૩જી મે ૧૯૯૯ના રોજ એક ભરવાડ પોતાના પાલતું પ્રાણી યાકની શોધ માટે ફરતો હતો ત્યાં તેને કેટલાક શંકાસ્પદ લોકો દેખાયા એટલે ભારતીય લશ્કરને જાણ કરી. ભરવાડના સૂચન અનુસાર શોધખોળ પર ગયેલી કેપ્ટન સૌરભ કાલિયાની ટુકડીએ તપાસ કરતાં માહિતી સાચી ઠરી કે કેટલાક પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીરી વેશ ધારણ કરીને એલઓસી (બે દેશો વચ્ચેની ડે ફેક્ટો બોર્ડર છે) ઓળંગી ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે, જે આખરે યુદ્ધમાં પરિણમી. ઇતિહાસમાં એ યુદ્ધ કારગિલ યુદ્ધના નામે ઓળખાયું. સ્વતંત્રતા પહેલાં કારગિલ વિસ્તાર લદ્દાખનો એક તાલુકો હતો, પાંખી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં વિવિધ ભાષાઓ, વંશો અને ધાર્મિક જૂથો ધરાવતા લોકો એકમેકથી અલગ ખીણોમાં વસતા હતા. વિશ્વનાં ઉત્તુંગ શિખરોમાં જેમની ગણના થાય એવા શિખરોએ ખીણોને એકમેકથી અળગી રાખી હતી. ભારત પાકિસ્તાન યુદ્ધની સમાપ્તિ વખતે નિર્ણાયક રેખા આંકવામાં આવી જેથી લદ્દાખનું વિભાજન થયું, સ્કર્દુ તાલુકો પાકિસ્તાનના ફાળે ગયો,જે અત્યારે ગિલગિટ બાલ્ટીસ્તાનનો ભાગ છે. કારગિલ શહેર શ્રીનગરથી સવા સો માઈલથી પણ વધારે દૂર છે. કારગીલની ઉત્તરે એલઓસીની સામેની તરફ ગિલગિટ બાલ્ટીસ્તાનનો વિસ્તાર આવેલો છે. હિમાલયના અન્ય વિસ્તારોની જેમ જ કારગિલનું વાતાવરણ વિષમ છે, ઉનાળામાં પણ ઠંડી અને રાતમાં તો થીજી જવાય એવી ઠંડી હોય છે, જયારે શિયાળો લાંબો અને અત્યંત વિષમ હોય, શિયાળામાં તાપમાન ઘણીવાર માઈનસ ૪૮° સેલ્સિયસ જેટલું નીચું હોય છે.! ઘૂસણખોરી માટે કારગિલ વિસ્તાર પસંદ કરાયો તેની પાછળ કારણ એ હતું કે, ભારતને ખબર ન પડે એ રીતે આ વિસ્તારની ઘણી ખાલી પડેલી ચોકીઓ પર કબ્જો કરી શકાય એમ હતો. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સુવિધાઓ સાથે, શિખરોની ટોચ પર રક્ષણાત્મક ચોકીઓ ચણીને ગોઠવાયેલ પાકિસ્તાની સૈન્ય રક્ષણાત્મક ભૂમિકામાં હતું, એક કિલ્લા જેવી સંગીન રક્ષણાત્મક સ્થિતિ તેમના પક્ષે હતી. જયારે આ ચોકીઓ ફરીથી કબ્જે કરવા માંગતા ભારતીય સૈન્યએ પર્વતીય યુદ્ધ કરવાનું હતું અને મોટા ગુણોત્તરમાં સૈનિકોની જરૂર પડવાની હતી, ઉત્તુંગ શિખરો અને વિષમ ઠંડી તેમની મુશ્કેલીઓમાં વધારો કરવાની હતી.
