેરિકા તેને ત્યાં વધેલા અને ફેંકી દેવા પડે તેવા ઘઉં આપણા માથે મારતું. અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિક્સન સાથે ઈન્દિરાને બારમો ચંદ્રમો હતો. અમેરિકાએ ડી ક્લાસિફાઇડ કરીને જાહેરમાં મુકેલા દસ્તાવેજો મુજબ નિકશન તેમના સેક્રેટરી ઓફ સ્ટેટ હેનરી કિસિંજર સાથેના પત્ર વ્યવહારમાં ઇન્દિરા માટે અપમાનજનક શબ્દો વાપરતા. ઈન્દિરાએ વધુ અનાજ વાવો ઝુંબેશ દ્વારા ખેત ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું. દેશ ઘઉં-ચોખા, કપાસ અને દૂધ તથા દૂધની બનાવટોમાં નિર્ભર બન્યો હતો . આયાત કરવાને બદલે નિકાસ કરતો થયો. ઉપરાંત રશિયા સાથે મૈત્રી કરાર કરીને તેમણે નિકસનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમની કૃષિ સુધારાની નીતિ મુજબ નવું બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેને પ્રોત્સાહન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધનને વેગ મળ્યો. તો બેંકોના રાષ્ટ્રીયકરણનું સાહસિક કદમ ઉઠાવવાનો અને એને સફળ બનાવવાનો યશ પણ ઈન્દિરાને ફાળે જાય છે. તેમણે ખેડુતો અને ગરીબોને ધિરાણ આપવા બેંકોને ટાર્ગેટ આપ્યાં. દેશના અંતરિયાળ વિસ્તારોમાં પણ બેંકની શાખાઓ ૮૨૦૦ થી વધીને ૬૨ હજાર શાખા થઈ. જ્યારે આજે સરકારી જાહેર સાહસોનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એ દેશનું ગુલામી તરફનું પ્રથમ પગલું છે. પાશ્ચાત્ય વિદ્વાન એડમ સ્મિથે કહેલું કે કેવળ વેપારીઓની બનેલી સરકાર એ કોઇપણ દેશમાટે બૂરામાં બૂરી સરકાર છે.
             કહેવાય છે કે રાજકારણ હવાની રુક જેવું હોય છે ક્યારે કઈ તરફ વહેવા લાગે એ કહેવાય નહીં. ૮૦નો દાયકો એની અડધી સફરે પહોંચ્યો ત્યારે અચાનક ભારતના રાજકારણમાં એવા સંજોગો ઉભા થયા કે ઈન્દિરાએ ૨૬મી જૂન ૧૯૭૫ના રોજ દેશવ્યાપી કટોકટી લાદી દીધી. તેમણે અદાલતની ઉપરવટ જઇને કટોકટી લાદી. પ્રેસ સેન્સરશીપ લાદી. અનુશાસનના નામે મહિનાઓ સુધી દેશમાં વાણી સ્વતંત્રતા ઉપર ઈન્દિરા સરકારે લગામ લગાવી દીધી. તેની સામે વિપક્ષોએ મળીને જે.પી.ના નેતૃત્વમાં લોકશાહી બચાવો આંદોલન આરંભ્યું.

એ અભિયાનમાં જોડાયેલા દરેકે દરેક લોકોને પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. અસીમ લોકપ્રિયતા અને અમાપ સત્તાની સાથે જ તુમાખી અને ઘમંડ જેવાં દુર્ગુણો પણ ધીમે પગલે આવતા હોય છે. તેના કારણે ગમે તેવા કદાવર નેતા પણ પરાસ્ત થાય છે, ઈતિહાસ સાક્ષી છે. ઈન્દિરા માટે એવો જ આ કટોકટીનો સમય હતો.  ગુસ્તાખી બદલ દેશની જાગૃત જનતાએ વળતી ચૂંટણીમાં મતના બ્રહ્માસ્ત્રથી ઈન્દિરાના હાથમાંથી સત્તા આંચકી લેવાનો જનાદેશ આપ્યો હતો, પ્રજાના અધિકારો છિનવવાની સજારૂપે વિપક્ષમાં બેસવા મજબૂર કર્યાં. કોંગ્રેસે સત્તા ગુમાવી મોરારજી દેસાઈના વડાપ્રધાન પદે જનતા પક્ષ સત્તામાં આવ્યો પણ જનતા પક્ષ વધારે સમય સત્તા પર ના ટકી શક્યો ૧૯૮૦માં ફરી વખત સામાન્ય ચૂંટણીઓ થઈ અને પ્રતિષ્ઠાના ધોવાણ પછીય લોકહૈયામાં સ્થાન મેળવી ઇન્દિરા ફરી સત્તા પર આવ્યાં. એ અરસામાં ભારત અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હતું. જેમાં પંજાબનો પ્રશ્ન પણ એક મહત્વની મુશ્કેલી સમાન હતો. પંજાબમાં વકરેલા શીખ આતંકવાદને નાથવા માટે તેમણે ખૂબ જ કડક પગલાં લીધા. પંજાબના સુવર્ણ મંદિરમાં છુપાયેલા ભીંડારાવાલે સહિતના આતંકીઓને પકડવા તેમના ઈશારે ઓપરેશન બ્લૂસ્ટાર થયું ત્યારે શીખોની નારાજગી અતિ વધતાં તેમના જ અંગરક્ષકો દ્વારા ગોળીએ વીંધી નાખ્યાં. ૩૦, ઓક્ટો. ૧૯૮૪ના રોજ જાણે તેમને એમના મોતની ભનક આવી ગઈ હોય એમ છેલ્લું ભાષણ આપતાં કહ્યું હતું કે "લાંબુ જીવવામાં મને સહેજ પણ રસ નથી મને ગૌરવ છે કે રાષ્ટ્રની સેવામાં મારું જીવન સમર્પિત કર્યું છે મારું મૃત્યુ જો આજે જ થાય તો પણ મને કોઈ અફસોસ નથી મારા લોહીનું એક એક ટીપું રાષ્ટ્રના વિકાસ માટે ઉપયોગી થશે."
          
       રજવાડાંનું રાજકારણ જોયા પછી તેમણે રાજા મહારાજાઓનાં સાલીયાણાના લાભો બંધ કરી સરકારી તિજોરી મજબૂત કરી હતી. સતત ઉંબાડીયું કરતા પાકિસ્તાનનાં ફાડીયાં પણ કર્યાં. ૧૯૭૪માં પોખરણમાં દેશનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને અચંબીત કરી દીધું હતું. આવા દેશહીતના કાર્યોની પ્રસંશા કરતાં વાજપેયીએ ઈન્દિરાને 'દુર્ગા' કહીને ભરીસંસદમાં નવાજ્યાં હતાં. તેમની દેશભક્તિ, શાસનપટુતા, નેતૃત્વ, લોહ મનોબળ તેમજ લોકપ્રિયતા ભારત જ નહિ પણ આખું વિશ્વ નતમસ્તક થઈ સ્વીકારે છે.

સંદર્ભ : સમાચાર પત્રના મારા લેખમાંથી સાભાર..


Comments

Post a Comment

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...