ભારતની આઝાદી એ કોઈ એક નેતા, એક પ્રદેશ કે એક સમાજની જીત નહોતી પણ તે સમગ્ર ભારતની સામૂહિક ચેતનાનો વિજય હતો. આઝાદીની આ લડત વિદેશી શાસન સામેનો વિરોધ કરતાં તો તે માનવીના સ્વાભિમાન, અધિકાર, ન્યાય અને આત્મસન્માનનો મહાસંગ્રામ હતો. જ્યારે દેશ પરાધીન હતો, ત્યારે ભાષા, જાતિ, પ્રાંત, ધર્મ અને વિચારધારાના અનેક ભેદો હોવા છતાં ભારતીયોએ એક જ ધ્યેયને સર્વોપરી માન્યો "સ્વતંત્ર ભારત".
અંગ્રેજ શાસન રાજકીય સત્તા આગળ જઈને આર્થિક શોષણ, રાજકીય દમન અને માનસિક ગુલામીનું પ્રતીક બની ગયું હતું. ભારતની સંપત્તિનો મોટા પ્રમાણમાં ઉપયોગ ગોરા સામ્રાજ્યના હિત માટે થતો હતો. ખેડૂતો પર ભારે કર, સ્થાનિક ઉદ્યોગોના પતન, અભિવ્યક્તિ પર નિયંત્રણ અને વિરોધના દમન જેવી અનેક નીતિઓએ સામાન્ય જનજીવનને અસર કરતી હતી. આ પરિસ્થિતિ સામે ભારતીયોએ સત્યાગ્રહ, અસહકાર, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને લોકજાગૃતિ જેવા અનેક માર્ગોથી સંઘર્ષ કર્યો. અસંખ્ય લોકોએ જેલવાસ ભોગવ્યો, મિલકતો ગુમાવી અને ઘણા લોકોએ પોતાના પ્રાણ પણ દેશના ચરણોમાં અર્પણ કર્યા. આ સંઘર્ષની સૌથી મોટી શિખામણ એ હતી કે જ્યારે સમગ્ર સમાજના લોકો પોતાના મતભેદોને પાછળ મૂકી એક મોટા હેતુ માટે એકજૂટ થાય છે, ત્યારે ઇતિહાસ બદલાય છે અને સુવર્ણ અક્ષરે લખાય છે.
આઝાદી અંગ્રેજ શાસનમાંથી મુક્તિ જ નહોતી; તે ગરીબી, અજ્ઞાન, અન્યાય, ભેદભાવ અને શોષણમાંથી મુક્ત તેમજ એકતા, સ્વાભિમાન અને સામૂહિક જવાબદારી સાથે નવા ભારતની શરૂઆત હતી. એના માટે ભારતે લોકશાહી, બંધારણ અને કાયદાના શાસનનો માર્ગ પસંદ કર્યો. હવે દેશના ભવિષ્યનો નિર્ણય વિદેશી શાસકો નહીં, પરંતુ ભારતના લોકો અને તેમની લોકશાહી સંસ્થાઓ દ્વારા થવાનો હતો એટલે સ્વતંત્ર ભારતનો સંઘર્ષ શત્રુને હરાવવાનો નહીં, પણ ન્યાયી, સમાનતાપૂર્ણ અને જવાબદાર સમાજ રચવાનો બની ગયો હતો. આઝાદી પછીના ભારતે અનેક અશક્ય લાગતા પડકારોને તકમાં ફેરવ્યા છે. વિભાજનની વેદના, આર્થિક નબળાઈ અને મર્યાદિત સંસાધનો વચ્ચે ભારતે લોકશાહીને જીવંત રાખી અર્થતંત્રને મજબૂત બનાવ્યું હતું. અવકાશવિજ્ઞાનથી લઈને માહિતી પ્રૌદ્યોગિકી સુધી, કૃષિથી લઈને ઔદ્યોગિક વિકાસ સુધી અને શિક્ષણથી લઈને વૈશ્વિક રાજદ્વારી સુધી ભારતે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. આ સિદ્ધિઓ આપણને ગૌરવ અપાવે છે. પરંતુ દરેક ચમકતા વિકાસની પાછળ વર્તમાનમાં કેટલાક અંધકારમય ખૂણા પણ જોવા મળે છે. વિકાસના આંકડા ઊંચા છે, છતાં દરેક નાગરિક સુધી વિકાસના લાભો સમાન રીતે પહોંચ્યા છે કે નહીં ? એ પ્રશ્ન છે. એક તરફ આધુનિક શહેરો આકાશને આંબે છે, તો બીજી તરફ એવા વિસ્તારો પણ છે જ્યાં શિક્ષણ, આરોગ્ય અને મૂળભૂત સુવિધાઓ હજુ પડકારરૂપ છે. આજે, સ્વતંત્રતાના દાયકાઓ પછી પણ દેશ સામે અનેક મહત્વના પ્રશ્નો ઊભા છે. આઠ દાયકાની સફર પછી સપનાના ભારતને બનાવવા આપણે કેટલા નજીક પહોંચ્યા છીએ ? શું આપણે આઝાદીની લડતમાંથી મળેલા બોધપાઠોને યાદ રાખ્યા છે ? શું આપણે મતભેદોને સંવાદથી ઉકેલવાની પરંપરાને મજબૂત બનાવી છે ? શું આપણે જાહેર જીવનમાં સત્યનિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીને પૂરતું મહત્વ આપીએ છીએ ?
દરેક યુગમાં પડકારો બદલાય છે. બ્રિટિશ શાસનનો સમય એક પ્રકારનો પડકાર હતો; આજનો સમય અલગ પ્રકારના પડકારો લઈને આવ્યો છે. ભ્રષ્ટાચાર, આર્થિક અસમાનતા, સામાજિક અસમાનતા, પર્યાવરણના પડકારો, ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગાર, ડિજિટલ યુગમાં ભ્રામક માહિતી અને સામાજિક વિશ્વાસ જાળવવા જેવા અનેક મુદ્દાઓ દેશ સામે છે. આ પ્રશ્નોનો ઉકેલ પણ એ જ ભાવનાથી શક્ય છે, જે ભાવનાએ સ્વતંત્રતા આંદોલનને શક્તિ આપી હતી : સંવાદ, સહભાગિતા અને દેશહિત. ટૂંકમાં, સંવાદ, સહિષ્ણુતા અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા જ ભારતને વધુ મજબૂત બનાવી શકે છે. યાદ રહે, લોકશાહીમાં સરકારો આવે છે અને જાય છે. નાગરિકોને સરકારની નીતિઓની ટીકા કરવાનો પણ અધિકાર છે અને સારા કાર્યોની પ્રશંસા કરવાનો પણ. મતભેદ લોકશાહીનો સ્વાભાવિક ભાગ છે. પરંતુ કોઈપણ મતભેદ લોકશાહી અને બંધારણીય મર્યાદાની અંદર વ્યક્ત થાય ત્યારે જ તે વધુ મજબૂત બને છે. લોકશાહીનો અર્થ વિરોધ નથી; તેનો અર્થ જવાબદાર સહભાગિતા છે. લોકશાહીમાં બંધારણે સૌને અધિકારો આપ્યા છે, પરંતુ સાથે કર્તવ્યોની પણ યાદ અપાવી છે. કેવળ અધિકારોની માંગ કરવાથી લોકશાહી મજબૂત બનતી નથી; પણ બંધારણ અને દેશ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ નાગરિકો જ લોકશાહીને જીવંત રાખે છે. કાયદાનું પાલન, મતદાન, જાહેર સંપત્તિનું રક્ષણ, વિવિધ મતોનો આદર અને સામાજિક સૌહાર્દ જાળવવો આ બધા દેશપ્રેમના વ્યવહારુ સ્વરૂપો છે. આજના સમયમાં