Skip to main content

દેશની રળિયામણી ભૂમિમાં જવાહરલાલ એ જવાહર જ પાક્યું

 


             ૧૮મી સદીમાં ફરુખશિયર નામના બાદશાહના સમયમાં રાજ કૌલ શાખાઓના વડવાઓની આખા કાશ્મીરમાં સંસ્કૃત અને ફારસીના વિદ્વાન તરીકે નામના હતી. બાદશાહ તેમનાથી આકર્ષાયો. તેના આગ્રહથી કુટુંબના વડવા કીર્તિ અને ધન કમાવવા કાશ્મીરની રળિયામણી કુંજો છોડી ફળદ્રુપ મેદાનોમાં જઈ વસ્યા. દિલ્હીમાં એક નહેર કાંઠે થોડી જમીન અને મકાન બક્ષિસમાં આપ્યાં. નહેરના કાંઠે ઘર હોવાથી નહેરુ- કૌલ તરીકે ઓળખાવા લાગ્યા. મૂળ કાશ્મીરી બ્રાહ્મણ પણ વર્ષો જતાં કૌલમાંથી માત્ર નેહરુ રહ્યું. ત્યારથી તેમનું કુંટુંબ "નેહરુ" અટકથી ઓળખાયું. પરદાદા લક્ષ્મીનારાયણ દિલ્હી બાદશાહના દરબારમાં સરકાર કંપનીના પહેલા વકીલ હતા. દાદા ગંગાધર નહેરુ દિલ્હીના કોટવાલ હતા અને પિતા મોતીલાલ નહેરુ તેર-ચૌદ વર્ષની ઉંમરે ફારસીના વિદ્વાન ગણાતા પણ વ્યવસાયે વકીલ. આવા નામચીન અને શ્રીમંત પરિવારમાં જન્મેલા જવાહરલાલ નહેરુએ દેશના વિજ્ઞાન, શિક્ષણ, કલા, સાહિત્ય વગેરેને પુષ્કળ ઉત્તેજન આપ્યું. ખરેખર એમની આગેવાની હેઠળ દેશની કાયાપલટ થઇ અને દેશ બળદગાડાની સંસ્કૃતિમાંથી રૉકેટની સંસ્કૃતિ સુધી આગળ વધ્યો. તેને કારણે ઘર આંગણે એ સૌથી લોકપ્રિય નેતા બન્યા. તેથી જ ૧૯૫૨ની દેશ વ્યાપી ચૂંટણીઓથી માંડીને ૧૯૬૨ સુધીની તમામ ચૂંટણીઓમાં એમનો કોંગ્રેસ મહાસભા પક્ષ દેશભરમાં બહુમતી મેળવતો રહ્યો અને સતત તેઓ વડાપ્રધાન થતા રહ્યા. 

         સત્તાની શોધ કંઈ નૈતિક મૂલ્યો સિદ્ધ કરવાને માટે નથી આદરવામાં આવતી; સત્તા હાથ કરવા માટેનો માર્ગ મોકળો કરવા માટે નૈતિક મૂલ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. સત્તા રાજકારણનું આગળનું પગથિયું છે અને એમાંથી દુનિયાની સુલેહ શાંતિ ઉદભવતી જોવાની મળતી હોય છે. રાજપુરુષનું હૃદય હંમેશા વિગ્રહના પરિણામે રાજ્યની વૃદ્ધિ તથા આબાદી સાધવાનું હોવું જોઈએ; કેવળ વિપક્ષી હરીફને પરાજય તથા નાશ કરવાનું નહીં અને જો વિપક્ષનો વિનાશ થવા પામે તો તે રાજનીતિનું દેવાળું સૂચવે છે. સત્તા માટે ઘણીવાર માણસની બુરી બાજુ ખુલ્લી પાડવાનું ગંદુ રાજકારણ પણ રમાય છે અને ચૂંટણીમાં હંમેશા વધારે સારા માણસની જ જીત થાય છે એવુંય નથી હોતું. ચૂંટણીઓ એ લોકશાહી પદ્ધતિનો મહત્વનો અને તેનાથી અળગું ન પાડી શકાય એવો ભાગ છે, તેમાં દેશહિતથી પર જઈ જ્ઞાતિવાદ, પ્રદેશવાદ, ધર્મવાદનું રાજકારણ રમવું એ લોકશાહીનું ગળું ઘોંટવા બરાબર છે. હાલમાં તો ધર્મ અને જ્ઞાતિના નામે વિભાજીત કરીને જ મતોની માંગણી કરવામાં આવે છે. નહેરુએ એક ભાષણમાં મત માંગતાં કહ્યું હતું કે, "દેશની ઉન્નતિ માટે અમારું ધ્યેય અને અમારો કાર્યક્રમ સમજતા હો અને તેને જીવનમાં ઉતારવા તથા અમલ કરવા માગતા હો તો જ અમને મત આપજો, નહીં તો ન આપશો. અમારે ખોટા મત નથી જોઈતા; તમને પસંદ હોય એવા અમુક માણસો માટે જ તમારા મત અમને નથી જોઈતા."