ભારતીય સૈન્યએ તેનો જવાબ ઓપરેશન વિજય થકી આપ્યો, જેમાં બે લાખથી વધુ ભારતીય સૈનિકો એકત્રિત કરાયા હતા પરંતુ ભૃપુષ્ઠની પ્રકૃતિને કારણે ડિવિઝન અને કોર્પ સ્તરના મોટા ઓપરેશનો અમલમાં ન મૂકી શકાયાં. મોટાભાગની લડત બ્રિગેડ કે બટાલિયન સ્તરે લડાઈ. અસલમાં તો ભારતીય ભૂમિદળની બે ડિવિઝન, વધુમાં કેટલાક હજાર અર્ધલશ્કરી દળો અને ભારતીય વાયુસેનાને યુદ્ધ મોરચે તૈનાત કરાયાં હતાં. કારગિલના દ્રાસ સેક્ટરનાં તમામ સૈન્ય ઓપરેશનમાં જોડાયાં હતાં. ભારતીય વાયુસેનાએ પણ ભારતીય ભૂમિસેનાના એકત્રીકરણને સહયોગ આપવા ઓપરેશન સફેદ સાગર શરુ કર્યું. યુદ્ધ અનિચ્છનીય ગંભીર સ્વરૂપ ન પકડે માટે ભારત સરકારે વાયુસેનાને માત્ર માર્યાદિત પાવર વાપરવાની મંજૂરી આપી, સાથે ફરમાન કર્યું કે કોઈપણ સંજોગોમાં લડાકુ વિમાનો એલઓસી પાર ન કરે. દુનિયામાં સૌપ્રથમ વખત આટલી ઊંચાઈએ વાયુ યુદ્ધ ખેલાયું હતું. આ ઉત્તુંગ ઊંચાઈએ ત્રાસદાયક પવન રોકેટ, ડમ્બ બૉમ્બ (વિમાનમાંથી મુક્ત પતન કરાવાતા બૉમ્બ) તથા લેસર ગાઇડેડ બૉમ્બના પ્રક્ષેપિત માર્ગને ખલેલ પહોંચાડતો હતો. સામેની તરફથી પાકિસ્તાનની વાયુસેનાએ કોઈ જવાબી કાર્યવાહી ન કરી, પરિણામે ભારતીય વાયુસેનાએ મુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યા. ભારતીય વાયુસેનાનું સંપૂર્ણ આકાશ પર પ્રભુત્વ હતું, જેને લીધે પાઈલટોને ફાયરિંગ ટેક્નિક, નિશાન સાધવાના સૂચકાંકો વગેરેનુ માપાંકન કરવા પૂરતો સમય મળ્યો, જેનાથી ઊંચાઈ પરના હવાઇયુદ્ધની અસરકારકતા વધી. લાંબી લડાઈના અંતે ભારતીય સૈન્યએ જીત મેળવી. આ યુદ્ધનો એક યોદ્ધો બહાર આવ્યો, જેનું નામ હતું કેપ્ટન વિક્રમ બત્રા. તેમનો જન્મ ૯મી સપ્ટેમ્બર ૧૯૭૪ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુર નજીકના ઘુગ્ગર ગામમાં એક શિક્ષક દંપતિને ત્યાં થયેલો. પિતાનું નામ ગિરધરીલાલ બત્રા અને માતાનું નામ કમલકાંતા બત્રા હતું. વિક્રમે ૧૯૯૬માં ભારતીય સૈન્ય અકાદમી દહેરાદુનમાં પ્રવેશ લીધો. ત્યાંથી તેમની જમ્મુ-કાશ્મીરના સોપોર ખાતે ભારતીય ભૂમિસેનાની ૧૩ જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સના લેફ્ટનન્ટના હોદ્દા પર નિમણુંક થઈ. ત્યારબાદ તેઓ કેપ્ટનના હોદ્દા સુધી પહોંચ્યા હતા.
