Skip to main content

શિક્ષક કોઈપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે -ડૉ.અબ્દુલ કલામ

            દરેક વ્યક્તિ માટે, તેના અસ્તિત્વના કોઈપણ તબક્કે, એક વ્યક્તિની જરૂર છે જે આ અથવા તે સમસ્યા, પરિસ્થિતિ અથવા ફક્ત એક ઘટનાને સમજાવી શકે. એ વ્યક્તિ છે શિક્ષક. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં સૌથી મોટો ફાળો હોય તો એ શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધારસ્તંભ છે. આ આધારસ્તંભને મજબુત કરવા શિક્ષકની ભુમિકા મહત્વની હોય છે. શિક્ષકનો વ્યવસાય એ પૃથ્વી પરના સૌથી પ્રાચીન વ્યવસાયોમાંનો એક છે. એમની જવાબદારી ઘણી મોટી છે. કારણ કે બાળકોનો બૌદ્ધિક, નૈતિક, મનોવૈજ્ઞાનિક, શારીરિક વિકાસ તો કરવાનો જ છે, પરંતુ સામાજિક, ચારિત્ર્ય અને ભાવનાત્મક વિકાસ કરવાની પણ આજના શિક્ષકની ફરજ છે. આદર્શ શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

           શિક્ષણ એ અવિરત પ્રક્રિયા છે. અભ્યાસક્રમની સાથે જીવનમૂલ્યો પણ શિક્ષકો દ્વારા શરૂઆતથી જ શીખવવામાં આવે છે. શિક્ષણ જ્ઞાન, નમ્રતા, કુનેહ અને ક્ષમતા આપે છે. શિક્ષકને ભગવાન સમાન ગણવામાં આવે છે. આજે પણ ઘણા શિક્ષકો શિક્ષણના આદર્શોને અનુસરીને એક આદર્શ માનવ સમાજની સ્થાપનામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. શિક્ષકો સમાજમાં ખૂબ જ પ્રતિષ્ઠિત લોકો છે જેઓ તેમના શિક્ષણકાર્ય દ્વારા સામાન્ય લોકોની જીવનશૈલી અને માનસિક સ્તરને વધારવાની જવાબદારી લે છે. શિક્ષક એ છે જે પોતાના અનુભવોનો નિચોડ પોતાના વિદ્યાર્થીઓને બતાવે છે અને ભૂલોથી શિખામણ લેવાની પ્રેરણા આપે છે. એક સારા શિક્ષક આશા અને પ્રેરણા આપી શકે છે, કલ્પનાને ઉત્તેજીત કરી શકે છે અને શીખવાનો પ્રેમ જગાડી શકે છે. વિનોબા ભાવે કહેતા કે, "શિક્ષક વિદ્યાર્થીમાં જ્ઞાનની પિપાસા પેદા કરી તેને મેળવવાની શક્તિ ઉભી કરે છે." 