             રાજકારણના ક્ષેત્રમાં સત્તાની શોધ ચાલે છે. રાજકીય યુક્તિ-પ્રયુક્તિ અને કાવાદાવા સત્તા ટકાવવા દ્વેષભાવ તેમજ સ્વાર્થીપણાનું સ્થાન લઈ વંશવાદ કે ઉત્તરાધિકારનો મુદ્દો ઉછાળે છે. સત્તા મેળવવા જ્યારે તોડજોડનું રાજકારણ રમાય છે ત્યારે બીજી અનેક મૂલ્યવાન નીતિઓ જતી રહી હોય છે. નહેરુને નિશાન બનાવીને જ રાજકીય જૂઠ્ઠાણા અને વંશવાદનાં ગાણાં આજેય ગવાય છે પણ લોકોએ એટલું તો ચોકક્સ સ્વીકારવું જ પડશે કે જો નહેરુએ વડાપ્રધાન કાર્યાલયમાં વારસદારની નિમણૂક કરી હોત તો તે સંપૂર્ણપણે તેમના સ્વભાવથી વિપરીત હોત અને લાલ બહાદુર શાસ્ત્રીનો સરળ અને લોકતાંત્રિક ઉત્તરાધિકાર કોઈપણ પ્રકારની શંકા વિના પુરવાર કરે છે કે વંશવાદની સ્થાપના કરવાની નહેરુની ક્યારેય લેશમાત્ર મહત્વકાંક્ષા નહોતી. શાસ્ત્રીની નિમણુંક સાથે ભારતનું લોકતંત્ર સમરસ થઇ ગયું હતું. 

         દેશના તમામ નાગરીકોની સમાનતા માટે નહેરુએ માનવતાવાદની હિમાયતી કરતાં કહેલું કે, "હિન્દી વિશે કંઈક જાણનાર દરેક જણે જ્ઞાતિ વ્યવસ્થા વિશે સાંભળ્યું હોય છે બહારની લગભગ દરેક વ્યક્તિ અને હિંદમાં પણ કેટલાક લોકો જ્ઞાતિ વ્યવસ્થાને વખોડે છે અથવા એ સમગ્ર પ્રથાની ટીકા કરે છે. એના પાયામાં રહેલા સિદ્ધાંતોનો સ્વીકાર કરનારા હજી પણ ઘણા છે અને અસંખ્ય હિન્દુઓ પોતાના જીવનમાં તેને અનુસરે છે એમાં શક નથી પરંતું સમાનતા તરફ પોતાની નજર રાખવી જોઈએ. એનો અર્થ એવો નથી કે શારીરિક-માનસિક અથવા આધ્યાત્મિક દ્રષ્ટિથી બધા સરખા છે અથવા તો તેમને સરખા કરી શકાય તેમ છે પણ સૌને સરખી તકો મળે તેમજ કોઈપણ વ્યક્તિ કે સમૂહના માર્ગ રાજકીય આર્થિક કે સામાજિક અંતરાયો ન હોવા જોઇએ એવો એનો અર્થ ખસૂસ છે." માણસની અધોગતિ ન કરે તેમજ તેને ગુલામ ન બનાવે એવી સહકારના પાયા ઉપર રચાયેલી સામુદાયિક વ્યવસ્થા સ્થાપવી પડશે તો જ આપણો દેશ ઉન્નતિના શિખરો સર કરશે.

         ગાંધીજી કહેતા કે "દેશને જવાહરલાલ નહેરુ જેવો ગરવો સપૂત જોઈને ઘણોને હરખ થશે. પ્રભુના આશીર્વાદ એમના ઉપર ઉતરે અને પંડિત જવાહરલાલના જ રાજમાં દેશ પોતાની મજલ પૂરી કરે એવી વંદના છે." રજવાડાનું કામ સરદારે સંભાળવું તે નિર્ણય નહેરુ અને સરદારે સાથે મળીને કર્યો હતો. બંને આગેવાનોની પ્રતિભા ભિન્ન હતી અને તેમની વચ્ચે વિચારભેદો હતા પણ તોય જવાહર મારા આગેવાન કહીને સરદાર વલ્લભભાઈ પટેલ પોતાનું ભાષણ શરૂ કરતાં.

       જવાહરલાલને બાળકો ખૂબ વહાલાં હતાં. એ કહેતા કે બાળકોને બધા જ પ્રકારની સગવડો અને શિક્ષણ આપવું જોઈએ. બાળકો પણ એમને પ્રેમથી "નહેરુ ચાચા" કહેતા. તેમણે આઝાદી પહેલાં લગભગ ૩૫ વર્ષ સુધી અને આઝાદી પછી અવસાન સુધી આપણા ભારત દેશની ઉન્નતિ માટે દિવસ-રાત જોયા વગર કામ કર્યું. આવા કઠોર પરિશ્રમને પરિણામે એમની કાયા ઘસાઈ ગઈ આખરે ૧૯૬૪ની ૨૭મી મે ના રોજ તેમનું અવસાન થયું. 


સંદર્ભ : સમાચાર પત્રમાં આવેલ મારા લેખમાંથી સાભાર..



Comments

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...