જ્યારે બત્રાને ૧૩ જમ્મુ-કાશ્મીર રાઇફલ્સ અને તેમની ડેલ્ટા કંપનીને પોઈન્ટ ૫૧૪૦ ફરી કબ્જે કરવાની કાર્યવાહી સોંપવામાં આવી હતી. પોતાના અપ્રતિમ શૌર્યને કારણે શેરશાહનું ઉપનામ ધરાવતા કેપ્ટન બત્રાએ દુશ્મનને આશ્ચર્યચકિત કરી જીત પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી અચાનક હુમલો કરવાનો નિર્ણય કર્યો. તેમણે અને તેમના જવાનોએ કરાળ કોતર પર ચઢાઈ કરી, પણ દળ જેવુ ટોચ નજીક પહોંચ્યુ કે દુશ્મનોએ એમને ખુલ્લી કરાળના મુખ પાસે મશીનગનના ગોળીબારથી ઘેરી લીધા. તે અને તેમના સૈનિકો સખત ચઢાણ વાળી ભેખડ પર ચઢ્યા, પણ જેવી તેમની ટુકડી ટોચ પર પહોંચી કે દુશ્મને મશીનગનના ગોળીબાર દ્વારા કોઈપણ આડસ વગરની ભેખડ પર અટકાવી દીધા હતા તો પણ કેપ્ટન બત્રાએ પાંચ સૈનિકોની સાથે ટોચ તરફ ચઢાણ ચાલુ રાખ્યું અને ટોચ પર પહોંચી મશીનગનની છાવણી પર બે ગ્રેનેડ ફેંક્યા. તેમણે એકલા હાથે હાથોહાથની લડાઈમાં ત્રણ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. આ દરમિયાન તેઓ ગંભીર રીતે ઘવાયા, પણ તેમણે મિશન આગળ વધારવા પોતાના સૈનિકોને તૈયાર કરવા આગ્રહ રાખ્યો. કેપ્ટન બત્રાએ બતાવેલ બહાદુરીથી પ્રોત્સાહિત થઈને ૧૩ જમ્મુ અને કાશ્મીર રાઈફલ્સના જવાનોએ દુશ્મનની છાવણીઓ પર હુમલો કર્યો અને ૨૦ જૂન ૧૯૯૯ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે પોઈન્ટ ૫૧૪૦ પર કબ્જો કર્યો. તેમની ટુકડીને આઠ પાકિસ્તાની સૈનિકોને મારવા અને એક ભારે મશીન ગન કબ્જે કરવાનું શ્રેય અપાયું. પોઈન્ટ ૫૧૪૦ કબ્જા હેઠળ આવવાથી સફળતાની એક હારમાળા શરૂ થઈ. જેમ કે પોઈન્ટ ૫૧૦૦, પોઈન્ટ ૪૭૦૦, જંક્શન પિક અને થ્રી પિંપલ્સ. કેપ્ટન અનુજ નૈયરની સાથે બત્રા પોતાની ટુકડીને પોઈન્ટ ૪૭૫૦ અને પોઈન્ટ ૪૮૭૫ કબ્જે કરી વિજય તરફ દોરી ગયા. ૭ જુલાઈ ૧૯૯૯ના રોજ વહેલી સવારમાં પોઈન્ટ ૪૮૭૫ પર દુશ્મને વળતો હુમલો કર્યો જેમાં એક એક ઘાયલ અફસરને બચાવવાની કોશિષમાં તેઓએ શહાદત પ્રાપ્ત કરી. કારગિલ યુદ્ધમાં દુશ્મનનો સામનો કરતાં તેમણે દાખવેલી સર્વોચ્ચ શૌર્યતાપૂર્ણ બહાદુરી અને આગેવાની માટે કેપ્ટન વિક્રમ બત્રાને આઝાદીની ૫૨મી વર્ષગાંઠે ૧૫મી ઓગસ્ટ ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ સૈનિક સન્માન પરમવીર ચક્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. તેમના પિતાએ પોતાના શહીદ પુત્ર વતી આ સન્માન ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણનના હસ્તે સ્વિકાર્યું હતું. અદમ્ય સાહસ થકી દેશદાઝ માટે પરાક્રમ અને વીરતાભર્યું શૌર્ય દાખવનાર કેપ્ટન વિક્રમ બત્રાની ૯મી સપ્ટેમ્બરના રોજ જન્મજયંતિ છે. આવા શહીદ વીર સૈનિકને શત્ શત્ વંદન.
સંદર્ભ : સમાચાર પત્રના લેખમાંથી સાભાર...👇🏻
Comments
Post a Comment