           દરેક વ્યક્તિ પોતપોતાનો રસ્તો પસંદ કરતા હોય છે, પરંતુ જે લોકો શિક્ષક બનવાનું નક્કી કરે છે તેઓ પહેલેથી જ જવાબદારીનો બોજ લેવા આગળ આવે છે અને જીવનભર આ બોજ વહન કરતા હોય છે. આ બોજ માત્ર તેમના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવાની ક્ષમતામાં જ નથી, પરંતુ તેમને પ્રમાણિક અને નિષ્ઠાવાન કરવા સમગ્ર ભારતીય સમાજના હિત માટે હોય છે. એવું કહેવાય છે કે સમસ્ત માનવજાતના સર્જક બ્રહ્મા છે. પણ હું તો એટલું જ કહીશ કે દરેક દેશના ઉત્તમ નાગરિકોનો સાચો સર્જક જ શિક્ષક છે અને એ જ ભવિષ્યની ઉત્તમ પેઢી તૈયાર કરે છે. ભારત જેવા સ્વતંત્ર દેશમાં તો ખરેખર શિક્ષક અને શિક્ષણના અનન્ય મહત્ત્વ વચ્ચે સુનિયોજિત ઉત્થાન વડે દેશની ઉન્નતિ થઇ શકે. શિક્ષકે મેઘ નહિ, માળી બની દેશની માવજત કરવાની છે. બાબાસાહેબ ડૉ.આંબેડકરે શિક્ષકની કાબેલિયત વિશે કહ્યું હતું કે, "શિક્ષક એ રાષ્ટ્રરથનો સારથી છે. એ જ દેશને સમૃદ્ધ બનાવી શકે, ઉન્નતિના માર્ગે લઈ જઈ શકે છે." તો મિસાઈલ મેન તરીકે ઓળખતા ડૉ. અબ્દુલ કલામ સાહેબના શબ્દોમાં કહુ તો, "શિક્ષકો કોઈપણ દેશ માટે કરોડરજ્જુ સમાન છે, એ સ્તંભ છે જેને કારણે દેશની બધી જ આકાંક્ષાઓ વાસ્તવમાં પરિવર્તિત થાય છે." ટુંકમાં, શિક્ષકો જ દેશની ઉન્નતિના વાહક છે. પણ, આજના કેટલાક શિક્ષકોમાં ભેદ જોવા મળી રહ્યો છે. એક ડૉકટર થોડાક જ વ્યક્તિઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. પરંતુ જ્ઞાતિ કે ધર્મના કુંડાળામાં રહેલો શિક્ષક પુરા સમાજના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે છે. બાળકનું કુમળું મન સત્ય-અસત્ય નક્કી કરી શકે તેટલું પરિપક્વ બન્યું હોતું નથી. એ તો શિક્ષક જે કંઈ કહે તેનો આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે છે. શિક્ષકે શીખવેલી વાતો લાંબો સમય સુધી તેના મગજમાં સચવાયેલી રહે છે. આવા કુમળા માનસની સાથે તેઓ જ્ઞાતિ અને ધર્મનો ભેદ ઉભો કરી સમાજમાં પણ કટ્ટરતાનાં બીજ રોપે છે. આવા શિક્ષકો ધાર્મિક અને સમાજ સુધારણા આંદોલન કે બંધારણને કેટલો ન્યાય આપતા હશે ? એ વિચારવું રહ્યું. શિક્ષકે કહેલી વાતો વ્યક્તિના માનસપટ પર એક અમિટ છાપ છોડી જાય છે. તેથી જ એમની જવાબદારી છે કે ભારતીય સમાજમાં કટ્ટરતા ન ફેલાય તેની કાળજી જરૂરી છે. કેમ કે તેઓ દેશની ભાવિ પેઢીનું ઘડતર કરવાની અગત્યની કામગીરી કરે છે. જો આમ કરવામાં એ નિષ્ફળ રહે છે તો એ દેશદ્રોહથી ઓછું નથી.! 

         તત્વચિંતક શિક્ષકોએ જ સમાજને નવી રાહ ચીંધી છે. સમાજને અંધશ્રદ્ધા, કુરિવાજો તેમજ અન્યાય સામે લડતાં શીખવ્યું છે. લોકોમાં પ્રામાણિકતા,સાદગી, દેશદાઝ, સ્વચ્છતા અને ભ્રાતૃભાવની લાગણીઓનું સિંચન કર્યું છે. શિક્ષક પાસે એ તાકાત છે કે દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. નિર્જીવને પણ સજીવ કરી શકે એવી શક્તિ શિક્ષક પાસે છે. જેમ દરેક પથ્થરમાં મૂર્તિ થવાની ક્ષમતા રહેલી છે એમ દરેકે દરેક બાળકમાં મહાન બનવાની શક્તિ અને ક્ષમતા રહેલી છે, બસ એને જરૂર છે એક સારા શિક્ષકની જે જ્ઞાતિ અને ધર્મની કટ્ટરતાથી વિમુખ હોય.! વિષમતા ભર્યા સાંપ્રત સમયમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે ત્યારે દરેક શિક્ષક સત્ય, નિષ્ઠા અને પ્રામાણિકતાથી જ્ઞાતિ કે ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ,ભેદભાવ કે દ્વેષભાવમુક્ત ફરજ અદા કરે તે જરૂરી છે. 