સૌથી વધુ જરૂરિયાત એ છે કે આપણે "અમે" અને "તેઓ"ના ભેદથી ઉપર ઊઠીને બાબાસાહેબ આંબેડકરે કહેલ "હું પહેલાં અને છેલ્લે ભારતીય જ છું"નો વિચાર મજબૂત કરીએ. કારણ કે દેશ ત્યારે આગળ વધે છે, જ્યારે વિચારોમાં ભિન્નતા હોવા છતાં દેશહિતમાં સહમતી શોધવાનો પ્રયત્ન થાય છે. સ્વતંત્રતા સેનાનીઓએ પણ આપણને શીખવ્યું હતું કે મોટા હેતુ માટે નાના મતભેદોને પાછળ મૂકવા પડે. યુવાનો માટે આ ઇતિહાસ વિશેષ પ્રેરણાદાયી છે. સ્વતંત્રતા સંગ્રામમાં યુવાનો દર્શક જ નહીં; તેઓ પરિવર્તનના સર્જક બન્યા હતા. આજના યુવાનોએ સામે હથિયાર લઈને લડવાનો પ્રશ્ન નથી, પરંતુ જ્ઞાન, કૌશલ્ય, નવીનતા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને નૈતિક જવાબદારી દ્વારા દેશનિર્માણમાં યોગદાન આપવાનો પડકાર છે. સારો નાગરિક બનવું, કાયદાનું પાલન કરવું, તથ્યઆધારિત વિચાર કરવો અને સમાજમાં વિશ્વાસનું વાતાવરણ જાળવવું પણ દેશસેવાનું જ સ્વરૂપ છે.
આઝાદીની લડત એક અમૂલ્ય સંદેશ આપે છે કે કોઈપણ દેશ માત્ર સત્તા બદલવાથી મહાન નથી બનતો. દેશ ત્યારે મહાન બને છે જ્યારે તેના લોકો જાગૃત હોય, તેની સંસ્થાઓ મજબૂત હોય, તેની લોકશાહી જીવંત હોય અને તેનો સમાજ ન્યાય, સમાનતા અને બંધુત્વના મૂલ્યોને જીવનમાં ઉતારે. આજે જ્યારે આપણે તિરંગાને સલામ કરીએ છીએ ત્યારે ફક્ત ભૂતકાળના બલિદાનને જ યાદ ન કરીએ, પરંતુ ભવિષ્ય પ્રત્યેની પોતાની જવાબદારી પણ સ્વીકારીએ. કારણ કે આઝાદી મેળવવા માટે એકતા જરૂરી હતી, પરંતુ તેને અર્થપૂર્ણ બનાવવા માટે જવાબદાર નાગરિકતા જરૂરી છે. શહીદોએ આપણને એક સ્વતંત્ર ભારત આપ્યું છે; હવે તેને વધુ ન્યાયી, વધુ સમાનતાપૂર્ણ, વધુ પ્રગતિશીલ અને વધુ માનવીય બનાવવાની જવાબદારી આપણી સૌની છે. આ જ તેમની માટે સાચી શ્રદ્ધાંજલિ છે અને આ જ આઝાદીની શાશ્વત શિખામણ છે. અંતે એટલું જ કે આવતીકાલનું ભારત માત્ર ઊંચી ઇમારતો, ઝડપી રસ્તાઓ અથવા આધુનિક ટેકનોલોજીથી મહાન નહીં બને. તે ત્યારે મહાન બનશે જ્યારે વિકાસનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચશે; જ્યારે શિક્ષણ દરેક બાળક માટે ગુણવત્તાયુક્ત બનશે; જ્યારે દરેકજણ સમાન તક સાથે આગળ વધશે; જ્યારે જાતિભેદને નકારશે; જ્યારે પ્રગતિ સાથે પર્યાવરણનું સંરક્ષણ થશે; અને જ્યારે મતભેદ હોવા છતાં દેશહિત સર્વોચ્ચ રહેશે.
સંદર્ભ :- સ્વતંત્ર વિચારો

Comments
Post a Comment