સંદર્ભ : સમાચાર પત્રમાં આવેલ લેખમાંથી....👇🏻



Comments

Read more

વિતતી જિંદગીની એક વસમી વિદાય.....

                   ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે મહેસાણા ખાતેની કૉલેજમાં પ્રવેશ લીધો. સાવ અજાણ્યું શહેર. ના કોઈ ઓળખાણ, ના કોઈ પરિચિત કે ના કોઈ સહપાઠી. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે, न कश्चित् कस्यचित् मित्रम्, न कश्चित् कस्यचिद् रिपुः। व्यवहारेण एव जायन्ते, मित्राणि रिपवस्तथा।। અર્થાત, ન કોઈ કોઈનો મિત્ર છે, ન કોઈ કોઈનો શત્રુ. પોતાના વ્યવહારથી મિત્ર અને શત્રુ થાય છે. આમ, મારા વ્યવહારથી મિત્રરૂપી વૈભવનો ખજાનો ભરાતો ગયો. ગુજરાતના દૂર દૂરના જિલ્લાઓમાંથી મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવા આવેલા. મહેસાણા જેવા શહેરમાં રહી અભ્યાસની સાથે સાથે ઘણાં સપનાં જોયાં હતાં એટલે જ્યારે નોકરી માટે જિલ્લો પસંદ કરવાનો થયો તો જાણીતો, ગમતો અને મનમોહક મહેસાણા પસંદ કર્યો. શાળા પસંદગીમાં મારો નંબર આવતા સુધીમાં શહેરની કોઈ જગ્યા ખાલી ન રહી, અંતે નિરાશ થઈ સૌથી નાનકડો તાલુકો ઊંઝા લેવો પડયો (મસાલાનું શહેર તરીકે ઓળખાતું ઊંઝા વિશ્વ ફલક પર માર્કેટયાર્ડ માટે ખ્યાતિ ધરાવે છે) મારાં અંજળપાણી ત્યાં લખેલાં હશે..!! સરકારી નોકરી મળી આનંદનો પાર ...

ગાંધીવાદનો દંભી અંચળો રાષ્ટ્ર માટે ઘાતક

                     આજના સમયમાં ગાંધી વિચારોનો મર્મ શોધવો અઘરો છે. કારણ કે જીવનના અંત સુધી સાદગીપૂર્ણ જીવનમાં એમના અભિગમ અને મંતવ્ય સતત બદલાતાં રહ્યાં છે. દરેક સમસ્યાનો અંત ગાંધી વિચાર છે જ એવું કહેવું બરાબર નથી. પરંતુ મહદઅંશે દરેક સમસ્યાનો ઉકેલ ગાંધી વિચાર અને ગાંધી દર્શનમાંથી મળી શકશે. વર્તમાનમાં ગાંધી વિચારનું મૂલ્ય અનેકગણું પ્રસ્તુત બની ગયું છે. કારણ કે ગાંધી વિચાર સમસ્યાના મૂળ સુધી જાય છે અને તે પણ તેને જડમૂળથી દૂર થાય તેવા પ્રયત્ન કરે છે. પરંતુ આજે ગાંધી વિચારનું અલગ દ્રષ્ટિકોણથી આચરણ કરવામાં આવી રહ્યું છે. નેતાઓ પોતાની સત્તાની જરૂરિયાતો સંતોષવા માટે ગાંધીવાદનો અંચળો ઓઢીને કાર્ય કરી રહ્યા છે. બિનસાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ ગણાતા ગાંધીના ભારતમાં આજે ધર્મવાદ અને કોમવાદ ચરમસીમાએ છે. કટ્ટરવાદી લોકો જ્ઞાતિ અને ધર્મની હિંસા આચરી રહ્યા છે. ગાંધીજીએ કહ્યું હતું કે, 'જો હિન્દુસ્તાન હિંસાને નીતિ તરીકે સ્વીકાર કરે અને હું જીવતો રહ્યો હોઉં તો હિન્દુસ્તાનમાં રહેવા નહીં ઈચ્છું. પછી તે મારામાં જરા પણ ગર્વની લાગણી પેદા નહીં કરી શકે. હિંસાન...